
1200 વર્ષ જુના કિલ્લા દ્વારા સુરક્ષિત જોધપુર, રાજસ્થાનના સૌથી વધુ આકર્ષક શહેરોમાંનું એક છે. મુખ્યત્વે ભુરા રંગના મકાનો, રંગ બેરંગી બજારો અને વાંકીચુકી ગલીઓ.. આવી જગ્યા બીજે ક્યાંય નથી.
15મી સદીની શરુઆતમાં રાવ જોધાએ જોધપુર શહેરની સ્થાપના કરી હતી. ઉત્કૃષ્ટ હસ્તકલાઓ, ભરતકામ કરેલી જુત્તીઓ, બાંધણી, મકરાના ના આરસની બનેલી મુર્તીઓ, આ બધાની વચ્ચે કેટલાય શાનદાર મહેલો, દુર્ગ અને મંદિરો વાળું આ શહેર ખુબ આકર્ષક અને પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.
પરંતુ જો આ સ્થળનો તમારે વાસ્તવિક સ્વાદ લેવો હોય તો મધ્યકાલીન ગલીઓની ભુલભુલૈયામાં ખોવાઈ જાવ.
લાલજી હેન્ડીક્રાફ્ટ

એંટીક વસ્તુઓની ખાણ કહેવાતા એવા રાયકા બાગમાં સ્થિત લાલજી હેન્ડીક્રાફ્ટ્સને જોવા જરુર જવું હો.
કટલા બજારમાં ‘મહારાની આર્ટ એક્સપોર્ટ’ માટે ભાવ તાલ કરવાનું કૌશલ અને ખિસ્સું તો ભરેલું હોવું પડે હો. એનું કારણ એ કે બાંધણી, લેરીયું, સિલ્ક વગેરેના રંગો, ફેબ્રીક તથા ટેક્સટાઈલની આટલી વિવિધતા તમે ક્યાંય નહીં જોઈ હોય. અને લાખો હજારો રંગો જોવા હોય તો ઓલ્ડ સિટી માર્કેટ જવાનું ચુકશો નહીં.
ઓન ધી રોક્સ

સર્કિટ હાઉસ રોડ પર શહેરનું પ્રસિદ્ધ ગાર્ડન રેસ્ટોરંટ ‘ઓન ધી રોક્સ’ નું મટન રોશન જોશ લાજવાબ છે. આ રેસ્ટોરંટ વિવિધ પ્રકારની બાર્બેક્યુ ડિશ પ્રદાન કરે છે. તેમાં જ રોક ટેલ્સ નામનું એક બાર પણ છે અને બાળકોને રમવા માટે પ્લે ગ્રાઉંડ પણ છે.
જનતા સ્વીટ હોમ
નવી સડક પર ‘જનતા સ્વીટ હોમ’ માં મળતી ડુંગળીની કચોરી ખુબ સ્વાદિષ્ટ હોય છે. જો તમે મસાલેદાર ખાઈ શકતા હો તો અહીંની કારમેલાઈઝ્ડ ડુંગળીની ભરેલી, તળેલી પુરી જરુર ચાખજો.
મિશ્રીલાલ હોટેલ

પિસેલા પિસ્તા અને માખણની એક જાડી તર સાથે (કે જે જોધપુરની ગરમીમાં તરત પિગળી જાય છે) મખ્ખનિયા લસ્સીથી ભરેલો ગ્લાસ પી ને તૃપ્ત થાવું હોય તો તેના માટે ક્લોક ટાવર પાસે મિશ્રીલાલ હોટેલ છે.
હવે કેલેરી ગણવાનું બંધ કરો અને પોતાની જાતને સમજાવો કે ચાલવા માટે તમારે એનર્જીની જરુર છે અને એટલે જ મિશ્રીલાલ હોટેલની માવા કચોરી અને રબડી ખાવી જ પડશે.
મેહરાનગઢનો કિલ્લો

મેહરાનગઢ કિલ્લો, સુંદરતા અને વાસ્તુકલાની એક અસાધારણ ઉપલબ્ધિ છે. 300 ફુટની ઊંચાઈથી શહેરને જોવાની એક અલગ જ મજા છે. કિલ્લાની અંદર જ એક મ્યુઝિયમ અને કેટલાય ભવ્ય મહેલો છે.
અને અહીંથી જોધપુર શહેરનો અદ્ભુત નજારો જોવો હોય તો ઊપર જતી વખતે જસવંત થડાના શાહી સ્મારક પાસેથી જોવો.
મંડોર
મારવાડ મહારાજાઓની પુર્વ રાજધાની મંડોર, જોધપુરથી લગભગ 9 કિમી ઉત્તરમાં છે. આ ઊધ્યાનમાં 330 દેવી દેવતાઓનું પ્રતિનિધિત્વ કરતું એક મંદિર અને અનેક મારવાડ શાસકોના સ્મારકો છે.
ઉમેદ ભવન પેલેસ

આ પેલેસ હકિકતમાં તો જોધપુરની પુરથી પિડિત જનતાને રોજગાર પ્રદાન કરવા બનાવવાનાં આવ્યો હતો, પણ હવે તે લક્ઝરી હોટેલનાં પરિવર્તીત થઈ ચૂક્યું છે. તેની સજાવટ કલા ઈન્ડોકોલોનિયલ શૈલીની છે.
આ ભવનનું પોતાનું એક મ્યુઝિયમ છે, આ ઊપરાંત સંગેમરમરથી બનેલું એક સ્કાશ કોર્ટ પણ છે.
એટલું જ નહીં, બીજી કેટલીય મોજ મસ્તી સાથે આ હોટેલ વિંટેજ કારમાં જોધપુરની સેર પણ કરાવે છે.
રાસ
શાનદાર મેહરાનગઢ કિલ્લાની તળેટી અને તેની ઉત્તર-પુર્વ ક્વાર્ટરમાં સ્થિત ‘રાસ’ એક ભવ્ય બુટિક હોટેલ છે, જે બહારથી તો જુના જમાનાની યાદ અપાવે છે પરંતુ અંદર જતાં તેની સજાવટ એકદમ આધુનિક છે. સાથે એક સ્પા અને બે રેસ્ટોરંટ, અને ઉપરથી કિલ્લાનું ઝળહળા દ્રશ્ય.
અજીત ભવન
જો તમે એક રાજાની માફક રહેવા માગો છો તો એ માટે સર્કીટ હાઉસ રોડ પર અજીત ભવન પેલેસ એક જબરદસ્ત રિસોર્ટ છે. પછી ભલે તમે લક્ઝરી સુઈટ બુક કરો કે પછી ટેંટ, બંને તમને શાહી અંદાજથી ભરી દેશે. ઈતિહાસના શોખિનનોને અહીં મહેલમાં રહેવા જેવો અનુભવ પ્રાપ્ત થશે કેમ કે આ જગ્યાને એવી જ રીતે સજાવવામાં આવી છે.

જોધપુરના અન્ય ઉલ્લેખનીય સ્થળો
જો તમે તમે બજેટમાં પણ અસાધારણ સેવા લેવા માગો છો તો તમે તમારો સ્ટે આવી સીઝન હોટેલ, રણબંકા પેલેસ હોટેલ અથવા દેવી ભવન હોટેલમાં બુક કરાવી શકો છો.
આશા છે કે તમારી જોધપુર યાત્રા મજેદાર રહેશે.