અંગ્રેજીમાં પ્રવાસ વિષે એક બહુ સરસ પ્રશ્ન છે:
“Are you a mountain person or a beach person?”
તેનો ખરો જવાબ તો એ છે કે પ્રવાસપ્રેમીને કુદરતના કોઈ પણ નજારા માણવાની એક સમાન જ મજા આવે છે. અને તેમાં પણ આપણો આ અતિવિશાળ અને અતિ વિવિધતા ધરાવતો ભારત દેશ અહીંના એક એક ખૂણે અવનવી સુંદરતા ધરાવે છે.
ચાલો, આજે એક એવી યાદી પર નજર કરીએ જ્યાં તમને પહાડો અને ખીણના શ્રેષ્ઠ નજારાઓ જોવા મળશે:
કલ્પા, કિનૌર: હિમાચલ પ્રદેશ
કિનૌર જિલ્લામાં આવેલું ગામ કલ્પા એ હિમાચલના સૌથી આકર્ષક અને જોવાલાયક ગામોમાંનું એક છે. અહીંથી દૂર આવેલા કૈલાશના દર્શન પણ થાય છે. હિમાચ્છાદિત પહાડો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે, જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં આખું ગામ પર બરફની ચાદર ઓઢી લે છે. અહીં ખીણ અને પહાડ બંને ખૂબ જ મનોરમ્ય દેખાય છે.
તુંગનાથ, રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડ
જ્યાં વિશ્વનું સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત શિવ મંદિર આવેલું હોય તે જગ્યા અદભૂત ન હોય તો જ નવાઈ!! સમુદ્રસપાટીથી 12000 કરતાં વધારે ફીટ પર આવેલું તુંગનાથ હિમાલયના આહલાદક દ્રશ્યો માણવાની તક આપે છે. અહીંથી ચૌખંભા, ચંદ્રશીલા અને નંદાદેવી શિખરોનો નજારો માણવો એ એક લ્હાવો છે.
મોરની હિલ્સ, પંચકુલા: હરિયાણા
હરિયાણામાં આવેલી આ ટેકરીઓ હિમાલયના ચરણોમાં આવેલી છે. હરિયાણા રાજ્યમાં કોઈ કુદરતી અને આકર્ષક ટુરિસ્ટ ડેસ્ટિનેશન નથી તેવું તમે માનતા હોવ તો આ હિલ્સ તમારી એ શંકા દૂર કરી દેશે. જો આ જગ્યાના ઈન્ટરનેટ પરના ફોટોઝ પણ આટલા ખૂબસુરત હોત તો તે જગ્યાને રૂબરૂ માણવાની મજા જ કઈક ઓર હોવાની!
મંદાર હિલ્સ, બાંકા: બિહાર
માત્ર 700 ફીટ ઊંચો મંદાર પર્વત ત્યાંથી જોવા મળતા ખૂબ જ શાનદાર વ્યુઝ માટે પ્રખ્યાત છે. વળી, ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલ સ્કંદ પુરાણ સાથે આ મંદાર હિલ્સનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. પર્વત પર આસાનીથી હાઇકિંગ થઈ શકે છે અને ઉપરથી આખો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે.
સનરાઇઝ પોઈન્ટ, મહાબળેશ્વર: મહારાષ્ટ્ર
મુંબઈ-પૂણેમાં રહેતા લોકો માટે મહાબળેશ્વર એ પરફેક્ટ વીકએન્ડ ગેટવે છે. તેમાં પણ અહીં સનરાઇઝ તેમજ સનસેટ પોઇન્ટ્સ પર ખૂબ જ મનમોહક પેનોરમિક દ્રશ્યો જોવા મળે છે. ચોમેર પહાડીઓથી ઘેરાયેલા સનરાઇઝ પોઈન્ટ પર અનેક પ્રવાસીઓ માત્ર કુદરતી સુંદરતા માણવાના હેતુથી આવતા હોય છે.
પતરતું વેલી, રાંચી: ઝારખંડ
જેને મંઝિલ પર પહોંચવા કરતાં મુસાફરી કરવામાં વધુ મજા આવતી હોય તેવા લોકો માટે આ જગ્યાની મુલાકાત એ એક યાદગાર અનુભવ સાબિત થશે. વળી, અહીં સર્વ શ્રેષ્ઠ રસ્તાઓનો વ્યૂ જોવા મળે છે જે સોશિયલ મીડિયા પર ફોટોઝ મૂકવાના શોખીન લોકો માટે સૌથી અગત્યનું જમાપાસું છે. અદભૂત નજારો માણતા માણતા પહાડીમાં ઉપર સુધીની રોડટ્રીપ કરી શકાય છે.
સંદકફુ, દાર્જીલિંગ: પશ્ચિમ બંગાળ
ઇન્ડો-નેપાળ બોર્ડર પર આવેલા આ પર્વતો પશ્ચિમ બંગાળની સૌથી ઊંચી ટોચ છે. સંપૂર્ણ કુદરતને માણીને 12000 ફીટની ઊંચાઈ પર આવેલા આ શિખરે પહોંચવા માટે 4-5 દિવસના ટ્રેકનું આયોજન પણ થાય છે. મકાલું, લ્હોટસ જેવા શિખરો અહીંથી જોઈ શકાય છે. વાતાવરણ સાફ હોય તો માઉન્ટ એવરેસ્ટનું શિખર દેખાવાની પણ સંભાવના રહે છે.
ગુરુદોન્ગમાર લેક: ઉત્તર સિક્કિમ
સમુદ્ર તળથી 17000 ફૂટની ઉંચાઈ પર સિક્કિમમાં આવેલું આ સરોવર ભારતના સુંદર સરોવરોમાં ટોચ પર છે. લાંચેનથી અહીંયા સુધી તમે આરામથી ગાડી અથવા બાઈક દ્વારા પહોંચી શકો છો.
દૂરતલાંગ હિલ્સ, આઇઝાવલ: મિઝોરમ
આઇઝાવલ શહેરનો આ સૌથી ઊંચો પોઈન્ટ છે. પથ્થરોવાળા આ પહાડ પર ચડવા ખૂબ સાંકડો રસ્તો છે. આ અઘરું ચઢાણ ચડયા બાદ જે નજારો જોવા મળે છે તે બધો જ થાક ભુલાવી દેશે!
સ્કંદગિરિ હિલ્સ, બેંગલોર: કર્ણાટક
બેંગલોર નજીક આવેલું હાઇકિંગ માટેનું આદર્શ સ્થળ. અહીંનો સનરાઇઝ ખાસ જોવા જેવો છે. વળી, આખા દિવસ દરમિયાન પણ સૂરજ અને વાદળોની સંતાકૂકડી આ પહાડી સુંદરતાને વધુ સુંદર બનાવે છે.
સેલા પાસ, તવંગ: અરુણાચલ પ્રદેશ
ખૂબ જ ઊંચા એલટીટ્યુડ પર સ્થિત આ માઉન્ટેન પાસ એ ભારતનો એક જૂજ માઉન્ટેન પાસ ગણી શકાય કારણકે તે શિયાળા સહિત બારે મહિના મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે. બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે આવેલું સરોવર એ જાણે કોઈ પરીઓના દેશમાં આવી ગયા હોઈએ તેવો નજારો આપે છે.
.