આ આર્ટિકલ અંબાણી કે પછી મહિન્દ્રા કે ગાંધી જેવા મોટા પરિવારો માટે નથી પરંતુ આમ આદમી એટલે કે સામાન્ય માણસ માટે છે.
આપણામાંથી મોટાભાગના લોકો પુરા મહિના સુધી કામ કરે છે મહિનાના અંતે પોતાને ગમતી ટુર કરવા માટે અથવા તો કોઈ લકઝરી વસ્તુ ખરીદવા માટે. પરંતુ આપણે દરેક વસ્તુ મેળવી શકતા નથી. મારો કોલેજનો મિત્ર ગૌરવ સાઉથ ઇસ્ટ એશિયા ફરવા જવું કે પછી એપલ મેકબુક લેવી એ બાબતમાં મૂંઝાઈ ગયો હતો. મોટા ભાગે આપણે પ્રવાસ, કોન્સર્ટ કે પછી અન્ય અનુભવોની સામે કોઈ ગેજેટ, ગાડી કે અન્ય કોઈ વસ્તુ જ પસંદ કરતા હોઈએ છીએ. કારણ સામાન્ય છે, ભૌતિક વસ્તુઓ લાંબો સમય ટકે છે જયારે અનુભવો તો કોઈ દિવસ પૂરતા જ હોય છે.
પરંતુ હું તમને કહેવા માંગુ છું કે સાયકોલોજી રિસર્ચ આનાથી બિલકુલ વિપરીત કહે છે.
મેડિન્સિનની યુનિવર્સીટી ઓફ વિસ્કોન્સિનના પ્રોફેસર થોમસ દલેરએ એક રિસર્ચ કરેલું જે મુજબ માણસની ખુશી અથવા સુખ સાથે માત્ર વેકેશન, સ્પોર્ટ્સ, એન્ટરટેઇન્મેન્ટ, આરામ વગેરે જેવા અનુભવો જ જોડાયેલા જોવા મળ્યા હતા. આપણામાંના ઘણા લોકો આ વાત સમજે છે કે પ્રસિદ્ધિ કે પછી પ્રોફેશનલ સફળતા જ માત્ર જીવન સુખી હોવાના કારણો નથી.
કોઈ નવી પ્રોડક્ટ લઈએ એના અમુક દિવસો સુધી એની સાથે આપણને ઉત્સાહ જોડાયેલો જોવા મળે, ફેસબુક અને અન્ય સોશ્યિલ મીડિયામાં લાઈક મળે એનાથી આનંદ પણ થાય પરંતુ જેવો અમુક સમય જતો રહે એટલે પ્રોડક્ટ જૂની થઇ જાય અને એનું કોઈ નવું મોડેલ પણ આવી જાય એટલે આપણે દુઃખી થઇ જઈએ. અને આપનો હેપીનેસ ઈન્ડેક્સ કિંગફિશરના શેર પ્રાઇસ કરતા પણ ઓછો થઇ જાય!
એની સામે જોઈએ તો અનુભવો આપણને કેટલા સમય સુધી ખુશ રાખે છે! કોઈ કોન્સર્ટમાં જવાનું હોય તો એના અઠવાડિયાઓ પહેલેથી આપણે પ્લાનિંગ શરુ કરી દઈએ, અને પાછા ફરતી વખતે એક નવા જ અનુભવોનું ભાથું સાથે લઈને આવીએ!
કોઈ ખરાબ અનુભવ પણ એક સારી વાર્તા બની જતો હોય છે. બીચ વેકેશનમાં ગયા હો અને ત્યાં વરસાદ તૂટી પડે તો પણ લોકો પાસે કહેવા માટે વાતો હોય છે જેમકે "અમે કેવી રીતે ઇન્ડોર ગેમ્સ રમીને મજા કરી!" આ રીતે નેગેટિવ મોમેન્ટ પણ લાંબા ગાલે પોઝિટિવ બની જતી હોય છે. હું તો એમ કહીશ કે અનુભવોમાં આપણને બદલાવી નાખવાની શક્તિ હોય છે. ગૂગલના CEO પેટ્રિકે એશિયા ફરવા માટે અને કુટુંબ સાથે સમય ગાળવા ગૂગલની નોકરી છોડી દીધી હતી!
હા એવું જરૂરી નથી કે બીજા માટે જે અનુભવ કામ કરે એ તમારા માટે પણ કામ કરે જ. ચોઈસ તમારી છે તમારે મેકબુક લેવી છે કે અનુભવ!