વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશના લોકો જગતમાં કોઈ પણ ખૂણે જશો ત્યાં મળી જ રહેશે. પણ દેશ બહાર વસતા ભારતીયોમાં સૌથી મોખરાનું સ્થાન કદાચ ગુજરાતીઓને જ મળે. ગુજરાતીઓ આખા ભારતમાં કદાચ પ્રવાસની સૌથી શોખીન પ્રજા છે. અરે! આપણું તો પુષ્કળ સાહિત્ય પણ પ્રવાસના શોખને ઉજાગર કરે છે.
ઉનાળાનું વેકેશન હોય કે પછી દિવાળીની રજાઓ, પ્રવાસપ્રેમી ગુજરાતીઓ હંમેશા કોઈ અનોખા પર્યટન સ્થળે 'ફરવા જવા' માટે તલપાપડ થતાં હોય છે. એક જ પ્રદેશના આટલી મોટી સંખ્યામાં લોકો ટ્રાવેલ કરી રહ્યા હોય એટલે દરેક સાથે અમુક કોમન અનુભવો તો થવાના જ.
તો અહીં આપણે ગુજરાતી પ્રવાસીઓની અમુક આગવી લાક્ષણિકતાઓ પે નજર કરીએ. આપણે એવા અનુભવો વાગોળીએ જે વાંચીને કોઈ પણ ગુજરાતી ટ્રાવેલર કહેશે કે હા, અમારી સાથે પણ આવું બન્યું છે.
1. થેપલા:
દિવસો કે મહિનાઓથી પ્રવાસની તૈયારી ચાલી રહી હોય તેમાં સૌથી છેલ્લે, પણ ભૂલ્યા વિના અચૂકપણે મુકાતો સામાન એટલે થેપલાંનો ડબ્બો! ભારતના વિવિધ રાજ્યમાં પ્રવાસ કરો કે વિદેશમાં, ગુજરાતીઓ માટે થેપલા એ ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ જેટલી અનાવશ્યક ચીજ છે.
2. કોરો નાસ્તો
પ્રવાસમાં જવાની યોજના બને તે સાથે જ ગુજરાતી રસોડાઓ નાસ્તાઓથી ધમધમવા લાગે. ગુજરાતીઓ જ્યારે ફરવા જાય ત્યારે 4 5 કપડાંની મોટી બેગ/થેલાની સાઇઝ જેટલો જ એક અલગ થેલો ખાસ નાસ્તાનો અલાયદો રાખવામાં આવે છે. 90% ગુજરાતીઓ પ્રવાસ સમયે મમરા, ચેવડો, ચવાણું, ગાંઠિયા, ચકરી, વગેરે જએવો કેટલોય કોરો નાસ્તો સાથે રાખતા હોય છે.
3. પ્રવાસના સ્થળે કોઈ અન્ય ગુજરાતી સાથે મુલાકાત
2008 ના મારા મનાલી પ્રવાસનો એક અનુભવ મને બરાબર યાદ છે. એક મોટું ગ્રુપ ગુજરાતીમાં વાતો કરતું હતું અને તેમનો ફોટો પાડવા મને કેમેરા આપ્યો. તે સમયે ડિજિટલ કેમેરા હજુ સાવ કોમન નહોતા એટલે તે બહેને મને હિન્દીમાં કેમ ફોટો પડાય તેની સૂચના આપવા માંડી. મેં કહ્યું, "હું પણ ગુજરાતી જ છું આન્ટી, મને ફાવશે ફોટો પાડતાં, ડોન્ટ વરી!"
ભારતના ડઝનબંધ રાજ્યોના પ્રવાસમાં મેં એક પણ ડેસ્ટિનેશન એવું નથી જોયું જ્યાં ગુજરાતી પ્રવાસીઓ ન હોય! અને પછી "તમે ક્યાંથી આવો છો?" કહીને થોડી વાતો પણ કરવી જ પડે ને!
4. સહપ્રવાસી સાથે આત્મીયતાપૂર્વક વાતો
જો તમે પ્રવાસપ્રેમી હશો તો તમે ચોક્કસ નોંધ્યું હશે કે ટ્રેન અથવા ફ્લાઇટ, ભલે ગમે તે માધ્યમથી પ્રવાસ કરી રહ્યા હોય, પણ ગુજરાતીઓ તેના સહપ્રવાસીઓ સાથે વાતોએ વળગ્યાં વગર નથી રહેતા! પોતાના વતનની, પ્રવાસના સ્થળની, વર્તમાન સમચારોની વગેરે અનેક વિષયોની ચર્ચા કરે છે.
5. વેજ રેસ્ટોરાંની શોધ
મારા નાનપણમાં જ્યારે ભારતમાં હજુ ઈન્ટરનેટનું અસ્તિત્વ નહોતું ત્યારે સ્થાનિકોને પૂછી પૂછીને વેજ રેસ્ટોરાંની શોધમાં અમે ખૂબ ચાલ્યા છીએ. એકાદ બે અપવાદોને બાદ કરતાં અમે ક્યારેય શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાં જ જમવું તે પરંપરા ક્યારેય નથી તોડી. કોઈ વાર એવું પણ બને કે રેસ્ટોરાં ન જ મળે, અથવા ખૂબ દૂર હોય તો ઘરનો નાસ્તો ખાઈને ચલાવી લઈએ એમ પણ બને. હોટેલમાં રોકાયેલા અન્ય ગુજરાતી પરિવારો પાસેથી વેજ રેસ્ટોરાં વિષે પૂછપરછ કરીએ તેવું પણ બને!
6. વધારાના કપડાં
મોટા ભાગના ગુજરાતીઓ હંમેશા આવવા-જવાની બંને સમયની ટિકિટ સાથે જ પ્રવાસ કરતાં હશે પરંતુ જેટલા દિવસનો પ્રવાસ હોય તેના 2 દિવસ વધી જાય તો પણ વાંધો ન આવે એ રીતે જ સૌ કપડાં લઈને નીકળે છે.
7. મમ્મીનો મોટો થેલો
હોટેલમાંથી નીકળીને આખો દિવસ પર્યટન સ્થળોએ જવાનું હોય તેમાં આપણી સાથોસાથ એક મોટો થેલો પણ હોય જેમાં ચોકલેટ, પૂરતો નાસ્તો, થોડી ડિશ-ચમચી, દાંતિયો, નેપકિન, ટીસ્યુ પેપર, ક્યારેક છત્રી વગેરે કેટલીય વસ્તુઓ હોય. એક સ્થળથી બીજા સ્થળે જતી વખતે ગુજરાતીઓ ટેક્સીમાં નાસ્તો કરે અને વળી ડ્રાઈવર ભાઈને પણ પ્રેમથી આપે! અલબત્ત, મોટા ભાગે આ વસ્તુઓ ઘણી જ ઉપયોગી સાબિત થતી હોય છે.
8. ટ્રેન કે ફ્લાઇટમાં થતો નાસ્તો
ટ્રેન કે ફ્લાઇટ ઉપડે તેની અમુક જ મિનિટોમાં ઘરનો આવેલો નાસ્તો યાદ ન કરે તે ગુજરાતી નહિ! કદાચ શિસ્તમાં માનનારા લોકો તાત્કાલિક ડબ્બાઓ ન ખોલે પણ મોજીલા ગુજરાતી પ્રવાસીઓ પ્રવાસ શરુ થતાંની સાથે જ જલસાથી નાસ્તો કરે છે અને બાજુમાં બેસેલા પ્રવાસી સાથે પણ હોંશભેર શેર કરે છે.
9. આખા પરિવાર માટે ખરીદી
પ્રવાસના કોઈ સ્થળે ગયા હોવ તો આખા પરિવાર માટે તે સ્થળનું કઈક 'સંભારણું' લેવા નીકળવું એ કોઈ પણ પ્રવાસનો વણલખ્યો નિયમ છે. અરે! પરિવારમાં પણ લોકો પાસે જે તે પ્રવાસના સ્થળની બેઝિક માહિતી તો હોય જ, એટલે આપણે જઈએ તે પહેલા જ કુટુંબીજનો પણ આપણી ત્યાંની સ્પેશિયલ ખીરીદી મેળવવા/જોવા આતુર હોય.
10. સામાન પર નામના સ્ટીકર્સ
ફ્લાઇટ્સની મુસાફરી વધતાં આ પ્રથા હવે થોડી ઓછી થઈ ગઈ છે. પણ સાવ બંધ તો નથી જ થઈ. નામ, સરનામું અને ફોન નંબર લખેલા મોટા સ્ટીકર્સ મોટા ભાગના ગુજરાતી ટ્રાવેલર્સના બેગ પર જોવા મળે છે.
આ સિવાય તમે પણ ગુજરાતી પ્રવાસીઓની અન્ય કોઈ લાક્ષણિકતા જોઇ કે અનુભવી હોય તો કમેન્ટ્સમાં જણાવો.
ફોટો ક્રેડિટ્સ: Pixabay
.
વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.