દેશભરમાં નવરાત્રીનું પર્વ ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં 9 દિવસો સુધી માતા દુર્ગાના નવ સ્વરુપોની પૂજા-અર્ચના થાય છે. તો નવરાત્રીના બીજા દિવસે અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક પર્વ દશેરા મનાવવામાં આવે છે. આ પ્રસંગે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. લોકો દશેરાના દિવસે હૉલિડે સેલિબ્રેટ કરવા માટે આસપાસની સુંદર જગ્યાઓ પર જાય છે. ત્યારે જો તમે પણ દશેરા સેલિબ્રેટ કરવા માટે ગુજરાતની આસપાસની જગ્યાઓ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યાઓ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. આવો જાણીએ આ અંગે બધુ જ...

આબુ, ઉદેપુર, ચિત્તોડગઢ
3 દિવસના મિનિ વેકેશનને એન્જોય કરવા માટે જો તમે રાજસ્થાન જવાનો પ્લાન બનાવો છો તો તમારે માટે આબુ, ઉદેપુર અને ચિત્તોડગઢ બેસ્ટ છે. જેસલમેર પણ જઇ શકાય છે પરંતુ જેસલમેર જવા માટે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સારી સીઝન ગણાય છે. અમદાવાદથી આબુ જવા માટે જો તમે શુક્રવારે વહેલી સવારે નીકળો તો બપોર સુધીમાં પહોંચી જશો. બે દિવસ આબુમાં રોકાઇને રવિવારે બપોર પછી આબુથી નીકળીને મોડિ સાંજે કે રાતે અમદાવાદ પાછા આવી શકો છો.

આબુમાં બે દિવસમાં તમે ગુરુશિખર, સનસેટ પોઇન્ટ, નક્કી લેક, ક્રોકોડાઇલ પાર્ક, અચલગઢ, ટોડ રોક, અચલગઢ અને દેલવાડાના દેરાં જોઇ શકો છો. નક્કી લેક પર સોફ્ટી આઇસક્રીમ ખાવાની પણ મજા પડશે.

જો તમારે આબુ નથી જવું તો ઉદેપુર અને ચત્તોડગઢનો પ્લાન પણ બનાવી શકો છો. અમદાવાદથી વહેલી સવારે કારમાં નીકળશો તો બપોર સુધીમાં ઉદેપુર પહોંચી જવાશે. ઉદેપુરમાં તમે પિચોલા લેક, સિટી પેલેસ, ફતેહસાગર તળાવ, મોતી નગરી, વિન્ટેજ કાર સંગ્રહાલય, જગદિશ મંદિર, લેક પેલેસ, શિલ્પગ્રામ, સહેલીઓ કી બારી, સજ્જન ગઢ પેલેસની મુલાકાત લઇ શકો છો. આ સિવાય ઉદેપુરથી નજીક શ્રિનાથજી, એકલિંજીના દર્શન પણ કરી શકાય છે. એકલિંજીની નજીક સાસુ-વહુનું ટેમ્પલ પણ જોવાલાયક છે.

ઉદેપુરથી ચિત્તોડગઢનું અંતર 110 કિ.મી. છે. ઉદેપુરમાં હોટલમાં રોકાઇને વહેલી સવારે ચિત્તોડગઢ કિલ્લો જોવા નીકળી શકાય છે. કિલ્લા સિવાય અહીં વિજયસ્તંભ, ર્કીતિ સ્તંભ, રાણા કુંભાનો મહેલ, પદ્મિનીનો મહેલ, કુંભ શ્યામ મંદિર, કાલિકા માતાનું મંદિર, સરકારી મ્યુઝિયમ, જયમલ અને પટ્ટા મહેલો, બગીચા અને ઉદ્યાનો, મીરાંબાઈનું મંદિર પણ જોવાલાયક સ્થળોની યાદીમાં આવે છે.

પંચમઢી, જબલપુર

જો તમારે રાજસ્થાન નથી જવું તો તમે મધ્યપ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન પંચમઢીની મુલાકાત લઇ શકો છો. પંચમઢી અમદાવાદથી 777 કિ.મી. દૂર છે એટલે તમારે ટ્રેન કે પ્લેનનો વિકલ્પ પસંદ કરવો પડશે. ભોપાલમાં એરપોર્ટ છે. ત્યાંથી બસ કે ટેક્સી દ્ધારા પંચમઢી જઇ શકાય છે. અમદાવાદ કે વડોદરાથી સાંજે ટ્રેનમાં બેસીને બીજા દિવસે પંચમઢી પહોંચી શકાય છે. પંચમઢીમાં ચોમાસા પછીના દિવસોમાં વાતાવરણ અદ્ભુત હોય છે. અહીં ચારેતરફ લીલીછમ પહાડો જોવા મળશે. પંચમઢી તેના વોટરફૉલ માટે જાણીતું છે. અહીં આવીને તમે અહીંના શાંત વાતાવરણમાં, લીલોતરીમાં, સંગીતમય ઝરણા અને ખળ ખળ વહેતી નદીઓમાં ખોવાઇ જશો. સાથે સાથે પંચમઢીમાં તમે શિવશંકરના ઘણા મંદિરોના પણ દર્શન કરી શકશો. અહીંના જોવાલાયક સ્થળોમાં પ્રિયદર્શિની પોઇન્ટ, પાંડવ ગુફાઓ, જટાશંકર ગુફા, બી ફોલ, સિલ્વર ફોલ, મધમાખી ઝરણું, સતપુડા, અપ્સરા વિહાર, ચૌરાગઢ, ધૂપગઢ વગેરે સ્થળો ફરી શકો છો.

જબલપુર પણ મધ્ય પ્રદેશમાં આવેલું છે. પવિત્ર ગણાતી નદી નર્મદાના કિનારે વસેલું આ શહેર મધ્ય પ્રદેશની સંસ્કાર ધામ પણ કહેવામાં આવે છે. પુરાણો અનુસાર આનું નામ જબાલીપુરમ્ હતું અને એવું નામ હોવાનું મુખ્ય કારણ હતું મહર્ષિ જબાલી. એવું કહેવામાં આવે છે કે મહર્ષિ જબાલી અહીં નિવાસ કરતા હતા. જબલપુરના જોલાયક સ્થળોમાં ઘોર જળ ધોધ, મદનમહેલ કિલ્લો, ગ્વારીઘાટ, પરામઢા મંદિર, ચૌંસઠ યોગિની મંદિર, ગુપ્તેશ્વર મંદિર, દેવી નર્મદા મંદિરનો સમાવેશ થાય છે.
ભેડાઘાટ
નર્મદા કિનારે ૯૦થી ૧૦૦ ફૂટ જેટલી ઊંચી શિલાઓથી આચ્છાદિત ભેડાઘાટ જબલપુરથી માત્ર ૨૫ કિ.મી. જેટલા દૂર છે. ચાંદનીના ઉજાસમાં જ્યારે ભેડાઘાટની મુલાકાત લેવામાં આવે ત્યારે નજારો દર્શનીય હોય છે. ભેડાનો અર્થ થાય છે ભીડાવવું- એટલે કે મળવું. જેથી નર્મદાનો અહીં બાણગંગા સાથે મેળાપ થાય છે. માટે જ આ ઘાટને ભેડાઘાટ એવું નામ આપવામાં આવેલું છે. એક પ્રાચીન કથા મુજબ ભૃગુ ઋષિનો આશ્રમ પણ ભેડાઘાટ પાસે જ આવેલો હતો.
દીવ
ત્રણ દિવસ ફરવા માટે દીવ શ્રેષ્ઠ જગ્યા છે પરંતુ એટલું યાદ રાખજો કે વીકેન્ડ્સમાં દીવ પ્રવાસીઓથી ઉભરાય છે તેથી એડવાન્સમાં હોટલ બુકિંગ કરાવીને જ જજો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ભાવનગર તેમજ ગુજરાતના અન્ય શહેરોથી બાય રોડ તમે દીવ જઇ શકો છો. વિમાનમાં જવું હોય તો દીવમાં એરપોર્ટ છે જ્યારે ટ્રેનમાં જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન 90 કિ.મી. દૂર વેરાવળ છે.

દીવમાં ફરવાલાયક જગ્યાઓમાં નાગવા, ઘોઘલા, જાલંધર બિચ જેવા રમણીય સ્થળો, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ - મ્યુઝિયમ, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતની હિસ્ટોરિકલ સાઈટ્સ, આઈ.એન.એસ. ખુકરી મેમોરિયલ ઉપરાંત દિવ ફોર્ટ, સાયલન્ટ ટાવર અને બંગલી જેવા આર્કિયોલોજિકલ સ્મારકો દીવ આવવા માટે પ્રવાસીઓને આકર્ષતા હોય છે. આ ઉપરાંત નાયડા ગુફાઓ પણ જોવાલાયક છે.
