
દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને લોકો તેમના રહસ્યો જાણવા માટે ઉત્સુક હોય છે, પરંતુ આજ સુધી તેમના રહસ્યો સામે આવ્યા નથી. એવી ઘણી જગ્યાઓ છે જે રહસ્યમય હોવાની સાથે ડરામણી પણ છે અને લોકો આ સ્થળોની મુલાકાત લેતા ડરે છે. આવી જ એક જગ્યા રોમાનિયાના ટ્રાન્સીલ્વેનિયા પ્રાંતમાં છે, જ્યાં ઘણી વિચિત્ર ઘટનાઓ બની છે અને લોકો અહીં જતા ડરે છે. આ પ્રાંતમાં એક જંગલ (Forest) છે, 'હોયા બસ્યૂ,' (Hoia Baciu Forest) જેના વિશે એવું કહેવાય છે કે જે ત્યાં ગયું તે ક્યારેય પાછો નથી આવ્યું.
આ આર્ટિકલમાં અમે તમને હોયા બસ્યુ જંગલની રહસ્યમય વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વાર્તાઓ વિશે જાણ્યા પછી, તમે પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ શકો છો.
હોયા બસ્યુ જંગલ ક્યાં છે?

આ જંગલની રહસ્યમય કહાનીઓ વિશે જાણતા પહેલા આવો જાણીએ કે આ રહસ્યમય જંગલ દુનિયાના કયા દેશમાં છે. તમને જણાવી દઈએ કે રોમાનિયાના ટ્રાન્સીલ્વેનિયા પ્રાંતમાં હોયા બસ્યુ જંગલ કાળા સમુદ્રની આસપાસ સ્થિત છે. આ જંગલ અત્યંત ગાઢ અને જોખમી માનવામાં આવે છે.
હોય બસ્યુ જંગલની રહસ્યમય સ્ટોરી

હોયા બસ્યુ જંગલની રહસ્યમય વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આ ખતરનાક જંગલ વિશે કહેવાય છે કે અહીં એક-બે હજાર નહીં પરંતુ સેંકડો લોકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે અને આજ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી. એવું કહેવાય છે કે કેટલાક લોકો અહીં ફરવાના હેતુથી આવ્યા હતા, પરંતુ તેઓ થોડા સમય માટે ગાયબ થઈ ગયા અને થોડાક સમય પછી ફરી પાછા આવ્યા. લોકોનું કહેવું છે કે આ જંગલમાં રહસ્યમય શક્તિઓ રહે છે. અહીં લોકોને વિચિત્ર અવાજો પણ સંભળાય છે. આ જ કારણ છે કે લોકો આ જંગલમાં પગ મૂકવા માંગતા નથી.

હોયા બસ્યુ જંગલ એટલું ખતરનાક અને રહસ્યમય માનવામાં આવે છે કે ઘણા લોકો તેને વિશ્વનું બીજું બરમુડા ટ્રાયંગલ માને છે. ઘણા લોકો માને છે કે આ જંગલમાં હંમેશા વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. હવે આગળ વધતા પહેલાં એ પણ જાણી લઇએ કે બર્મુડા ટ્રાયંગલ છે શું..
બર્મુડા ટ્રાયંગલ શું છે?

એટલાન્ટિક સમુદ્રમાં 5 લાખ ચોરસ કિલોમીટરના ભાગને બર્મુડા ટ્રાયંગલ કહેવામાં આવે છે. તેનો આકાર ત્રિકોણ જેવો હોવાથી તેને બર્મુડા ટ્રાયંગલ કહેવામાં આવે છે. જો કે આ અંગે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 100 વર્ષમાં 75 વિમાન અને 100થી વધુ નાના-મોટા જહાજો તેમાં ડૂબી ગયા છે અને 1000થી વધુ લોકોના મોત થયા છે. તેથી જ તે એક મિસ્ટ્રી કે રહસ્ય બનેલું છે. તેને ડેવિલ્સ ટ્રાયેન્ગલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બર્મુડા ટ્રાયંગલ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત એક બ્રિટિશ વિદેશી પ્રદેશ છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પૂર્વ કિનારે, મિયામી (ફ્લોરિડા) થી માત્ર 1770 કિમી અને હેલિફેક્સ, નોવા સ્કોટીયા, (કેનેડા) થી 1350 કિમી (840 માઇલ) દક્ષિણે સ્થિત છે. એવું કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલંબસે સૌથી પહેલા તેની શોધ કરી હતી અથવા તેની માહિતી વિશ્વને આપી હતી. તેણે પોતાના લેખો દ્વારા જણાવ્યું હતું કે બર્મુડા ત્રિકોણમાં કેવા પ્રકારની ઘટનાઓ બને છે અને આ એક એવો રસ્તો છે જે એલિયન્સના આધાર તરફ લઈ જાય છે.
શું તે ખરેખર તેને ભૂત સાંકળીને જોવામાં આવે છે?

Hoia Baciu જંગલ વિશે ઘણી દંતકથાઓ છે જે તેને વધુ રહસ્યમય બનાવે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલમાં કોઈ ભૂતપ્રેતનો ત્રાસ છે, તેથી જે કોઈ આ જંગલમાં ફરવા જાય છે તે પાછો આવતો નથી.
આ જંગલ વિશે ઘણા લોકોનું માનવું છે કે આ જંગલમાં ભૂત સિવાય એલિયન્સ પણ રહે છે અને જો કોઈ વ્યક્તિ આ જંગલમાં જાય તો પણ એલિયન્સ તેને ગાયબ કરી દે છે. થોડા વર્ષો પહેલા એક લશ્કરી ટેકનિશિયને આ જંગલમાં ઉડતી રકાબી જોઈ હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય વર્ષ 1968માં પણ એમિલ બાર્નિયા નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે પોતાના કેમેરામાં UFOનો ફોટો કેદ કર્યો હતો, જે તે સમયે જંગલની ઉપર ઉડી રહ્યો હતો. જો કે, તે અન્ય UFO વાર્તાઓથી તદ્દન અલગ હતી. કારણ કે ઉડતી રકાબી જોઈ હોવાનો દાવો કરનાર એમિલ બાર્નિયાને સરકારે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. અહીં આવેલા કેટલાક પ્રવાસીઓએ પણ આવી જ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

વાંકાચૂંકા વૃક્ષો છે ખુબ જ ખતરનાક
આ કુખ્યાત જંગલ ક્લુજ-નાપોકા શહેરની પશ્ચિમે ક્લુજ કાઉન્ટીમાં આવેલું છે. 700 એકરમાં ફેલાયેલું આ જંગલ તેના વાંકાચૂકા વૃક્ષો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ જંગલમાં નાના-મોટા વૃક્ષો વાંકાચૂકા અને ખૂબ જ ડરામણા લાગે છે.

દંતકથા અનુસાર, એક ભરવાડ ઘેટાં સાથે આ વાંકાચૂંકા વૃક્ષોની વચ્ચે ગયો હતો અને અચાનક ગાયબ થઈ ગયો હતો. આ જંગલની નજીક રહેતા લોકોના કહેવા પ્રમાણે, તેઓ સેંકડો વર્ષોથી તેમના વડવાઓ પાસેથી આવી વાતો સાંભળતા આવ્યા છે. હકીકતમાં, વર્ષો જૂની વાતો મુજબ, તે માણસ જંગલમાં પ્રવેશતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે તે સમયે તેની સાથે 200 ઘેટાં હતાં. એવું માનવામાં આવે છે કે 1870 માં, નજીકના ગામમાં રહેતા એક ખેડૂતની પુત્રી આકસ્મિક રીતે આ જંગલમાં પ્રવેશી હતી અને પછી ગાયબ થઈ ગઈ હતી. જ્યારે છોકરી બરાબર પાંચ વર્ષ પછી જંગલમાંથી પાછી આવી ત્યારે લોકોને આશ્ચર્ય થયું, પરંતુ તેણીએ તેની યાદશક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. જોકે, થોડા સમય પછી તેનું પણ મૃત્યુ થયું હતું.

ઘણા લોકો હજુ પણ હોયા બસ્યુની મુલાકાત લે છે પરંતુ માત્ર દિવસ દરમિયાન અને તેઓ જંગલમાં હાજર વૃક્ષોથી દૂર રહે છે. જો કે, આ જંગલની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ અસ્વસ્થતા, ચિંતા, કોઈ તેમને જોઈ રહ્યું છે અને જંગલની અંદર ઈલેક્ટ્રોનિક સાધનો ફેઇલ જવાની ફરિયાદ કરી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો