પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ

Tripoto
Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 1/15 by Paurav Joshi

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચનના મુખે આ ડાયલોગ તમે ગુજરાત ટુરીઝમની એડમાં જરુર સાંભળ્યો હશે. જો તમે ગુજરાતમાં રહો છો અને હિમાચલ, રાજસ્થાન, ઉત્તરાખંડ કે કેરળ ગયા હોવ પણ જો તમે કચ્છ નથી જોયું તો તમારી બીજી બધી યાત્રા ખરેખર અધુરી ગણાશે. જ્યારથી ગુજરાત સરકારે રણોત્સવની શરુઆત કરી છે ત્યારથી કચ્છ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે. હું પણ ક્યારેય કચ્છ નહોતો ગયો તેથી દિવાળીમાં કચ્છ જવાનું પ્લાનિંગ કર્યું.

કચ્છડો બારે માસ

તમારે કચ્છ જવું હોય તો બસ, રેલવે કે પ્લેનમાં પણ જઇ શકો છો. પરંતુ અમે કચ્છ દર્શન પોતાની કારમાં કરવાનું નક્કી કર્યું. કચ્છનું વડુ મથક છે ભુજ. એટલે જો તમારે કચ્છ ફરવું હોય તો ભુજને કેન્દ્રમાં રાખો કારણકે જો તમે બીજે ક્યાંય રોકાશો તો ફરવાનું મોંઘું પડશે. કચ્છમાં મોટો જિલ્લો હોવાથી જોવાલાયક સ્થળો દૂર દૂર છે. જો તમે ભુજમાં ઉતરીને ટેક્સી કરશો તો એક દિવસમાં આખુ કચ્છ નહીં ફરી શકો અને સરવાળે તમને ટેક્સીનું ભાડું મોંઘું પડશે.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 2/15 by Paurav Joshi

અમે બેસતાવર્ષના દિવસે અમદાવાદથી ભુજ જવા નીકળ્યા. અમદાવાદથી વહેલી સવારે 5 વાગે કાર ભુજ જવા ઉપડી અને બપોરે લગભગ 12.30 વાગે અમે ભુજ પહોંચી ગયા. ભુજમાં જો તમારે રોકાવું હોય તો અનેક હોટલો અને ધર્મશાળાઓ છે પરંતુ દિવાળીમાં તમને જગ્યા નહીં મળે તેથી એડવાન્સ બુકિંગ કરાવવું જરુરી છે. અમે શહેરની બરોબર વચ્ચે નીલકંઠ ભુવનમાં રોકાયા હતા.

નીલકંઠ ભુવન

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 3/15 by Paurav Joshi

નીલકંઠ ભુવન પટવાડી નાકાની બહાર, ફુલવાડીમાં આવેલું છે જે હમીરસર તળાવની નજીક છે. નીલકંઠ ભુવનમાં તમને 2 બેડ, 3 બેડ, 4 બેડ, હોલ તેમજ એસી અને નોન એસી રુમ મળી જશે. 2 બેડ નોન એસી રુમના 900 રુપિયા જ્યારે એસી રુમના 1456 રુપિયા ભાડું છે. એકસ્ટ્રા બેડના 392 રુપિયા થાય છે. ભાડામાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સમાવેશ થાય છે. પરંતુ તેના માટે તમારે એડવાન્સમાં ઓફિસમાં જાણ કરવી પડે છે. અમે પાંચ જણનું ફેમિલી હોવાથી અમને 3 બેડનો નોન એસી રુમ મળ્યો હતો અને 2 બેડ એકસ્ટ્રા લીધા હતા. બપોરે મોડા પહોંચ્યા હોવાથી દાબેલી ખાઇને જ પેટ ભરી લીધું.

માંડવી બીચ

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 4/15 by Paurav Joshi

રુમમાં ફ્રેશ થઇ થોડોક આરામ કરીને 3 વાગે અમે માંડવી બીચ જવા નીકળ્યા. ભુજથી માંડવી બીચનું અંતર લગભઘ 55 કિલોમીટર છે. જ્યાં પહોંચવામાં લગભગ દોઢ કલાક થાય છે. પરંતુ બીચથી 4 કિ.મી. આગળ વિજય વિલાસ પેલેસ છે. તેથી અમે પેલેસ જોવા પહોંચ્યા. પેલેસ જોવાની ટિકિટ 12 વર્ષથી ઉપરના માટે 70 રુપિયા છે. અમે પાંચ ટિકિટ 350 રુપિયામાં લીધી. લગાન ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું ત્યારથી આ પેલેસ વધારે ફેમસ થઇ ગયો છે. પેલેસમાં 20 રુપિયા કાર પાર્કિંગના થાય છે. પેલેસ કંઇ ખાસ મોટો નથી. 20 મિનિટમાં તમે આખો પેલેસ જોઇ શકો છો. આજુબાજુ ગાઢ જંગલ જેવા વૃક્ષો હોવાથી પેલેસના ટેરેસ પરથી ફોટોગ્રાફીનો આનંદ લઇ શકાય છે. મોટાભાગે પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફી માટે જ આવે છે. મોબાઇલથી ફોટો ફ્રીમાં પાડી શકાય છે પરંતુ કેમેરો હોય તો 100 રુપિયા ચાર્જ ભરવો પડશે.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 5/15 by Paurav Joshi

વિજય વિલાસ પેલેસથી અમે માંડવી બીચ પહોંચ્યા. બેસતુવર્ષ હોવાથી અહીં ભારે ભીડ હતી. અમારે બીચ સુધી પહોંચવામાં 1 કિલોમીટર જેટલું ચાલવુ પડ્યું. બીચ પર તમે ઘોડેસવારી, ઊંટ સવારી, સ્પીડ કાર, સ્પીડ બોટ, પેરા સિલિંગ જેવી એક્ટિવિટી કરી શકો છો.

માંડવી બીચ જતા રસ્તામાં 72 જિનાલય આવે છે. જૈનો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક છે. માંડવી જતા રસ્તામાં કોઇ ખાસ રેસ્ટોરન્ટ આવતી નથી એટલે તમારે દાબેલી ખાઇને કામ ચલાવવું પડશે.

માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 6/15 by Paurav Joshi

બીજા દિવસે વહેલી સવારે બ્રેકફાસ્ટ કરીને અમે માતાનો મઢ જવા નીકળ્યા. જે ભુજથી લગભગ 95 કિલોમીટર દૂર છે. ભુજથી નખત્રાણા સુધી રસ્તો સારો છે ત્યારપછી રસ્તા ખાડા અને થીગડાવાળા છે. તેથી 90 કિલોમીટર પસાર કરતા લગભગ 2 કલાક લાગશે. માતાના મઢના મંદિરની બહાર તમે દૂધનો ગરમાગરમ માવો ખાઇ શકો છો. અહીં કચ્છી પેંડા મળે છે જે બે મહિના સુધી બગડતા નથી.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 7/15 by Paurav Joshi

માતાના મઢના દર્શન કરી અમે નારાયણ સરોવર જે અહીંથી લગભઘ 56 કિલોમીટર દૂર છે, જવા નીકળ્યા. અહીં ત્રિવક્રમરાયજીનું ભવ્ય મંદિર છે. મંદિરની બહાર ભોજનશાળા છે જ્યાં નિશુલ્ક ભોજન સેવા છે. અહીંથી દોઢ કિલોમીટર દૂર કોટેશ્વર મંદિર છે જ્યાં ભગવાન ભોળાનાથનું મંદિર છે. મંદિરને અડીને જ દરીયો છે. કોટેશ્વરમાં તમે આરામથી એકથી દોઢ કલાક પસાર કરી શકો છો. અહીં ફોટોગ્રાફી કરવાની મજા આવશે. અમે પણ ફોટોગ્રાફી કરી ભુજ પરત ફર્યા

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 8/15 by Paurav Joshi
Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 9/15 by Paurav Joshi

સફેદ રણ

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 10/15 by Paurav Joshi

ત્રીજા દિવસે અમે ભુજથી 80 કિલોમીટર દૂર સફેદ રણ જવા નીકળ્યા. સફેદ રણ સુધીનો રસ્તો ઘણો સારો છે. સફેદ રણ જોવા માટે વ્યક્તિ દીઠ 100 રુપિયા ટિકિટ છે. 50 રુપિયા કાર પાર્કિંગના થાય છે. વ્હાઇટ રણનું ઓનલાઇન બુકિંગ થાય છે. અમે પણ ઓનલાઇન બુકિંગ કર્યું હોવાથી ભીરંડિયારા ચેક પોસ્ટ પર સમય ન બગડ્યો. બપોરે લગભગ 11.30 કલાકે અમે સફેદ રણ પહોંચ્યા. અહીં ખુલ્લા મેદાનમાં મીઠાની સફેદ ચાદર પાથરી હોય તેવું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 11/15 by Paurav Joshi

ડિસેમ્બરમાં દરિયો 8 કિલોમીટર અંદર હોય છે તેથી રણ વિસ્તાર વધારે જોવા મળે છે. સફેદ રણથી અમે ખાવડા થઇને કાળો ડુંગર જવા નીકળ્યા. કાળો ડુંગર જવાનો રસ્તો મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે. અહીં તમારી ગાડી એની મેળે ઢાલ ચડવા માંડે છે. અમે બપોરે 3 વાગ્યા સુધીમાં ભુજ પાછા આવી ગયા. થોડાક ફ્રેશ થઇને 4 વાગે ભુજ દર્શન કરવા નીકળ્યા.

ભુજ દર્શન

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 12/15 by Paurav Joshi

ભુજમાં અમે હમીરસર લેક, આઇના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર જોયું. પ્રાગ મહેલ જોવાની વ્યક્તિ દીઠ 40 રુપિયા જ્યારે આઇના મહેલની 20 રુપિયા ટિકિટ છે. ફક્ત 30 મિનિટમાં તમે આ બન્ને મહેલ જોઇ શકો છો. ભુજનું સ્વામિનારાયણ મંદિર જોવાલાયક છે.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 13/15 by Paurav Joshi

જેસલ-તોરલની સમાધી અંજાર

ત્રણ દિવસના ભુજ રોકાણ પછી ચોથા દિવસે સવારે અમે અંજાર થઇને અમદાવાદ આવવા નીકળ્યા. અંજારમાં જેસલ-તોરલની સમાધી આવેલી છે. સમાધીના દર્શન કરીને અંજારના પ્રખ્યાત ચપ્પાની ખરીદી કરી. અહીંની ચણિયાચોળી અને બાંધણીનો ડ્રેસ, તેમજ સાડીની ખરીદી પણ કરી શકાય છે. વર્કવાળા નવરાત્રીમાં પહેરવાલાયક જભ્ભા પણ મળે છે. તમે ખત્રી ચોકમાંથી આ બધી વસ્તુની ખરીદી કરી શકો છો.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 14/15 by Paurav Joshi

કેટલો ખર્ચ થાય

પેટ્રોલ કાર હોય તો લીટરના 100 રુપિયા પ્રમાણે અમદાવાદથી લગભગ 8 હજાર રુપિયા પેટ્રોલના થાય. અમારે પાંચ જણનો ત્રણ દિવસ રહેવાનો ખર્ચ 6800 રુપિયા થયો. લંચ મોટાભાગે બહાર જ કરવું પડે તો એક જણનો 100 રુપિયા જમવાનો ખર્ચ થાય. રણ, મહેલ વગેરે જોવાનો વ્યક્તિ દીઠ ખર્ચ લગભગ 200 રુપિયા થાય છે. અમારે પાંચ જણનો 3 દિવસનો રહેવા-જમવા-ફરવા સાથેનો ખર્ચ લગભગ 18000 રુપિયા થયો. એટલે કે વ્યક્તિ દીઠ 3500 રુપિયા. જો તમે કોઇ પેકેજ ટૂરમાં જશો તો એક વ્યક્તિના 12,000 થી 15000 રુપિયા ખર્ચ થશે.

Photo of પોતાની કાર દ્ધારા માત્ર 3 દિવસમાં સસ્તામાં આ રીતે ફરી શકો છો કચ્છ 15/15 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads