મનપસંદ હિલ સ્ટેશન પર ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થાય તે એક સામાન્ય ગુજરાતી હંમેશા વિચારતો હોય છે. દિવાળીમાં ફરવા માટે ગુજરાતીઓ અત્યારથી જ પ્લાનિંગ કરી રહ્યા હશે. દિવાળીના વેકેશનમાં આબુ, ગોવા, મહાબળેશ્વર, માથેરાન, કેરળ, સિમલા કુલુ મનાલી ગુજરાતીઓના ફેવરીટ સ્થળ છે. આજે અમે આપને જણાવીશું કે જો તમારે હિમાચલ પ્રદેશમાં કુલુ-મનાલી ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થાય.
ક્યારે જવું મનાલી
મનાલી દરેક પ્રકારના ટૂરિસ્ટ માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. લોકો પરિવાર સાથે પણ અહીં આવતા હોય છે, મિત્રો સાથે પણ આવતા હોય છે અને હનીમૂન માટે પણ મનાલી ફેવરિટ ડેસ્ટિનેશન છે. ટ્રેકિંગ, એડવેન્ચર અને સોલો ટ્રાવેલર માટે પણ મનાલી એક સારો ઓપ્શન છે. પરંતુ દિવાળીમાં તો કુલુ-મનાલી ફરવું તમને મોંઘું પડશે. એટલે સસ્તામાં મનાલી ફરવું હોય તો જુલાઇથી ઓક્ટોબર એ બેસ્ટ સીઝન છે.
કેવી રીતે જવું
અમદાવાદથી ચંદીગઢ જવું હોય તો સાબરમતી રેલવે સ્ટેશનથી ચંદીગઢની ટ્રેન ઉપડે છે જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 535 રૂપિયા છે. ચંદીગઢથી વોલ્વો સ્લીપર, સેમી સ્લીપર, ઓર્ડિનરી બસમાં મનાલી પહોંચી શકાય છે જેનું ભાડું 700થી 800 રૂપિયા થશે. દિલ્હીથી પણ વોલ્વો અને ઓર્ડિનરી બસ ઉપડે છે. ચંદીગઢથી મનાલી 291 કિલોમીટર છે અને 10 થી 12 કલાક પહોંચવામાં થાય છે.
મનાલીમાં ક્યાં સસ્તામાં રહેશો
મનાલીમાં રહેવા માટે અનેક ઓપ્શન્સ છે. તમને ઓફ સીઝનમાં 500 રૂપિયામાં પણ હોટલ મળી જશે તો તે જ હોટલના સીઝનમાં 1500 રૂપિયા પણ ચૂકવવા પડી શકે છે. મોલ રોડની આસપાસ એવી ઘણી હોટલ છે જે તમે ઓન ધ સ્પોટ બુક કરી શકો છો. તમે બાર્ગેનિંગ કરીને ભાવ ઘટાડી શકો છો. જો કે સીઝનમાં તો તમારે હોટલ ઓનલાઇન બુક કરીને જ જવું જોઇએ. અથવા કોઇ ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરીને પણ આ કામ થઇ શકે છે. તમે મનાલીમાં બેકપેકર પાંડા, જોસ્ટેલ મનાલી, ટિંબરવોલ્વ્સ, સ્પ્રિંગ હાઉસ જેવી જગ્યાઓએ સસ્તામાં રોકાઇ શકો છો. ગુગલ પરથી તેનો નંબર મળી જશે. ઓનલાઇન તમે ઓયો પરથી બજેટ હોટલ બુક કરી શકો છો.
મનાલી ફરવાની સૌથી સસ્તી રીતો
મનાલીમાં હિડમ્બા ટેમ્પલ, વશિષ્ઠ ટેમ્પલ, મનુ ટેમ્પલ, ક્લબ હાઉસ, ડુંગરી વન વિહાર સહિત ફરવાના સ્થળો 5 કિલોમીટરના અંતરમાં જ આવી જાય છે. તમે ચાલીને ફરી શકો છો. જો વશિષ્ઠ ટેમ્પલ માટે રીક્ષા કરવી હોય તો 50 થી 70 રૂપિયા થશે. જો તમારે મનાલી ટેક્સીમાં ફરવું હોય તો 1200 રૂપિયા જેટલો ખર્ચ થશે. હવે તમને બતાવીએ સૌથી સસ્તી રીત. તમે એક એક્ટિવા ભાડે લઇ લો. જે તમને 500 રૂપિયામાં પડશે. તેમાં પેટ્રોલ ભરાવીને ઉપડી જાઓ જ્યાં ઇચ્છા પડે ત્યાં ફરવા.
મનાલીથી રોહતાંગ પાસ 50 કિ.મી. દૂર છે. જો રોહતાંગ પાસ જવું હોય તો 2200થી 2500 રૂપિયા ટેક્સીના થશે. તેમાં પરમિટ પણ આવી જાય છે. રસ્તામાં જો ગરમ જેકેટ લેશો તો 200 રૂપિયાનું ભાડું તેનું ચૂકવવું પડશે. મનાલીથી સોલાંગ વેલીનું અંતર 14 કિલોમીટર છે. સોલાંગ વેલી જવું હોય તો ટેક્સીના 1200 રૂપિયા, ઓટો રીક્ષાના 600 રૂપિયા થશે. આ સિવાય હિમાચલ સરકારની બસમાં 30 રૂપિયાની ટિકિટમાં પણ જઇ શકાય છે. જો તમે રીક્ષાવાળાને 100 રૂપિયા વધારે આપશો તો તમને 700 રૂપિયામાં સોલાંગ વેલી અને વશિષ્ઠ ટેમ્પલ પણ લઇ જશે.
અન્ય ખર્ચ
સોલાંગ વેલીમાં એડવેન્ચર એક્ટિવિટીઝ થાય છે જેમાં પેરાગ્લાઇડિંગના ઓછી હાઇટ પરથી કરવાના 1600 રૂપિયા. સ્કીંગના 2000 રૂપિયા, રોપવેના 650 રૂપિયા, સ્નો ડ્રેસના 250 રૂપિયા છે. કુલુમાં રિવર રાફ્ટીંગના પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા ખર્ચ થાય છે. જેમાં 9 કિલોમીટરના રાફ્ટીંગના 45 થી 50 મિનિટ થાય છે.
અમદાવાદથી કુલ ખર્ચ કેટલો થાય
જો તમે બે વ્યક્તિ છો અને બે દિવસની મનાલી ટ્રિપ કરી છે તો કેટલો ખર્ચ થાય તેની ગણતરી કરી લઇએ. અમદાવાદથી બે વ્યક્તિની ટ્રેનની ટિકિટના રાઉન્ડ ટ્રિપના અંદાજે 2200 રૂપિયા. ચંદિગઢથી મનાલી ઓર્ડિનરી બસમાં બે વ્યક્તિનું રાઉન્ડ ટ્રિપનું ભાડું અંદાજે 2800 રૂપિયા. બે દિવસ રહેવાનું હોટલનું ભાડું 1600 રૂપિયાની આસપાસ થાય છે.
હવે જો તમે પ્રોપર મનાલી પગેચાલીને ફરી લો તો કોઇ ખર્ચ નહીં થાય. જો રીક્ષા કરો તો 600 રૂપિયા થશે. જમવાનો ખર્ચ પણ ગણી લઇએ તો બ્રેકફાસ્ટના બે વ્યક્તિના 100 રૂપિયા, લંચના 200 રૂપિયા અને ડીનરના 300 રૂપિયા એક દિવસના થાય. એટલે બે દિવસનો બે વ્યક્તિનો જમવાનો કુલ ખર્ચ થશે 1200 રૂપિયા. એટલે રહેવા, જમવા અને ફરવા સાથે 2 દિવસનો અમદાવાદથી મનાલીનો કુલ ખર્ચ થયો 7800 રૂપિયા. હવે રીક્ષામાં મનાલી ફરો તો 600 બીજા ઉમેરીએ તો ખર્ચ થશે 8400 રૂપિયા.
સોલાંગ વેલી ટેક્સીમાં જાઓ તો 1200 રૂપિયા. બસમાં જાઓ તો જવા-આવવાના બે વ્યક્તિના 200 રૂપિયા. રિવર રાફ્ટિંગ કરો તો બે વ્યક્તિના 1000 રૂપિયા અને સોલાંગ વેલીમાં રોપવેમાં બેસો તો 650 લેખે બે જણના 700 રૂપિયા ખર્ચ થશે. તો આ બધા સાથે કુલ 11000 રૂપિયા ખર્ચ થાય. તમે 1000 રૂપિયા એકસ્ટ્રા ખર્ચ કરો તો પણ 12000 રૂપિયામાં ઓફ સીઝનમાં કુલુ-મનાલીની ટ્રિપ કરી શકો. પરંતુ જો તમારે રોહતાંગ પાસ જવું હોય તો શેરીંગ ટેક્સીમાં 1000 રૂપિયા ખર્ચ થશે.
હવે વાત કરીએ એક્ટિવાની. જો તમે પ્રતિ દિન 500 રૂપિયાના હિસાબે એક્ટિવા ભાડે લો તો બે દિવસના 1000 રૂપિયા તેમજ પેટ્રોલનો ખર્ચ અલગ થશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો