![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 1/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126187_256366527_4638694126246099_3417714813184532496_n.jpg)
રાજસ્થાનની એક હોટલ આજકાલ ચર્ચામાં છે. રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલી ઉમેદભવન પેલેસ ખાતે યોજાયા હતા. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હતું. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં. તો આવો જાણીએ આ હોટલ વિશે
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 2/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126206_257450803_4638694666246045_7235870079176856286_n.jpg)
26 એકરમાં ફેલાયેલો છે મહેલ
ઉમેદ ભવન પેલેસ એટલે મહારાજા ગજ સિંહ બીજાનું નિવાસસ્થાન. શાહી પરિવારનું આ નિવાસસ્થાન હાલમાં વિશ્વનું છઠ્ઠું સૌથી ભવ્ય પ્રાઈવેટ રેસિડેન્ટ છે. 26 એકરમાં ફેલાયેલા આ પેલેસમાં 347 રુમ છે. જેની એક વિંગમાં આઇકોનિક તાજ ઉમેદ ભવન પેલેસ હોટેલ છે, જે મહેમાનોને શાહી જીવનનો સ્વાદ માણવા દે છે. બીજી વિંગમાં મ્યૂઝિયમ છે જે ટુરિસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્રીજી વિંગ આ શાહી પરિવારનો આવાસ છે, જ્યાં કોઈને જવા આવવાની મંજૂરી નથી. સાથે જ આ હોટલમાં મિનિ બાર, પૂલ, રેસ્ટોરાં અને ફિટનેસ સેન્ટર સહિતની સુવિધાઓ પણ છે. આગતા-સ્વાગતા અને શાહી અંદાજના કારણે આ હોટલ ટૂરિસ્ટ્સ અને સેલેબ્સની પહેલી પસંદ છે. 2016ના એક સર્વે અનુસાર આ હોટલને દુનિયાની સૌથી શ્રેષ્ઠ હોટલમાં સ્થાન મળ્યું હતું.
15 વર્ષ ચાલ્યું હતું મહેલનું બાંધકામ
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 3/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126222_146819736_1859688347516671_8910567461469635835_n.jpg)
આ પેલેસનું ભૂમિપૂજન વર્ષ 1929માં મહારાજા ઉમેદસિંહે કરાવ્યું અને તેનું બાંધકામ 1943માં પૂર્ણ થયું હતું. મહેલના બાંધકામ માટે 5000 કારીગરોએ 15 વર્ષ જેટલો સમય અહીં કામ કર્યું હતું. આ મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેન્ટ વપરાઈ નથી. પથ્થરોને જ એવી રીતે કોતરાયેલા છે કે, એકબીજાને જકડી રાખે છે. આ મહેલના બાંધકામમાં તાજમહેલની જેમ પામ કોર્ટ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેલેસ વિશે કહેવાય છે કે વાસ્તુકાર હેનરી વૉન લાનચેસ્ટરને આ મહેલની ડિઝાઇન માટે કામ સોંપવામાં આવ્યું હતું. બલુઆ પથ્થર અને સંગેમરમરથી તૈયાર થયેલો આ મહેલ મધ્યકાલીન વાસ્તુકળાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મહેલમાં ઘણી જગ્યાએ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 4/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126238_240805877_2016242991861205_5699161757180715713_n.jpg)
રોયલ પેલેસનો રોયલ ચાર્જ
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 5/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126260_umaedbhawan1.jpg)
આ શાહી ઠાઠમાં રહેવા માટેનો ખર્ચો પણ રાજઘરાના જેવો જ છે. પેલેસ રૂમનું એક દિવસનું ભાડું જ રૂપિયા 40 હજારથી વધુ છે. જ્યારે હિસ્ટોરિકલ બેડરૂમ સ્યુટનું ભાડું 55 હજાર, રોયલ બેડરૂમ સ્યુટનું ભાડું 1 લાખ અને ગ્રાન્ડ રોયલ બેડરૂમ સ્યુટનું ભાડું પોણા બે લાખ રૂપિયા છે. જ્યારે મહારાજા અને મહારાની સ્યૂટનું ભાડું રૂપિયા 5 લાખ જેટલું છે. અને હનીમૂન સ્યૂટનું ભાડું એક દિવસનું રૂપિયા 8 લાખ રુપિયા જેટલું છે.
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 6/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126270_160891675_1889093864576119_638811111626587141_n.jpg)
પ્રિયંકા અને નિક જોનસના લગ્ન અહીં થયા હતા
આ પેલેસમાં રોયલ ફેમિલી સિવાય અનેક સેલેબ્સના પણ લગ્ન થઈ ચુક્યા છે. જેમાંથી સૌથી ચર્ચિત લગ્ન છે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને સિંગર નિક જોનસના...નિક અને પ્રિયંકાએ ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઉમેદ ભવન પેલેસની પસંદગી કરી હતી. આ પહેલા અભિનેત્રી એલિઝાબેથ હર્લેએ ભારતીય ઉદ્યોગપતિ અરુણ નાયર સાથે આ જ પેલેસમાં લગ્ન કર્યા હતા.
![Photo of વેડિંગ વેન્યૂ માટે ફેવરિટ છે ઉમેદભવન પેલેસ, હનીમૂન શ્યૂટનું આટલું છે ભાડું 7/7 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1637126288_umaedbhawan2.jpg)