ગત કેટલાય વર્ષોથી દેશ અને દુનિયામાં ટ્રાવેલિંગનો અનહદ ક્રેઝ છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અને વળી, દેશ અને દુનિયામાં ટ્રાવેલર્સને આકર્ષવા અનેક નિતનવા બાંધકામો તેમજ નવીનીકરણ પણ તૈયાર થઈ રહ્યા છે. આમાં કુદરતના સાનિધ્યમાં આકાર લેતી જગ્યા, કોઈ ઐતિહાસિક ઘટના કે વિજ્ઞાનનો વૈભવ દર્શાવતી જગ્યાઓ તો હોય જ છે પણ લોકો ધાર્મિક સ્થળોને પણ હવે અન્ય કોઈ ફરવાના સ્થળ જેટલું જ મહત્વનું માની રહ્યા છે અને એટલે જ ધાર્મિક સ્થળોનો પણ ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે.
પૌરાણિક જગ્યાઓના નવસર્જનની સાથે કોઈ નવું જ ધાર્મિક સ્થળ તૈયાર કરવામાં આવે તો એ તો સોનામાં સુગંધ ભળી તેમ કહી શકાય.
આવું જ એક અનોખું નજરાણું તૈયાર છે – વિશ્વાસ સ્વરૂપમ – સ્ટેચ્યૂ ઓફ બિલિફ! 369 ફૂટની ઊંચાઈ સાથે ગુજરાત સરહદની તદ્દન નજીક રાજસ્થાનમાં બનેલી ભગવાન શંકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સાથોસાથ તે વિશ્વની તમામ વિરાટ પ્રતિમાઓમાં ચોથા ક્રમે બિરાજે છે.
29 ઓક્ટોબરએ આ મૂર્તિનું ઉદ્ઘાટન થયું છે અને સામાન્ય જનતા માટે લોકાર્પણ થયાના 10થી 15 દિવસ પછી ખોલવામાં આવશે. ટિકિટ અને સમય શું હશે એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આના વિશે સ્ટેચ્યૂ ઓફ બિલીફની સાઈટ પર માહિતી અપડેટ કરવામાં આવશે.
અહીં એક વાત ઉલ્લેખનીય છે કે આ મૂર્તિ એટલી ભવ્ય બનાવવામાં આવી છે કે હજારો મીટર દૂરથી પણ તેને જોઈ શકાય છે.
વિશ્વાસ સ્વરૂપમ મૂર્તિ વિશે રસપ્રદ વાતો -
વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમાને બનાવવાની શરૂઆત 2012 માં તેના શિલાન્યાસ સાથે થઈ હતી. કોવિડ સમય દરમિયાન કામગીરીમાં અવરોધને બાદ કરતાં આ મૂર્તિ બનતા 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. આ એટલી સુંદર જગ્યા છે જ્યાં સવારથી સાંજનો સમય ક્યાં પસાર થઈ જશે તેનું ભાન જ નહિ રહે.
દેવો કે દેવ મહાદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય એટલે ભવ્યાતિભવ્ય જ હોવાની! આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.
ભવ્ય પ્રતિમાની અંદર પણ લટાર મારી શકાય છે.
તમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી યાદ છે? તેમાં સ્ટેચ્યૂની અંદર કેટલી અદભૂત વ્યવસ્થા છે, તેવી જ સુવિધા સ્ટેચ્યૂ ઓફ બિલિફમાં પણ છે. અહીં અંદર લેફ્ટ લોબી નામનો એક વિશાળ હૉલ છે જ્યાં સુંદર બેઠક વ્યવસ્થા પણ છે. અહીંથી આ પ્રતિમામાં ચાલવાની યાત્રા શરૂ થાય છે. પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે. આ ઊંચાઈથી નાથદ્વારાનો અત્યંત આહલાદક નજારો જોવા મળશે. સ્વાભાવિક છે કે આટલી ઊંચાઈ પર ઠંડો પવન આ અનુભવને ઔર યાદગાર બનાવી દેશે.
ગ્લાસ બ્રિજ હંમેશા આકર્ષક જ હોવાના, તો જ્યારે 270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે નાનકડો કાચનો પુલ બનાવવામાં આવ્યો હોય તો કેવું રહે? કાચના પુલની સૌથી મોટી વિશેષતા એ જ છે કે અહીંથી નીચેના અવર્ણનીય સુંદર દ્રશ્યો જોવા મળે છે.
ભગવાન શિવનો જમણો ખભો 280 ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી તમે પદમ ઉપવનનો અદભુત નજારો મેળવી શકો છો. અહીંથી ભગવાન શિવના નાગના દર્શન તમે સરળતાથી જોઈ શકશો.
જ્યારે ભોંયતળિયેથી ભગવાન શિવ પ્રતિમા તરફ નજર કરીએ તો કૈલાસ પર્વત જેવી મુદ્રા જોવા મળે છે, જે 110 ફૂટની ઊંચાઈ પર બનેલી છે. અહીં ભગવાન શિવનો જમણો હાથ જમીન પર છે. આ વિસ્તારમાં એક નાની ગેલરી બનાવવામાં આવી છે, જ્યાંથી તમે ઉદયપુર હાઈવે જોઈ શકો છો.
મૂર્તિ વિશે એક માન્યતા -
આ પ્રતિમા વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવ શ્રીનાથજીને મળવા નાથદ્વારા આવ્યા હતા ત્યારે તેઓ આ ટેકરી પર બેઠા હતા, તેથી જ તેને ગણેશ ટેકરી કહેવામાં આવે છે.
આ પ્રતિમામાં શ્રીનાથજીને મળવાનો આનંદ દર્શાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભગવાન શિવે તેમના કમંડલ અને ડમરુને પાછળ છોડી દીધાં હતાં, આથી આ મૂર્તિમાં ભગવાન શિવનું ત્રિશૂળ છે. જ્યાં ડમરુ અને કમંડલ બાકી હતાં ત્યાં તેમની મૂર્તિઓ અલગથી બનાવવામાં આવશે.
કેવી રીતે પહોંચવું?
આ પ્રતિમા રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલી છે જે અમદાવાદથી 302 કિમી દૂર છે જ્યારે ગુજરાતીઓના મનપસંદ પર્યટન સ્થળ ઉદયપુરથી માત્ર 46 કિમી દૂર છે.
બસ ત્યારે, તમારો આગામી રાજસ્થાન પ્રવાસ વિશ્વાસ સ્વરૂપમની મુલાકાત વિના અધૂરો ગણાશે હોં!
માહિતી: દિવ્ય ભાસ્કર
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ