કિલ્લાઓ જોવા માટે લોકો રાજસ્થાન વધારે જાય છે પરંતુ ગુજરાતમાં પણ અનેક ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલો છે. રાજકોટ, વડોદરા, ભાવનગર, વાંકાનેર, ગોંડલ કે પછી દેવગઢ બારિયામાં આવા અનેક કિલ્લાઓ આવેલા છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ તેની વિવિધ ઇમારતો અને રમણીય ઇતિહાસ તથા વિશાળ સફેદ રણના કારણે જગવિખ્યાત છે. જ્યારથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારથી કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિશ્વફલક પર વિસ્તરી રહ્યું છે અને રણોત્સવ દરમિયાન આપણને કચ્છના સફેદ રણમાં વિહરતા અનેક વિદેશી પ્રવાસીઓ જોવા મળી જાય છે. જેઓ સફેદ રણની આસપાસ રહેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લે છે. પ્રવાસીઓ કચ્છ આવે ત્યારે ભુજ શહેર અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લે છે, પરંતુ કચ્છના એક કિલ્લાની મુલાકાત ભાગ્યે જ પ્રવાસીઓ દ્વારા લેવામાં આવે છે. તો આવો આજે આપણે આ કિલ્લાની વાત કરીએ.
રોહા ફોર્ટ, નખત્રાણા
રોહા ફોર્ટ રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા અનેક કિલ્લાઓમાનો એક કિલ્લો છે. જે નખત્રાણા તાલુકાના રોહા ગામ ખાતે આવેલો છે. રોહા ફોર્ટ રોહા જાગીરની મહત્વની ઇમારત હતી. જે ભુજ જિલ્લાથી ૫૦ કિ.મીના અંતરે આવેલી છે. આ કિલ્લો ૧૬ એકરમાં બનેલો છે, જે મુખ્ય રસ્તા સાથે જોડાયેલો છે. તે ગ્રાઉન્ડ લેવલથી ૫૦૦ ફૂટ અને સમુદ્ર લેવલથી ૮૦૦ ફૂટની ઉંચાઇએ આવેલો છે. રોહાએ કચ્છની સૌથી મુખ્ય જાગીર ગણાય છે અને તેને રોહા સુમરી ફોર્ટ પણ કહેવામાં આવે છે. કહેવાય છેકે આ ફોર્ટ હેઠળ 52 ગામડાઓ હતા.
એક સમયે કચ્છની મુખ્ય જાગીર હતો
આ જાગીર હેઠળ ૫૨ ગામડાઓ આવતા હતા, રોવ ખેંગારજી પહેલાએ ૧૫૧૦થી ૧૫૮૫ એડી. દરમિયાન અહીં રાજ કર્યું હતું અને આ રોહા ગામનું નિર્માણ કર્યું હતું, જેઓ રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં હણાયા હતા. આ કિલ્લા પર આવેલી બે ટેન્ક જીયાજી દ્વારા અને કિલ્લાની રચના થાકોર નોગાંજી દ્વારા કરવામાં આવી હતી. કિલ્લાની બાંધણી જોતાં એના સ્થાપતિઓ તેમના વિષયના નિષ્ણાત હોવાનું કહી શકાય. ૧૮૧૩ પછી કચ્છમાં પગપેસારો કરી ચૂકેલા અંગ્રેજોએ આ કિલ્લામાં ખાસ્સો રસ લીધો હતો. તેમણે આ કિલ્લામાં થોડા ફેરફાર પણ કરાવ્યા હતા. આ કિલ્લા અને દરબારગઢની રચના અન્ય બાંધકામો કરતાં થોડી જુદી છે. મુખ્ય મહેલનો આકાર અને ઉપરની ટોચ મંદિરનો આભાસ કરાવે છે. આ પ્રકારનું બાંધકામ કચ્છમાં એ સમયે અન્યત્ર થયેલું નોંધાયેલું નથી. ઉપરાંત આ કિલ્લો બાંધવામાં થયેલો ઈંટોનો વપરાશ પણ થોડું આશ્ચર્ય જગાવે કરે છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમ જ ગુજરાતના અન્ય કિલ્લાઓમાં રોહાનો કિલ્લો વધુ વૈજ્ઞાનિક અને મજબૂત માનવામાં આવે છે.
સુમરા રાજપૂત રાજકુમારીઓનું આશ્રય સ્થાન
અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં સોમરા કુળની આશરે એકસો વીસ રાજપૂત રાજકુમારીઓેએ આશ્રયની માગ કરી હતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય મેળવ્યો હતો. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.
કવિ કલાપીની કવિતાઓનો સાક્ષી
ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ જેવી અમર ગઝલ રચી જનાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપી કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. અહીંની હવામાંથી જ તેમની કવિતા દર્દીલી બની. શોભના નામનું જીવંત પાત્ર અહીં જ તેમના જીવનમાં પ્રવેશ્યું. રોહાના ડુંગર પર ઊભેલા જે દરબારગઢના ઝરુખામાં બેસીને કલાપીને કાવ્યો સ્ફૂર્યાં હશે, એ જગ્યા હજી પણ કવિની યાદમાં આંસુ સારે છે.
આ કિલ્લાની સાથે ગુજરાતી સાહિત્યકારની અમર પ્રણયકથા જોડાયેલી છે. જેમ માંડૂના કિલ્લાની સાથે રાણી રૂપમતીની કથા છે, જેલસમેરની સાથે મુમલ અને મહેન્દ્રાની પ્રણયકથા છે એમ રોહાના કિલ્લા સાથે કવિ કલાપી અને શોભનાની વેદનાસભર પ્રણયકથા જોડાયેલી છે. સાહિત્યકારોને આ કથાની ખબર છે, પરંતુ કચ્છની મોટા ભાગની પ્રજાને જ એ ખબર નથી કે કલાપીના કવિ હૃદયના તાર રોહાના દરબારગઢમાં રણઝણ્યા હતા.
રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે. અનેક ઇતિહાસને છૂપાવીને આ કિલ્લો બેસેલો છે જેને જાણવો જરૂરી છે. આજે કચ્છની સૌથી મોટી જાગીર નામશેષ રહી છે આપણી આવનારી પેઢીને આ પણ જોવા ન મળે. આ કિલ્લા પરથી ચાર તાલુકાની ભૂમિ દેખાય છે. ખેર, દેશી બાવળ, ખીજડા, ગુગળ જેવા મૂળ કચ્છી વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં નદીઓની કોતરોમાં વન્યજીવો પણ વિહરતા જોવા મળે છે. ભૂકંપમાં આ કિલ્લા અને અન્ય બાંધકામોને ખાસ્સું નુકસાન થયું છે
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો