ગરમીની ઋતુમાં જે લોકો પહાડો તરફ જતા રહ્યા હતા તે જ લોકો હવે વરસાદમાં નીચે આવી જશે. જરુરી પણ છે, કારણ કે પહાડોમાં વરસાદ જાનલેવા બની શકે છે. ભૂ સ્ખલન, તૂટતા રસ્તાઓ અને પૂરનું જોખમ મામૂલી નથી હોતું.
તો હવે વરસાદની સીઝનમાં ક્યાં ફરવા જવું? ચલો રાજસ્થાન જઇએ, જ્યાં વરસાદ ઓછો પડે છે પરંતુ હવામાન ઠંડુ રહે છે.
આ ચોમાસામાં રાજસ્થાનના આ શહેરોમાં ફરી આવો:
1. માઉન્ટ આબૂ
માઉન્ટ આબૂનું જુનું નામ 'અર્બુદારન્ય' છે જેનો અર્થ છે- 'અર્બુ ના જંગલ'. અરવલ્લીના પહાડોથી ઘેરાયેલું શહેર વરસાદમાં લીલુછમ થઇ જાય છે.
અહીં જરુર ફરો
ગુરુ શિખર: આ રાજસ્થાન જ નહીં, પરંતુ અરવલ્લી પર્વતોનું સૌથી ઊંચુ શિખર છે. શિખર પર ભગવાન દતાત્રેયને સમર્પિત સફેદ મંદિર પણ છે.
આબૂ રોડ : મૉનસૂનમાં બનાસ નદીની પાસે આબૂ રોડની સુંદરતા જોવાલાયક હોય છે.
ફરવા લાયક વધુ જગ્યા
અચલગઢનો કિલ્લો, ટ્રેવર ટૈંક, ક્રોકોડાઇલ પાર્ક, ગૌમુખ મંદિર
સૌથી નજીકનું એરપોર્ટ: 185 કિ.મી. દૂર ઉદેપુરના ડબોકમાં માઉન્ટ આબૂથી સૌથી નજીકનું એરપોર્ટ છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશનઃ માઉન્ટ આબૂથી 40 કિ.મી. દૂર સૌથી નજીકનું રેલવે સ્ટેશન આબૂ રોડ છે.
2. પુષ્કર
શરુઆતી વરસાદમાં જ પુષ્કરની ચારેબાજુ અરવલ્લીની પર્વતમાળાઓ લહેરાઇ ઉઠે છે. વરસાદનું પાણી પહાડો પરથી સરકીને પુષ્કરના જાણીતા કુંડમાં જમા થાય છે. લોકો એવુ માને છે કે આ પાણીમાં ન્હાવાથી ફક્ત પાપ જ નહીં, પરંતુ શરીરની ઘણી બીમારીઓ પણ ઠીક થઇ જાય છે.
અહીં જરુર ફરો
બ્રહ્મા મંદિર : ભારતમાં કુલ 6 બ્રહ્મા મંદિર છે, જેમાં સૌથી જાણીતા મંદિરોમાંનું એક પુષ્કરમાં છે.
સાવિત્રી મંદિર : કહેવાય છે કે બ્રહ્માની પત્ની સાવિત્રી, બ્રહ્માથી નારાજ થઇને પહાડના શિખર પર આવીને વસી ગઇ હતી. આજે ત્યાં એક મંદિર બનેલું છે. ત્યાં જવું હોય તો પગથિયા કે કેબલ કારથી જઇ શકાય છે.
જોવા લાયક વધુ જગ્યાઓ
રંગજીનું મંદિર (જ્યાં વિદેશી નથી ઘુસી શકતા), કેમલ સફારી, સનસેટ પોઇન્ટ
સૌથી નજીકનું એરપોર્ટ : પુષ્કરથી સૌથી નજીકનું એરપોર્ટ 146 કિ.મી. દૂર જયપુર ઇંટરનેશનલ એરપોર્ટ છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન : પુષ્કરથી 11 કિ.મી. દૂર અજમેરમાં સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
3. ઉદેપુર
વરસાદમાં સરોવરોની નગરી ઉદેપુરની ચારેબાજુ બનેલા 7 તળાવ છલોછલ ભરાઇ જાય છે અને આવનારા ટૂરિસ્ટ તેમાં બોટિંગની ભરપૂર મજા લે છે. અહીંની ખાસ રાજપૂત શૈલીની સભ્યતા અને મહેમાનગતિને ખાસ માનવામાં આવે છે.
અહીં જરુર ફરો
સિટી પેલેસ : પિચોલા તળાવને અડીને જ ઉદેપુર શહેરનો મહેલ ઉભો છે જે પોતાની રાજપૂતી વાસ્તુકળાના કારણે ખુબ જાણીતો છે.
લેક પેલેસ : પિચોલા સરોવરની એક બાજુ સિટી પેલેસ છે પરંતુ સરોવરમાં પાણીની વચ્ચોવચ પેલેસ પણ બન્યો છે, જેમાં ઉદેપુરનો શાહી પરિવાર ગરમીમાં રહેતો હતો. આ મહેલ સફેદ સંગેમરમરથી બનેલો છે અને હવે અહીં તાજ હોટલ એક ફાઇવ સ્ટાર હોટલ ચલાવે છે.
જોવાલાયક અન્ય જગ્યાઓ
જગદીશ મંદિર, ફતેહ સાગર સરોવર, સહેલીયો કી બાડી, સુખડિયા સર્કલ
સૌથી નજીકનું એરપોર્ટઃ ઉદેપુર શહેરથી 22 કિ.મી. દૂર
સૌથી નજીકનું રેલવે સ્ટેશનઃ શહરેનું પોતાનુ રેલવે સ્ટેશન પણ છે.
4. અલવર
અલવરથી 40 કિ.મી. દૂર સરિસ્કા ટાઇગર રિઝર્વ છે અને કેવલાદેવ નેશનલ પાર્ક 10 કિ.મી. દૂર છે. વરસાદ પછી બન્ને જગ્યાએ બહારની પ્રજાતિના પક્ષીઓ આવે છે. ખુશનુમા મોસમની સાથે જંગલી જીવન પણ ખીલી ઉઠે છે.
અહીં જરુર ફરો
ભાનગઢનો કિલ્લો : ભારતના સૌથી ભૂતિયા કિલ્લાઓમાંનો એક છે, જ્યાં રાતે રોકાવાથી ભારતનું પુરાતત્વ વિભાગ પણ સખ્ત મનાઇ કરે છે. પરંતુ દિવસના અજવાળામાં ટૂરિસ્ટ આખો દિવસ અહીં પિકનિક મનાવતા નજરે પડે છે.
જોવાલાયક બીજી જગ્યાઓ
અલવર કિલ્લો, સિલીસેટ સરોવર
સૌથી નજીકનું એરપોર્ટ : અલવરથી 162 કિ.મી. દૂર સાંગાનેરમાં સૌથી નજીકનું એરપોર્ટ છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશનઃ અલવર શહેરમાં જ રેલવે સ્ટેશન છે જે રાજ્યની રાજધાની જયપુરથી સારી રીતે જોડાયેલી છે.