રોમાંચના શોખીન લોકો પોતાના માટે નવી-નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. જો તમને પુછું કે ભારતનો સૌથી ઊંચો મોટરેબલ પાસ કયો? તો તમારા મોઢે એક જ શબ્દ આવે, ખારદુંગ લા. જો કે ભારતમાં ખારદુંગ લા પાસથી પણ ઊંચો પાસ છે અને તે પણ લદ્દાખમાં જ. આ પાસનું નામ છે ઉમલિંગ લા પાસ.
ઉમલિંગ લા પાસ ભારત જ નહીં પરંતુ દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ પાસ રોડ છે. ઉમલિંગ લા પાસ સમુદ્રની સપાટીએથી 19,300 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. લદ્દાખના ઇંડો ચાઇના બોર્ડર પર બનેલો આ પાસ ચિસમુલે અને દેમચુક ગામોને જોડે છે. આ પાસ 2017માં બનીને તૈયાર થયો હતો. ઉમલિંગ લા પાસ લગભગ 255 કિ.મી.ના અંતરે છે. જો તમે બાઇકથી ઉમલિંગ પાસ જવાનું વિચાર રહ્યા છો તો તમારે લેહ થી લગભગ 360 કિ.મી.ની યાત્રા કરવી પડશે.
ઉમલિંગ લા પાસ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પથી પણ વધુ ઊંચાઇ પર સ્થિત છે. આ જ કારણ છે કે અહીં હંમેશા આબોહવા ઠંડી રહે છે. શિયાળામાં તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એટલા માટે ઉમલિંગ લા પાસની યાત્રા કરવાનું સરળ નથી. રોમાંચ અને થ્રિલથી ભરેલો આ રસ્તો તમારા માટે કોઇ પરીક્ષાથી કમ નથી.
ક્યારે જશો?
ઉમલિંગ લા પાસ એટલી ઊંચાઇ પર છે કે આખુ વર્ષ ઠંડી રહે છે. નવેમ્બરથી લઇને મે સુધી આ જગ્યા બરફથી ઢંકાયેલી રહે છે. કદાચ આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન કોઇ અહી નથી આવતું. ઉમલિંગ પાસ જવા માટે સૌથી યોગ્ય મોસમ જૂન છે.
પરમિટ
ઉમલિંગ લા પાસ ઇન્ડો-ચાઇના બોર્ડરની નજીક છે. એટલે તમને અહીં જવા માટે લાઇન પરમિટ લેવી પડશે. આપ તેને ઓનલાઇન પણ લઇ શકો છો અને ત્યાર બાદ ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર લેહમાં સ્ટેમ્પ લગાવવો પડશે. ઓફલાઇન પરમિટ પણ લઇ શકાય છે. જો તમે ડેમચોક તરફથી આવી રહ્યા છો તો આગળ જવા માટે આર્મીની પરમિશન લેવી પડશે.
કેવી રીતે જશો ઉમલિંગ લા પાસ?
ઉમલિંગ પાસ જવા માટે ત્રણ રસ્તા છે. તમે ત્રણેમાંથી કોઇપણ રસ્તે ઉમલિંગ લા સુધી પહોંચી શકો છો.
રુટ 1: લેહ થી હાનલે
ઉમલિંગ લા પાસ જવાનો આ ફેમસ રુટ છે. મોટાભાગે લોકો આ રસ્તે થઇને જ જાય છે. તમે લેહથી કરુ, ચુમાથાંગ થઇને હાનલે પહોંચશો. આ રુટથી હાનલે 275 કિ.મી. દૂર છે. જેને પૂરા કરવામાં 9-10 કલાક લાગશે. હાનલેથી તમે ઉમલિંગ લા ફોટી લા થઇને પહોંચી જશો.
લેહ-કરુ-ઉપશી-ચુમાથાંગ-માહે-ન્યોમા-લોમા-હાનલે-ફોટી લા-ફોટિલે-ઉમલિંગ લા
રુટ 2: પેંગોંગ લેક ટૂ હાનલે
હાનલે પહોંચવાનો બીજો રસ્તો પેંગોંગ લેક થઇને જાય છે. આ રુટમાં તમને મેરાક, ચુસુલ અને લોમા ગામ મળશે. પેંગોંગથી હાનલે લગભગ 176 કિ.મી. છે. આ રસ્તો નાનો છે પરંતુ ઘણી જગ્યાએ ખરાબ હોવાના કારણે સમય લાગે છે. હાનલે પહોંચવામાં તમને 8-9 કલાકનો સમય લાગે છે.
પેંગોંગ-મેરાક-કકસટેટ-ચુસુલ-ત્સાગા લા-લોમા-હાનલે
રુટ 3: ડેમચોક-ઉમલિંગ લા
ફુકચે, કોયુલ અને દોમચુક થઇને તમે આ રસ્તે ઉમલિંગ લા પાસ પહોંચી શકો છો. આ રસ્તે ઘણો સુંદર છે. તમે ચાઇના બોર્ડર પણ જોઇ શકો છો પરંતુ આર્મીની મંજૂરી મળવી જરુરી છે.
ફુકચે-કોયુલ-દોમચુક-ઉમલિંગ લા
ક્યાં રોકાશો?
રહેવા માટે ઘણાં ઓપ્શન છે. હાનલે ગામમાં કેટલાક ગેસ્ટ હાઉસ મળી જશે. સાથે ટેન્ટ જરુર રાખો જો હાનલે પછી રહેવા માટે જગ્યા ન મળે તો ટેન્ટમાં રોકાઇ શકો છો. જો કે તેની જરુર નહીં પડે કારણ કે રહેવા માટે કોઇને કોઇ જગ્યા તો જરુર મળી જશે.
ટિપ્સઃ
1. સમુદ્રની સપાટીએથી 19 હજાર ફૂટની ઊંચાઇ પર હવા તેજ ચાલે છે. જો તમને હ્રદયની બિમારી હોય તો યાત્રા ન કરો.
2. ઠંડીથી બચવા માટે તમારી સાથે જરુરથી વધારે ગરમ કપડા રાખો.
3. પોતાની સાથે વધારાનો ઓક્સિજન જરુર રાખો.
4. પોતાની સાથે ખાવા માટે કંઇક જરુર રાખો કારણ કે હાનલે પછી ઘણી ઓછી જગ્યા પર ઢાબા જોવા મળે છે.
5. પોતાની સાથે મેડિકલ કિટ જરુર રાખો.
6. હાનલે પછી તમે નેટવર્ક ઝોનની બહાર થઇ જશો.
7. ઉમલિંગ પાસની સૌથી નજીક પેટ્રોલ પંપ કરુમાં છે જે હાનલેથી લગભગ 200 કિ.મી. દૂર છે. એટલા માટે પોતાની સાથે પેટ્રોલ અલગથી જરુર રાખો.
8. લેહથી પોતાની સાથે રોકડ રાખીને ચાલો કારણ કે તમને અહીં કોઇ એટીએમ નહીં મળે.