પહાડો પર જવાનું દરેકને પસંદ હોય છે અને તેમાંય જ્યારે પહાડોની વાત નીકળે ત્યારે સિમલા અને ઉત્તરાખંડ જ વધારે યાદ આવે. ઉત્તરાખંડ દેવોની ભૂમિ છે. અહીં અનેક મંદિરો છે પરંતુ ફેમસ છે ગંગોત્રી ધામ. આ જગ્યા આસ્થા અને સુંદરતાનો અનોખો સંગમ છે. એકવાર તો દરેકે ગંગોત્રી જરુર જવું જોઇએ.
ગંગોત્રી
હિન્દુઓનું આસ્થાનું સ્થાન એટલે ગંગોત્રી. ગૌમુખથી નીકળીને ગંગા જે જગ્યા પર પહેલીવાર આવે છે તે ગંગોત્રી છે. અહીં માં ગંગાનું મંદિર છે. તમે અહીંથી ગૌમુખ ટ્રેક પણ કરી શકો છો. અહીં ચારેબાજુ બરફથી આચ્છાદિત પહાડો અને લીલાછમ જંગલો જોવા મળશે.
કેવી રીતે જશો?
ફ્લાઇટથી: જો ફ્લાઇટથી જવું હોય તો નજીકનું એરપોર્ટ દેહરાદૂન છે. ગંગોત્રી અહીંથી 250 કિ.મી. દૂર છે. તમે ગાડી બુક કરીને પણ જઇ શકો છો.
ટ્રેનથી: રેલવેમાં જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. અમદાવાદથી હરદ્ધારની સીધી ટ્રેન છે. અહીં 234 કિ.મી. દૂર ગંગોત્રી બસ દ્ધારા જઇ શકાય છે.
વાયા રોડ: ગંગોત્રી ઉત્તરાખંડના દરેક મહત્વના શહેરો સાથે રોડ માર્ગે જોડાયેલું છે. તમે બસ કે ટેક્સી બુક કરીને ગંગોત્રી પહોંચી શકો છો.
ક્યારે જશો?
દર વર્ષે ચારધામની યાત્રા એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે થાય છે. તમે આ મહિનાઓમાં જઇ શકો છો. ગંગા મંદિર એપ્રિલમાં ખુલે છે અને દશેરાએ બંધ થઇ જાય છે. અહીં રહેવાની સારી વ્યવસ્થા છે. નાની મોટી દરેક પ્રકારની હોટલો છે.
શું કરશો?
ગંગોત્રીમાં જોવાલાયક અનેક સ્થળો છે. પહાડોથી ઘેરાયેલા મંદિરો સિવાય પણ ઘણુંબધુ છે.
1- ગંગોત્રી મંદિર
પૌરાણિક કથાઓ અનુસાર આ એ જગ્યા છે જ્યાં ભગવાન શિવની જટામાંથી ગંગા નીકળી હતી. અહી ગંગા ભાગીરથીના નામે ઓળખાય છે. 18મી સદીમાં ગોરખા કમાંડરે ગંગા નદીના કિનારે એક મંદિર બનાવ્યું. જેને ગંગોત્રીના નામથી ઓળખવામાં આવે છે. નદીની આસપાસ ઘણી સુંદર જગ્યાઓ છે.
2- ગંગોત્રી ગ્લેશિયર
સમુદ્રની સપાટીએથી 4,238 મીટરની ઊંચાઇ પર સ્થિત આ જગ્યા જાણે કે સ્વર્ગ જેવી છે. ગંગોત્રી ગ્લેશિયર જોવા તમારે ચોખંબાથી ગૌમુખ સુધીનો ટ્રેક કરવો પડશે. અહીં પાણી અરીસા જેવું ચોખ્ખું હોય છે. એડવેન્ચર પસંદ હોય તો આ ટ્રેક કરવો જોઇએ.
3- પાંડવ ગુફા
ગંગોત્રીથી પાંડવ ગુફા 1.5 કિ.મી. દૂર છે. તમે પગપાળા જઇ શકો છો. કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો આ જગ્યાએ રહ્યા હતા. ગુફાની ચારેબાજુ હરિયાળી અને પહાડો છે. આ જગ્યા જરુર જોવી જોઇએ.
4- ગૌરી કુંડ
જો તમે એવી જગ્યાની શોધ કરી રહ્યા છો જ્યાં આરામથી સમય પસાર કરી શકો તો ગૌરી કુંડ અને સૂર્ય કુંડ સારી જગ્યા છે. આ જગ્યા ગંગોત્રી મંદિરની પાસે જ છે. સૂર્ય વોટરફૉલનું પાણી દૂધ જેવું સફેદ છે. ઝરણાની એકબાજુ લોખંડનો બ્રિજ અને બીજી બાજુ ગૌરી કુંડ છે.
5- નંદનવન ટ્રેક
ગંગોત્રીમાં તમે ગૌમુખ ટ્રેક તો કરી જ શકો છો. આ ઉપરાંત એક બીજો ટ્રેક છે જેનું નામ છે નંદનવન ટ્રેક. દેવદારના જંગલોથી ઘેરાયેલો આ ટ્રેક ઘણો જ સુંદર છે. આ જગ્યા શાંતિનો અનુભવ કરાવે છે. નંદનવન ટ્રેક તમે સુદર્શન, થેલુ પીક, ઋષિ કુંડ થઇને પહોંચી શકો છો. આ ઉપરાંત, આ જગ્યા પર ભોજવાસા, ગૌમુખ અને શિવલિંગ પીકને જોઇ શકાય છે.