ગુજરાતીઓ ટ્રાવેલ પ્રેમી હોય છે. રજા પડી નથી કે ઉપડી ગયા ફરવા. હવે પહાડો પર ફરવાના શોખીનો એવા હિલ સ્ટેશન શોધતા હોય છે જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી હોય. ચોમાસામાં બાળકોની સ્કૂલો ચાલુ હોય ત્યારે વીકેન્ડમાં તમે હિમાચલ કે ઉત્તરાખંડ તો ન જઇ શકો. પરંતુ ગુજરાતમાં જ ક્યાંક ફરવા જવું પડે. તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં પહાડ છે, ઝરણાં છે, જંગલ છે અને કુદરતનો શણગાર છે. તો આવો વાત કરીએ એક આવા જ સ્થળ વિશે.
રાજકોટ જિલ્લાના પાટણવાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ વિસ્તારમાં મેઘરાજા ખાસ્સા મહેરબાન થયા છે. કુદરતે ઓસમ ડુંગર પર અપાર હેત વરાસાવ્યું છે. આ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે. સતત વરસી રહેલા વરસાદના પગલે ઓસમ ડુંગરની ચારેબાજુ ઝરણાં જોવા મળે છે. ઊંચા ડુંગર પરથી પડી રહેલા પાણીના આ ઝરણાં ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યમાં ખુબજ વધારો કરી રહ્યાં છે.
આ સ્થાન કુદરતી સૌંદર્ય થી ભરપૂર ની સાથે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્રારા ધોરાજીથી પાટણવાવ જઈ શકાય છે. જેનું અંતર રાજકોટથી આશરે 110 કી.મી અને ધોરાજીથી 24 કિ.મી. જેટલું થાય છે. આ સ્થળની મુલાકાત માટે ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે.
સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એક માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, જેની નજરમાં ભીમ વસી ગયો હતો. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને જોરથી હિંચકો નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી.
તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે. આ ઉપરાંત પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.
ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણીતો હતો. વિહંગાલોકન કરતા ૐ આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે. આ ઓસમ ડુંગરની તળેટીમાં શિવજીની દિવ્ય પ્રતિમા છે. હાલમાં ચોમાસાની ઋતુમાં ઓસમ ડુંગર તમને અદ્ભૂત અનુભવ કરાવશે.
ઓસમ હિલના જોવા અને ફરવાલાયક સુંદર સ્થળો
ઓસમ ડુંગરનો આખો વિસ્તાર મહાભારત અને પાંચ પાંડવોના સાથે જોડાયેલો છે એટલે અહીં મોટાભાગના સ્થળોના નામ પાંડુ પુત્ર ભીમના નામથી રાખવામાં આવ્યા છે. જે પ્રખ્યાત છે અહીં હિડમ્બાનો હિંચકો, માત્રી દેવી મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, ગૌમુખ ગંગા, ભીમની થાળી, ભીમની કોઠી, ભીમકુંડ, ચોરવેડોની ગુફા, ગણેશ ગુફા વગેરે પૌરાણિક ગુફાઓ જોઇ શકો છો.
ટપકેશ્વર મહાદેવ મંદિર ડુંગરના પહાડોમાં સ્થિત છે. ટપકેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં વિરાજમાન શિવલિંગ પર કુદરતી રીતે દરેક સમયે જળાભિષેક થાય છે. ઓસમ ડુંગરની વનસ્પતિના મૂળમાંથી જળસ્ત્રાવો પહાડોને ચીરીને શિવલિંગ પર થતું રહે છે. આ શિવલિંગ પર પાણી પડતું હોવાના કારણે તેનું નામ ટપકેશ્વર મહાદેવ પડી ગયું છે.
ચોરવેડો ગુફા પાંચ પાંડવો માટે છુપાવાની જગ્યા ગણાતી હતી. 14 વર્ષના વનવાસ દરમિયાન પાંડુ પુત્રો, દ્રોપદી અને માતા કુંતી આ ગુફામાં સંતાવા અને આશરો લેવા માટે રહેણાંક તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ ગુફાને છુપો મહેલ પણ કહેવાય છે. ગુફાની અંદર ઓમ ધ્વનિનો આભાસ થાય છે. ઓસમ હિલ્સના ક્ષેત્રમાં ઘણી પ્રાચીન ગુફાઓ જોવા મળે છે. જેવી કે ગણેશ ગુફા, ચોરવેંડો ગુફા, ચોરની ગુફા વગેરે..આ ગુફાઓમાં આજે ઓસમ હિલના પ્રખ્યાત પર્લાઇટ ( Perlite ) નામના વોલ્કાનિક ગ્લાસ જોવા મળે છે. બધી ગુફાઓમાં ચામાચીડિયાનો વાસ છે.
માત્રી માતા મંદિર
ઓસમ પર્વતની દેવી માતા માત્રીજી પહાડની ખડકવાળી ગુફામાં સ્થિત છે. માતા માત્રીજીની મૂર્તિ અત્યંત સુંદર અને દર્શનીય છે. સ્થાન પર પર્યટક કુદરતી સુંદરતાના સાનિધ્યમાં માતાના પ્રસાદ અને દર્શનનો આનંદ લઇ શકે છે.
ગૌમુખ ગંગા
માત્રી માતાજીની નજીકમાં ગૌમુખ ગંગા નામનું પવિત્ર સ્થાન છે. જ્યાં પહાડી ખડકમાં એક પથ્થરમાં કુંડ બનેલો છે. આ કુંડમાં ગૌમાતાના મુખેથી સતત જળસ્ત્રાવ થતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે તે એક કુતુહલનો વિષય છે.
ભીમની થાળી
આ સ્થાન પૌરાણિક સમયથી આ ક્ષેત્રમાં પર્યટકોને આકર્ષિત કરે છે અને એક મલવા પથ્થર પર ડિશજેવા આકારમાં એક વિશાલ થાળી બનેલી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પાંડુ પુત્ર ભીમ આ થાળીમાં ભોજન કરતો હતો.
ભીમકુંડ
ઓસમ હિલ સ્ટેશનમાં હિલ્સની ઉપર એક સુંદર ભીમકુંડ આવેલો છે. જેમાં પાંડુ પુત્રોને સ્નાન કરવાનું સ્થાન છે. આ ઉપરાંત, ઓસમ હિલ પર્વત ક્ષેત્રમાં હિડમ્બાનો હિંચકો, પાણી કોટા, ભીમ કોઠા વગેરે સ્થળો છે.
મોસમ હિલ્સમાં પર્યટક પ્રાકૃતિક સુંદર શાંત માહોલમાં ટ્રેકિંગ, નેચર અને એડવેન્ચર કેમ્પિંગ, પિકનિક, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, વનભોજન, જિનાલય, મંદિર અને અહીંનું પ્રખ્યાત સુંદર સૂર્યાસ્ત અને જુદીજુદી પ્રાચીન ગુફાઓ, તળાવ, ઝરણાં, કુંડ જોવાનો આનંદ લઇ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો