રાજસ્થાનની સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસુ આવવાની ખુશી ત્યાંના લોકો ઘણાં ઉત્સાહથી મનાવે છે. ચોમાસામાં રાજસ્થાનની શુષ્ક અને ઉજ્જડ જમીન પર હરિયાળી નજરે પડવા લાગે છે. વરસાદ આવતા જ ત્યાંનું વાતાવરણ ઘણું ખુશનુમા થઇ જાય છે. વરસાદની સીઝનમાં ગુજરાતની નજીક રાજસ્થાનમાં ઘણાં સ્થળો છે જ્યાં તમે ફરી શકો છો.
ત્યાંની વાદીઓ, જુની હવેલીઓ, સુંદર પેલેસ અને કિલ્લા રાજસ્થાનના પ્રવાસને ચાર ચાંદ લગાવી દે છે. જો તમે ચોમાસામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રાજસ્થાન જઇ આવો. રાજસ્થાનના આ સુંદર સ્થળોએ એકવાર ફર્યા બાદ તમે તેને ક્યારેય નહીં ભૂલો. તો આવો જોઇએ રાજસ્થાનના મોનસૂનમાં ફરવા લાયક સ્થળો કયા છે.
1. ઉદેપુર
ઉદેપુરને સુંદર સરોવરોનું શહેર પણ કહેવામાં આવે છે. વરસાદની સીઝનમાં ઉદેપુરના તળાવો વધારે સુંદર થઇ જાય છે. મોનસૂનમાં સાંજે સૂર્યાસ્ત, ઠંડી હવા અને સરોવરના કિનારા એવા દેખાય છે જાણે કે આપણે કોઇ સ્વર્ગમાં બેઠા હોઇએ. વરસાદના સમયમાં ટૂરિસ્ટને સૌથી વધુ મજા અહીં બોટિંગ કરવામાં આવે છે. અહીં એક-બે નહીં પરંતુ કુલ મળીને સાત લેક છે. જે ઘણાં જ સુંદર છે. વરસાદમાં આ લેકનું જળસ્તર વધી જાય છે. પિચોલા લેક ઉદેપુરનું સૌથી પ્રસિદ્ધ તળાવ છે અને આ સૌથી સુંદર છે. સરોવરનું નિર્માણ 14મી શતાબ્દીના અંતમાં રાણા લાખાના શાસનકાળમાં એક વણઝારાએ કરાવ્યું હતું. આ સિવાય તમે પિચોલા સરોવરની પાસે સિટી પેલેસ જોઇ શકો છો. સરોવરની વચ્ચોવચ લેક પેલેસ પણ બનેલો છે. સુંદર નજારાની મજા લેતા ફરી શકો છો તળાવોની નગરી ઉદેપુરને.
શહેરમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. જેમાં ઉદેપુર સિટી પેલેસ, લેક પેલેસ, જગ મંદિર, મોનસૂન પેલેસ, ફતેહ સાગર સરોવર વગેરે.
2. માઉન્ટ આબૂ
રાજસ્થાનમાં પર્યટનનો ઉલ્લેખ થાય અને આબૂનું નામ ન આવે તો જ નવાઇ. માઉન્ટ આબૂ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીંની કુદરતી સુંદરતા, ઠંડી આબોહવા, લીલાછમ પહાડો અને નક્કી લેક મનને મુગ્ધ કરી દે છે. વરસાદમાં આ ડેસ્ટિનેશન સૌથી સુંદર ગણાય છે. પોતાના વાદળી પાણી અને સ્વચ્છ વાતાવરણની સાથે નક્કી લેક ચોમાસામાં ઘણું જ રોમાંટિક લાગે છે. માઉન્ટ આબૂમાં નક્કી લેક, ગુરુ શિખર, ટૉડ રૉક વ્યૂ પોઇન્ટ, માઉન્ટ આબૂ અભયારણ્ય, દેલવાડા જૈન મંદિર સહિત ઘણાં સુંદર સ્થળો છે. અમદાવાદથી બસ, ટ્રેન કે પર્સનલ વાહન દ્વારા આબુ પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ છે.
3. પુષ્કર
પુષ્કર સુંદર સરોવરો માટે ઘણું જ પ્રસિદ્ધ શહેર છે. આવા નજારાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. ચોમાસા દરમિયાન પુષ્કર ફરવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. ચોમાસામાં મોરના મીઠા-મીઠા અવાજ અને ઉંટની સુંદર સવારી અહીંના સૌદર્યને વધારી દે છે. તમે ખરેખર મોનસૂનમાં પોતાની રજાઓ સુંદર જગ્યાએ પસાર કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ હશે.
અજમેરના પુષ્કરમાં વરસાદ શરૂ થતા જ ચારે બાજુના પહાડો ખીલી ઉઠે છે. પુષ્કર અજમેરથી 15 કિ.મી. દૂર છે. આ સ્થાન 52 સ્નાન ઘાટ અને 500 થી વધુ મંદિરોથી ઘેરાયેલું છે. પહાડોથી વરસતું પાણી પુષ્કરના મશહુર કુંડમાં જમા થઇ જાય છે. લોકોનું માનવું છે કે આ પાણીમાં સ્નાન કરવાથી ઘણાં રોગો મટી જાય છે. પાપોથી મુક્તિ મળે છે.
અહીંના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો પુષ્કર સરોવર ઉપરાંત, ભગવાન બ્રહ્માનું મંદિર, સાવિત્રી મંદિર, રંગજી મંદિર સામેલ છે. પુષ્કર રેલ ટર્મિનસ અજમેર રેલવે સ્ટેશન સાથે જોડાયેલું છે. નજીકનું એરપોર્ટ 146 કિ.મી. દૂર જયપુર છે.
4. રાણકપુર
જો તમે ચોમાસામાં તમારી રજાઓ ગાળવા માંગો છો તો શાંત અને હરિયાળી જગ્યાએ જવાનો પ્લાન બનાવો. તો તમારા માટે રાણકપુર સૌથી સુંદર જગ્યા હોઇ શકે છે. સુંદર હરિયાળી અહીંની સુંદરતાને વધારવાનું કામ કરે છે. અહીં પહાડોની હારમાળા પ્રવાસીઓને ખુબ પસંદ આવે છે.
5. જાલોર
જાલોર રાજસ્થાનનું એક ઐતિહાસિક શહેર છે. આ શહેરને પ્રાચીનકાળમાં જાબાલિપુર નામથી પણ ઓળખવામાં આવતું હતું. અહીંના સ્વર્ણ ગિરી પહાડોની તળેટી ત્યાંના વાતાવરણને વધારે સુંદર બનાવવાનું કામ કરે છે. ચોમાસા દરમિયાન જો તમે જાલોર આવો તો આ સુંદર વાદીઓ તમારી રજાઓને યાદગાર બનાવી શકે છે.
સ્વર્ણગિરી પર્વતની તળેટીમાં સ્થિત જાલોરને ગ્રેનાઇટ અને ભવ્યતાનું શહેર કહેવામાં આવે છે. ચોમાસામાં શહેરની અરવલ્લી પર્વતમાળા મનમોહક જોવા મળે છે. પહાડો અને હરિયાળીથી ભરેલું આ શહેર તેના ઐતિહાસિક કિલ્લા માટે પ્રસિદ્ધ છે. અહીં ફરવા માટે જાલોર કિલ્લો, તોપખાનું, સુંઢા માતા મંદિર, મલિક શાહની મસ્જિદ, સિરી મંદિર સહિત ઘણી જગ્યાઓ છે. જોધપુરમાં તમે રોડ દ્વારા 2-3 કલાકમાં જાલોર પહોંચી શકો છો.
6. ઝાલાવાડ (Jhalawar)
રાજસ્થાન અને મધ્ય પ્રદેશની બોર્ડર પર વસેલું ઝાલાવાડ શહેર વનસ્પતિઓ અને જીવોથી ભરપૂર એક જીવંત સ્થાન છે. ઝાલાવાડનું લીલુછમ પરિદ્રશ્ય લાલ ખડકોથી ઘેરાયેલું છે જે વરસાદથી ધોવાયા બાદ શાનદાર દેખાય છે. નારંગીના બગીચા અને લાલ ખસખસના ખેતર તેને રાજસ્થાનના સુરમ્ય મોનસૂન સ્થળોમાંથી એક બનાવે છે. તેના મુખ્ય પર્યટન સ્થળોમાં ઝાલાવાડ કિલ્લો, ગાગરોન કિલ્લો, કોલવી ગુફાઓ, ચંદ્રભાગા મંદિર, ઝાલરાપાટન, દ્વારકાધીશ મંદિર, હર્બલ ગાર્ડન વગેરે છે. તમે જયપુરથી ઝાલાવાડ અંદાજે 7 કલાકમાં પહોંચી શકો છો.
7. કુંભલગઢ
કુંભલગઢ, રાજસ્થાન જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. આ સ્થાન રાજ્યના દક્ષિણી ભાગમાં સ્થિત છે. આ સ્થાન રાજ્યના દક્ષિણી ભાગમાં સ્થિત છે અને કુંભલમેરના નામથી પણ ઓળખાય છે. કુંભલગઢ કિલ્લો રાજસ્થાનનો બીજો મહત્વપૂર્ણ કિલ્લો છે. તેનું નિર્માણ પંદરમી સદીમાં રાણા કુંભાએ કરાવ્યું હતું. પર્યટક કિલ્લાના ઉપરના આસપાસના રમણીય દ્રશ્યોનો આનંદ લઇ શકે છે. શત્રુઓથી રક્ષા માટે આ કિલ્લાની ચારે બાજુ દિવાલનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે ચીનની મહાન દીવાલ બાદ એક સૌથી લાંબી દિવાલ છે.
રાજસ્થાનના અન્ય સ્થળોની જેમ, કુંભલગઢ પણ પોતાના શાનદાર મહેલો માટે પ્રસિદ્ધ છે જેમાં બાદલ મહેલ પણ સામેલ છે. આ ઇમારત વાદળોના મહેલના નામથી જાણીતું છે. મર્દાના મહેલ, જનાના મહેલ આ મહેલના પરસ્પર જોડાયેલા બે ભાગ છે. આ મહેલના શાનદાર રૂમ પેસ્ટલના રંગોથી નિર્મિત ભીંત ચિત્રોથી સુસજ્જિત છે. તેના મંડપ પણ પ્રખ્યાત છે. ચોમાસામાં અહીંનો માહોલ જોવા લાયક હોય છે. તમને અહીં ચારોબાજુ લીલીછમ હરિયાળી જોવા મળશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો