ખૂબસૂરત જગ્યાઓ એક્સ્પ્લોર કરવાના દીવાનાઓ અને સાથે જ સ્વાદના શોખીનો માટે આજે વાત એક એવી અદભુત જગ્યાની જ્યાં આપણા જેવા ઘુમક્કડ લોકો માટે હરવા ફરવા અને જોવા લાયક ટુરિસ્ટ પ્લેસીસની ભરમાર છે અને અહીંની સ્વાદ સફરની તો વાત જ શું કરું...તો ચાલો આજે તમને લઈ જઈએ એવા શહેરની ગલીઓમાં જ્યાંના પર્યટન સ્થળો તમારા મનને ગમી જાય અને જ્યાં હર મોડ પર તમને અદભુત સ્વાદનો થાય અનુભવ..આ શહેર એટલે ફુડ સિટી ઈંદૌર.જેની સવાર સ્વાદની સોડમ ધરાવતા ગરમાગરમ પૌઆ અને જલેબી સાથે પડે છે...અને સાંજ અતિ સ્વાદિષ્ટ એવા વ્યંજનો સાથે ખતમ થાય છે...એ વાતમાં કોઈ શંકા નહીં કે ઈન્દૌર મધ્યપ્રદેશનું એક બેહદ ખૂબસૂરત શહેર છે...જેને મિની મુંબઈ પણ કહેવાય છે...ફુડ સિટી તરીકે જાણીતું ઈન્દૌર પોતાના સ્ટ્રીટફુડની વેરાયટી અને ટેસ્ટ માટે તો પ્રખ્યાત છે જ. પરંતુ ઈન્દૌરની કેટલી ઐતિહાસિક, પ્રાકૃતિક અને ધાર્મિક જગ્યાઓ આ શહેરની સુંદરતામાં વધારો કરે છે.
રાજવાડા પેલેસની સફર
મુગલ, મરાઠા કે પછી અંગ્રેજોનું શાસન જોઈ ચુકેલા ઈન્દૌરમાં હજી પણ સદીઓ પુરાણા વારસા શ્વાસ ભરતા અડીખમ ઉભા છે..ટુરિસ્ટ લોકેશનની વાત કરીએ તો ઈન્દૌરમાં આવેલા સાત માળના રાજવાડા પેલેસના દર્શન તો કરવા પડે. હોલકર વંશના રાજા દ્વારા આ પેલેસનું નિર્માણ 1766માં કરાવાયું...જો કે મરાઠાઓ ઉપરાંત પણ રાજવાડા પેલેસમાં મુગલ અને ફ્રેન્ચ વાસ્તુકલાની ઝલક પણ જોવા મળે. રાજવાડા પેલેસની ખાસિયત છે કે અહીંના ઉપરના માળનું બાંધકામ લાકડાનું છે...અહીં દરરોજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો બતાવવામાં આવે છે જે પર્યટકોનું ધ્યાન ખેંચે છે. રાજવાડા પેલેસમાં આમ તો પ્રવેશ નિશુલ્ક છે પરંતુ સંગ્રહાલયની કલાકૃતિઓ જોવા માટે તમારે એન્ટ્રી ફીસ ચુકવવી પડશે.
લોકેશન – રાજવાડા સર્કલ, ઈન્દૌર
ટાઈમિંગ - 10:00 am થી 5:00 pm; (સોમવારે બંધ)
એન્ટ્રી ફી- ભારતીય નાગરિકો માટે – 10 ₹ પ્રતિ વ્યક્તિ
વિદેશી નાગરિકો માટે – 250 ₹ પ્રતિ વ્યક્તિ
લાઈટ એન્ડ સાઉન્ડ શો ટાઈમિંગ - 06:30 pm (Hindi) and 7:45 pm (English)
લાઈટ એન્ડ સાઉન્ડ શો ચાર્જ - 200 ₹ પ્રતિ વ્યક્તિ
લાલ બાગ પેલેસ
ઈન્દૌરમાં નદીના કિનારા પર આવેલા લાલ બાગ પેલેસનું પણ પોતાનું આગવું મહત્વ છે...આ પેલેસની દિવાલોની ખૂબસૂરત કોતરણી અને માર્બલ ફ્લોરિંગનું કામ ઉડીને આંખે વળગે...મધ્ય પ્રદેશના શ્રેષ્ઠ મ્યુઝિયમમાં શામેલ એવા લાલબાગ પેલેસમાં એક સમયે મરાઠાઓનો નિવાસ હતો જેને હવે મ્યુઝિયમનું રુપ આપી દેવાયું છે....ત્યારે લાલ બાગ પેલેસના બાંધકામની ખાસિયત છે કે અહીંનો મુખ્યદ્વાર મહદંશે લંડનના બકિંઘમ પેલેસની સાથે મળતું આવે છે. આ પેલેસનું નિર્માણ મહારાજ શિવાજી રાવ દ્વારા 1886 થી 1921 વચ્ચે કરાવવામાં આવ્યું જેનું ઐતિહાસિક મહત્વ છે. આ મ્યુઝિયમમાં સદીઓ જુના સિક્કાઓ અને હોલકર રાજવંશની કેટલીક સુંદર કલાકૃતિઓ પણ જોવા મળે છે.
લોકેશન – ઈન્દિરા નગર , ઈન્દૌર
ટાઈમિંગ - 10:00 am થી 5:00 pm; (સોમવારે બંધ)
એન્ટ્રી ફી - ₹ 10 પ્રતિ વ્યક્તિ
હોલકર છત્રી- કૃષ્ણપુરા છત્રી
ઈન્દૌરની ઐતિહાસિક જગ્યાઓમાં હોલકર છત્રી કે કૃષ્ણાપુરા છત્રીનો પણ સમાવેશ થાય છે. હોલકર રાજવી પરિવાર દ્વારા આ કૃષ્ણપુરા છત્રી જેવા સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હોલકર મરાઠાઓના વારસા સમાન આ જગ્યા પર ત્રણ છત્રી અને પાંચ કબર આવેલી છે. અહીં ખાસ વાત એ છે કે હોલકર છત્રી હોલકર શાસકોના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવાયેલ આ છત્રી અંતિમ વિશ્રામસ્થાન ગણાય છે... કૃષ્ણાપુરા છત્રીમાં તમામ છત્રી પથ્થરથી બનાવવામાં આવી છે. સાથે જ મહારાણી કૃષ્ણબાઈ માટે બનાવાયેલું કૃષ્ણ મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર છે.
ગાંધી હૉલ
ઈન્દૌરના પ્રખ્યાટ ટુરિસ્ટ સ્પૉટમાં અહીંનો ગાંધી હૉલ પણ સમાવિષ્ટ છે...ઈંડો ગોથિક સ્ટાઈલમાં બનાવાયેલી આ ઈમારતનું નામ એડવર્ડ હૉલ હતું. જેનું ઉદ્ઘાટન બ્રિટનના રાજકુમાર જ્યોર્જ પાંચમાએ કર્યું હતું. જો કે આઝાદી બાદ એડવર્ડ હૉલનું નામ બદલીને ગાંધી હૉલ કરી દેવામાં આવ્યું. ઈંદૌરનો ગાંધી હૉલ આજે પણ તેની દિવાલો પરની અદભુત કોતરણી અને અહીંની સાંસ્કૃતિક કલા પ્રદર્શિત કરતા એક્ઝિબિશન માટે પ્રખ્યાત છે.
કાંચ મંદિર
ઈન્દૌરમાં જોવાલાયક સ્થળોમાં અહીંનું કાંચ મંદિર પણ ખુબ જ પ્રસિદ્ધ છે. આ એક જૈન મંદિર છે જે આખું કાચનું બનેલું છે. આ મંદિરમાં કરવામાં આવેલું નક્શીકામ બહેતરીન છે. જો આપ ધાર્મિક આસ્થા ન પણ રાખતા હો તો આપની સફરમાં આ કાંચ મંદિરની મુલાકાત તેની બનાવટ અને બાંધકામના દીદાર કરવા માટે શામેલ કરી શકો. કાંચ મંદિરમાં ફ્લોરથી લઈને અહીંની છત અને થાંભલા પણ કાંચથી બનેલા છે...કાંચ મંદિર રાજવાડા પેલેસથી લગભગ 300 મીટર દૂર આવેલું છે જે લગભગ 110 વર્ષ જૂનુ હોવાનું માનવામાં આવે છે. આ મંદિરમાં ફોટોગ્રાફી કે વીડિયો ગ્રાફી માટે મંજુરી નથી.
લોકેશન – ઈંટવારિયા બજાર, ઈન્દૌર
ટાઈમિંગ - 5:00 am થી 12:00 pm, 4:00 pm થી 8:00 pm, દરરોજ
સરાફા બજાર
બધી વાત બરાબર....પણ ઈન્દૌર જેના માટે જાણીતું છે એ ફુડની વાત ન થાય તો કેમ ચાલે...હવે તમને લઈ જઈએ ઈન્દૌરના માણેકચોકમાં...એટલે કે સરાફા બજાર...અમદાવાદની જેમ જ સવારે જ્વેલરીની બજાર અને સાંજના સમયે આખો વિસ્તાર બની જાય ફુડ માર્કેટ...ઈન્દૌરની એ ખાણીપીણીની બજાર જે દરેક ફુડલવર્સ માટે સ્વર્ગ સમાન છે...જો તમારી જીભને ટેસ્ટનો ચટાકો હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. ઈન્દૌરના સરાફા બજારમાં સ્વાદિષ્ટ વ્યંજનોની ભરમાર મળી જશે તમને...એક ચાખો અને એક ભુલો...ટેસ્ટની બાબતમાં ઈન્દૌરની વાત ન થાય. ખુબ જ ટેસ્ટી વાનગીઓ અહીં ચાખવાનો મોકો ચૂકવા જેવો નથી. અને હા...અહીંયા કઈ કઈ વાનગીઓ ટ્રાય કરીશકો એ પણ જરા જાણી લો...
દાલ બાફલે તો અહીંની સ્પેશિયાલિટી છે...મહદંશે દાલ બાટી જેવું પણ અલગ જ ફ્લેવર ધરાવતું વ્યંજન છે દાલ બાફલા...અને ઈન્દૌરના સ્ટ્રીટ ફુડમાં ખમણ, કચોરી અને એમાં પણ અલગ અલગ વરાયટી જેમકે સાબુદાણાની ખિચડી, ચાટ, આલુ કચોરી, દાલ કચોરી જેવા ઓપ્શન., દહીંવડા, સમોસા, ખોપરા પેટિસ , બેક્ડ સમોસા, ભેળ પુરી, પાણી પુરી, મઠરી, ભુટ્ટે કા કીસ, આલૂટિકિયા અને આવા તો કંઈ કેટલાય સ્નૅક્સ.મીઠાઈની દુકાનોની વણઝાર છે ઈન્દૌરમાં...
મોડી રાત્રે ઈન્દૌરમાં સ્વાદના શોખીનો નીકળી પડે સ્વાદની શોધમાં.જ્યાં સરાફા બજાર કે જેને ઈન્દૌર શહેરનું દિલ માનવામાં આવે છે.અહીંની ખાસ વાનગીઓમાં ગજક, ભુટ્ટા કિસ, ગુલાબ જાંબુ, ગરાડૂ, રબડી, ગરમ મીઠા દૂધ, , ગાજર હલવા, મૂંગ હલવા,આઈસ્ક્રીમ શેક, માલપુઆ, કુલ્ફી અને આવા તો કંઈ કેટલાય સ્વાદિષ્ટ ખાનપાન મળી રહે.પિઝ્ઝા લવર્સ, ઢોસા લવર્સ, પંજાબી ફુડ લવર્સ ને પણ નિરાશ નથી કરતું આ બજાર. અને છેલ્લે સ્વાદિષ્ટ પાન તો ખરું જ.
ઈન્દૌરનું સૌથી લોકપ્રિય ફુડ કોમ્બિનેશન એટલે પૌઆ અને જલેબી.ઈન્દૌરમાં લોકોની સવાર ચાની ચુસ્કી સાથે પૌઆ અને જલેબીના નાશ્તા સાથે પડે...મહેમાનો આવે તો પણ નાશ્તો તો પૌઆ અને જલેબીનો જ.
ટાઈમિંગ - 9:00 pm થી 1:00 am, દરરોજ
56 દુકાન
ઈન્દૌરની ઈમારતોનો ભવ્ય નજારો જોયા બાદ પેટની તૃપ્તિનો પણ વિચાર કરતા હો તો એક જ જગ્યા પર અહીંની લોકલ વાનગીઓ અને અદભુત વ્યંજનો માણવા માટે પહોંચી જાવ 56 દુકાન ફુડ સ્ટ્રીટ...હવે તમને સવાલ થાય કે 56 દુકાન જ કેમ...તો ભઈ આ જગ્યા પર આવેલા છે 56 સ્વાદિષ્ટ ખાનપાનથી તમારા મનને લોભાવતા 56 ફુડ સ્ટૉલ્સ. અહીં બચ્ચાપાર્ટી હોય કે યંગસ્ટર્સ કે પછી તમામ ઉંમરના સ્વાદના શોખીનો માટે કંઈકને કંઈક ખાસ જરુરથી મળે...ભુટ્ટાની કીસ, કુલ્હડ પિઝ્ઝા, ટેસ્ટી સેન્ડવિચ, પિઝ્ઝા, પાસ્તા,આઈસ્ક્રીમ, કુલ્ફી, ઈન્દૌરની સ્પેશિયાલિટી એવી મીઠાઈઓ...આહા...સાંભળીને જ મોંઢામાં આવી જાય પાણી...તો ભઈ ટેસ્ટનું તો કહેવું જ શું. અને હા...અહીં શૉપિંગ માટેના ઓપ્શન્સ પણ ઘણા મળી રહે છે...
ટાઈમિંગ - 8:00 am થી 11:00 pm, દરરોજ
ઈન્દૌરમાં શૉપિંગ સફર
ઈન્દૌરમાં ઘુમવા સાથે તમે શૉપિંગની પણ મજા માણી શકો છો...જેમાં સરાફા બજાર તો છે જ,,સાથે જ MT ક્લોથ માર્કેટ,સીતલમાતા બજાર, હેરિટેજ માર્કેટ, મૂળચંદ માર્કેટ, તોપખાના માર્કેટ અથવા તિબેટીયન માર્કેટ ,ટ્રેઝર આઈલેન્ડ, C21, મલ્હાર મેગા મોલ અને ઈન્દોર સેન્ટ્રલ જેવા મોલ્સની મુલાકાત પણ લઈ શકો છો.
ઈન્દૌર પહોંચવું કેવી રીતે...
ઈન્દૌર મધ્યપ્રદેશનું એક મહત્વનું મહાનગર છે...જેથી અહીંની અન્ય રાજ્યો સાથેની કનેક્ટિવિટી સારી છે.. દિલ્લી, મુંબઈ,અમદાવાદ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ ઉપરાંત ઘણા અન્ય મોટા શહેરો સાથે એરકનેક્ટિવિટી ધરાવે છે અને અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ અહીંનું મુખ્ય વિમાનમથક છે. તો રેલવે દ્વારા સફર કરવાનું વિચારતા હો તો પણ દેશના તમામ રાજ્યો સાથેની ઈન્દૌર રેલવે જંક્શનની રેલવે કનેક્ટિવિટી પણ ખુબ જ સારી છે...તો સડક માર્ગે NH 3 અને NH 59 જેવા નેશનલ હાઈવે સાથેનું જોડાણઆપની રોડજર્નીને વધુ સુવિધાજનક બનાવે છે.
તો પછી હવે જો તમે તમારો કોઈ પ્રવાસ કે ટ્રિપ પ્લાન કરી રહ્યા હો તો ઈન્દૌર નગરીની સ્વાદસફર માણવાનું ઓપ્શન પણ તમારાબકેટ લિસ્ટમાં જરુરથી શામેલ કરી લેજો...ઈન્દૌરની સફર તમારી યાદગાર ટેસ્ટી સફર બની જશે એ તો પાક્કું.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો