આપણું રાજ્ય ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ, અને સમૃદ્ધિનો સંગમ! વળી, આપણે જેટલા પરંપરાગત છીએ, એટલા જ પ્રોગ્રેસિવ પણ છીએ. અને એટલે જ આપણા ભવ્ય દેશમાં જ નહિ, પણ આખી દુનિયામાં ગુજરાતને વિકાસના સમાનાર્થી તરીકે જોવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ડગલેને પગલે વિકાસ જોવા મળ્યો છે અને આ સિલસિલો હજુયે ચાલુ જ છે હોં!
![Photo of સૂર્ય મંદિર બાદ હવે સૂર્ય ગ્રામ તરીકે ખ્યાતિ પામશે આપણું મોઢેરા! by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1665395718_modhera_1665286983372_1665287004032_1665287004032.jpg)
મોઢેરા:
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી માત્ર 100 કિમી દૂર મહેસાણા જિલ્લામાં પુષ્પવતી નદીના કિનારે આવેલું એક નાનકડું નગર છે મોઢેરા. અને આ મોઢેરા ગામની સૌથી મોટી ઓળખ એટલે 11 મિ સદીમાં ચૌલુકય વંશના સમય દરમિયાન બનેલું અત્યંત પ્રાચીન અને ભવ્ય સૂર્ય મંદિર. અહીંની ભવ્યતા, દિવ્યતા અને સદીઓ પહેલા થયેલું અવર્ણનીય બાંધકામ તે આ સૂર્ય મંદિરની શાન છે.
મોઢેરા શબ્દ સાંભળતા જ અબાલ-વૃદ્ધ સૌ કોઈને સુર્ય મંદિર સાંભરે. મોઢેરા અને સૂર્ય મંદિર જાણે એકબીજાના પૂરક છે...
ગુજરાતની સૌથી આઇકોનીક અને આકર્ષક જગ્યાઓમાં મોઢેરાનું સૂર્ય મંદિર એ ટોચના સ્થાને બિરાજે છે. અમદાવાદથી કે ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોથી આવતા લોકોમાં વન-ડે પિકનિક માટે આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. વહેલી સવારે કે સાંજના સમયે અહીં ફોટોગ્રાફીના શોખીન લોકોનો પણ ઘણો પ્રવાહ જોવા મળે છે કેમકે અત્યંત આકર્ષક બેકગ્રાઉન્ડ ધરાવતા ફોટોઝ માટે ગુજરાતની અનેક સુંદર જગ્યાઓમાં આ મંદિરનો પણ સમાવેશ થાય છે.
પણ ઓકટોબર 2022 બાદ મોઢેરાની ઓળખ માત્ર સૂર્ય મંદિર જ નહિ રહે!
આપણા પ્રિય મોઢેરાને એક સવિશેષ ઉપાધિ મળવા જઈ રહી છે અને એ છે: સૂર્ય ગ્રામ- સોલાર વિલેજ.
મોઢેરા - ભારતનું સર્વ પ્રથમ સોલર વિલેજ:
ઓકટોબર 2022 માં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સંપૂર્ણપણે સૌર ઉર્જા પર આધારિત હોય તેવા ગામનું નિર્માણ કરવા માટે ગુજરાતનાં મોઢેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે માટે સરકાર દ્વારા અધધ બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
મોઢેરાને સોલર વિલેજ બનવાના બહુમાન મળવા અર્થે અત્રે ઉલ્લેખનીય છે કે:
સમગ્ર મોઢેરા નગરમાં ઘર કે કોમ્પ્લેક્સ જેવા વિવિધ બાંધકામોની ઉપર 1kW ની ક્ષમતા ધરાવતા કુલ 1300 કરતાં વધુ સોલર પ્લાન્ટ બેસાડવામાં આવ્યા છે. આ દરેક સોલર પ્લાન્ટ ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ (BESS) નામની વ્યવસ્થા થકી એકબીજા સાથે જોડાયેલા છે.
બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS એ ભારતની પ્રથમ ગ્રીડ- કનેકટેડ મેગા વોટ સ્ટોરેજ સિસ્ટમ છે. જે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ મેળવીને તેના દ્વારા ઉત્પન્ન થયેલી ઊર્જાનો સંચય કરવા બનાવવામાં આવી છે. મોઢેરામાં દિવસ દરમિયાન સોલર એનર્જી દ્વારા વીજળીના ઉપકરણો ચાલશે જ્યારે મોડી સાંજથી વહેલી સવાર દરમિયાન BESS વ્યવસ્થામાં સંગ્રહિત ઊર્જા દ્વારા આખા નગરની વીજ જરૂરિયાતો પરિપૂર્ણ કરી શકાશે.
મોઢેરા નગરને સંપૂર્ણ સોલર વિલેજ બનાવવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર બંનેનું સહિયારું યોગદાન રહેશે. ગુજરાત સરકાર દ્વારા આ અત્યાધુનિક પગલાંને સહકાર આપવા 12 હેક્ટર જમીન આપવામાં આવી છે અને બંને સરકારો મળીને બે ફેઝમાં સોલર પ્રોજેક્ટ વિકસાવવા આશરે 80 કરોડ રૂ જેટલું રોકાણ કરશે.
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર: સંપૂર્ણપણે સૌર ઊર્જાથી સંચાલિત હોય તેવું મોઢેરા દેશનું પ્રથમ ગામ બનશે. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આ એક અત્યંત મહત્વનું અને સીમાચિહ્ન સ્વરૂપ પગલું સાબિત થશે. આ પ્રોજેક્ટ થકી ગામડાના લોકોને તેમના વીજળી બિલમાં સરેરાશ 60% થી 100% જેટલી બચત થવાની શક્યતા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન:
9 ઓકટોબર 2022ના રોજ આ ગૌરવવંતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોઢેરા પધાર્યા હતા. મોઢેરાની પ્રજા માટે અત્યંત લાભદાયી સાબિત થનાર પ્રોજેક્ટ વિશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે:
“હવે આપણે વીજળીનું બિલ ચૂકવવાની કોઈ જરૂર નથી. અરે, ઉલટું, આપ સૌ આપને ત્યાં ઉત્પન્ન થયેલી વીજળી વેચી શકશો અને તેમાંથી આવક મેળવી શકશો. મોઢેરાના નાગરિક હવે ઘરે ઘરે વીજળી ઉત્પન્ન કરી શકવા સક્ષમ છે. મોઢેરાના સોલર વિલેજ બનવાથી ઉત્પન્ન થતી વીજળી માત્ર મોઢેરા જ નહિ પણ મહેસાણા જિલ્લો તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ફાયદાકારક નીવડશે. વીજળી, સડક, રેલ જેવા તમામ ક્ષેત્રોને આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થશે.”
![Photo of સૂર્ય મંદિર બાદ હવે સૂર્ય ગ્રામ તરીકે ખ્યાતિ પામશે આપણું મોઢેરા! by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1665395645_screenshot_20221009_234011_instagram.jpg)
![Photo of સૂર્ય મંદિર બાદ હવે સૂર્ય ગ્રામ તરીકે ખ્યાતિ પામશે આપણું મોઢેરા! by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1665395645_screenshot_20221009_233950_instagram.jpg)
![Photo of સૂર્ય મંદિર બાદ હવે સૂર્ય ગ્રામ તરીકે ખ્યાતિ પામશે આપણું મોઢેરા! by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1665395645_screenshot_20221009_233946_instagram.jpg)
નજીકમાં જોવાલાયક અન્ય સ્થળો:
સોલર વિલેજ મોઢેરાની મુલાકાત લેવાનું આપ સૌ આયોજન કરી જ રહ્યા હશો. તો મોઢેરા નગર અને તેના વિખ્યાત સૂર્ય મંદિરની સાથોસાથ નજીકમાં આવેલા આ લોકપ્રિય સ્થળોની મુલાકાત લેવાનું ન ભુલશો!
મોઢેશ્વરી માતા મંદિર – 2 કિમી
પાટણ – 35 કિમી
ઊંઝા – 49 કિમી
વડનગર – 61 કિમી
તો પ્રવાસપ્રેમીઓ, હવે જ્યારે તમે દેશ દુનિયામાં તમારા સહયાત્રીઓને ગુજરાતની વિશેષતાઓ જણાવો ત્યારે દેશના પ્રથમ સોલર વિલેજ મોઢેરા વિશે અવશ્ય જણાવશો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ