કૃષ્ણભક્તિથી તરબતર ભક્તો માટે તો સાંવલિયા જ છે સાંવરિયા સેઠ. સાંવલિયાજી સાથે બિઝનેસમાં કરે છે પાર્ટનરશિપ.
રાજસ્થાનની મરુભૂમિની ખાસિયત છે કે આ ધરતી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી તરબોળ છે. વૈષ્ણવોના આરાધ્ય એવા શ્રીનાથજી તો રાજસ્થાનનો વૈભવ વધારે જ છે પરંતુ શ્રીનાથજીથી નજીક આવેલું છે એક અતિ પ્રાચીન કૃષ્ણધામ સાંવરિયાજી પણ રાજસ્થાનની કથાઓમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. તો ચાલો જાણીએ સાંવરિયાજી વિશે અને આજે આપને કરાવીએ દર્શન સાંવરિયા સેઠ મંદિરના..
સાંવરિયા સેઠનું મહત્વ
રાજસ્થાનના રાજાઓના રજવાડાઓની શાન તેમના રાજ્યમંદિરોના કારણે રહી છે. ત્યારે આવા ધાર્મિક સ્થાનમાંથી એક એવું મંદિર છે સાંવલિયાજીનું. લગભગ 450 વર્ષ જૂનો ઈતિહાસ છે સાંવરિયા સેઠ મંદિરનો. સાંવરિયા સેઠના અદભુત અને વિશાળ મંદિરની રચનાની વાત કરીએ તો ગુલાબી રંગના પથ્થરોથી બનેલી દિવાલો પર અતિસુંદર કોતરણીકામ અને સ્તંભો પર પ્રાચીન વાસ્તુકલા પ્રમાણેનું નક્શીકામ જોવા મળે છે. મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની કાળા પથ્થરથી બનેલી અત્યાધિક સુંદર મૂર્તિ આવેલી છે. તો ભાદસૌડા ખાતે શ્રી સાંવલિયાજી પ્રાગટ્ય સ્થળના નામથી પ્રસિદ્ધ એવા આ સ્થાન સાથે સાંવરિયા સેઠની ત્રણ પ્રતિમાઓના ઉદગમનો ઈતિહાસ જોડાયેલો છે. 1961થી મંદિરના નિર્માણ અને ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. મંદિરનું શિખર 36 ફુટ ઉંચુ બનાવવામાં આવ્યું છે જેના પર 1978માં ધ્વજારોહણ અને 2011માં સ્વર્ણજડિત કળશ અને ધ્વજારોહણ કરાયું હતું. લાખો ભક્તો સાંવરિયાજીના દર્શને આવતા હોય છે ત્યારે દર મહિને કૃષ્ણપક્ષની ચતુર્દશીએ સાંવરિયાજીનું દાનપાત્ર ખોલવામાં આવે છે અને તેના બીજા દિવસે અમાસે સાંજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
ક્યાં આવ્યું સાંવરિયા સેઠ મંદિર ?
રાજસ્થાનમાં ચિત્તોડથી 41 કિલોમીટર દૂર મંડફિયામાં ભગવાન શ્રી કૃષ્ણનું ધામ સાંવરિયા સેઠ આવેલું છે. દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ અદભુત અને ચમત્કારિક મંદિરના દર્શન કરવા આવે છે. આ મંદિર વ્યાપારીઓ માટે સૌથી વધારે મહત્વ ધરાવે છે જે પોતાના બિઝનેસને આગળ વધારવા માગે છે કે બિઝનેસમાં સફળ થવા માગે છે. આપ કોઈ પણ સમયે સાંવરિયાજી આવો તો આપને દર્શનાર્થીઓની ભીડ મળશે જ મળશે.
સાંવરિયા સેઠ કેવી રીતે પહોંચવું ?
જો આપ રાજસ્થાનની આસપાસના રાજ્યો જેવા કે ગુજરાત, દિલ્લી, મધ્યપ્રદેશ , હરિયાણા કે ઉત્તરપ્રદેશમાં રહો છો તો સાંવરિયા સેઠ મંદિરે દર્શન કરવા સરળતાથી આવી શકો છો. હવાઈ માર્ગ, રેલવે કે પછી સડકમાર્ગે સાંવરિયાજી પહોંચી શકાય છે.
રેલમાર્ગ- જો આપ સાંવરિયાજી જવા માટે રેલમાર્ગ પસંદ કરો છો તો ચિત્તોડગઢ રેલવેસ્ટેશન સુધી પહોંચવાનું રહે છે. ત્યાંથી સડકમાર્ગે ટેક્સી દ્વારા સાંવરિયા સેઠ મંદિર જઈ શકાય છે. ચિત્તોડગઢ રેલવેસ્ટેશનથી સાંવરિયા સેઠ મંદિર માત્ર 33 કિલોમીટરના અંતરે આવેલું છે.
સડકમાર્ગ – જો આપ સડકમાર્ગે સાંવરિયાજી પહોંચવા ઈચ્છો છો તો આપ પ્રાઈવેટ વેહિકલ દ્વારા જઈ શકો છો. ગુજરાતથી ઉદયપુરના રસ્તે આપ સાંવરિયાજી જઈ શકો છો. અથવા ગુજરાતથી રાજસ્થાનના ચિત્તોડ માટે બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો.
હવાઈમાર્ગ – હવાઈમાર્ગે આવવા ઈચ્છનારા લોકો માટે સૌથી નજીકનું એરપોર્ટ છે ઉદયપુરનું એરપોર્ટ જે મંદિરથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી આપ ટેક્સી દ્વારા સાંવરિયા સેઠ મંદિર સુધી પહોંચી શકો છો.
ભગવાન સાથે ભાગીદારી
સાંવરિયા સેઠને લોકો સાંવલિયાજી તરીકે પણ બોલાવે છે અને ભગવાનના આશિર્વાદ માટે, તેમના દર્શન અને દાનપુણ્ય માટે સાંવરિયાજી આવતા હોય છે. માન્યતા છે કે અહીં ભગવાનને ભાગીદાર બનાવવાથી નોકરી-ધંધા અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે. એટલે જ વ્યાપારીઓ અહીં આવીને ભગવાન આગળ પોતાની માનતા માનીને જાય છે અને પોતાના વ્યવસાય કે વેપારમાં સાંવરિયાજીને પોતાના પાર્ટનર બનાવે છે. ત્યારબાદ જ્યારે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય ત્યારે સાંવરિયાજીના દર્શને આવી તેમને તેમનો હિસ્સો ચડાવે છે.
સાંવરિયાજી છે મીરાબાઈના ગિરધર ગોપાલ
કૃષ્ણ-કાનુડાના પરમભક્ત મીરાબાઈનો સંબંધ સાંવરિયા સેઠ મંદિર સાથે હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મીરાબાઈ સાંવરિયા સેઠને જ પોતાના પતિ માનતા હતા અને મીરાબાઈ પોતાની પાસે જે ગિરધર-ગોપાલ કન્હૈયાની મૂર્તિ રાખતા હતા, સાંવરિયા સેઠ મંદિરમાં અદ્દલ એવીજ મૂર્તિ બિરાજમાન છે.
સાંવરિયાજી સાથે જોડાયેલી લોકકથા
મીરાબાઈની જેમ જ એક પરમ કૃષ્ણભક્ત સંત હતા દયારામ, જેમની પાસે પણ કૃષ્ણની આવી જ મૂર્તિઓ હતી. ઔરંગઝેબની મુગલ સેના જ્યારે મેવાડ રાજ્યમાં મંદિરો તોડી રહી હતી ત્યારે તેમને આ મૂર્તિઓ વિષે ખબર પડી. અને ત્યારે દયારામજીએ આ ત્રણેય મૂર્તિને બાગુંડ-ભાદસૌડાના છાપરમાં એક ઝાડ નીચે છુપાવી દીધી. વર્ષ 1840માં મંડફિયામાં રહેનારા ભોલારામને સ્વપ્ન આવ્યું કે બાગુંડ-ભાદસૌડાના છાપરમાં મૂર્તિઓ છે અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો સપનું હકીકત સાબિત થયુ. આ ત્રણેય મૂર્તિઓમાંથી એક મૂર્તિ તે સ્થળે જ સ્થાપિત કરવામાં આવી, બીજીને ભાદસૌડા લઈ જવામાં આવી અને ત્રીજી મૂર્તિ માટે મંદિર બનાવવામાં આવ્યું જે હતું સાંવરિયા સેઠ મંદિર.
સાંવરિયા સેઠ મંદિરમાં દર્શનનો સમય
સાંવરિયા સેઠ મંદિરમાં દર્શન માટે સવારે 5.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી અને બપોરે 2.30 થી રાતના 11.00 વાગ્યા સુધીનો સમય છે. સવારે 5.30 વાગ્યે મંગળા આરતી , સવારે 10 વાગ્યે રાજભોગ, દરરોજ બપોરે 12.15 થી 2.30 સુધી ભગવાનના આરામનો સમય હોય છે જેથી મંદિર બંધ રહેતું હોય છે. ત્યાર બાદ સાંજે 7.15 કલાકે સાંજની આરતી અને રાત્રે 10.00 વાગ્યે શયન આરતી કરવામાં આવતી હોય છે. જો કે તહેવારો અને મહત્વના દિવસોમાં દર્શનના સમયમાં ફેરફાર થઈ શકે છે.
સાંવરિયા સેઠનો મેળો છે જોવા જેવો
સાંવરિયા સેઠ મંદિરમાં દર અમાસના દિવસે મેળાનું આયોજન થાય છે. આ જ દિવસે લોકો દાન કે પછી વ્યાપારમાં થયેલા ફાયદામાંથી ભગવાનનો હિસ્સો આપવા માટે સાંવરિયા સેઠ મંદિરે આવે છે. દીવાળીના તહેવાર સમયે અને હોળીના તહેવાર પર મેળાની રોનક અલગ હોય છે.
સાંવરિયા સેઠની આજુબાજુ જોવાલાયક સ્થળો
જો આપ સાંવરિયા સેઠ મંદિર પહોંચી ચુક્યા છો તો માત્ર આ મંદિર જ નહીં પરંતુ મંદિરની આસપાસ ફરવાલાયક સ્થળો પણ આવેલા છે જેની આપ મુલાકાત લઈ શકો છો. દર્શન તો કરી લીધા પરંતુ હવે પર્યટક સ્થળોની વાત કરીએ તો અહીં વિજય સ્તંભ , ચિત્તોડગઢ કિલ્લો, મીરા મંદિર, ભેંસરોગઢ સેન્ચ્યુઅરીની પણ આપ સફર ખેડી શકો છો.
વિજય સ્તંભ
સારંગપુર જીતના સ્મારકના રુપમાં મેવાડના રાજા રાણા કુંભાએ રાજસ્થાનના ચિત્તોડમાં 1440માં સ્થાપિત કરાવ્યો હતો વિજયસ્તંભ. આને હિંદુ દેવી દેવતાઓનું અજાયબઘર પણ કહેવામાં આવે છે. વિજય સ્તંભને વિષ્ણુસ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચિત્તોડગઢનો કિલ્લો
ચિત્તોડગઢ કિલ્લો અથવા તો દુર્ગ ભારતમાં આવેલા કોઈ પણ કિલ્લાથી ખુબ જ મોટો છે. ચિત્તોડ મેવાડની રાજધાની હતી અને તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે શામેલ કરવામાં આવ્યું છે. ચિત્તોડગઢનો કિલ્લો પોતાનામાં એક ખુબ જ લાંબો અને મહત્વનો ઈતિહાસ સંઘરીને બેઠો છે. અહીં આપ સરળતાથી ફરી શકો છો અને રાજસ્થાનના ઈતિહાસને સમજવાની કોશિશ કરી શકો છો.
મીરામંદિર
ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત મીરાના લગ્ન રાજપૂત પરિવારમાં થયા હોવા છતા તે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના માની ચુકી હતી અને તેમને જ પોતાના આરાધ્ય માનતી હતી. મીરાબાઈએ પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. રાણા કુંભાના શાસનમાં આ મંદિરનું નિર્માણ થયું હતું પરંતુ બાદમાં આ મંદિરનું નામ બદલીને મીરા મંદિર કરી દેવામાં આવ્યું હતું.
ભૈંસરોગઢ અભયારણ્ય
રાજસ્થાનમાં ઘણા અભયારણ્ય આવેલા છે જ્યાં ફરવાની મનાઈ છે. પરંતુ ભૈંસરોગઢ વન્યજીવ અભયારણ્યમાં આપ ફરી શકો છો અને વન્યસૃષ્ટિને માણવાનો લહાવો લઈ શકો છો. અહીં સરકાર દ્વારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વોચ ટાવર બનાવવામાં આવ્યો છે જેના પરથી આખા અભયારણ્ય અને રાણા પ્રતાપ સાગર ડેમનો નજારો પણ જોવા મળે છે.
અન્ય જોવાલાયક સ્થળો
સાંવરિયા સેઠથી થોડા કિલોમીટરના અંતરે અન્ય કેટલાક જોવાલાયક સ્થળો પણ આવેલા છે જેમાં ગોમુખ કુંડ કે જે ધાર્મિક મહત્વ ધરાવે છે, કાલિકામાતા મંદિર, શ્રી પદમિની પેલેસ કે જે રાણી પદમિનીનો મહેલ છે તે પણ થોડા કિલોમીટર દૂર આવેલા છે. ઉપરાંત અહીં બસ્સી વાઈલ્ડલાઈફ સેન્ચ્યુઅરી આવેલુ છે જ્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે.
તો મિત્રો, આપ પણ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સાંવરિયા સેઠના આ વિશાળ અને અદભુત મંદિરના દર્શન કરીને ભગવાનને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવી શકો છો. સાથે જ આ મંદિરની સુંદરતાને અનુભવી શકો છો. સાંવરિયાજીની મુલાકાતનો અનેરો અવસર માણવા જેવો રહેશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો