આમ તો હિમાચલ પ્રદેશમાં ફરવાલાયક અનેક જગ્યાઓ છે પરંતુ પહાડોની શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે હિમાચલના કંગોજોડી જવું જોઇએ. સુંદર દ્રશ્યો અને એડવેન્ચરથી ભરપુર આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી.
દેવદાર અને પાઇનના વૃક્ષોથી ઘેરાયેલા કંગોજોડીની ચારેબાજુ પહાડો અને નદી વહે છે. ઓછી ભીડ હોવાથી આ જગ્યા તમને પસંદ આવશે. દિલ્હીથી આ સ્થળ 275 કિ.મી. અને ચંદીગઢથી 90 કિ.મી.ના અંતરે છે. હિમાચલના નાહનથી ફક્ત 31 કિ.મી. દૂર છે. જો તમારે એડવેન્ચર કરવું હોય તો અહીં ટ્રેકિંગ, કેમ્પિંગ પણ કરી શકો છો.
કેવી રીતે જશો?
ફ્લાઇટથીઃ નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. અહીંથી કેબ દ્ધારા કંગાજોડી પહોંચી શકાય છે. બસમાં પણ જઇ શકો છો.
ટ્રેનથીઃ જો તમે ટ્રેનથી જવાનું વિચારી રહ્યા છો તો નજીક રેલવે સ્ટેશન અંબાલા છે. તમે બરોગ અને સોલન સ્ટેશનેથી પણ જઇ શકો છો. ત્યાથી ટેક્સી કે બસમાં કંગોજોડી પહોંચી શકાય છે.
બાય રોડઃ સરકારી બસથી નાહન સુધી પહોંચી શકો છો. આ સિવાય કંગોજોડી સુધી પ્રાઇવેટ ખાનગી બસની સુવિધા પણ છે.
દિલ્હીથી કંગોજોડીનો રુટઃ
દિલ્હી- કરનાલ- સાહા- નારાયણગઢ- કાલા અંબ- નાહન- કંગોજોડી
ક્યારે જશો?
આમ તો ગમે ત્યારે જઇ શકાય છે. શિયાળામાં બરફ અને ગરમીમાં ઘણીબધી હરિયાળી જોવા મળશે. પરંતુ મારી ભલામણ છે કે માર્ચથી મેની વચ્ચે જાઓ. તે સમયે અહીં વાતાવરણ ખુશનુમા હોય છે. ચોમાસામાં તો બિલકુલ ન જતા.
ક્યાં રોકાશો?
અહીં ઘણી બધી હોટલ અને રિસોર્ટ છે એટલે રહેવાની તો કોઇ મુશ્કેલી નહીં પડે. આ જગ્યા બેસ્ટ કેમ્પિંગ સાઇટ માટે ફેમસ છે એટલે કેમ્પમાં રોકાઇને સુંદરતાનો અનુભવ કરી શકાય છે. તમને બજેટના હિસાબે અલગ અલગ પ્રકારના ટેન્ટ મળી જશે. તેમાં જમવાની પણ વ્યવસ્થા હોય છે. હિમાચલી ખાવાનો ટેસ્ટ કરવા મળશે.
શું કરશો?
અહીં રોમાંચક એક્ટિવિટી કરી શકાય છે. જોવા માટે અહીં ઘણું બધુ છે.
1. એક્સપ્લોર કરો
કંગોજોડીમાં પગે ચાલીને જોટલું જોઇ શકાય તેટલુ જુઓ. પ્રકૃતિને નજીકથી જોવાની અને માણવાની તક મળશે. ચાલતા ચાલતા કેટલીક નવી ચીજો પણ તમને જોવા મળી શકે છે.
2. કેમ્પિંગ
કંગોજોડી એક ફેમસ કેમ્પિંગ સાઇટ માટે જાણીતું છે. અહીં ઘણાં લોકો ફક્ત કેમ્પિંગ કરવા જ આવે છે. રાતે આકાશના ટમટમાતા તારાઓની સાથે બોનફાયર કરવાની મજા આવશે. નવા નવા લોકો સાથે તમારી મુલાકાત પણ થશે.
3. એડવેન્ચર
જો તમે એડવેન્ચરના શોખીન છો તો કંગોજોડી તમારા માટે પરફેક્ટ જગ્યા છે. આ ઉપરાંત, ટ્રેકિંગ, હાલકડોલક બુરમા બ્રિજ પર ચાલવું, નદીને ઓળંગવી અને આ સિવાય પણ અહીં ઘણું બધું કરી શકાય છે. અહીં બર્ડ વોચિંગ પણ કરી શકાય છે.
શું જોશો?
1- નાહન
કંગોજોડીની પાસે નાહન છે. આ હિમાચલ પ્રદેશનું એક નાનકડું નગર છે. રજાઓમાં રહેવા માટે નાહન એક સુંદર જગ્યા છે. તમારે તમારા દોસ્તોની સાથે અહીં એકવાર તો અચૂક આવવું જોઇએ. થોડાક દિવસો પસાર કરવાથી સારુ લાગશે.
2- રેણુકા લેક
કોઇ જગ્યાએ નદી કે તળાવ હોય તો તે જગ્યા સુંદર થઇ જાય છે. આવી જ સુંદરતા હિમાચલના રેણુકા લેકની છે. સિરમૌર જિલ્લામાં સ્થિત રેણુકા લેક કંગોજોડીથી થોડાક જ કિલોમીટરના અંતરે છે અહીં રેણુકા દેવી મંદિર અને પરશુરામ લેક જોઇ શકાય છે. 1957માં બનેલું પ્રાણી સંગ્રહાલય પણ છે. જો તમે પણ હિમાચલ પ્રદેશની આવી સુંદર જગ્યાએ જાઓ તો સારીરીતે ફરો.