પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને અનેક ધર્મો માટે જાણીતો આપણો દેશ ભારત પોતાનામાં ઘણી વિવિધતા ધરાવે છે. આ દેશમાં દુનિયાનો સૌથી જુનો ધર્મ પણ છે, તો ભવ્ય મંદિર, ઐતિહાસિક ઇમારતો અને માળખા છે જેનું અસ્તિત્વ સભ્યતાની શરુઆતથી જ છે. ભારતમાં આજે પણ હજારો વર્ષ જુના મંદિર જોવા મળે છે જેમાં તે સમયના શિલ્પકારોની કળા ઝળકે છે.
રજૂ કરીએ છીએ કેટલાક એવા મંદિર જેનો ઇતિહાસ 1000 વર્ષ જુનો છે.
શ્રી રંગનાથ સ્વામી ટેમ્પલ
108 દિવ્ય મંદિરોમાંનું એક તિરુચિરાપલ્લીનું શ્રી રંગનાથ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દક્ષિણ ભારતના સૌથી શાનદાર વૈષ્ણવ મંદિરોમાંના એક આ મંદિરને છઠ્ઠી અને નવમી શતાબ્દીની વચ્ચે બનાવાયુ હતુ. 156 એકરમાં ફેલાયેલા આ મંદિરને દુનિયાનું સૌથી મોટુ કાર્યરત હિંદુ મંદિર પણ માનવામાં આવે છે.
ક્યાંઃ તિરુચિરાપલ્લી, તામિલનાડુ
બદ્રીનાથ મંદિર
ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર ઉત્તરાખંડના બદ્રીનાથ શહેરમાં સ્થિત છે. આ મંદિરને ચાર ધામોમાંનું એક હોવાનું સન્માન પ્રાપ્ત થયું છે. ઐતિહાસિક રિપોર્ટોથી ખબર પડે છે કે મંદિર 8મી શતાબ્દી સુધી એક બૌદ્ધ મંદિર હતું, જ્યારે આદિ શંકરાચાર્યે આને એક હિંદુ મંદિરમાં ફેરવી નાંખ્યુ.
ક્યાંઃ બદ્રીનાથ, ઉત્તરાખંડ
શ્રી દ્ધારકાધીશ મંદિર
જગત મંદિરના નામે ઓળખાતું દ્ધારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત એક હિંદુ મંદિર છે. ગુજરાતમાં સ્થિત આ મંદિરને ચારધામોમાંનું એક હોવાનું બિરુદ મળ્યું છે. માનવામાં આવે છે કે આ મંદિર 2500 વર્ષ જુનુ છે અને પુરાતત્વિક તથ્યો પર નજર કરીએ તો 2000 વર્ષ પહેલા સુધી આ મંદિરનો ઉલ્લેખ મળે છે.
ક્યાંઃ દ્ધારકા, ગુજરાત
કુંભેશ્વર મંદિર
આદિ કુંભેશ્વર મંદિર તામિલનાડુ રાજ્યના કુંભકોણમમાં આવેલું છે અને આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. 30,181 ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા આ મંદિરને 9મી શતાબ્દીમાં બનાવાયું હતું.
ક્યાંઃ કુંભકોણમ, તામિલનાડુ
બ્રિહદીસ્વરા મંદિર
બૃહદિશ્વર કે બ્રિહદીસ્વરા મંદિર એક હિંદુ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આને રાજરાજેશ્વરમ કે પેરુવુદૈયાર કોઇલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર તામિલનાડુના તંજાવુર શહેરમાં છે અને એવુ માનવામાં આવે છે કે ઇસ. 1010માં આનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આને દક્ષિણ ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. આ પ્રાચીન મંદિર દ્રવિડ વાસ્તુકલાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
ક્યાંઃ તંજાવુર, તામિલનાડુ
સોમનાથ મહાદેવ મંદિર
ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગોમાંના એક એવા સોમનાથ મંદિરને સૌથી પ્રથમનો દરજ્જો પ્રાપ્ત છે. આ ગુજરાતના પશ્ચિમી કિનારે સૌરાષ્ટ્રના વેરાવળની પાસે પ્રભાસપાટણમાં આવેલું છે. 7મી શતાબ્દીમાં બનેલુ આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને આને ઇતિહાસમાં ઘણીવાર ધ્વસ્ત કરવામાં આવ્યું અને ઘણીવાર તેનું પુર્નઃનિર્માણ કરવામાં આવ્યું.
ક્યાંઃ સૌરાષ્ટ્ર, ગુજરાત
કૈલાસ મંદિર
ઇલોરાનું કૈલાસ મંદિર ખડકો તોડીને બનાવાયેલા મંદિરોમાં સૌથી જુનું છે. લોકવાયકા અનુસાર આ મંદિરને 8મી શતાબ્દીમાં એક ખડકને કાપીને બનાવાયુ હતુ.
ક્યાંઃ ઇલોરા, મહારાષ્ટ્ર
શ્રી અંબરનાથ મંદિર
ઇસ. 1060માં બનાવાયેલા આ મંદિરને અંબેશ્વર શિવ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. લોકવાયકા અનુસાર આ મંદિરને પાંડવોએ એક ખડકમાંથી કોતરીને બનાવ્યું હતું. 11મી શતાબ્દીનું આ ઐતિહાસિક હિંદુ મંદિર વાદવાન નદીના કિનારા પર સ્થિત છે.
ક્યાંઃ મુંબઇ, મહારાષ્ટ્ર
શ્રી વિરુપાક્ષ દેઉલ
કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરુપાક્ષ મંદિર હમ્પીના સ્મારકોમાંનું એક છે જેને યુનેસ્કો દ્ધારા વિશ્વ વારસાઇ સ્થળ (વર્લ્ડ હેરિટેજ સાઇટ) જાહેર કરવામાં આવ્યું છે. ભગવાન શિવના એક રુપ વિરુપાક્ષને સમર્પિત આ મંદિરને 7મી શતાબ્દીમાં બનાવાયું હતું.
ક્યાંઃ હમ્પી, કર્ણાટક