શારદા દેવી કાશ્મીરી પંડિતોની કુળદેવી છે અને શારદા પીઠ કાશ્મીરી પંડિતો માટે એક તીર્થસ્થળ છે. શારદા પીઠને 18 મહાશક્તિપીઠો પૈકીની એક માનવામાં આવે છે.
શારદા પીઠ ક્યાં છે?
આ પીઠ નીલમ, મધુમતી અને સરગુન નદીની ધારાઓનો સંગમની પાસે હરમુખ પહાડી પર અંદાજે 6500 ફૂટની ઉંચાઇ પર છે, જે PoK ના મુઝફ્ફરાબાદથી 140 કિલોમીટર અને કાશ્મીરના કુપવાડાથી 30 કિલોમીટરના અંતરે છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા શારદા પીઠ, માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ ગૂફાની સાથે જમ્મૂ-કાશ્મીરના 3 મુખ્ય તીર્થસ્થળોમાં સામેલ હતું.
આ તસવીર PoK સ્થિત શારદા પીઠની છે. હવે મંદિર ખંડેર બની ગયું છે. અને તેની અંદર કોઇ દેવીની મૂર્તિ નથી. કોઇપણ જાતના શણગાર વગરના મંદિરમાં હવે ફક્ત પથ્થરોના સ્લેબ જ બચ્યા છે. 2009માં પ્રકાશિત થયેલા પુસ્તક 'કલ્ચરલ હેરિટેજ ઓફ કાશ્મીરી પંડિત્સ' માં કાશ્મીરી લેખક અયાજ રસૂલ નાજકીએ શારદા પીઠ સાથે જોડાયેલી એક લોકકથાનો ઉલ્લેખ કર્યો છે. આ કથા અનુસાર સારા અને ખરાબ વચ્ચેના યુદ્ધ દરમિયાન દેવી શારદાએ જ્ઞાનના પાત્રની રક્ષા કરી હતી. શારદા દેવી આ પાત્ર લઇને ખીણમાં ગયા અને તેને એક ઉંડા ખાડામાં છુપાવી દીધું. ત્યારબાદ તેમણે તે પાત્રને ઢાંકવા માટે પોતાને એક માળખામાં ફેરવી નાંખ્યા. હવે આ રચના શારદા પીઠ તરીકે ઉભી છે.
કેટલાક ઇતિહાસકારોનું માનીએ તો શારદા પીઠનું નિર્માણ 5 હજાર વર્ષ પહેલા થયું હતું. તો કેટલાક ઇતિહાસકાર માને છે કે આનું નિર્માણ ઇસ.પૂર્વે 273માં સમ્રાટ અશોકના સમયમાં થયું હતું.
એક માન્યતા અનુસાર, આ મંદિરનું નિર્માણ પહેલી સદીમાં કુષાણ વંશના સમયગાળા દરમિયાન થયું હતું. તો કેટલીક માન્યતા અનુસાર શારદા ક્ષેત્રમાં બૌદ્ધોનો ઘણો પ્રભાવ હતો. જો કે રિસર્ચર્સ આ દાવાના સમર્થનમાં પુરાવા નથી શોધી શક્યા.
એક માન્યતા અનુસાર શારદા પીઠનું નિર્માણ કાશ્મીર પર શાસન કરનારા કર્કોટા રાજવંશે શક્તિશાળી હિંદુ શાસક લલિતાદિત્ય મુક્તપીડે કરાવ્યું હતું.
લલિતાદિત્યે કાશ્મીર પર ઇસ.724 થી ઇસ.760 સુધી શાસન કર્યું હતું. આ દાવાને એટલા માટે યોગ્ય માનવામાં આવે છે કે કારણ કે રાજા લલિતાદિત્યે મોટા-મોટા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શારદા પીઠ મંદિર આર્કિટેક્ચર, ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન સ્ટાઇલમાં અનંતનાગ સ્થિત માર્તંડ સૂર્ય મંદિર સાથે મળતુ આવે છે. માર્તંડ મંદિરનું નિર્માણ લલિતાદિત્યે જ કરાવ્યું હતું.
11મી સદીમાં કાશ્મીરી કવિ બિલ્હણે શારદા પીઠના આધ્યાત્મ અને શિક્ષણના મહત્વ અંગે લખ્યું હતું. 11મી સદીમાં ભારત આવનારા ફારસી વિદ્ધાન અલ બરુનીએ મુલ્તાન સૂર્ય મંદિર, સ્થાનેશ્વર મહાદેવ મંદિર અને સોમનાથ મંદિરની સાથે જ શારદા પીઠનો ઉલ્લેખ ભારતીય ઉપખંડના સૌથી ચર્ચિત મંદિરો તરીકે કર્યો હતો.
12મી સદીમાં પ્રસિદ્ધ કાશ્મીરી કવિ કલ્હણના પુસ્તક રાજતરંગિણીમાં શારદા પીઠનો ઉલ્લેખ એક મુખ્ય પૂજા સ્થળ તરીકે કરવામાં આવ્યો હતો. 16મી સદીમાં અકબરના નવરત્નોમાં સામેલ રહેલા અબુલ ફઝલે શારદા પીઠને પથ્થરોનું મંદિર અને મહાન પૂજા સ્થળ ગણાવ્યું હતું. ફઝલ અનુસાર, ''શુક્લ પક્ષની દરેક આઠમી તિથિએ મંદિર હલવા લાગે છે અને સૌથી અસાધારણ પ્રભાવ ઉભો કરે છે.
કાર્કોટા વંશના લલિતાદિત્ય કાશ્મીરના પ્રતાપી હિંદૂ રાજા હતા. ઘણાં પ્રસિદ્ધ મંદિરોનું નિર્માણ કાર્ય કરાવ્યું જેમાં કાશ્મીરમાં માર્તંડ સૂર્ય મંદિર અને શારદા સિદ્ધ સામેલ છે. લલિતાદિત્યે કાશ્મીર પર હુમલો કરનારા આરબ હુમલાખોરોને ચારવાર હરાવીને પાછળ ધકેલી દીધા હતા. તેમણે આરબો, તિબેટિયન, કમ્બોજો અને તુર્કોને પરાજીત કર્યા હતા. તેમણે તેમના સામ્રાજ્યો વિસ્તાર તિબેટથી આગળ પઠારથી ચીન સુધી અને પશ્ચિમમાં કેસ્પિયન સમુદ્ર સુધી કર્યો હતો. તેમનું રાજ્ય તુર્કિસ્તાનથી લઇને તિબેટ સુધી ફેલાયેલું હતું. ભારતમાં તેમનું શાસન પૂર્વમાં બંગાળ, ઓરિસ્સાથી લઇને કોંકણ સુધી ફેલાયેલું હતું.
ધાર્મિક માન્યતા
શારદા પીઠને 18 શક્તિ પીઠોમાંની એક માનવામાં આવે છે. માન્યતા છે કે અહીં માતા સતીનો જમણો હાથ પડ્યો હતો. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી સતીના મૃત્યુ બાદ શોકાતુર ભગવાન શિવ સતીના શરીરને લઇને ત્રણેય લોકોમાં ફરી રહ્યા હતા. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ સતીના શરીરને સુદર્શન ચક્રથી 51 હિસ્સામાં કાપી નાંખ્યા હતા.
આ બધા હિસ્સા ધરતી પર જ્યાં પડ્યા તે બધા પવિત્ર સ્થળ બની ગયા અને શક્તિ પીઠ કહેવાયા. આ બધા સ્થાનો પર માતા શક્તિ એટલે કે પાર્વતી કે દુર્ગાના મંદિર બન્યા.
કહેવાય છે કે કુલ 51 શક્તિ પીઠ છે, જેમાંથી મોટાભાગના ભારતમાં છે, પરંતુ કેટલીક શક્તિ પીઠ બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકામાં છે.
શારદા યૂનિવર્સિટીમાં ભણતા હતા શંકરાચાર્ય
કહેવાય છે કે શારદા યૂનિવર્સિટીના કારણે જ તે સમયે ઉત્તર ભારતમાં શારદા લિપિનો વિકાસ અને પ્રચાર થયો. શારદા લિપિના કારણે જ પહેલા કાશ્મીરનું નામ શારદા દેશ પડી ગયું જેનો અર્થ શારદા એટલે કે સરસ્વતી દેશ. શારદા યૂનિવર્સિટીમાં અંદાજે 5 હજાર વિદ્યાર્થી ભણતા હતા.
1947 સુધી કેવુ દેખાતુ હતુ શારદા પીઠ
1947માં દેશમાં વિભાજન પહેલા મંદિરમાં કોઇ મૂર્તિ નહોતી. પરંતુ એક મોટો ચબુતરો હતો અને બહાર એક શિવલિંગ હતું. મંદિરના પ્રાંગણનો વ્યાસ 22 ફૂટ એટલે કે અંદાજે 72 ફૂટ હતો. તેનું પ્રવેશ દ્વાર પશ્ચિમની તરફ હતું. અન્ય પ્રવેશ દ્વારની ઉપર તોરણ બનેલા હતા. આ તોરણ 20 ફૂટ ઉંચા હતા.
મુખ્ય દ્વાર પર ફૂટપાથ હતી. વરંડાની બંને બાજુએ બે ચોરસ આકારના પથ્થરના થાંભલા હતા, જે 16 ફૂટ ઊંચા અને લગભગ 2.6 ફૂટ પહોળા હતા. મંદિરની અંદરનું બાંધકામ ખૂબ જ સાદું અને ઓછું શણગારેલું હતું. આ મંદિર મધુમતી નદીના જમણા કિનારે એક ટેકરી પર આવેલું છે. અહીં પહેલા દર વર્ષે તીર્થ યાત્રીઓનો એક વાર્ષિક મેળો લાગતો હતો, જે 1947માં મંદિરના PoK માં ગયા બાદ બંધ થઇ ગયો હતો.
1947 આની દેખરેખની જવાબદારી પાકિસ્તાન આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે જેણે આના જિર્ણોદ્ધાર માટે કોઇ કામ નથી કર્યું. ત્યારબાદ ભારતીય તીર્થયાત્રીઓના અહીં જવા પર સંપૂર્ણ રોક લાગી ગઇ છે. આ નિર્જન મંદિરમાં ઘણાં ઓછા લોકો આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો