
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જો તેના ભૂતિયા હોવાના કારણે ભારતભરમાં પ્રસિદ્ધ છે. આ બધી જગ્યાઓને લઇને અલગ-અલગ લોકો ભૂત-પ્રેત સાથે જોડાયેલી જુદા જુદા પ્રકારની વાર્તા કરે છે. જો કે, મનોવિજ્ઞાન તો એમ કહે છે કે જ્યાં ભય હોય છે ત્યાં ભૂત હોય છે. તો આ જ ડિસ્ક્લેમરની સાથે ચાલો જાણીએ ભારતની એવી 10 જગ્યાઓ અંગે જ્યાં ભૂત હોવાનો દાવો કરવામાં આવે છે.
1) ભાનગઢ, રાજસ્થાન:-

ભાનગઢને લોકો ભૂતગઢ પણ કહે છે. આજથી બરોબર 400 વર્ષ પહેલા 17મી સદીમાં આનું નિર્માણ થયું હતું. એક કથા અનુસાર એક તાંત્રિક કિલ્લાની રાજકુમારી પર મોહિત થઇ જાય છે. અને તેને વશમાં કરવા માટે કાળાજાદુનો પ્રયોગ કરે છે. જો કે આ પ્રયોગ નિષ્ફળ જાય છે અને તાંત્રિકનું જ મોત થઇ જાય છે પરંતુ મરતા પહેલા તે શ્રાપ આપે છે કે ભાનગઢ એક જ રાતમાં સમાપ્ત થઇ જશે. સંયોગથી એક મહિના બાદ ભાનગઢ કિલ્લા પર હુમલો થાય છે અને તે હુમલામાં રાજકુમારી સાથે સાથે મહેલના બધા લોકોના મૃત્યુ થઇ જાય છે. સ્થાનિક લોકોના મતે મરી ગયેલા લોકોની આત્મા હજુ પણ આ કિલ્લામાં ભટકી રહી છે. આ જ કારણથી સરકારે પણ ચેતવણી જાહેર કરેલી છે કે અંધારા પછી પ્રવાસીઓએ કિલ્લાની બહાર નીકળી જવું.
2) થ્રી કિંગ્ઝ ચર્ચ, ગોવા:-

સ્થાનિક કહાનીઓ અનુસાર એક સમયે અહીં 3 પોર્ટુગીઝો રહેતા હતા. ત્રણેયમાં અવારનવાર વર્ચસ્વનો જંગ ચાલતો હતો. દરમિયાન હોલ્ગેર નામના રાજાએ અન્ય બે રાજાઓને આ જ ચર્ચમાં બોલાવીને કપટ રચીને મારી નાંખ્યા. લોકોને જ્યારે આ વાતની ખબર પડી તો ગુસ્સે થઇને ચર્ચને ઘેરી લીધું. આ જ કારણે હોલ્ગેરે પણ મજબૂરીમાં આત્મહત્યા કરી નાંખી. ત્યારબાદ ત્રણેય રાજાઓના શબને ચર્ચમાં જ દફનાવી દેવામાં આવ્યા. ત્યારથી ચર્ચમાં આવતા લોકોને આ રાજાઓની હાજરીનો અહેસાસ થાય છે.
3) ટૉવર ઑફ સાઇલેંસ, માલાબાર હિલ્સ, મુંબઇ

મુંબઇના માલાબાર હિલ્સ વિસ્તારમાં આવેલી આ જગ્યા હકીકતમાં તો પારસી સમુદાયનું કબ્રસ્તાન છે. લોકોનું માનીએ તો અહીંથી પસાર થતા લોકો પાસે એક સુંદર છોકરી લિફ્ટ માંગે છે. એટલું જ નહીં કબ્રસ્તાનને અડીને આવેલા રોડ પર એક પારસી પરિવારની આત્માઓ જોયાનો પણ કેટલાકે દાવો કર્યો છે. લોકોના કહેવા પ્રમાણે આ પારસી પરિવારનું કાર અકસ્માતમાં મોત થયું હતું. સુંદર છોકરી અને પારસી પરિવારે કથિત રીતે આ જગ્યાએથી પસાર થતા લોકોને નુકસાન પહોંચાડ્યું છે.
4) લાંબી દેહર માઇન્સ, મસૂરી

હવાખાવાના મશહૂર સ્થળ મસૂરીના બહારના વિસ્તારમાં સ્થિત આ જગ્યા ભૂતોનું સ્થાન હોવાનું કહેવાય છે. કહેવાય છે કે 1990ના દશકમાં જ્યારે ખાણનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે અંદાજે 50 હજાર મજૂરો કામ કરી રહ્યા હતા. પરંતુ સ્ટોન માઇન્સના કારણે ફેલાયેલી બિમારીના કારણે એક પછી એક મજૂરોના મોત થવા લાગ્યા.
સ્થાનિક લોકોનું માનવુ છે કે આ માઇન્સમાં મરી ગયેલા લોકોએ આને પોતાનું ઘર બનાવી લીધુ છે. આ જ કારણ છે કે લોકોને અવારનવાર અહીં ચીસો સંભળાય છે. રહસ્યમયી રીતે અહીં કાર અને ટ્રકોના અકસ્માત થવાના બનાવો પણ બન્યા છે.
5) કુલધારા ગામ, રાજસ્થાન

રાજસ્થાનનું આ ગામ છેલ્લા લગભગ 175 વર્ષોથી વિરાન પડ્યું છે. એક સમયે કુલધારા ગામ સમૃદ્ધ હતું. લોકોના કહેવા પ્રમાણે એક દિવાન ગામની છોકરી પર મોહિત થઇને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ગામના લોકો તેના માટે તૈયાર નહોતા. દિવાને જોરજબરસ્તી કરી તો બધા ગામવાળા કુલધારા છોડીને જતા રહ્યા. પરંતુ જતા જતા શ્રાપ આપીને ગયા કે બીજુ કોઇ આ જગ્યાએ નહીં રહી શકે. તે દિવસ અને આજનો દિવસ, કુલધારા ગામ સૂમસામ પડ્યું છે.
6) ગ્રાન્ડ પેરોડી ટૉવર, મુંબઇ

1976માં બનેલી આ ભૂતિયા ઇમારતમાં અત્યાર સુધી 8 લોકોએ કુદીને આત્મહત્યા કરી છે. 2004માં એક વૃદ્ધ દંપતિએ બિલ્ડિંગના આંઠમા માળેથી પડતું મૂક્યું હતું. આ ઘટનાના એક વર્ષની અંદર તે પરિવારના બધા સભ્યોએ એક એક કરીને છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. આશ્ચર્યની વાત એ છે કે મરનારામાં નાના પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ હતા. ત્યારબાદ આ બિલ્ડિંગ સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાવા લાગી. લોકોમાં એવી ધારણા છે કે અદ્રશ્ય શક્તિ લોકોને આત્મહત્યા કરવા માટે ઉકસાવે છે.
7) રાષ્ટ્રીય પુસ્તકાલય, કોલકાતા

કોલકાતાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં અનેક પ્રકારની રહસ્યમયી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે. આ પુસ્તકાલયને બનાવતી વખતે કેટલાક મજૂરોના મોત થયા હતા. અહીં કામ કરનારા ગાર્ડનું માનીએ તો આ મજૂરોની આત્મા પણ આજે પણ લાયબ્રેરીમાં ભટકી રહી છે. એવું કહેવાય છે કે દરરોજ સવારે લાયબ્રેરી ખોલવા પર પેપર અને બાકી સામાન વિખરાયેલા પડ્યા છે.
8) તાજ હોટલ, મુંબઇ

જે વાસ્તુકારે તાજ હોટલ બનાવી તેણે જ આ હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પાછળનું કારણ એ બતાવાયું કે વાસ્તુકાર જેવું ઇચ્છતો હતો તેવી ડિઝાઇન નહોતી બની શકી. થયું એવું કે તાજ હોટલનું નિર્માણ તેના નિર્દેશોથી બિલકુલ ઉલટું થઇ ગયું. કહેવાય છે કે આના કારણે ટેન્શનમાં તેણે આત્મહત્યા કરી લીધી. ત્યારથી લઇને આજ સુધી આ હોટલમાં રોકાતા મહેમાનોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમને હોટલના રુમમાં એક ડરામણા પડછાયાનો અનુભવ થાય છે.
9) સેવૉય હોટલ, મસૂરી

1902માં બનેલી આ હોટલના ભૂતિયા કિસ્સા ચર્ચામાં રહ્યા છે. કહેવાય છે કે વર્ષ 1911માં ગરમીઓના દિવસોમાં આ હોટલના સૌથી ઉપરના માળે એક મહિલાની લાશ મળી હતી. તેનું મૃત્યુ કેવી રીતે થયુ અને કોણે હત્યા કરી તે સવાલોના જવાબો તો ન મળ્યા. પણ ત્યારબાદ હોટલમાં અજીબોગરીબ ઘટનાઓનો દોર શરુ થઇ ગયો. એવું કહેવાય છે કે તે મહિલાને ઝેર આપીને મારી નાંખવામાં આવી હતી. કથિત રીતે તે મહિલાની આત્મા આજે પણ સેવૉય હૉટલમાં પોતાના હત્યારાની શોધમાં ભટકી રહી છે.
10) રાજ કિરણ હોટલ, લોનાવાલા

આ હોટલમા એવો રુમ છે જેમાં ભૂત હોવાની વાતો કરવામાં આવે છે. હકીકતમાં શરુઆતમાં આ રુમમાં રહેનારા ઘણાં બધા લોકોએ એ ફરિયાદ કરી કે રાતના સમયે રુમની અંદર વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગે છે. ક્યારેક કોઇ પથારીની ચાદર ખેંચવા લાગે છે તો ક્યારેક બારીમાંથી અચાનક તેજ હવા આવવાની શરુ થઇ જાય છે. આવી ઘટનાઓની વારંવાર ફરિયાદો પછી આ રુમને હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યો.
– રોશન સાસ્તિક