ગુજરાતમાં કોરોનાનું જોર ઘણું ઓછું થઇ ગયું છે. એપ્રિલમાં દરરોજના 12000 જેટલા કેસો જોવા મળતા હતા જ્યારે અત્યારે માંડ 200 જેટલો નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ફરવાના ઘણાં સ્થળોને અનલોક કરી દીધા છે. એનો અર્થ એ થયો કે હવે તમે તમારા મનપસંદ સ્થળોએ ફરવા જઇ શકશો. આમેય આખું વેકેશન ઘરમાં જ ગયું છે, એટલે તમે પણ કંટાળી ગયા હશો તો ચાલો અમે તમને કેટલીક એવી જગ્યા બતાવીએ જે હવે તમારા માટે ખુલી ગઇ છે.
દેવળીયા, આંબરડી, સક્કરબાગ
ગુજરાતીઓ માટે હંમેશાથી સાસણગીર ફરવા માટેની ફેવરીટ જગ્યા રહી છે. કોરોના વાયરસને કારણે છેલ્લા બે મહિનાથી બંધ દેવળીયા પાર્ક હવે ખુલી ગયો છે. દેવળીયા પાર્કમાં 150 રુપિયા એન્ટ્રી ટિકિટ છે. શનિ-રવિમાં 190 રુપિયા ચૂકવવા પડશે. અહીં સિંહની સાથે દિપડાના પણ દર્શન થશે. દેવળીયા પાર્કમાં ફરવા માટે જીપ અને બસની વ્યવસ્થા છે. સંપૂર્ણ પાર્કને 30 મિનિટમાં ફરી શકાય છે.
આવો જ એક બીજો પાર્ક છે અમરેલીના આંબરડીમાં. આ પણ લાયન પાર્ક જ છે. અહીં પણ તમને સિંહના નજીકથી દર્શન થશે. પાર્કની બાજુમાં જ ખોડિયાર ડેમ છે. જ્યાં ફોટો સેશન કરવાની અને નિરાંતે બેસવાની મજા આવશે. સાસણગીરમાં સિંહના દર્શન કરીને પાછા ફરતા રસ્તામાં જુનાગઢ આવે છે જ્યાં સક્કરબાગ ઝૂ છે. સક્કર બાગમાં તમને સિંહ, વાઘ, દિપડા, હરણ, સાપ, બાજ, સફેદ મોર સહિત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. જુનાગઢ જાઓ અને ગીરનાર પર્વતના દર્શન ના કરો તેવું બની જ ના શકે. હવે તો ગીરનાર રોપ-વે પણ બની ગયો છે.
રોપ-વેમાં બેસીને ગીરનાર પર્વતની ટોચે જતા જાણે વાદળો વચ્ચેથી પસાર થઇ રહ્યા હોવા તેવી અનુભૂતિ થશે. ગીરનાર અનેક પર્વતોનો સમૂહ છે. ગીરનાર પર્વત પર કુલ પાંચ મોટા શિખર છે. જે પૈકી ગોરખ શિખર 3,300 ફૂટ, અંબાજી 3,600 ફૂટ, ગૌમુખી શિખર ૩૧૨૦ ફૂટ, જૈન મંદિર શિખર ૩૩૦૦ ફૂટ અને માળીપરબ ૧૮૦૦ ફૂટની ઉંચાઇ પર છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણાય છે. અહીં કુલ ૯૯૯૯ પગથીયા છે. ગિરનારની અંદર ગોરખ શિખર, ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.
સ્ટેચ્યુ ઓફ યૂનિટી
ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે. અહીં આવવા માટે તમારે ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે. અહીં આવીને પણ ટિકિટ ખરીદી શકાય છે પરંતુ ભીડથી બચવા માટે બુકિંગ કરાવીને આવવું જ સારુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ટિકિટ 150 રુપિયા છે. બાળકો માટે 90 રુપિયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી ટિકિટ દર રૂ.380 (મોટા માટે), બાળકો માટે રૂ.230 છે. આ સિવાય અહીં જંગલ સફારી, એકતા ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, બટર ફ્લાય ગાર્ડન, કેકટસ ગાર્ડન સહિત 17 આકર્ષણો છે. જો કે હાલ તો ફક્ત સ્ટેચ્યુ જ જોવા મળશે. બાકીના આકર્ષણો બંધ છે.
સાપુતારા
ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા પણ ટૂરિસ્ટોને આવકારી રહ્યું છે. ચોમાસામાં તો અહીંની સુંદરતા અદ્ભૂત હોય છે. વરસાદના આગમન પછી અહીં લીલી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. ચોમાસામાં વાદળોને તમે સ્પર્શ કરી શકો એટલા નીચે જોવા મળે છે. અહીં તમે બોટિંગ, રોપ-વે, જંગલ ટ્રેકિંગ, વોટર ફોલની મજા માણી શકો છો. વરસાદમાં ગીરા ધોધની સુંદરતા જોતા જ રહેશો અને નજર હટાવવાનું મન નહીં થાય.
અંબાજી, પાવાગઢ, ચોટીલા
કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી બંધ રહેલા ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થળો પણ ખુલી ગયા છે. ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થળ અંબાજી મંદિરના દ્ધાર દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે. અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લું આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. પાવાગઢના દર્શન પણ હવે કરી શકાશે.
પાવાગઢ મહાકાલીનું મંદિર પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટનની રીતે ખાસ ગણવામાં આવે છે. અહીંની ખાસ વાત છે કે અહીં દક્ષિણમુખી કાળી માતાની મૂર્તિ છે. જેનું તાંત્રિક પૂજામાં ઘણું વધારે મહત્વ રહે છે. પાવાગઢના પહાડીઓની તળેટીમાં ચંપાનેરી નગરી છે. તેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાની મંત્રીના નામે બનાવી હતી. અંબાજી અને પાવાગઢની જેમ ચોટીલા પણ ભક્તો માટે અનલોક થઇ ગયું છે. સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ, જ્યાં ચોટીલા ડુંગર પર વિરાજમાન છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિર સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 170 કિ.મી છે.
સોમનાથ મંદિર
અમદાવાદથી 410 કિ.મી. દૂર અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભગવાન શિવજીનું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ. ભક્તજનો માટે સોમનાથના દ્ધાર પણ ઉઘડી ગયા છે. સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના અગ્રણી તીર્થ સ્થાનોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. સોમનાથ દેશમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ છે.
નોંધઃ ઉપર જણાવેલા દરેક સ્થળે મોં ઉપર માસ્ક પહેરીને જવુ ફરજીયાત છે. આ ઉપરાંત, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે.