વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. અલબત, આ વિશાળ રાજ્યની વિશેષતાઓ પણ વિશાળ પ્રમાણમાં જ હોવાની! સદીઓ પહેલા મુઘલોના આક્રમણ તેમજ ગત સદીમાં દેશના વિભાજનની વ્યથા વેઠી હોવા છતાંય રાજસ્થાન આજે પણ અનોખુ છે. અહીંના શહેરોમાં ભારતીય શૈલીની કદાચ સૌથી વધુ ઝલક જોવા મળે છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
રાજસ્થાન ટુરિઝમની તો ટેગલાઇન પણ તેની વિશેષતા સૂચવે છે: જાને કયા દિખ જાયે!
1. ઇતિહાસ
ભારતભૂમિએ સદીઓથી કેટકેટલાય આક્રમણો સહ્યા છે. દેશના અનેક રાજાઓએ ખૂબ વીરતાથી બહારથી ભારતમાં ઘૂસવા માંગતા શત્રુઓનો સામનો કર્યો હતો. રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાંનો દરેક પ્રાંત આવા જ કોઈ બળવાન રાજાઓનો ઇતિહાસ ધરાવે છે. રાજસ્થાનની ભૂમિ મહારાણા પ્રતાપ જેવા મેવાડી રાજાઓના શૌર્ય, પદ્માવતી જેવી ક્ષત્રિયાણીના જૌહર, મીરાંબાઈ જેવા સંતોની ભક્તિની સાક્ષી રહી છે.
2. રાજમહેલો
કદાચ ભારતમાં સૌથી વધુ અને સૌથી ભવ્ય રાજમહેલો જો કોઈ રાજ્યમાં આવ્યા હોય તો તે છે રાજસ્થાન. જયપુરનો હવામહેલ, જોધપુરનો ઉમેદભવન પેલેસ, કુંબલગઢ વગેરે જેવા કેટલાય ભવ્યાતિભવ્ય મહેલો તેમજ કિલ્લાઓ રોયલ રાજસ્થાનમાં આવેલા છે.
3. રણપ્રદેશ
જો રાજસ્થાન ભારતનું સૌથી વિશાળ રાજ્ય હોય તો આ જ રાજસ્થાન સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કેમ નથી? તેનું કારણ એ કે અડધા કરતાં પણ વધુ રાજસ્થાન એ થારનું રણ છે. ભારતમાં રાજસ્થાન અને ગુજરાત આ બે જ રાજ્યોમાં રણ પ્રદેશ આવેલો છે જે પૈકી સૌથી વધુ ભાગ એટલે કે 2,30,000 ચોરસ કિમી કરતાં વધુ વિસ્તાર રાજસ્થાનની ધરતી પર છે. લોકો આ રેગિસ્તાનમાં ફરવા આવે છે અને દેશના જવાનો અહીં આ દેશની રક્ષા કરવા પોતાની ફરજ બજાવતા હોય છે.
4. સ્વાદિષ્ટ શાકાહારી ભોજન
દેશ આખામાં જ્યારે આજે ઘણી મોટી સંખ્યામાં માંસાહારી લોકો છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન આ બંને એવા રાજ્યો છે જ્યાં હજુ પણ 70% કરતાં વધુ વસ્તી શુદ્ધ શાકાહારી લોકોની છે. રાજસ્થાનની તીખી મસાલેદાર વાનગીઓ તેમજ ઘીથી તરબતર મીઠાઇ- બંને અહીં આવતા પ્રવાસીઓનું મન મોહી લે છે. દેશનું આ એક એવું રાજ્ય છે જ્યાં તમારે ‘પ્યોર વેજ રેસ્ટોરાં’ ખાસ શોધવા નહિ જવી પડે. રાજસ્થાની વાનગીઓનો સ્વાદ એટલો બધો સ્વાદિષ્ટ હોય છે કે અહીના સૌ મુલાકાતીઓ અચૂકપણે રાજસ્થાની ફૂડના ફેન બની જાય છે.
5. પરંપરા અને આધુનિકતાનો દુર્લભ સંગમ
જ્યાં પરંપરા હોય ત્યાં આધુનિકતાની ગેરહાજરી હોય તેવી સામાન્ય માનસિકતા છે. પણ રાજસ્થાન આ બાબતમાં અપવાદ છે. અહીંના યુવાનો તમામ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં આગળ વધી રહ્યા છે. રાજસ્થાનમાં હજુ પણ પોશાકમાં, રહેણીકરણીમાં રૂઢિચુસ્ત વલણ જોવા મળે છે પણ સાથોસાથ અભ્યાસ તેમજ કારકિર્દી ક્ષેત્રે એટલા જ આધુનિક છે.
6. રંગબેરંગી વિશેષતાઓ
વિધ વિધ રંગોના લ્હેરીયાં, રંગીન પાઘડી કે પછી રાજપૂત સ્ત્રીઓના પરંપરાગત પોશાક. રાજસ્થાનમાં પરંપરાગત ભારતીય વસ્ત્રોની ખૂબ સુંદર વિશેષતાઓ જોવા મળે છે. રાજસ્થાની લોકોનાં કપડાં તેમજ રાજસ્થાની વાનગીઓ બધું જ અનેક રંગોનું મિશ્રણ હોય છે. વળી, અહીં તો શહેરોમાં પણ રંગો છે!! પિન્ક સિટી જયપુર, બ્લૂ સિટી જોધપુર, ગોલ્ડન સિટી જેસલમેર!
7. શોપિંગ
પર્યટન સ્થળ હોય તો ખરીદી માટે પુષ્કળ વિકલ્પો હોવાના જ. અહીં ટ્રેડિશનલ કપડાં, આકર્ષક સુશોભનો, રાજાશાહી સ્મૃતિચિહ્નો, જોધપુરી મોજડી તેમજ પરંપરાગત ઘરેણાંની ખરીદી શોપિંગ લવર્સને ખૂબ ખુશ કરી મૂકશે.
રાજસ્થાનના પ્રવાસમાં તમને સૌથી વધુ શું ગમ્યું? કમેન્ટ્સમાં જણાવો.
Tripoto પર રાજસ્થાન વિષે વધુ વાંચો.
.