પ્રાચીન કાળમાં મંદિર સામાજીક કેન્દ્રના મહત્વપૂર્ણ સ્થળ હતા. મંદિર જ એવી જગ્યા હતી જ્યાં નૃત્ય, સંગીત અને યુદ્ધની કળાઓને સન્માન આપવામાં આવતું હતું. દેશભરમાં આજે પણ એવા ઘણાં મંદિરો આવેલા જે ભૂતકાળના કારીગરોની અદ્ભૂત શિલ્પકળાની યાદ અપાવે છે.
કોણાર્કનું સૂર્યમંદિર
ઓરિસ્સાના પૂરી જિલ્લાનું કોણાર્કનું સૂર્યમંદિર ભારતના સૌથી વધારે પ્રસિદ્ધ સ્થળોમાંનું એક સ્થળ છે. ૧૯૮૪માં કોણાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. આ સૂર્ય મંદિરનું નામ કોણાર્ક એક સંસ્કૃત શબ્દ ઉપરથી પાડવામાં આવ્યું છે. સંસ્કૃતમાં કોણનો મતલબ ખૂણો થાય છે અને અર્કનો મતલબ સૂર્ય થાય છે.
આ બંનેને મેળવીને કોણાર્ક શબ્દ ઉપરથી મંદિરનું નામ રાખવામાં આવ્યું છે. જેનો ગુજરાતી મતલબ એ પણ થાય કે સૂર્યનો ખૂણો. આ મંદિરનું બાંધકામ ૧૩મી સદીમાં કરવામાં આવ્યું છે તેમ માનવામાં આવી રહ્યું છે. તેનું બાંધકામ ગંગ વંશના રાજા નરસિંહ દેવ દ્વારા 1200 મજૂરોની સહાયથી કરાવવામાં આવ્યું હતું. કોણાર્કનું મંદિર ખાસ તેના આકાર માટે પણ પ્રસિદ્ધ છે.
કલિંગ શૈલીમાં બનાવવામાં આવેલા આ મંદિરને સૂર્યના રથ જેવા આકારનું બનાવવામાં આવ્યું છે. પુરાણોમાં આલેખાયું છે કે સૂર્યદેવના રથને સાત અશ્વો દ્વારા ખેંચવામાં આવતો હતો, તેથી આ મંદિરનો આકાર પણ બાર જોડી ચક્રોવાળા રથ જેવો જ છે. મંદિરની ઝીણી ઝીણી કોતરણીમાં નીચેની તરફ રથના પૈડાં પણ કોતરવામાં આવ્યા છે.
જેથી તે સંપૂર્ણપણે રથના આકારનો લાગે. કોણાર્ક મંદિર તેની ઉપર કોતરવામાં આવેલી શિલ્પાકૃતિઓને કારણે પણ ઘણું પ્રસિદ્ધ છે. પૂરીમાં સૂર્યને બિરંચી નારાયણ કહેવામાં આવે છે તેથી ત્યાંના સ્થાનિક લોકો આ મંદીરને કોણાર્ક બિરંચી નારાયણના મંદિર તરીકે પણ ઓળખે છે.
ઇલોરાનું કૈલાસ મંદિર
અદ્ભુત અને અવર્ણનીય શિલ્પકલા ધરાવતા પ્રાચીન ભારતીય મંદિરોની યાદીમાં જેને સર્વદા આગવો ક્રમ મળે એવું મંદિર એટલે ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં ઇલોરાની ૩૪ ગુફાઓ આવેલી છે. ઇલોરાની ૩૪ ગુફાઓ પૈકીની નંબર ૧૬ની ગુફામાં આવેલ ભવ્યાતિભવ્ય કૈલાસમંદિર આવેલું છે. કૈલાસમંદિર પોતાની વિશિષ્ટ કારીગરીથી બેજોડ છે. ભગવાન શિવને મધ્યમાં રાખી બનાવેલા આ મંદિરને હિમાલયની કંદરાઓમાં આવેલા કૈલાસ પર્વત જેવો જ ઘાટ આપવામાં કારીગરોએ તનતોડ મહેનત કરેલી જણાય છે.
આ મંદિર સાડા બારસો વર્ષ કરતા વધુ સમય પહેલાંનુ છે…! ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકુટોએ કરેલું હોવાનું કહેવાય છે. કૈલાસમંદિરને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવ્યું હોવાનું કહેવાય છે અથવા તો કૃષ્ણ પ્રથમે ઇ.સ.૭૫૩ થી ૭૬૦ના સમયગાળા દરમિયાન તેને બંધાવવાની શરૂઆત કરી એમ કહેવું વધારે યોગ્ય છે.કેમ કે,આ મંદિરને બનાવતા ૧૫૦ વર્ષ લાગ્યા હતાં…!અને આ માટે ૭,૦૦૦ મજુરોએ સતત કામ કર્યું હતું!
કૈલાસમંદિર બાબતની સૌથી વિશિષ્ટ વાત એ છે કે,આખું મંદિર એક જ પથ્થરમાંથી નિર્મિત થયું છે. કહેવાય છે કે,આ માટે એક પહાડમાંથી વિશાળકાય ખંડ અલગ કરવામાં આવ્યો હતો. મંદિર બનાવવા માટે રાષ્ટ્રકુટોએ વિરુપાક્ષ મંદિરમાંથી પ્રેરણા લીધી હતી. ગુપ્તયુગ પછી આવું ભવ્ય બાંધકામ થયું હોવાના દાખલા અત્યંત અલ્પ છે. દ્રવિડ સ્થાપત્ય શૈલીના વિરલ નમુનારૂપ આ મંદિરને યુનેસ્કો દ્વારા ઇ.સ.૧૯૮૩માં હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું હતું.
દેલવાડા જૈન મંદિર
માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા. આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અહીંનું નક્શીકામ અદ્દભુત છે. દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે.
મંદિરમાં ચારે તરફ કળાના અત્યંત સુંદરતાથી કોતરેલા નમૂના દેખાય છે અને અહીંનો દરેક ભાગ પોતાની રીતે એક અજાયબી છે. દરેક પર તમારી નજર ટકેલી રહેશે. આવામાં આરસપહાણના પથ્થર પર કોતરવામાં આવેલું ખૂલતું અને બંધ થતું સૂરજમુખીનું ફૂલ તો આ મંદિરના ઉત્તમ નમૂનાનું એક ટ્રેલર છે.
અહીં આવેલા પાંચ મંદિરોમાંથી પહેલું વિમલ વસહી 11મી સદીમાં ગુજરાતના રાજાના મંત્રી વિમલ શાહે બનાવડાવ્યું હતું, જે જૈન ધર્મના પહેલી તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. જ્યારે બીજા મંદિર લુણવસહિને 13મી સદીમાં ગુજરાતના રાજાના બે મંત્રી ભાઇઓ વસ્તુપાલ અને તેજપાલે બનાવડાવ્યું હતું.
ત્રીજું પીતલહર મંદિર રાજસ્થાના ભામાશાહે બનાવડાવ્યું હતું. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં લાગેલી 4 હજાર કિલોની પંચધાતુની ભગવાન ઋષભદેવની પ્રતિમા છે. કહેવામાં આવે છે કે આ પ્રતિમામાં સેંકડો કિલો સોનું પણ વપરાયું છે.
દેલવાડા સ્થિત ચોથું મંદિર ભગવાન પાર્શ્વનાથનું છે. જૈન મંદિરના પ્રવેશદ્વારના ડાબા હાથ પર એક ત્રણ માળનું ચિંતામણી પાર્શ્વનાથનું ચૌમુખ મંદિર છે.
શોર મંદિર, મહાબલીપુરમ
આ મંદિરનું નિર્માણ ઇસ.પૂર્વે 700થી 728માં નરસિંહ વર્મન દ્વીતિય કાળમાં ગ્રેનાઇટથી કરવામાં આવ્યું હતું. 1400 વર્ષ કરતાં પણ જૂનું તેમજ સમુદ્રકિનારે ઉભેલું આ મંદિર અહીંનું સૌથી પ્રાચીન મંદિર છે. તેને બંગાળની ખાડના શોર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કાળા ગ્રેનાઇટથી થયું છે. આ મંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળ યાદી અંતર્ગત સામેલ કરવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો કે અહીં શિવલિંગ પણ છે.
આ મંદિર વાસ્તુશિલ્પ કલાનો અદભૂત નમૂનો છે. આ મંદિર પરિસરમાં દેવી દુર્ગાનું પણ એક નાનકડુ મંદિર છે જેમાં એક સિંહની મૂર્તિ બનાવેલી છે. આ મંદિરમાં અનેક ધર્મોના લોકો પૂજા કરવા આવે છે જે તે દરમિયાનના શાસકોના ધાર્મિક સહિષ્ણુતા હોવાનો દાવો કરે છે. અહીં શિવ, વિષ્ણુ, નંદી, દુર્ગા વગેરે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. સમય જતાં આ મંદિરનો ઘણો હિસ્સો દરિયામાં આવી ગયો છે.
વિરૂપાક્ષ મંદિર, કર્ણાટક
કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરૂપાક્ષ મંદિર ભારતના પ્રસિદ્ધિ ઐતિહાસિક મંદિરોમાંથી એક છે. આ મંદિર ઉત્તર કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં બેંગ્લોરથી લગભગ 353 કિમી દૂર છે. ત્યાં જ, બેલ્લારીથી તેનું અંતર 74 કિમી છે. એવું માનવામાં આવે છે કે, હમ્પી જ રામાયણ કાળનું કિષ્કિંધા છે. આ મંદિરનો ઇતિહાસ પ્રસિદ્ધ વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. અહીં ભગવાન શિવના વિરૂપાક્ષ રૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દ્વવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે. 500 વર્ષ પહેલાં આ મંદિરના દ્વાર બન્યાં હતાં. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગની વાર્તા રાવણ અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે.
આ મંદિર ભગવાન વિરૂપાક્ષ અને તેમની પત્ની દેવી પંપાને સમર્પિત છે. વિરૂપાક્ષ, ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. આ મંદિરની મુખ્ય વિશેષતા અહીંનું શિવલિંગ છે જે દક્ષિણ તરફ નમેલું છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ જ્યારે શિવજી દ્વારા આપેલાં શિવલિંગને લઇને લંકા જઇ રહ્યો હતો ત્યારે અહીં રોકાયો હતો. તેણે આ સ્થાને એક વૃદ્ધ વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું હતું. તે વૃદ્ધ વ્યક્તિએ શિવલિંગ જમીન ઉપર રાખી દીધું, ત્યારથી જ તે શિવલિંગ અહીં સ્થાપિત થઇ ગયું. લાખ કોશિશ કર્યા બાદ પણ તેને ખસેડી શકાયું નહીં.