બર્ફીલા પહાડો, મહેનતુ પ્રજા, સંખ્યાબંધ જવાનો અને પુષ્કળ કુદરતી સૌંદર્ય. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના બીજા ક્રમના સૌથી નાના સિક્કિમ રાજ્યની. દેશનાં પૂર્વોત્તર વિસ્તારની જ્યાંથી શરૂઆત થાય છે તે સિક્કિમ આમ તો ગંગટોકના પ્રવાસ માટે જ જાણીતું છે. પણ સિક્કિમની ખાસિયતો માત્ર ગંગટોક પૂરતી જ સીમિત નથી.
સાવ અન્ડરરેટેડ કહી શકાય એવા આ રાજ્યની વિશેષતાઓ જાણીને તમારી નવાઈનો પાર નહિ રહે.
1. ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય
વર્ષ 2016માં સિક્કિમ રાજ્ય દ્વારા સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે દેશનું સર્વ પ્રથમ રાજ્ય બન્યું હતું.
2. સૌથી ઓછી વસ્તીગીચતા
આપણે સૌ સમજીએ જ છીએ કે વસ્તી એ ભારતની પ્રગતિને અવરોધનાર સૌથી મોટું પરિબળ છે. આ બાબતમાં સિક્કિમ પાસેથી ભારતના તમામ રાજ્યો પ્રેરણા લઈ શકે તેમ છે. સિક્કિમ ભારતનું સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય છે.
3. ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય
દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર છે એ આપણે સૌ જાણીએ છીએ કારણકે તેને મીડિયાનું પૂરતું ધ્યાન મળે છે. પણ સૌથી સ્વચ્છ રાજ્ય સિક્કિમ છે એ વિષે ભાગ્યે જ કોઈ મીડિયા ઉલ્લેખ કરે છે. અલબત્ત, વિસ્તારની દ્રષ્ટિએ સિક્કિમ એ ભારતનું બીજા ક્રમનું સૌથી નાનું રાજ્ય છે, તો પણ સ્વચ્છતામાં અગ્રેસર હોવું તે એક સિદ્ધિ જ કહેવાય!
4. વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ તજનું ઉત્પાદન
ગૌતેમાલા પછી આખા વિશ્વમાં બીજા ક્રમે તજનું સૌથી વધુ ઉત્પાદન સિક્કિમમાં થાય છે. સિક્કિમમાં તજ અને આદું આ બંને અર્થોપાર્જનમાં ઉપયોગી પાક છે.
5. દેશમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી
કોઈ રાજનેતાનો કાર્યકાળ અમુક વર્ષોમાં હોય તે સમજી શકાય, પણ જો દાયકાઓમાં હોય તો? હા, શ્રી પવન કુમાર ચામલિંગ નામના રાજકારણીએ સિક્કિમમાં 2.5 દાયકા મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો હતો જે અત્યાર સુધીમાં દેશમાં ‘Longest Serving CM’ છે.
6. વિશ્વના સૌથી તીખાં મરચાં
સ્થાનિકો જેને ‘ડલલે ખોરસની’ના નામથી ઓળખે છે તે મરચાંને વિશ્વના સૌથી તીખાં મરચાં હોવાની ઓળખ પ્રાપ્ત થઈ છે.
7. દેશનાં સૌથી ઊંચા સરોવરો અને સૌથી વધુ ગ્લેશિયર
ગુરુદરોંગમાર તેમજ ચો લહામુ નામના સિક્કિમમાં આવેલા બે સરોવરો એ ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલા સરોવરો છે. વળી, અન્ય કોઈ પણ ભારતીય રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશની સરખામણીમાં સિક્કિમમાં સૌથી વધારે સંખ્યામાં ગ્લેશિયર્સ આવેલા છે. સિક્કિમમાં ગ્લેશિયર્સની કુલ સંખ્યા 84 જેટલી છે.
માહિતી અને ફોટોઝ: સિરિન સિક્કિમ
.