ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભગવાન શિવજીનું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ... એકવાર સોમવાથ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. મુસ્લિમ શાસકોએ અનેકવાર આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી પરંતુ સોમનાથ મંદિર ફરીને ફરી બેઠુ થતુ રહ્યું છે. અત્યારે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે આઝાદી પછી વર્ષ 1947થી 1951 વચ્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતુ. ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે તેનું ઉદ્ધાટન કર્યું હતું.
સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના અગ્રણી તીર્થ સ્થાનોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. દેશમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર. શિવ પુરાણ અનુસાર આ ભગવાન શિવનુ પ્રથમ જ્યોતિર્લિંગ છે. વેદ પુરાણમાં ઉપરાંત આ મંદિરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, ઋગ વેદમાં પણ કરવામાં આવ્યો છે.
પૌરાણિક કથા-
પ્રાચીન કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓને સોમદેવ(ચંદ્રદેવ) સાથે પરણાવી હતી જેમાં રોહિણી સૌથી વધારે સ્વરૂપવાન હતી, જેથી સોમદેવ રોહિણીને ખુબજ વધારે ચાહતો હતો.
આ વાત બીજી બહેનોને ખૂંચતી હતી જેથી બધી બહેનોએ ભેગા મળીને પોતાના પિતા દક્ષ પાસે ફરિયાદ કરી. જેથી દક્ષ પ્રજાપતિએ સોમદેવને બોલાવી ઠપકો આપ્યો અને દરેક સાથે સમભાવે રહેવા સૂચના આપી છતાં ,તે સમભાવે રહ્યો નહિ. આથી દક્ષે સોમદેવને શ્રાપ આપ્યો કે"જા તારો ક્ષય થશે" આથી ચંદ્રદેવ દિવસે ને દિવસે ક્ષય પામતો ગયો, શ્રાપની મુક્તિ માટે સોમદેવે અનેક ઉપાચરો કર્યા ,યજ્ઞો કાર્ય છતાં રોગ મુક્તના થયો . આથી દેવો પણ ત્રાસી ઉઠયા અને સોમદેવના શ્રાપ નિવારવા તેઓ દક્ષ ને સમજાવા લાગ્યા , છેવટે દેવોની લાગણીને વશ થઇને દક્ષે ક્ષય નિવારવાનો ઉપાય બતાવ્યો.
દક્ષે કહ્યું કે પ્રભાસ તીર્થ આગળ જ્યાં સરસ્વતી નદી મળે છે ત્યા સોમે સ્નાન કરવું અને ભાગવાન શિવની સ્તુતી કરવી. જો તે આ પ્રમાણે કરશે તો મહિનામાં પંદર દિવસ ચંદ્ર ક્ષય પામતો જશે અને બીજા પંદર દિવસ ચંદ્ર વૃદ્ધિ પામતો જશે. સોમ રોહિણી સહીત પ્રભાસ તીર્થમાં પૂજા કરવા ઉતરી આવ્યો અને ભગવાન શિવજી સોમદેવ ઉપર પ્રસન્ન થયા અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને પ્રકાશવાનું સામર્થ્ય આપ્યું.
પ્ર-(પુનઃ) ભાસ-(પ્રકાશ) આ ઉપરથી આ સ્થાન પ્રભાસ નામે પ્રસિદ્ધ પામ્યું.અને સોમે જે લિંગની પૂજા કરી હતી તે ઉપરથી સોમ+નાથ=સોમનાથ મહાદેવ નામ પડ્યું. સોમનાથ મહાદેવમાં આવેલું લિંગ એ સ્વયંભૂ લિંગ છે.
ઇતિહાસ
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનંન નિર્માણ કર્યું. ત્યાર બાદ ઇ.સ 1025માં મહંમદ ગજનીએ પોતાના સૈનિકો સાથે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને મંદિર ઉપર લૂંટ ચલાવી અને મંદિરને નષ્ટ કર્યું અને લોકોની કત્લેઆમ ચલાવી. ગજનીએ આદિ શિવલિંગને પણ ખંડિત કર્યું. કહેવાય છે કે અગ્રાના કીલ્લામાં રહેલા દેવદ્વાર સોમનાથના છે આ લૂંટ દરમ્યાન મહંમદ ગજની તેને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારબાદ ગુજરાત ના રાજા ભીમદેવ અને મળવાના રાજા ભોજે આ મંદિર ફરીથી બંધાવ્યું હતું. પછી ગુજરાતના રાજા કુમારપાળે આ મંદિરને વિસ્તાર્યું હતું.
1196ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદી્ન ખીલજીના સેનાપતિ અફઝલખાંએ આ મંદિરનો વિનાશ કર્યો હતો. તેના થોડા જ સમયમાં ચૂડાસમા વંશના રાજા મહિપાલે આ મંદિર ફરીથી ચણાવ્યું હતું. ત્યારબાદ મુઝરશાહ પહેલાએ ઈ.સ.1394માં, મહંમદ બેગડાએ ઈ.સ 1469માં, મુઝરશાહ બીજાએ ઈ.સ 1530માં અને ઇ.સ 1701માં મોગલ શાસક ઔરંગઝેબે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને મંદિરનો નાશ કર્યો હતો.
સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વીરત્વની બીજી ઐતિહાસિક ઓળખ પણ ધરાવે છે. ગઝનીના આક્રમણ વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકીના વડપણ હેઠળ ઉતરેલા સૈન્યમાં લાઠીના હમીરજી ગોહિલ નામના મોડબંધ યુવાન પણ હતા. જેમણે લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું.
મંદિરનું પુન:નિર્માણ
આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલએ સોમનાથનાં નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આજના મંદિરને 70 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. 1951નાં વેશાખસુદ પાંચમનાં દીવસે ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્ર પ્રસાદનાં વરદ હસ્તે સવારે 9.46 મિનિટે સોમનાથ મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ સાથેજ સોમનાથ મંદીરનાં સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલનો સંકલ્પ પૂર્ણ થયો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
હાલમાં તમે જે સોમનાથ મંદિર જોઈ રહ્યા છો તે ચાલુક્ય સ્ટાઈલથી બનાવવામાં આવ્યું છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ કડિયા સોમપુરાના સલાટોએ સોમનાથ મંદિરનું બાંધકામ કર્યું હતું. મંદિરના શિખરની હાઈટ 15 મીટર જેવી છે અને તેની પર 8.2 મીટર ઊંચી ધજા ફરકે છે.
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
સોમનાથ જવા માટે મોટા શહેરો પરથી કોઈ રેગ્યુલર ફ્લાઈટ નથી. નજીકનું વિમાનમથક દીવ છે. સોમનાથ દીવથી ૬૩ કિમીનાં અંતરે છે. અને પોરબંદરથી ૧૧૪ કિમીનાં અંતરે છે.
ટ્રેન દ્વારા
સોમનાથ નિયમિત ટ્રેનો મારફતે દેશના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
રોડ દ્વારા
દેશના મોટા શહેરોમાંથી તમે સરળતાથી સોમનાથમાં નિયમિત બસો મેળવી શકો છો. અમદાવાદ, રાજકોટથી ખાનગી વાહનમાં પણ જઇ શકાય છે. રસ્તા ફોર લેન છે.
રહેવાની વ્યવસ્થા
સોમનાથ વિશ્વવિખ્યાત ધાર્મિક સ્થળ હોવાથી અહીં ધર્મશાળા, ગેસ્ટ હાઉસથી માંડીને 3 સ્ટાર હોટલ સુધીની વ્યવસ્થા છે. અહીં 500 રૂપિયાથી માંડીને 5000 રૂપિયા સુધીની હોટલ મળી જશે. જો તમારે દરિયાકિનારે રહેવું હોય તો સાગર દર્શન ગેસ્ટ હાઉસ બેસ્ટ છે. રિલાયન્સ ટ્રસ્ટ દ્ધારા આ ગેસ્ટ હાઉસ સંચાલિત છે અને મંદિરની બાજુમાં જ છે. રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ