આસ્થા અને શ્રદ્ધા એક એવી વસ્તુ છે જ્યાં કોઇપણ જાતના વૈજ્ઞાનિક તર્કને સ્થાન નથી. વિજ્ઞાન ભલે ચમત્કારોને નકારતું હોય પરંતુ લોકોને ઇશ્વરની અનુભૂતિ થતી રહેતી હોય છે. ગુજરાતમાં પણ એવા અનેક મંદિરો અને સ્થાનો છે જેની સાથે ભગવાનની ચમત્કારીક કથાઓ જોડાયેલી છે. આવું જ એક મંદિર છે અરવલ્લી જિલ્લાનું ટોરડા સ્વામિનારાયણ ધામ. આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં ભગવાન શામળાજી તેમના મિત્ર ગોપાળાનંદજી સાથે રમવા માટે આવતા હતા.
ટોરડા સ્વામિનારાયણ મંદિર ક્યાં છે
ટોરડા સ્વામિનારાયણ મંદિર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું છે. અમદાવાદથી લગભગ 134 કિલોમીટર દૂર આ મંદિરે જવું હોય તો હિંમતનગર થઇને ગાભોઇ જવું પડશે. ગાભોઇથી ભિલોડા જશો એટલે ત્યાંથી 12 કિલોમીટર દૂર ટોરડા ગામ આવેલું છે.
ટોરડાધામ મંદિરનો ઇતિહાસ અને માન્યતા
આ સ્વામિનારાયણ મંદિરમાં રાધાકૃષ્ણ, જાંબુવંતી માતા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. આ મૂર્તિઓ લગભગ 700 વર્ષ જૂની હોવાની માન્યતા છે. ગામમાં પહેલા એક નાનું મંદિર હતું પરંતુ હાલનું ભવ્ય મંદિર 70 વર્ષ પહેલા બાંધવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના બે આચાર્યોએ કરી છે. અહીં ભગવાન સ્વામિનારાયણના પ્રખર ભક્ત ખુશાલ ભટ્ટ એટલે કે ગોપાળાનંદજી મહારાજની મૂર્તિ છે જેમને નિઃસંતાન દંપતિ શ્રીફળ અને ગોળ ધરાવવાની બાધા રાખે છે. કહેવાય છે કે બાધા રાખવાથી જો સંતાન થાય તો લોકો અહીં ગોળથી તુલાવિધિ કરાવે છે. ગોપાળાનંદ સ્વામીએ જ સાળંગપુર હનુમાન મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ટોરડા મંદિરની નજીકમાં ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન એટલેકે પ્રાચીન હવેલી છે જે પણ જોવાલાયક છે.
ભગવાન ભૂલી ગયા તેમનું ઝાંઝર
આ સ્થાન સાથે એક કથા જોડાયેલી છે. આ કથા એવી છે કે ટોરડા ગામથી નજીક વિશ્વ વિખ્યાત વિષ્ણુ સ્વરૂપ ભગવાન શામળિયાનું શામળાજી મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન તેમના મિત્ર ગોપાળાનંદજી સાથે રમવા માટે શામળાજીથી ટોરડા આવતા હતા. હવે એકવાર એવું થયું કે ભગવાન શામળિયા ટોરડામાં રમતા હતા અને શામળાજી મંદિરના પૂજારીએ મંદિરના દ્વાર વહેલા ખોલી નાંખ્યા. ભગવાનને ખબર પડી કે પૂજારીએ મંદિર જલદી ખોલી નાંખ્યું છે તો તેઓ મંદિર પહોંચવાની ઉતાવળમાં ભગવાન તેમના પગના ઝાંઝર ટોરડા ગામમાં જ પડી ગયા.
હવે ભગવાન તો મંદિરમાં તેમની જગ્યાએ જઇને ગોઠવાઇ ગયા. પૂજારીએ જ્યારે જોયું તો ભગવાનનો ખેસ કે ઝાંઝર હતા નહીં. એટલે તેણે મંદિરનો દરવાજો બંધ કરીને ટ્રસ્ટીઓને બોલાવ્યા અને સમગ્ર હકીકતની જાણ કરી. ટ્રસ્ટીઓએ જોયું કે મંદિરનું તાળુ તો તૂટેલુ નથી એટલે તેમને પૂજારી પર શંકા ગઇ. તેમને લાગ્યું કે પૂજારીએ જ ભગવાનના ઝાંઝરની ચોરી કરી હોવી જોઇએ એટલે તેમણે પૂજારી પર ચોરીનો આરોપ મૂક્યો. પરંતુ પૂજારી નિર્દોષ હતો એટલે તે ઉપવાસ પર ઉતરી ગયો.
બીજા દિવસે શામળાજી ભગવાન ટ્રસ્ટીઓના સપનામાં આવ્યા અને કહ્યું કે હું ટોરડા રમવા અને જમવા માટે જાઉં છું ત્યાં મારુ ઝાંઝર પડી ગયું છે. ટ્રસ્ટીઓેને તેમની ભૂલ સમજાઇ અને પૂજારીને પારણા કરાવ્યા અને ભગવાન શામળિયાના ઝાંઝરને શોધતા શોધતા ટોરડા આવ્યા. અને મોતીરામ ભટ્ટ કે જે ગોપાળાનંદ સ્વામીના પિતા હતા તેમના ઘરે આવીને ઝાંઝર લઇ ગયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીના માતાપિતાને ખબર પડી કે ભગવાન તેમના ઘરે રમવા આવતા હતા.
ધારેશ્વર મહાદેવ
ટોરડાની બાજુમાં જ ધારેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર વિશે એવી કથા પ્રચલિત છે કે ગોપાળાનંદ સ્વામીના લગ્નની વાત ચાલી ત્યારે તેઓ રિસાઇને આ જગ્યાએ આવી ગયા હતા અને અન્નજળનો ત્યાગ કરીને 11 દિવસ તપ કર્યું હતું. હવે આ જંગલ વિસ્તાર હોવાથી તેમણે પીવાનું પાણી મેળવવા માટે ગોપાળાનંદ સ્વામીએ તેમના ડાબા પગના અંગૂઠાથી ડુંગરમાંથી પાણી કાઢ્યું હતું. જે જગ્યા આજે પણ અહીં છે અને ત્યાંથી પાણી નિરંતર આવ્યા જ કરે છે. દુષ્કાળમાં પણ અહીં પાણીની ધાર સતત વહેતી રહે છે તેથી આ મંદિરનું નામ ધારેશ્વર મંદિર પડ્યું છે. ટોરડાથી એક કિલોમીટર દૂર અચલેશ્વર મહાદેવ છે જે પણ જોવાલાયક છે.
જુના ભવનાથ
ભિલોડાથી એક રોડ ટોરડા સ્વામિનારાયણ મંદિર જાય છે જ્યારે એક બીજો રસ્તો જુના ભવનાથ મંદિરે જાય છે. આ મંદિર ભિલોડાથી 8 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર લગભગ 1300 વર્ષ જુનું હોવાનો આધાર શિલાલેખ પથી મળી આવ્યો છે. આ મંદિર અરવલ્લીની ગિરીકન્દરાઓ વચ્ચે આવેલુ છે. લોક વાયકા પ્રમાણે આ મંદિરમાં આદિકાળ વખતે સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલીંગ આવેલું છે.
જુના ભવનાથ મંદિર તરીકે જાણીતા આ મંદિરની આગળ એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે. આ કુંડમાં બરેમાસ પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે. આ કુંડને ભૃગુ કુંડ તરીકે જાણીતો છે. અહીં સ્થાનિક લોકોની માન્યતા છે કે આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઇ પણ જાતના ચામડીના રોગ મટી જાય છે. વર્ષો પહેલાં અહીં દેશણ નામનું ગામ હતું. આ ગામમાં તપોધન બ્રાહ્મણો રહેતા હતા. આ સ્થળના ઇતિહાસ માટે બે ત્રણ ક્વિદંતીઓ છે. જેમાં સાચી કઇ એ તો કોઇ ઇતિહાસકાર જ કહી શકે.
આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુઋષિના પુત્ર અવનઋષિનું મંદિર પણ આવેલું છે. આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ચોમાસામાં અહીંને સડકની બંને બાજુ પાણી ભરાઈ જાય છે જ્યાંથી સાંકડી કેડી ઉપર વાહન ચલાવીને મંદિરમાં પહોંચી શકાય છે. આ ખૂબ રમણીય યાત્રા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો