ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં

Tripoto
Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. હવે વરસાદનો માહોલ હોય ત્યારે જંગલ વિસ્તારમાં ફરવા જવાનો આનંદ કંઇક અલગ હોય છે. જંગલમાં ખળખળ વહેતા ઝરણાં, નદીઓ, વોટરફોલ, લીલાછમ પહાડો, પક્ષીઓના કલરવ સાંભળવાની મજા આવે છે. પ્રકૃતિને મન ભરીને માણવા માટે ચોમાસુ બેસ્ટ સીઝન છે. હવે જો તમારે પણ ચોમાસામાં ફરવા જવું હોય પણ ફાઇવ સ્ટાર રિસોર્ટમાં વધારે પૈસા ન ખર્ચવા હોય તો આજે તમને બતાવીશું એવા કેટલાક સરકારી ગેસ્ટ હાઉસ કે કેમ્પસાઇટ જેમાં તમે સસ્તામાં એટલે કે માત્ર 2000 રૂપિયામાં રોકાઇ શકો છો.

સિંહ સદન, સાસણગીર

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

ચોમાસામાં જંગલ સફારી તો બંધ છે પરંતુ ગીરના જંગલનું સૌંદર્ય વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ગીરનાર પર્વત, ભવનાથ તળેટી, ગીર જંગલ વિસ્તારમાં વહેતા પાણીના ઝરણાં, નાના-નાના તળાવો, નદી-નાળા, લીલીછમ હરિયાળી જોવાનું મન તો તમને થતું જ હશે. તો આ સૌદર્યને માણવા માટે મોંઘાદાટ રિસોર્ટમાં કે હોટલમાં રહેવાની જરૂર નથી. સાસણગીરમાં આવેલું છે સિંહ સદન ગેસ્ટ હાઉસ. વન વિભાગના હસ્તકનું આ ગેસ્ટ હાઉસ 110 વર્ષ જુનું છે. આ સરકારી ગેસ્ટ હાઉસમાં તમે 1000 રૂપિયામાં નોન-એસી રૂમમાં રહી શકો છો. અહીં ચા-કોફીના 14 રૂપિયા, બ્રેક-ફાસ્ટના 80 રૂપિયા, લંચ-ડિનરના 140 રૂપિયા થાય છે. જો કે અહીં ઓનલાઇન બુકિંગ થતું નથી. તમારે તેના માટે અહીં આવવું પડશે. જો જગ્યા હશે તો જ રહેવા મળશે. જો કે હાલ ચોમાસામાં ખાસ ભીડ હોતી નથી. કારણ કે સિંહ સફારી બંધ છે. એટલે ટૂરિસ્ટ મોટી સંખ્યામાં અહીં આવતા નથી. તમે જુનાગઢમાં પણ તળેટી વિસ્તાર અને આસપાસના જંગલોની મજા માણી શકો છો.

કડા ડેમ અને તરગોળ ઇકો ટૂરિઝમ સાઇટ

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

ચોમાસામાં જાંબુગોડાના જંગલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતાં હોય છે. અહીં ગાઢ જંગલો આવેલા છે. ચોમાસામાં હાથણી માતા ફોલમાં પણ પાણીનો પ્રવાહ સારો હોય છે. ફોલ નીચે સંભાળીને ન્હાવાની મજા આવે છે. અહીં કડા ડેમ અને તરગોળમાં ઇકો ટુરિઝમ સાઇટ છે જે વનવિભાગ હસ્તક આવે છે. કડા ડેમ પાસે ધનપુરીમાં કેમ્પસાઇટમાં 3 ડિલક્સ એસી અને 10 નોન એસી કોટોજીસ આવેલા છે. આ ઉપરાંત કડા ડેમ સાઇટ પર ટેન્ટ પણ છે. જેમાં એટેચ બાથરુમ અને ટોઇલેટની વ્યવસ્થા છે. આ ઉપરાંત, ઓરીએન્ટેશન સેન્ટર, સેપરેટ કિચન અને ડાઇનિંગ પ્લેસ, વોકિંગ એરિયા, કેમ્પફાયરની પણ વ્યવસ્થા છે. અહીંના કિચનમાં શુદ્ધ દેશી જમવાની મજા આવી જશે. બાજરીનો રોટલો, છાશ, ગોળ, સેવ-ટામેટાં, રિંગણનો ઓળો, લણસિયા બટાકા વગેરેનો સ્વાદ તમને જીવનભર યાદ રહેશે. અહીં જંગલ જોવા માટે માંચડા પણ બનાવેલા છે. કડા ડેમથી જંગલનો અદ્ભુત નજારો જોવા મળે છે. કડા ડેમ પર બેસીને નદીની સુંદરતા માણ્યા જ કરીએ તેવું મન થાય છે. નજીકમાં ઝંડ હનુમાન છે જ્યાં તમે દર્શન કરવા જઇ શકો છો. જંગલ વિસ્તારમાં અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

કડા ડેમથી આગળ તરગોળ કેમ્પ સાઇટ છે જ્યાં છ જેટલા નોન એસી કોટેજ છે. જો કે રૂમની વ્યવસ્થા બરોબર નથી એટલે મારુ માનો તો તમારે કડા ડેમની ઇકો સાઇટમાં જ રહેવું જોઇએ. તરગોળ ડેમ સાઇટનું સૌંદર્ય માણવાલાયક છે. અહીં તમે વિવિધ પ્રકારના પક્ષીઓ જોઇ શકો છો. તરગોળ ડેમ સાઇટ નજીક ઝાડ પર મોટી સંખ્યામા ચામા ચીડીયાનો વાસ છે.

કેટલું છે ભાડું

ધનપુરી ઇકો સાઇટ

નોન-એસી રૂમ રૂ.1650

એસી રૂમ રૂ.2900

કડાડેમ સાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

એસી ટેન્ટ રૂ.2900

નોન એસી રૂમ રૂ.1650

તરગોળ ઇકો સાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

નોન એસી રૂમ રૂ.1650

ભાટ

નોન એસી હટ રૂ.1650

નોન એસી રૂમ રૂ.1650

રતનમહાલ ઇકો કેમ્પસાઇટ

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

રતનમહાલ તેના રીંછ અભયારણ્ય માટે જાણીતું છે. અહીં અનેક સાઇટ છે. જ્યાં તમે સનસેટ અને સનરાઇઝનો આનંદ લઇ શકો છો. જંગલમાં ટ્રેકિંગ કરવાની પણ એક અલગ જ મજા છે. ટ્રેકિંગ દરમિયાન તમે પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો માણી શકો છો. રતનમહાલમાં કુલ 2 સાઇટ કેમ્પ આવેલા છે. (1) નાલધા સાઇટ કેમ્પ (2) ઉધાલ મહુડા કેમ્પ સાઇટ. સરકાર દ્ધારા આ બન્ને સાઇટનું સંચાલન કરે છે. અહીં કોઇ ખાનગી રિસોર્ટ કે કેમ્પ સાઇટ નથી. નાલધા કેમ્પ સાઇટમાં 10 ટેન્ટ છે જેમાં એક ફેમિલી આરામથી રહી શકે છે. આ ટેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. એકસ્ટ્રા બેડ જોઇએ તો તે પણ ઉપલબ્ધ છે.

કેમ્પ સાઇટથી 2.5 કિ.મી અંદર ચાલતા જવાનું છે જ્યાં વોટરફોલ આવે છે. આ અઢી કિલોમીટરના રસ્તે અનેક નાના-મોટા ઝરણાં, નાના-મોટા વૃક્ષો, પથ્થરોની હારમાળા આવે છે. ચારેતરફ લીલોતરી જ લીલોતરી. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવું લાગે. અહીં મનને અપાર શાંતિ મળે છે. જો ભોજનની વાત કરીએ તો જમવાનું અહીં સુંદર મળે છે.

ઉધાલ મહુડા

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

અહીં જંગલ, ગાર્ડન અને ડેમ જોવાલાયક છે. આ જગ્યાએથી હિલ તરફ સનસેટ પોઇન્ટ જવા 9 કિલોમીટરનો રસ્તો છે. અહીં જવા માટે તમારી પ્રાઇવેટ કાર ચાલી શકે નહીં કારણ કે અહીં કાચા રસ્તા છે.

ઉધાલ મહુડા એસી ટ્રી પેકેજમાં તમને દરેક ટ્રી હાઉસમાં ડબલ બેડની સુવિધા સાથે લંચ, ડિનર, કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ (2 વાર) બે વ્યક્તિઓ માટે મળે છે. નોન એસી પેકેજમાં પણ બે વ્યક્તિઓને આ જ પ્રમાણેની સુવિધા મળે છે.

ઉધાલ મહુડા

નોન એસી ટેન્ટ રૂ.1650

એસી ટ્રી હાઉસ રૂ.3500

નોન એસી રૂમ રૂ.1650

નાલધા ઇકો કેમ્પસાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

વઢવાણા લેક

વઢવાણા તળાવ વડોદરાથી 40 કિલોમીટરના અંતરે ડભોઈ ખાતે શિવરાજપુરમાં આવેલ છે. વઢવાણા તળાવ એ પક્ષીઓ માટે જાણીતું સ્થળ છે. જ્યાં લોકો દૂર દૂરથી પક્ષીઓને જોવા માટે આવતા હોય છે. વઢવાણા તળાવની મુલાકાત લેવી હોય તો એનો શ્રેષ્ઠ સમયગાળો નવેમ્બર - ડિસેમ્બર મહિનાઓ છે. શિયાળાની ઋતુમાં (Migratory Birds in Wadhwana Lake) ખાસ ભિન્ન ભિન્ન પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે. જો કે અત્યારે ચોમાસામાં પણ અહીંનો માહોલ અદ્ભુત હોય છે.

Photo of ચોમાસામાં માણો જંગલનો આનંદ, માત્ર 2000 રૂપિયામાં રોકાઓ આ સરકારી ગેસ્ટ હાઉસમાં by Paurav Joshi

અહીં રાજહંસ, ગાજહંસ, ગ્રેટર ફ્લેમિંગો, ભગવી સુરખાબ, પિંટેલ, કોમનટીલ, લાલચાંચ કારચીયા, કોમન પોચાર, સફેદ આંખ કારચીયા, પિયાસણ, ગયણો, કાબરી કારચીયા, ગિરજા, મત્સ્ય ભોજ, ભગતડું, કાળી ડોક ઢોંક વિગેરે યાયાવર પક્ષીઓ જોવા મળે છે. વઢવાણા તળાવ સિવાય આસપાસના તળાવો અને નદીના પાણીમાં પક્ષીઓ જોવા મળે છે.

અહીં વનવિભાગ તરફથી ઇકો કેમ્પસાઇટ છે. અહીં નોન એસી રૂમ અને નોન એસી ફેમિલી રૂમ છે.

વઢવાણા વેટલેન્ડ

નોન એસી રૂમ રૂ.1900

નોન એસી ફેમિલી રૂમ રૂ.3800

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads