ગુજરાતનું એકમાત્ર હરિયાળુ હિલસ્ટેશન એવા સાપુતારામાં ચોમાસામાં પ્રકૃતિ ચોમેર ખીલી ઉઠે છે. આ દિવસોમાં જાણે કે અંહી કુદરતી રૂબરુ આવી હોય તેવો અહેસાસ થાય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સાંનિધ્ય માણવા આવી પહોંચે છે. જેને ધ્યાને રાખીને સાપુતારામાં દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. ફેસ્ટિવલ દરમિયાન ગુજરાતના આ હરિયાળી હિલ સ્ટેશન પર આદિવાસીના પરંપરાગત ભોજન અને વાનગીઓ લિજ્જત માણવા માટે લાખો લોકો આવતો હોય છે.
મોન્સુન ફેસ્ટિવલ ક્યારથી શરૂ થશે
ગુજરાતનું પર્યટન સ્થળ કે જ્યાં ચોમાસાની સિઝનમાં જવાનું લોકોને ગમે એવું સાપુતારા હિલ સ્ટેશન કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 30 દિવસ સુધી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2023માં રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા 30 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજવામાં આવશે. જેને મેઘમલ્હાર પર્વ 2023 એવું નામ આપવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં સાપુતારા મોનસુન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 30 જુલાઈના રોજ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરશે. આ ફેસ્ટિવલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ વધુ મુલાકાતે આવે છે.
કેમ જવું જોઇએ ફેસ્ટિવલમાં
ગુજરાતના સાપુતારા વિસ્તારમાં જ મોનસુન ફેસ્ટિવલની ઉજવણી રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવે છે. ત્યારે લાખોની સંખ્યામાં અને ખાસ કરીને વીકેન્ડ્સમાં પ્રવાસીઓ સાપુતારા હિલ સ્ટેશન પર આવીને પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. સાપુતારા એ પર્વત અને જંગલની વચ્ચે આવેલો પ્રદેશ હોવાના કારણે ત્યાં વધુ વરસાદ પડે છે અને આદિવાસીના પરંપરાગત ભોજન અને વાનગીઓ અને તેમાં પાછું ચોમાસું..ખૂબ જ મજેદાર બની જશે તમારી ટૂર. આ ગામઠી ભોજનની લિજ્જત માણવા પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપી, મોલ રોડના વિકાસની કામગીરી સહિતની વિવિધ પ્રવાસી સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે સહેલાણીઓ માટે દહીં-હાંડી સ્પર્ધા, રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ તેમજ નેચર ટ્રેઝર હન્ટ જેવી રોચક રમતો મુખ્ય આકર્ષણ હોય છે. આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ રંગે ચંગે થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સાપુતારા મોનસુન ફેસ્ટિવલ ટેન્ડરિંગ પણ બહાર પાડવામાં આવ્યું છે.
ડાંગી ફૂડ કોર્ટનું આયોજન
મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવશે.
મેઘ મલ્હાર ફેસ્ટિવલ-2023માં હશે આ કાર્યક્રમો
સાપુતારામાં મોટાભાગે શનિ-રવિવારે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. જેને ધ્યાને રાખીને શનિ-રવિના દિવસે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે અહીં દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.
કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો એટલે ડાંગ
ડાંગ એક માત્ર એવુ હિલસ્ટેશન છે જ્યાં ચોમાસામાં જાણે સ્વર્ગમાં આવ્યા હોઇએ તેવો અહેસાસ થાય. કુદરતના ખોળે આવ્યા હોઇએ તેવી લાગણી જન્મે. ત્યારે મોન્સુન ફેસ્ટિવલમાં પ્રવાસીઓ પણ દૂર દૂરથી આ અદભૂત નજારાને માણવા આવે છે. ગુજરાતના એવા ઘણા સ્થળો છે જ્યાં તમને કુદરતી નજારો નજીકથી માણવાનો લ્હાવો મળે. એવા સ્થળોમાનું એક એવુ ડાંગ. ડાંગ ભલે આર્થિક રીતે પછાત રહ્યુ પરંતુ કુદરતે ડાંગને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે. ત્યારે ચોમાસુ શરૂ થતા ડાંગની રોનક જ કંઇક જુદી જોવા મળે છે.
ડાંગમાં એવા ઘણા સ્થળો છે જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય. ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. ડાંગમાં વરસાદી મોસમ શરૂ થતા જ કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ જીવતં થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. તો આ તરફ સાપુતારામાં પણ ચોમેર લીલોતરીના દર્શન થતા પ્રવાસીઓનો ધસારો પણ વધશે.
ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.
સાપુતારાનું સરોવર માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે.
સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે. તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો