દરેક શહેરનો પોતાનો એક આગવો ઇતિહાસ હોય છે અને આ ઇતિહાસનું તેના નાગરિકોને ગર્વ હોય છે. વર્ષોથી અમદાવાદમાં રહેતા લોકો પણ તેના ઇતિહાસથી સંપૂર્ણ રીતે વાકેફ નહીં હોય. હવે તો અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયો છે જેનાથી ગુજરાતનું ગૌરવ પણ વધ્યું છે પરંતુ અમદાવાદને આ દરજ્જો મળ્યો તેની પાછળ તેનો સદીઓ જુનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે અને તે વિના આ દરજ્જો મળવો શક્ય નથી. એ ઇતિહાસ ભણી એક ડોકિયું કરતા માલુમ પડે કે છેક હજારેક વર્ષથી આ શહેરનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે.
અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે અને ભારતનું સાતમું સૌથી મોટું શહેરી સમૂહ છે. શહેર સાબરમતી નદીના કાંઠે આવેલું છે. શહેર અમદાવાદ 1960 થી 1970 સુધી ગુજરાતની રાજધાની હતી; ત્યારબાદ રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી. 20 મી સદીના પ્રથમ ભાગમાં આ શહેર ભારતની સ્વતંત્રતા ચળવળના મોખરે હતું. કામદારોના અધિકાર, નાગરિક અધિકારો અને રાજકીય સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવા માટે નાગરિક આજ્ઞાભંગની ઘણી ઝુંબેશોનું તે કેન્દ્ર હતું. મહાત્મા ગાંધીએ સાબરમતી નદીની કાંઠે ગાંધી આશ્રમની સ્થાપના કરી અને અમદાવાદને તેમની “કર્મભૂમિ” તરીકે પસંદ કર્યું.
શહેરની સ્થાપના 1411 માં ગુજરાતના સુલ્તાનની રાજધાની તરીકે કરવામાં આવી હતી, જેનુ નામ સુલ્તાન અહમદ શાહ પરથી રાખવમા આવ્યુ છે. બ્રિટીશ શાસન હેઠળ લશ્કરી કેન્ટોનમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી અને શહેરના માળખાને આધુનિક બનાવવામાં અને વિસ્તૃત કરવામાં આવ્યું હતું. ભારતમાં બ્રિટીશ નિયમો દરમિયાન તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. મણિનગરના પડોશમાં કાંકરિયા તળાવ 1451 AD માં દિલ્હીના સુલતાન કુતુબ-ઉદ-દિન ઐબક દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. અંગ્રેજી શાસન કાળ દરમિયાન આ શહેર એક બૂમિંગ ટેક્સટાઇલ સિટી બન્યું, જેણે “ધી માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા” નું ઉપનામ મેળવ્યું. કાંકરિયા તળાવ, સિદ્દી સૈયદની જાળી, જામા મસ્જિદ, સરખેજ રોઝા એ શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળો છે. તો વાત કરીએ 1849માં અમદાવાદમાં નિર્માણ પામેલા અને આજે પણ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત થાય તેવા હઠીસિંહના મંદિરની.આ મંદિર વિશે વાત કરીએ તો મંદિરની ફરતે જીનાલયો આવેલા છે. જેમાં ત્રણ ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહમાં વચ્ચેનું ગર્ભગૃહ જૈન ધર્મના મુખ્ય દેવ ધર્મનાથનું છે. જે જૈનોના પંદરમાં તીર્થંકર છે.
અમદાવાદનો શહેરનો પ્રથમ અને ખ્યાતનામ બ્રીજ એલિસબ્રીજ છે.વર્ષો જુનો એલિસબ્રીઝ હેરીટેજમાં સ્થાન ધરાવે છે. અમદાવાદમા આવેલા એલિસબ્રીઝને કેટલાક લોકો લક્કડિયો પુલ પણ કહે છે જોકે એ સાચુ નથી. લક્કડિયો એટલેકે લાકડાનો પુલ તો તુટી ગયો હતો. 1970-71માં બ્રિટીશ એન્જીન્યર દ્વારા લાકડાનો બ્રિજ બનાવામા આવ્યો હતો. 1875માં શહેરમાં ઘોડાપુર આવ્યુ જેમા લાકડાનો પુલ તુટી ગયો. ત્યારબાદ નવો લોખંડનો બ્રિજ બાંધવાનો નિર્ણય કરવામા આવ્યો. સાડા પાંચ લાખના ખર્ચે આ બ્રિજ બનાવામા આવ્યો.
અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજ શહેરની આગવી ઓળખ છે.150 વર્ષ કરતા વધુ જૂની આ કૉલેજમાં અનેક નામાંકિત વ્યક્તિઓએ અભ્યાસ કર્યો છે. અમદાવાદમાં આવેલી ગુજરાત કૉલેજ શહેરની નહીં પણ રાજ્યની પ્રથમ કૉલેજ છે. બજારોની વાત કરીએ તો સોના ચાંદીની ખરીદી કરવી હોય તો માણેકચોક જાણીતુ છે. સોના-ચાંદીની ખરીદી માટે પહેલા આ એક જ બજાર હતું અને અહી વિવિધ જગ્યાએથી લોકો ખરીદી માટે આવતા હતા. અમદાવાદ શહેરમાં વચ્ચોવચ આવેલા ટાઉનહોલની વાત કરીએ. તો ટાઉનહોલનું બાંધકામ 1831 થી 1842ના અરસામાં થયું હતું.
પ્રાચીન ઇતિહાસ
અમદાવાદની સ્થાપના ઇ.સ.૧૪૧૧માં મુઝફ્ફર વંશના બીજા રાજા અહમદશાહે કરી હતી. જો કે,એ પહેલાં સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતા આશા નામના ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાળ સેનાને હાર આપી હતી. ભીલો જ્યાં રહેતા એ વિસ્તાર આશાવલ નામે ઓળખાતો.
આજે લગભગ બધાં લોકો માને છે કે,આશા ભીલના એ આશાવલનું જ કર્ણદેવે નવી નગરી કર્ણાવતીમાં રૂપાંતરણ કર્યું હતું. પણ સાચી વાત એ છે કે, કર્ણદેવે આશાવલને જરાયે કનડગત નહોતી કરી ! તેને બદલે તેણે થોડે દુર નવી નગરી “કર્ણાવતી” નું સર્જન કર્યું હતું ! માટે “આશાવલ” અને “કર્ણાવતી“ને કોઇ જ સબંધ નથી છે.
સોલંકીવંશ પછી ગુજરાત પર વાઘેલાવંશનું શાસન આવ્યું. ગુજરાતના છેલ્લા વાઘેલાવંશી રાજપુત રાજા કર્ણદેવ વાઘેલાને અલાઉદ્દીનના લશ્કરે પરાસ્ત કર્યો. અણહિલપુર પાટણને રોળી નાખ્યું અને ગુજરાત પર દિલ્હી દ્વારા ખીલજીવંશનું શાસન આવ્યું. દિલ્હી પર જ્યારે તઘલક વંશ ચાલતો હતો ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર રીતે ગુજરાતનો બાદશાહ જાહેર કર્યો અને પરીણામે ગુજરાત પર સત્તાવાર રીતે મુસ્લીમ શાસનનો આરંભ થયો.
આ મુઝફ્ફરશાહનો પુત્ર એટલે અહેમદશાહ. અત્યાર સુધીના બધાં રાજાઓ કમ સુબાઓ અણહિલપુરમાં જ રહી શાસન કરતાં. પણ અહેમદશાહે ગુજરાત માટે નવા પાટનગરની શોધ આદરી અને એક દિવસ સાબરમતીને કાંઠે તે આ શોધ માટે રખડતો હતો.
લોકવાયકા એમ કહે છે કે,તેણે એક સસલાંને કુતરાનો પીછો કરતાં જોયું. ઊભી પૂંછડીએ કુતરો નાસતો હતો અને સસલું તેની પાછળ દોડતું હતું ! અહમદશાહને થયું કે,જે ભુમિમાં આવું શૌર્ય હોય, આવી તાકાત હોય એ ભુમિ જ મારા પાટનગર માટે યોગ્ય છે ! આથી કહેવાયું કે – “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા”.
૨૬ ફેબ્રુઆરી,૧૪૧૧ના રોજ માણેકબુર્જ પાસે અહેમદશાહે આ શહેરનો પાયો નાખ્યો અને નામ પોતાના નામ પરથી “અહેમદાબાદ” રાખ્યું જે પાછળ જતાં “અમદાવાદ” તરીકે ઓળખાયું. એ ઉપરાંત શહેર વસાવવામાં 12 બાબા પણ હતા. જેમાં બાબા ખોજુ. બાબા લારૂ. અને બાબા કરામલ એ ત્રણની કબર ધોળકામાં છે. જ્યારે બાબા અલી શેર અને બાબા મહમૂદની કબર સરખેજમાં છે. અહેમદશાહે કરેલા ઘણાં ઐતિહાસિક બાંધકામો આજે પણ શહેરની રોનક જેવા લાગે છે. અમદાવાદમાં 1414માં મસ્જિદનું બાંધકામ પુરુ થયું હતું.જ્યારે 1424માં જુમ્મા મસ્જિદ અને 1446માં સરખેજમાં શેખ અહેમદ ખટ્ટુના રોજાનું બાંધકામ થયું. લગભગ 1411થી 1590 સુધી કાંકરીયા તળાવ અને અન્ય વસ્તુને બાદ કરતા મોટાભાગે મસ્જિદોનું બાંધકામ થયું હતું.