બાલીનું નામ લેતાંની સાથે જ બીચ અને રંગબેરંગી રાતોની તસવીરો આપણા મગજમાં આવી જાય છે. અને સાચું કહું તો, આપણે આ માટે પોતાને દોષ પણ ન દઈ શકીયે કારણ કે હું જાણું છું તે દરેક વ્યક્તિ બાલીને ઉજવણીનું સ્થળ માને છે. બોટલો ભરી ભરીને દારુ પિઓ અને બાલીની રંગબેરંગી રાતોમાં ખોવાઈ જાઓ. જો કે આ સાચું પણ છે કારણ કે બાલીના પર્યટનને આ જ રીતે ચિત્રિત કરીને અને વેચવામાં આવ્યુ છે અને આને કારણે ઇન્ડોનેશિયાના અર્થતંત્રને ઘણી આર્થિક મદદ મળી છે. પરંતુ આ સેલીબ્રેશનના કોલાહલમા આપણે ભૂલવું નહીં જોઈએ કે બાલી ચારિત્રીક રીતે ખૂબ સમૃદ્ધ છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અહિ દરેક જગ્યાએ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે. હા, તમે બરાબર જ વાંચ્યું છે. અને જો તમે આ વાંચીને એટલા જ આશ્ચર્ય પામ્યા છો જેટલો હું, તો પછી વધારે વિચારો નહીં. કારણ કે પૂરી રિસર્ચ કર્યા પછી મેં તમારા માટે આ વિશેની સાચી માહિતી એકત્રિત કરી છે.
બાલી અને હિન્દુ મંદિરો
ખ્રિસ્તના આશરે 500 વર્ષ પહેલાંથી ઇન્ડોનેશિયામાં હિન્દુત્વ અસ્તિત્વ ધરાવે છે. જોકે, બીજા ઘણા ધર્મોએ આગામી સદીઓમાં બાલીને આગેકુચ કરી છે પરંતુ બાલીની વસ્તી અને સ્થાપત્યમા મોટાભાગે હિન્દુ ધર્મનું વર્ચસ્વ રહ્યુ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શિવ, આ ત્રણ દેવતાઓનો પવિત્ર સંગમ બાલીના હિન્દુ ધર્મમા વિશ્વાસ કરવા વાળા લોકો દ્વારા હંમેશાં પૂજનીય રહ્યો છે. બાલિના મંદિરોમાં આ પવિત્ર ત્રિપુટીને સંગ હયાંગ વિધી (જેને બાલીમાં એક માત્ર હિન્દુ દેવતા હોવાનો દરજ્જો છે) ના મંદિરોમાં પદ્માસન ઉપર ખાલી સિંહાસન તરીકે દર્શાવવામા આવ્યા છે. ભારતના હિન્દુત્વ સાથે તુલના કરીએ તો જાણવા મળે છે કે બાલીના હિન્દુત્વમાં ધર્મ કરતાં દર્શન શાસ્ત્રને વધારે મહત્વ આપવામાં આવે છે, પરંતુ જાતિ વ્યવસ્થા અને તહેવારો લગભગ સમાન છે.
બાલીમાં જોવા માટેના 7 શ્રેષ્ઠ મંદિરો
મેં બાલીના ધાર્મિક શિલ્પકારીના કેટલાક નમુનાઓ માથી સૌથી શ્રેષ્ઠ હિંદુ મંદિરોનુ લિસ્ટ તૈયાર કર્યુ છે કે જ્યાં તમારે દરિયાકિનારા અને સેલીબ્રેશનમાંથી થોડો સમય કાઢીને જરુર જવુ જોઈયે.
તમન અયુન મંદિર
પુરા તમન અયુન એક મંદિર સંકુલ છે, જે બાલીના બડુંગ રિજેન્સીમાં સ્થિત છે; જેમાં મંદિરો, બગીચા અને એક નાનુ તળાવ પણ છે. બાલી ટાપુ પર બનેલા સૌથી સુંદર મંદિર સંકુલ માનવામાં આવતા આ સંકુલમાં એક હજારથી વધુ મંદિરો, તેમજ સુવ્યવસ્થિત ઘાસવાળા બગીચા શામેલ છે જ્યાં તમે આરામથી ટહેલી શકો છો અને ફોટોસ લઈ શકો છો.
પ્રવેશ ફી: 15,000 રૂપૈયા (આશરે ₹ 73)
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજના 5 સુધી
ક્યાં છે: જાલાન અયોધ્યા નંબર 10, મેંગવી, કબુપાતેન બડુંગ, બાલી
ગુનુંગ કવિ મંદિર
તમે આ મંદિરની પૂર્વ તરફ જાઓ તો તમને ઉત્તર દિવાલ પર "હાજી લુમાહિંગ ઝુલુ" લખેલો શિલાલેખ મળશે, જેનો અર્થ છે "રાજાએ અહીં મંદિર બનાવ્યું હતુ". ગુનુંગ કવિનું મંદિર ઉબૂદ, બાલીમાં સ્મશાન સંકુલ તરીકે પણ ઓળખાય છે, પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ ઉદયન રાજવંશના રાજા વુંગસુ અને તેની રાણીઓને સમર્પિત 10 મંદિરો છે, જે પત્થરો તોડીને બનાવવામા આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે આમાંથી કેટલાક મંદિરોમાં રખાત અને દાસીઓને પણ રાખવામાં આવી હતી.
પ્રવેશ ફી: 15,000 રૂપૈયા (આશરે ₹ 73)
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજના 5 સુધી
તે ક્યાં છે: બંજાર પેનાકા, તમઓઆકસીરિંગ, કબુપાતેન જીયાનાર, બાલી
ગોવા ગજ
ગોવા ગજ મંદિરનો આગળનો ભાગ ભયાનક લાગી શકે છે કારણ કે ગુફાના મુખ પર ઘણા બધા રાક્ષસોના ચહેરાઓ કારીગરી દ્વારા કોતરવામાં આવ્યા છે. પરંતુ અહીંનો ઇતિહાસ એટલો ભયંકર નથી. કોતરવામાં આવેલા ચહેરાઓમાં, મુખ્ય ચહેરો એક હાથીનો છે, તેથી આ સ્થાનને હાથી ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સંકુલની અંદર એક વિશાળ સ્નાનઘર પણ છે, જેનુ ખોદકામ 1950 માં કરાયું હતું. આ મંદિર 9 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તે સમયે તે અભયારણ્ય હતું.
પ્રવેશ ફી: 15,000 રૂપૈયા (આશરે ₹ 73)
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજના 5 સુધી
તે ક્યાં છે: જેએલ, રાયા ગોવા ગજ, દેસા બેદુલુ, ઉબુદ
પૂરા ઉલૂન ડાનુ બ્રટન
બેદુગુલ નજીક પહાડોના ખોળામાં પુરા ઉલુન ડાનુ બ્રટન મંદિર બ્રાગન લેકના કાંઠે આવેલું છે. આ સ્વપ્ન જેવું સુંદર જળ મંદિર, શૈવ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જે હિન્દુ ધર્મનો એક મોટો પંથ છે અને 16 મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો. મંદિર સંકુલમાં સ્થિત આ 11 માળનુ મંદિર શિવ અને પાર્વતીને સમર્પિત છે. અહીં બુદ્ધની પ્રતિમા પણ છે. માનવામાં આવે છે કે આ પ્રતિમા તાજેતરમાં બનાવવામાં આવી છે.
પ્રવેશ ફી: 100,000 રૂપૈયા (આશરે ₹ 484)
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજના 5 સુધી
તે ક્યાં છે: જેએલ, રાયા કૈંડિ કુનિંગ, તબનન
પુરા બેસકીહ મંદિર
બાલીમાં માઉન્ટ અગુંગના ઢોળાવ પર બેસાકી ગામમાં સ્થિત, પુરા બેસકીહ, એ ઇન્ડોનેશિયામાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટું હિન્દુ મંદિર છે. દૂર-દૂર સુધી ફેલાયેલા આ મંદિર પરિસરમા 23 જુદા જુદા મંદિરો છે, જેમાંથી સૌથી પ્રખ્યાત પુરા પેનતરન અગુંગ છે. જો તમે બાલી જાવ તો પછી આ મંદિર પરિસર જોવુ જ જોઈયે, પરંતુ મંદિરની બહાર બેઠેલા ઠગોથી સાવચેત રહેવુ, જે ભગવાનના નામે સહેલાણીઓને લૂંટી લે છે. આવા ઠગોથી બચીને રહેવુ સારુ.
પ્રવેશ ફી: 60,000 રૂપૈયા (આશરે ₹ 290)
ખુલવાનો સમય: સવારે 7 થી સાંજે 10 સુધી
ક્યાં છે: બેસાકીહ, રેંડાંગ, કરંગસેમ રીજેંસી, બાલી
પુરા તમન સરસ્વતી
નામ સૂચવે છે તેમ આ મંદિર કળા અને વિધ્યાની દેવી માનવામાં આવતા દેવી સરસ્વતીને સમર્પિત છે. શહેરના મુખ્ય ભાગમાં સ્થિત હોવા છતાં, આ મંદિરને અવગણવું ખૂબ જ સરળ છે કારણ કે આ મંદિર વિસ્તારની દ્રષ્ટિએ એકદમ નાનું છે. પરંતુ આ મંદિરમાં એક વિશાળ તળાવ આવેલું છે જેમાં હજારો કમળના ફૂલો ખીલે છે. તેથી જો તમે બાલી જાઓ, તો પછી ચોક્કસપણે આ મંદિરની મુલાકાત લો. ધ્યાનમાં રાખો કે આ મંદિરમાં પ્રવેશવા માટે પરંપરાગત પોશાક સરોંગ પહેરવાનું ખૂબ જ જરૂરી છે અને તમે આ ડ્રેસ મંદિરની બહારથી ભાડે પણ લઈ શકો છો.
પ્રવેશ ફી: નિ:શુલ્ક
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજે 6 સુધી
તે ક્યાં છે: જેએલ, કજેંગ, ઉબુદ, કબુપાતેન જિયાનાર, બાલી
પુરા જગતનાથ
ડેનસારની મધ્યમાં સ્થિત હોવાથી અને બાલીના સૌથી મોટા મંદિરોમાંથી એક હોવાથી, પુરા જગતનાથ મંદિર પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિર વિશેની એક અનોખી હકીકત એ છે કે મંદિરમાં કોઈ પણ પ્રકારની મૂર્તિ નથી. આ ખાસિયત તેને અન્ય મંદિરોથી અલગ કરે છે. જો કે મંદિર પરિસરના બંધ ઓરડામાં શિવ લિંગ સ્થાપિત થયેલ છે અને સંકુલની આજુબાજુની દિવાલો મહાભારત અને રામાયણના શ્લોકથી કોતરવામાં આવી છે.
પ્રવેશ ફી: નિ:શુલ્ક
ખુલવાનો સમય: સવારે 8 થી સાંજે 6 સુધી
તે ક્યાં છે: જેએલ, નુસા દુઆ, બેનોઆ, કુટા સેલ, કબુપાતેન બડુંગ, બાલી
ક્યાં રહેવું
જો વાંચવા માત્રથી જ તમે ઉપર જણાવેલ મંદિરોના પ્રેમમાં પડવા લાગ્યા છો, તો પછી ચોક્કસપણે તમારા આખા કુટુંબ અથવા જીવનસાથી સાથે બાલીની મુલાકાત લેવા જાવ. તમારા બાલી પ્રવાસના વિચારોને વધુ ઉત્તેજના આપવા માટે, અમે તમારા માટે રોકાવાની એક ઉત્તમ જગ્યા લાવ્યા છીએ. બાલીમાં આ ઈનફીનિટી વિલા ખૂબ જ વાજબી ભાવે ઉપલબ્ધ હોય છે.
હવે તમને જરૂરી બધી જ માહિતી મળી ગઈ છે. તેથી કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર બાલી જાઓ અને આનંદ કરો. તમારી બાલી યાત્રાને વધુ આરામદાયક બનાવવા એક યોજના છે, આ વાંચો.