ગુજરાતી દેશમાં ગમે તે ભાગમાં રહેતા હોય કે પછી ફરવા ગયા હોય, હંમેશા ગુજરાતી ટેસ્ટની વાનગીઓને શોધતા જ હોય છે. કહેવાય છે કે ગુજરાતી એટલે શાકાહારી. ગુજરાતમાં અન્ય રાજ્યો જેવું નોન-વેજનું ચલણ નથી. ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ પણ શાકાહારી ભોજનની શોધમાં રહેતા હોય છે અને મુંબઇ તેમાંનું એક છે. મુંબઇમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને અહીં કેટલીક રેસ્ટોરન્ટ્સ ગુજરાતી થાળી માટે પ્રખ્યાત છે. આ એવી જગ્યાઓ છે જ્યાં ગુજરાતીઓ વારંવાર જાય છે. આવો જોઇએ આવી જ કેટલીક રેસ્ટોરન્ટ્સ વિશે.
શ્રી ઠાકર ભોજનાલય, કાલબાદેવી
જો તમે ઓછા તેલમાં રાંધેલુ ટેસ્ટી ખાવાનું ખાવા માંગો છો તો કાલબાદેવીમાં આવેલું આ રેસ્ટોરન્ટ પરફેક્ટ જગ્યા છે. 1945થી આ રેસ્ટોરન્ટ ચાલી રહ્યું છે. જેમાં અનલિમિટેડ થાળીના 550 રુપિયા છે. જ્યારે તમે ઠાકર ભોજનાલયમાં જમવાના હોવ તો પેટમાં વધુ જગ્યા રાખજો. કારણ કે અહીં થાળીમાં વેરાઇટી જ એટલી હોય છે કે તમે ખાઇ ખાઇને થાકી જશો. ફરસાણ, શાક, દાળ, રોટલી, બાજરીનો રોટલો, ઢોકળા, ખીચડી, ભાખરી, કઢી અને ઘણું બધું. ઘણીવાર જલેબી અને સ્વિટ ડિશમાં મગની દાળનો હલવો અને શ્રીખંડ ખાવાનું ભુલતાં નહીં. ખાસ કરીને શિયાળામાં અહીં ઉંધિયું ખાવાની પણ મજા આવે છે.
મહારાજા ભોગ
લોઅર પરેલ, ગોરેગાંવ ઇસ્ટ, જુહુ, મલાડ વેસ્ટ અને પવઇમાં બ્રાંચ છે. મહારાજા ભોગમાં તમે એન્ટર થાઓ ત્યારથી જ તમને એકદમ ટ્રેડિશનલ માહોલ જોવા મળશે. અહીં નમસ્તેથી તમારુ સ્વાગત કરવામાં આવશે. થાળી જમો તે પહેલા ગો દાન અને તુલસી ચખાડવાની પણ પ્રથા છે. અહીંની ગુજરાતી થાળીમાં રીંગણનું ભડથું, ફરસાણ અને દાળ જોવા મળશે. અહીં ગુજરાતીની સાથે રાજસ્થાની ટેસ્ટ માણવા મળશે. અહીંનું જમવાનું બિલકુલ ફ્રેશ હોય છે.
સમ્રાટ, ચર્ચગેટ
મુંબઇના લોકોમાં ગુજરાતી થાળી માટે સમ્રાટ વર્ષોથી માનીતું નામ છે. ખાસ કરીને કઢી અને ખીચડી ખાવા માટે. ઘીથી લથપથ રોટલી, ખીચડી, બાસુંદી, રોટલો, પુરી, ફરસાણ, શ્રીખંડ, પુલાવ, તળેલા મરચાં, અડદનો પાપડ બસ આનાથી વધુ શું જોઇએ. સમ્રાટની સર્વિસ પણ ખુબ જ સરસ છે.
ગોલ્ડન સ્ટાર થાળી, ચર્ની રોડ
ગુજરાતી ક્યુઝિનના શોખીનો માટે ગોલ્ડન સ્ટાર થાળી સુખ અને સ્વાદનું સરનામું છે. 1992માં આ રેસ્ટોરન્ટ શરુ થઇ હતી. અહીંના રસોડામાં મહારાજ મોબજી પુરોહિત ગુજરાતી અને રાજસ્થાની ખાવાનું બનાવતા. ખાસ કરીને જેમને શાક, દાળમાં ગળપણ ભાવે છે તેમના માટે આ ડેસ્ટિનેશન પરફેક્ટ છે. ઉનાળામાં ગુજરાતીઓ ખાસ કરીને અહીં કેરીનો રસ ખાવા આવે છે.
ચેતના, કાલાઘોડા
1946માં સેન્ડવિચ અને કોફી કોર્નર તરીકે શરુ થયેલી ચેતના આજે તેની મહારાષ્ટ્રીયન, રાજસ્થાની અને ગુજરાતી થાળી માટે પ્રખ્યાત છે. ચેતનાની પરંપરાગત થાળીમાં હોય છે. શાક, કઠોળ, ફરસાણ, જલજીરા, જલેબી, આમરસ અને ઊંધિયું. ગુજરાતી સ્વાદના રસિયાઓને તો આ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે. અહીંના કઢી-પકોડા પણ ખાવા જેવા છે.
ફ્રેન્ડ્સ યુનિયન જોશી ક્લબ, કાલબાદેવી
કોઇપણ જાતની ફેન્સી સજાવટ નહીં માત્ર સ્વાદિષ્ટ જમવાનું. ગુજરાતી થાળી અહીં પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. આ જ ખાસિયત છે આ જગ્યાની. ઘર જેવું જમવાનું તમને પોસાય તેવા ભાવમાં અહીંથી મળી રહેશે. અહીંની થાળીમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તમને મોટા રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે. જેમ કે મેથીના મુઠિયા અને લાપસી. અહીંના મેનુંમાં ચાર જાતના શાક, રોટલી, ભાખરી, બે જાતની દાળ, ફરસાણ, કઢી, ભાત, સલાડ, અથાણું અને ચટણી. તમે વધારે ખર્ચ કરીને મીઠાઇનો ઓર્ડર પણ કરી શકો છો.
ઠાકર્સ, ગિરગાંવ ચોપાટી
સમુદ્રનો સુંદર નજારો અને ગુજરાતી થાળીની મજા. આ જ છે ઠાકર્સની વિશેષતા. અહીંની થાળી તમને તમારા પૈસાનું પુરેપુરું વળતર આપશે. ઢોકળાથી લઇને દાળ, કઢી અને અલગ અલગ જાતના શાક અને ઘણું બધું. સાથે ગુજરાતીઓની ફેવરિટ છાશ તો ખરી જ.
અહીં વેલ્વેટ પાર્કિંગ પણ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરન્ટની શરુઆત 1960માં થઇ હતી. શરુઆતમાં તેઓ દરિયાઇ કેટરિંગ કરતા હતા. તેમના ગ્રાહકોમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એસસી ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીનો સમાવેશ થતો હતો. આજે તો ઠાકર્સ લગ્નો તેમજ મોટા ફંકશનો પણ કરે છે.
રાજધાની, ઘાટકોપર
ગુજરાતી થાળી ખાવાના શોખીનોને રાજધાની રેસ્ટોરન્ટ ક્યારેય નિરાશ નહીં કરે. ગુજરાતી અને રાજસ્થાની થાળીનું મિશ્રણ તમને અહીં જોવા મળશે. અહીંની થાળીમાં તમને ઢોકળા, પાપડીનું શાક, ચણા અને કેરીનું કચુંબર, દાલબાટી ચુરમા, પનીર મસાલા, ઉનાળામાં કાચી કેરીનું શાક, કેરીનો તાજો રસ, કઢી, તીખી અને મીઠી દાળ, મલાઇ ખીર, મસાલા ખીચડી, છાશ, પાપડ, ગરમા ગરમ ફુલકા રોટલી, પુરી અને બીજુ ઘણું બધું. આ ઉપરાંત, ગરમીની સીઝનમાં મેંગો જલેબી, મેંગો સલાડ, કેરીનું શાક અને કેરાના મુઠિયા પણ ખાવા મળશે. તેની એક શાખા વાશીમાં પણ છે.
કંસાર, બોરીવલી
કંસાર તો લોકોને ભાવતો જ હોય છે અને આ કંસારની થાળી પણ લોકોમાં ફેવરિટ છે. સ્ટીલની થાળીમાં ગુજરાતી ખાવાનું ખાઓ અને મોજ કરો. કંસારમાં તમને પરંપરાગત ગળી ગુજરાતી દાળ ખાવા મળશે. આ ઉપરાંત, થાળીમાં શાકથી લઇને સલાડ, અથાણું એમ તમામ વાનગીઓ તો ખરી જ.