આમ તો આપણો આખો દેશ કુદરતી સુંદરતાનો ખજાનો છે. એમાંય વળી પૂર્વોત્તર ભારત એવી જગ્યા છે જેના આપણી મીડિયા કે ફિલ્મોનું ખાસ ધ્યાન નથી ગયું. પણ પ્રવાસીઓ માટે આ એક ઘણી મહત્વની જગ્યા છે. પૂર્વોત્તરના ખજાના પાસે રહેલો એક અમૂલ્ય હીરો એટલે મજુલી. મજુલી એ બ્રહ્મપુત્ર નદી વચ્ચે આવેલો એક ટાપુ છે. ભારતીય ઉપખંડમાં નદી વચ્ચે ઊભો હોય તેવો આ સૌથી મોટો ટાપુ છે. આસામનું જોરહાટ આ ટાપુની સૌથી નજીકનું નગર છે. પ્રકૃતિપ્રેમી લોકો માટે તો મજુલી સ્વર્ગ સમાન પર્યટન સ્થળ છે.
બ્રહ્મપુત્રા નદી વચ્ચે ઘેઘૂર જંગલોમાં કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાનો અનુભવ અલબત્ત એક યાદગાર અનુભવ બની રહેશે.
મજુલી
આ ટાપુ પર અનેક સમુદાયના લોકો વસવાટ કરે છે જે ખૂબ જ સરળ જીવન જીવે છે. તમે આ લોકોને મળીને તેમના જીવન વિષે જાણી શકો છો, એમના જીવનધોરણને સમજી શકો છો, અને તેમાં ભાગ પણ લઈ શકો છો. અહીં વૈષ્ણવ સંપ્રદાયના લોકોને મળીને તેમની સંસ્કૃતિ વિષે જાણવા જેવું છે. આસામની સંસ્કૃતિ પણ નિરાલી છે.
આ દ્વીપ પક્ષીઓનું નિવાસસ્થાન છે, તમે બર્ડ-વોચિંગ પણ કરી શકો છો. સુરમ્ય શાંત ટાપુઓ પર ફોટોગ્રાફીના શોખીન લોકોને ખૂબ મજા આવશે. સેંકડો પ્રવાસીપક્ષીઓ, અનેકવિધ વનસ્પતિઓ, અનોખી સંસ્કૃતિ, તહેવારો અને અન્ય ઘણી વસ્તુઓ મજુલીને એક દિલચસ્પ જોવાલાયક સ્થળ બનાવે છે.
મજુલી ટાપુ પર પ્રકૃતિના ખોળામાં રહેવાનો એક વિશેષ અનુભવ કરવા ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે જે વિષે અહીં દર્શાવાયું છે:
મજુલીમાં શું કરવું?
- બ્રહ્મપુત્રામાં બોટ સવારી
- કાયાકિંગ, પેરાસેલિંગ જેવી વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટીઝ
- સ્થાનિકો સાથે વાતચીત
- આસામીઝ સંસ્કૃતિની જાણકારી
- આદિવાસી ઝુંપડીમાં રહેવાનો અનુભવ
- સાઇકલ પર ટાપુનો પ્રવાસ
- દુર્લભ અને રંગીન પ્રજાતિઓનું બર્ડ-વોચિંગ
- માછીમારી કરવી
- માટીના વાસણ અને મહોરા બનાવવા
- સૂર્યાસ્ત નિહાળવો
- સ્થાનિક વાનગીઓ તેમજ અપોન્ગ(ચોખાની બીયર)નો સ્વાદ માણવો
કેવી રીતે પહોંચવું?
મજુલી ટાપુ ગુવાહાટીથી 200 કિમી દૂર અને જોરહાટથી 20 કિમી દૂર આવેલો છે. કોઈ પણ બસ, ટેક્સી કે રિક્ષા દ્વારા નિમાતી ઘાટ પહોંચી શકાય છે જ્યાંથી દિવસ દરમિયાન હોડીઓ મળી રહે છે. બંને વચ્ચે 1.5 કલાકનું અંતર છે અને આ માટે સવારે 8 વાગે, 10 વાગે, બપોરે 1 વાગે, 3 વાગે અને છેલ્લી બોટ સાંજે 4 વાગે ઉપડે છે.
.