સામાન્ય રીતે જ્યારે આપણે કોઇ મહિલા સોલો ટ્રાવેલર વિશે સાંભળીએ ત્યારે આપણા મનમાં હંમેશા ખભે ટ્રેકિંગ બેગ લટકાવીને ફરતી એક યુવાન (મોટાભાગે કુંવારી), સ્વતંત્ર મહિલાનું દ્રશ્ય જ ઉપસી આવે છે.
એક મહિલા સોલો ટ્રાવેલર વિશે આપણી દ્રષ્ટી કેટલી મર્યાદિત છે તેની કલ્પના કરી શકાય તેમ છે. સલામતી અને રક્ષણના નામે અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરતી મહિલાઓ ફુલટાઇમ ટ્રાવેલિંગ કરી શકે છે તેવો વિચાર જ આપણી દુનિયામાં કલ્પના બહારની વાત ગણાય છે. પરંતુ કેટલીકવાર, જીવન તમને તમારી મર્યાદાઓનો સામનો કરવાનું શિખવે છે અને તમને વિકસિત થવાની અને ખરાબ યાદોને ભૂંસી નાંખવાની તક મળે છે. મારી સાથે પણ બિલકુલ આવું જ થયું જ્યારે હું મ્યાનમારના બાગાન માટે બેકપેકિંગ કરી રહ્યો હતો.
પ્રથમ દ્રષ્ટિએ બ્રિલિઅન્તિ એક પરંપરાગત મુસ્લિમ મહિલા હતી જે તેના ધર્મને માન આપનારી અને કોઇપણ પડકારજનક કે સાહસિક કાર્ય કરનારી નહોતી. પરંતુ તેની સાથેની પ્રથમ મુલાકાત બાદ મારી ધારણા બિલકુલ બદલાઇ ગઇ હતી.
હું બ્રિલિઅન્તિને એક બેકપેકર હોસ્ટેલમાં કે જ્યાં તે રોકાઇ હતી તે ડોર્મિટરીમાં વહેલી રાતે 3 વાગે મળ્યો, મારી સાથે બીજા બે પુરુષ યાત્રીઓ પણ હતા. તેણે અમારી બાજુ જોયું અને ઝડપથી કહ્યું" જો તમે આવતીકાલનો સૂર્યોદય જોવાની યોજના બનાવી રહ્યા છો તો હોસ્ટેલ તરફથી અપાતી બાઇક ન લેશો. હું એક એવી જગ્યા વિશે જાણું છું ત્યાંથી અડથી કિંમતે બાઇક મેળવી શકાય છે અને હું સવારે તમને તે જગ્યા બતાવીશ."
આ પરિચયના બે કલાક પછી તે તેના 3 વર્ષના બાળક સાથે અમારા માટે બાઇક શોધી રહી હતી. તેણે કહ્યું કે જો બાગાનમાં સૌથી સારો સૂર્યોદય જોવો હોય તો મારી પાછળ-પાછળ આવો. જો કે અમે બાબતમાં ઘણાં ધીમા હતા પણ સવારે 5 વાગે શહેરને એક્સપ્લોર કરવા તે તેના રસ્તો હતી.
મને આ રહસ્યમયી મહિલામાં રસ પડ્યો અને જ્યારે અમે હૉસ્ટેલ પર પાછા આવ્યા ત્યારે તેના વિશે વધુ જાણવાની તક મળી. બ્રિલિઅન્તિની પાસે જણાવવા માટે એક રસપ્રદ સ્ટોરી હતી:
મને તમારા વિશે જણાવો- તમે ક્યાંથી આવો છો અને શું કરો છો?
"મારુ નામ બ્રિલિઅન્તિ છે, હું ઇન્ડોનેશિયાના બાલિકપપનથી એક સોલો ટ્રાવેલર છું. હું 27 વર્ષની એક મહિલા છું અને આ મારો 3 વર્ષનો પુત્ર અલ્દરિચ છે. હું એક શિક્ષિત કુટુંબમાંથી આવું છું અને મારા માતા-પિતા પાસે પૈસા હોવા છતાં હું નાની હતી ત્યારે અમે ક્યારેય ટ્રાવેલિંગ કર્યું નથી.
મારા પેરન્ટ્સના મકાન વિશે વાત કરું તો અમારુ આંગણું પડોશીઓ સાથે શેર થાય છે. હું જ્યારે ઘરે હોઉં ત્યારે તેમનું ધ્યાન મારી તરફ આકર્ષિત ન થાય તેવું શક્ય જ નથી કારણ કે તેઓને મારામાં કંઇક અનોખુ દેખાય છે અને મારા શોખ, જીવનશૈલી અને વિદેશમાં સાહસો વિશે ઉત્સુકતા જોવા મળે છે.
ટ્રાવેલ માટે તમને પ્રોત્સાહિત કોણે કર્યા?
"હું 21 વર્ષની હતી એટલે કે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તરત ટ્રાવેલિંગ કરવાનું શરુ કર્યું. એક વખત ઇન્ટરનેટ પર એક પ્રેરણાત્મક આર્ટિકલ વાંચ્યો-' શું કામ તમારે 30 વર્ષ પહેલા ટ્રાવેલ કરી લેવું જોઇએ'. આ આર્ટીકલ વાંચ્યા પછી મને લાગ્યું કે આપણાંમાંથી ઘણાં બધા ખરેખર ફર્યા જ નથી. આપણે એવું વિચારીએ છીએ કે જેની પાસે પૈસા છે તે જ ફરી શકે છે. અને આ જ કારણ છે કે આપણે ફક્ત કામ, અભ્યાસ કે કોઇ કંટાળાજનક કામ માટે સેટલ થઇ જઇએ છીએ. હું આ ગેરસમજને દૂર કરવા માંગતી હતી અને તેથી જ મેં ટ્રાવેલિંગ કરવાનું શરુ કર્યું.
તમારા પુત્ર સાથે કેટલા સમયથી ટ્રાવેલિંગ કરી રહ્યા છો?
"હું છેલ્લા પાંચ મહિનાથી મારા પુત્ર સાથે પ્રવાસ ખેડી રહી છું. અમે દક્ષિણપૂર્વ એશિયાના સાત દેશો- વિયેતનામ, લાઓસ, કમ્બોડિયા, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર અને મ્યાનમારની યાત્રા કરી ચૂક્યા છીએ. આમાંથી મ્યાનમાર સિવાયના છ દેશોનો પ્રવાસ તો અમે જમીન માર્ગે ખેડ્યો છે. જ્યારે મ્યાનમાર માટે મલેશિયાથી સીધી ફ્લાઇટ પકડી હતી."
મોટાભાગની માતાઓ પોતાના બાળકને લઇને વધારે રક્ષણાત્મક હોય છે અને બહારની દુનિયાથી તેને સલામત રાખવા માંગતી હોય છે, જ્યારે તમે તો તેને બહારની દુનિયામાં લઇ ગયા છો તો તમે આ રસ્તો કેમ પસંદ કર્યો?
"મેં જોયું છે કે માતા-પિતા તેમના બાળકોને આ ઉંમરમાં આલ્ફાબેટ, નંબર્સ, ડ્રોઇંગ અને અન્ય સામાન્ય પ્રવૃતિઓ શીખવાડે છે. અલબત, આ પાઠ ભણાવવા પણ જરુરી છે પરંતુ મારુ માનવું છે કે આ સિવાય પણ કેટલાક મહત્વના લેશન છે જેને હું માનવજાતનું જ્ઞાન કહુંછું તે પણ શિખવા એટલા જ જરુરી છે.
હું ઇચ્છું છું કે તે ટ્રાવેલિંગના માધ્યમથી નીચેના કેટલાક અમૂલ્ય પાઠ શીખે:
– શા માટે આપણે અન્યની સંસ્કૃતિ અને ધર્મને માન આપવું જોઇએ
– જ્યારે આપણે જાહેર સર્વિસ અને ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે લાઇનમાં કેમ ઉભા રહેવું.
– જમતી વખતે ખોરાકનો બગાડ શા માટે ન કરવો
– પ્રતિકુળ પરિસ્થિતિ અને હવામાનને કેવી રીતે અનુકૂળ થઇને રહેવું
– કેવી રીતે કચરો ઓછો કરવો અને જગ્યાને સાફ અને સુઘડ રાખવી
અને બીજી અનેક ચીજો જે બહારની દુનિયામાં જ શીખી શકાય છે. "
મહિલા ટ્રાવેલરને બુરખામાં જોવી એ મોટાભાગના લોકો માટે અસામાન્ય વસ્તુ છે. શું તમારો પોષાક તમારી યાત્રાને પ્રભાવિત કરે છે?
"હાં, મારા અડધા ચહેરાને ઢાંકતો હિજાબ એ મોટાભાગના લોકો માટે અસામાન્ય બાબત છે. મેં રસ્તા પર મને આતંકવાદી માની લેતા હોય તેવા સારીએવી સંખ્યામાં લોકોને વાત કરતા સાંભળ્યા છે. એવા લોકો પણ છે જે મને પૂછે છે કે વધારે તાપમાન ધરાવતા ઉષ્ણકટિબંધીય દેશોમાં હું કેમ મારા શરીરને ઢાંકીને રાખું છું. પરંતુ આ મારી સંસ્કૃતિનો હિસ્સો છે અને મને તે પહેરવાનું પસંદ છે.
તમારી મુસાફરીમાં તમે કેવા પડકારોનો સામનો કરો છો? આમાંથી બહાર કેવીરીતે નીકળો છો?
"મારા માટે સૌથી મોટો પડકાર જમીન સરહદનો પાર કરવાનો છે. હું બે બેકપેક અને એક ટ્રોલી બેગ સાથે કુલ 30 કિલો વજન લઇને નીકળું છું. જમીન સરહદ ક્રોસ કરતી વખતે અમારે આ વજન સાથે લગભગ બે કિલોમીટર ઝડપથી ચાલવું પડે છે. જ્યારે અમારે આમ કરવું પડે છે ત્યારે મારો પુત્ર રડી પડે છે.
એક સમસ્યા હિજાબની છે. ઇમિગ્રેશનના અધિકારીઓ જાણે કે હું મલેશિયાની ગેરકાયદે માઇગ્રન્ટ લેબર ન હોઉં તેમ હંમેશા શંકાની દ્રષ્ટિથી જ જુએ છે. દરેક દેશની સરહદો મને કહે છે કે તારે મુસાફરી કરવાનું છોડી દેવું જોઇએ પરંતુ ઇશ્વરનો આભાર કે તેમણે મને ચમત્કારીક રીતે મદદ કરી છે. જ્યારે કેટલાક ઇમિગ્રેશનના અધિકારીઓ મને ભારેખમ સામાન સાથે મુસાફરી કરતા જુએ છે તો તેઓ બોર્ડર પર ફ્રી રાઇડની સેવા પણ આપે છે.
તમારી આ સફરને તમારા પરિવારજનો કેવી રીતે જુએ છે? શું તેઓ તમને મદદ કરે છે?
"મારા પેરન્ટ્સ મુસાફરી કરે છે પરંતુ તેઓ ખરેખર ટ્રાવેલર્સ નથી (મારો કહેવાનો અર્થ તમે સમજી શકો છો). તેમની નજરે હું એક એવી ગાંડી માતા છું જેને આવો વિચિત્ર શોખ છે. તેઓ મારા આ નિર્ણય સાથે સંમત નથી. તેથી હું મારી ટ્રાવેલ સફરને તેમનાથી ખાનગી રાખું છું. હું નસીબદાર છું કે મને એવા પતિ મળ્યા છે જે પોતે પણ એક ટ્રાવેલર છે. તે મને દરેક બાબતમાં મદદ કરે છે. મને સારી રીતે સમજી શકે છે."
ફરવા માટે તમે ફંડ કેવી રીતે ભેગું કરો છો?
"મારા પતિ મને ફરવાના પૈસા આપે છે. જો કે મને તેની ભાગ્યેજ જરુર પડી છે કારણ કે મેં એક ડિજિટલ નોમડ (વિચરવું) તરીકે કામ શરુ કર્યું છે. મારી પાસે ફરવા માટે જરુરી પૈસા હોય છે. અનુભવ સાથે બાંધછોડ કર્યા વિના હું મુસાફરીમાં પૈસા કેવી રીતે બચાવવા તે શીખી ગઇ છું અને મેં પહેલા કહ્યું તેમ જો તમે સ્માર્ટ ટ્રાવેલર છો તો ફરવા માટે તમારે વધારે પૈસાની જરુર નથી પડતી.
શું તમે તમારી જાતને એક મહિલા ટ્રાવેલર માટે પ્રેરણા તરીકે ગણો છો?
"જો કોઇ મારી સ્ટોરી વાંચી રહ્યું છે ખાસ કરીને કોઇ મહિલા તો મને આશા છે કે તે મારી સફરમાંથી ઘણું શીખી શકે છે.
મોટાભાગની મહિલા કે જે હિજાબ પહેરે છે તે એવું માને છે કે આવા કપડા પહેરીને મુસાફરી ન કરી શકાય. વળી, એવું પણ માને છે કે જો તે પરણેલી છે કે તેને બાળકો છે તો ફરવામાં મુશ્કેલી પડશે. તો પૈસા વગર પણ ન ફરી શકાય. આવી માન્યતા ધરાવતી મહિલાઓને મારે કહેવું છે કે તમારી પાંખોને ફેલાવો અને તમારી આંખો ખોલો! જોખમ લેવાથી ડરવાનું નથી અને સાહસ અને બહાદુરી બતાવવામાં શરમાવાનું પણ નથી. તમારે જે કંઇ પણ કરવું છે, તમારા વિચારોને તેમાં બાધક બનવા દેશો નહીં."
હું બ્રિલિઅન્તિને એક મજબૂત, સાહસિક મહિલા તરીકે જોઉં છું જેણે પોતાના જીવનની બાગડોર પોતાના હાથમાં જ રાખી છે. ખરેખર તો તેણે મને મારી ક્ષિતિજોને વિસ્તારવામાં અને સાંસ્કૃતિક રીતે જુદા વિચારો ધરાવતી મહિલા ટ્રાવેલરનો પરિચય કરાવ્યો છે.
ટ્રાવેલિંગ કરવાથી તમને એવી ઘણી સ્ટોરી જાણવા મળે છે જે કદાચ પહેલા ક્યારેય તમે સાંભળી પણ ન હોય. રખડપટ્ટીથી તમને દુનિયા અને વિવિધ નાગરિકોનો પરિચય થાય છે. આવા અનુભવો આશ્ચર્યજનક પણ હોઇ શકે છે. અને જે રીતે બ્રિલિઅન્તિનું કહેવું છે તેમ તમને માનવજાતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માણસને ઓળખવામાં મદદરુપ બને છે.