મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા

Tripoto
Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

અત્યાર સુધી કોરા રહેલા અરવલ્લી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ભિલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ જીવંત થયો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પડતો આ ધોધ જાણેકે તેની તરસી પ્રેમિકાને મળવા માટે ઝરણું બનીને વહી રહ્યો હોય તેવું દ્રશ્ય આંખો સમક્ષ તરી આવે છે. જો તમારે પણ સુનસર ધોધનો આહલાદક નયનરમ્ય નજારો જોવો હોય તો અત્યારનો સમય બેસ્ટ છે.

ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ધોધ જોવા ઉમટી પડે છે. અમદાવાદથી લગભગ 131 કિલોમીટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢીથી કલાક ત્રણ કલાકના અંતરે આવેલો આ ધોધ એક દિવસ માટેનું પીકનીક સ્પોટ બની શકે તેમ છે. ભિલોડાથી 12 કિલોમીટર દૂર મુનાઈ પાસે આવેલા સુનસર ગામે ભારત માતાના મંદિર પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી દર ચોમાસે કુદરતી ધોધ વહે છે. અહીંનો કુદરતી નજારો આપને અવશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો છે.

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

દર વર્ષે સમગ્ર અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ ધોધની મજા માણવા ઉમટી પડે છે. લોકો ધોધના કુદરતી સૌંદર્યનું રસપાન કરી ધોધમાં સ્નાન કરી ખુશી વ્યક્ત કરે છે.

ડુંગર પરનું તળાવ ઓવરફ્લો થતાં ધોધ વહે છે

ડુંગર ઉપર એક તળાવ છે. જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે આ તળાવ ઓવરફ્લો થાય છે. ડુંગર પર રહેલા મોટા મોટા પથ્થરની રચના એવી છે. જેના કારણે ઓવરફ્લો થયેલું પાણી ધોધ સ્વરૂપે નીચે પડે છે. ઉપરથી પડતો ધોધનો નજારો ખૂબ જ નયનરમ્ય અને આહલાદક લાગે છે. આ ધોધના કુદરતી સૌંદર્યને પગલે સ્થાનિકોએ તેને મીની કાશ્મીરની પણ ઉપમા આપી છે.

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

ઉત્તર ગુજરાતમાં અન્ય જોવાલાયક સ્થળો

અરવલ્લી જિલ્લામાં ભિલોડાના સુનસર ધોધ પછી બાયડ-દહેગામ રોડ પર આવેલા ઝાંઝરી ગામે વાત્રક નદી પર ખૂબ સુંદર ધોધ વહે છે. જેનો કુદરતી નજારો માણવા માટે આ ચોમાસામાં પણ દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા છે. આ નદી પર કુદરતે રચના જ એવી કરેલી છે કે જ્યારે જ્યારે ઝાંઝરીની વાત્રક નદીમાં પાણી આવે ત્યારે ત્યાંના પથ્થરો પરથી ફોર્સથી પાણી નીકળે છે અને એ કુદરતી ધોધ બનીને નદીમાં વહે છે. જેના પગલે ધોધનો સુંદર નજારો જોવા મળે છે.

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

આ ધોધ સુધી જવા માટે ખાસ ઝાંઝરી બસ સ્ટોપથી નદીના પટમાં ત્રણ કિલોમીટર ચાલવું પડે છે, પ્રવાસીઓ માટે કોઈ સગવડ નથી. નદી વિસ્તાર છે તો પ્રવાસી માટે કોઈ શૌચાલય કે પીવાના પાણીની સગવડ નથી.

ટ્રેકિંગ કરો

વરસાદની સીઝનમાં ઝાંઝરીનું સૌંદર્ય વધુ ખીલે છે. આ સમયે સીઝન ખાસ રહે છે અને ઝરણું પણ સુંદરતાની ચરમ સીમાએ હોય છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ ઝરણું ટ્રેકિંગ અને હાઈકિંગ માટે પરફેક્ટ પ્લેસ બને છે. જો તમે સાઈકલિંગ કરીને ઝરણા સુધી જશો તો તેની મજા વધી જશે. ઝાંઝરી ઝરણા પર સાઈકલ ચલાવવાનું ખાસ છે. તમે ટ્રેકિંગ કરવાની સાથે સાથે ઉંટની સવારી પણ કરી શકો છો. આગ ઝરતી ગરમીથી બચવા માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અહીં ફરવા માટે સારો માનવામાં આવે છે.

વાત્રક નદી સાથે સંકળાયેલો છે ધોધ

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

ઝાંઝરી વાત્રક નદીમાંથી વહેતા ઝડપી પાણીની સાંકળ છે, જેમાં મુખ્ય પાણીનો ધોધ 25 ફૂટ જેટલો ઊંચો છે. ઝાંઝરી ધોધ બારમાસી ધોધ નથી પણ ચોમાસા દરમિયાન નદીના ખડકાળ કિનારેથી વહેતું પાણી છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચેનો છે. જોકે ઉનાળા દરમિયાન ધોધના પ્રવાહમાં ઘટાડો થાય છે પરંતુ ચોમાસામાં આ સ્થળ ચોક્કસથી મુલાકાત લેવા યોગ્ય છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો તમને ચોક્કસપણે આ સ્થળ ગમશે જ.

જરૂરિયાત અનુસાર ફૂડ સાથે રાખવું

જો તમે અહીંનો પ્લાન કરી રહ્યા છો તો તમારે યાદ રાખવું કે સાઇટની નજીક કોઈ જમવાની ખાસ વ્યવસ્થા નથી. તમે ઘરેથી બનાવેલો ખોરાક તમારી સાથે લઈ જઈ શકો છો. તમે તમારી સાથે બેસવા માટે ફ્લોરિંગ મેટ અથવા ચટાઈ પણ લઈ જઈ શકો છો અને ત્યાં બેસીને આરામ કરી શકો છો. જ્યાં વહેતા પાણીમાંથી નીકળતો ઠંડો પવન તમને એક અદ્ભુત આહલાદ્ક અનુભવ આપશે.

મંદિરથી ધોધ સુધીનો રસ્તો પાણીયુક્ત અને કાદવવાળો છે, તેથી તમારે સ્થળ પર જતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. આ સ્થળ પર તમે કલ્પના કરી હોય તેવો ચોક્કસ ધોધ નથી. પરંતુ ચોમાસા દરમિયાન ઊંચાઈ પરથી વહેતું પાણી સુંદર લાગે છે. રવિવાર કે બીજી કોઈ રજાના દિવસે જો તમે સવારે 10 વાગ્યા પછી સ્થળની મુલાકાત લો છો તો મોટેભાગે કાર પાર્કિંગ કરવામાં મુશ્કેલી પણ પડે છે કારણકે ત્યાં સુધીમાં બીજા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી ગયા હોય છે માટે સવારે વહેલા જ પહોંચી જવાનું પસંદ કરો.

ઇડર

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

ચોમાસામાં ઇડરીયો ગઢ પણ જોવાલાયક હોય છે. અહીં ગિરિમાળાઓ ઉપર શિવ મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં આવેલાં જૈન મંદિરો પણ ગિરિમાળાઓમાં જોવાલાયક છે. અહીંથી લગભગ ૩૦ કિ.મિ. ઊત્તરે આવેલાં પોળોનાં મંદિરનાં અવશેષો જોવાલાયક છે. અહીં રાણી તળાવ આવેલ છે અને જૈનમંદિર પણ યાત્રાળુઓને આકર્ષે છે. ઇડર પાસે ગ્રેનાઇટની ખાણ આવેલી છે. ઇડર ખાતે વ્રજેશ્વરી મંદિર, રૂઠી રાની કા મહલ નામ વડે ઓળખાતો મહેલ તેમ જ રાજા હરિશ્ચંદ્રની ચોરી પણ જોવાલાયક છે. ૧૩૦ વર્ષ જૂની ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ પણ જોવા લાયક છે.

Photo of મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસરનો ધોધ થયો જીવંત, પહોંચી જાઓ મોજ કરવા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads