
ટ્રેકિંગનો શોખ તો ઘણાબધાને હોય છે પરંતુ વાસ્તવમાં ટ્રેકિંગ કરવું ઘણું અઘરુ છે. અને તેમાંય જ્યારે હિમાલયના પર્વતોમાં ટ્રેકિંગ કરવાની વાત આવે ત્યારે ભલભલા શૂરવીરો પણ પાછા પડે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ઘણાં નાના ટ્રેક પણ છે જ્યાં લોકો ટ્રેકિંગ કરતા હોય છે પરંતુ અઘરા ટ્રેક કરવા અને તે પણ એક યુવતી દ્વારા એ તો ખરેખર સાહસિક વસ્તુ ગણાય. જો તમારામાં અદમ્ય સાહસ અને પોઝિટિવ એટીટ્યુડ હશે તો ઉંચા શિખરો સર કરી શકાશે. અને આવો જ એટીટ્યુડ બતાવ્યો છે બીલીમોરાની 25 વર્ષીય યુવતીએ. આ યુવતીએ ઉત્તરાખંડના મુશ્કેલ ટ્રેક એવા તુંગનાથ, દેવરીયાતાલ સફળતાપૂર્વક સર કરી ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.
ગુજરાતીઓ સાહસિક પ્રવૃતિઓથી દૂર રહે છે અને માત્ર ધંધા પર ધ્યાન આપે છે એવી માન્યતા હવે બદલાઇ રહી છે. ગુજરાતી યુવાનોની સાથે હવે યુવતીઓ પણ સાહસિક પ્રવૃતિઓ કરી રહી છે અને પર્વતારોહણ જેવા શોખને પૂરા કરવા કંઇપણ કરવા તૈયાર રહે છે. આજકાલ યુવાનોમાં પર્વતારોહણ કરવાનો શોખ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીના બીલીમોરા શહેરમાં રહેતી રોશની ટેલરે સૌથી ઊંચી શિખર પર ચઢી નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. રોશનીએ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિત મંદાકિની અને અલકનંદા નદીની ખીણમાં આવેલ અને મહાભારતમાં પણ જેનો ઉલ્લેખ છે તેમજ દુનિયા ઉંચા શિખરોમાં જેની ગણના થાય છે એવા તુંગનાથ (3690 મીટર, 12106 ફૂટ) શિવ મંદિર તરીકે વિશ્વ વિખ્યાત છે એ શિખર સર કરી ત્યાં દેશનો તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.

એટલું જ નહીં રોશની યોગ ઇન્સ્ટ્રકટર છે અને તેણે આટલી ઉંચાઈ પર -2 ડિગ્રી તાપમાનમાં પાતળી હવાના કારણે સામાન્ય માણસને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે ત્યાં યોગ કરીને પોતાના સાહસનો પરિચય આપ્યો હતો. ટ્રેકિંગના બીજા તબક્કામાં ઉખીનાથ - ચોપટા રોડ સ્થિત અને 2438 મીટર એટલે કે 7999 ફૂટની ઉંચાઈ પર આવેલ દેવરીયાતાલનું કપરુ ચઢાણ ચઢીને ત્રિરંગો લહેરાવી રોશનીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
કહેવાય છે કે કોઈપણ મંઝિલ સુધી પહોંચવા માટે પરિવારનો સાથ ખૂબ જ મહત્વનો હોય છે ત્યારે રોશનીના માતા અને એના ભાઈએ એને આ શિખર સુધી પહોંચવામાં સૌથી વધુ મદદ કરી..રોશની વ્યવસાયે યોગા ટીચર છે અને લોકોને યોગનું મહત્વ સમજાવે છે ત્યારે આ શિખર સર કરવા માટે તેને યોગ સૌથી વધારે એને ઉપયોગી બન્યો હતો. પોતાની મંઝીલે પહોંચવા માટે રોશનીએ બે થી અઢી મહિના સુધી સતત પ્રેક્ટિસ કરી..જેમાં દરરોજ વોકિંગ, ખોરાક પર કાબુ અને યોગનો ખુબ મહત્વનો ફાળો રહ્યો. રોશની હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું વિચારી રહી છે.

તુંગનાથ ટ્રેક વિશે જાણકારી
ઉત્તરાખંડમાં આવેલા છે ભગવાન શિવના પાંચ પ્રાચીન મંદિરો, કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મહાદેવ. ભગવાન શિવના આ તમામ પ્રાચીન મંદિરો પંચકેદાર તરીકે ઓળખાય છે. તમામ પંચ કેદાર મંદિરોમાં તુંગનાથ મહાદેવ મંદિર ત્રીજા નંબરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તમામ પ્રાચીન શિવ મંદિરો મહાભારત યુદ્ધ પછી પાંડવો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તુંગનાથ મંદિરનો ઈતિહાસ માત્ર મહાભારત કાળથી જ સંબંધિત નથી, પરંતુ આ સ્થળનો સીધો સંબંધ ભગવાન રામ અને રાવણ સાથે પણ છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 1000 વર્ષ જૂનું છે. આ મંદિર દુનિયાનું સૌથી ઉંચુ શિવ મંદિર પણ છે. દરિયાની સપાટીથી 3680 મીટરની ઉંચાઈ પર સ્થિત આ મંદિર ખૂબ જ સુંદર વાસ્તુકલાથી બનેલું છે અને તેની આસપાસ ઘણા મંદિરો છે જે ખૂબ જ અદભૂત છે.
Tungnath અને Chandrashila trek ઉત્તરાખંડના સૌથી પ્રસિદ્ધ ટ્રેકમાંના એક છે

આ ટ્રેકની આસપાસની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દે છે, આ ટ્રેક ઉત્તરાખંડના એક સુંદર હિલ સ્ટેશન ચોપતાથી શરૂ થાય છે, આ ટ્રેકની ખાસ વાત એ છે કે તમે એક સાથે બે સુંદર હિમાલયની ખીણો જોઈ શકો છો. ચંદ્રશિલાની ઉંચાઈ વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની અડધી ઉંચાઈ જેટલી છે, આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આટલી ઉંચાઈ પરથી નજારો કેટલો અદભૂત હશે.તમે ચોપતાથી તુંગનાથ આરામથી જઈ શકો છો, પછી તુંગનાથ થી ચંદ્રશિલા જવા માટે તમારે ટ્રેક કરવો પડશે. આ માર્ગ ઉબડખાબડ અને સાહસથી ભરેલો છે. અને જો તમે આ ટ્રેક શિયાળાના સમયમાં કરશો તો તમને અહીં બરફથી ઢંકાયેલ શિખરો પણ જોવા મળશે અને તમારે બરફ પર ચાલતી વખતે આ ટ્રેક કરવો પડશે. જે તમારા ટ્રેકને વધુ સાહસથી ભરી દેશે.

તુંગનાથ ચંદ્રશિલા ટ્રેક કેટલા કિલોમીટરનો છે?
તુંગનાથ ચંદ્રશિલા ટ્રેકનું કુલ અંતર 11 કિલોમીટર છે. ચોપતાથી તુંગનાથ ટ્રેકનું અંતર 3.5 કિલોમીટર છે. તુંગનાથથી ચંદ્રશિલાનું અંતર 2 કિલોમીટર છે.

કેવી રીતે પહોંચવું
આ ટ્રેક કરવા માટે તમારે સૌથી પહેલા તમારે હરિદ્વાર પહોંચવાનું છે, તમે ટ્રેનની મદદથી ખૂબ જ સરળતાથી હરિદ્વાર પહોંચી શકો છો. હરિદ્વારથી ચોપતા 230 કિલોમીટરના અંતરે આવેલું છે અને તમને હરિદ્વારથી ચોપતા સુધીની સીધી બસ અથવા જીપના વિકલ્પો ભાગ્યે જ મળશે.
એટલા માટે તમે હરિદ્વારથી રુદ્રપ્રયાગ પહોંચો અને પછી રુદ્રપ્રયાગથી ઉખીમઠ પહોંચો અને તમે ઉખીમઠ થઈને ચોપતા પહોંચી શકો. અને ચોપતા પહોંચ્યા પછી, અહીં હોટેલમાં આરામ કરો અને ચોપતાના સ્થાનિક બજારની મુલાકાત લો.

ટ્રેન દ્વારા: હરિદ્વાર એ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે જે મુખ્ય ભારતીય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે. હરિદ્વારથી તમે ચોપતા સુધી ટેક્સી લઈ શકો છો અને ખૂબ જ સરળતાથી ચોપતા પહોંચી શકો છો.
હવાઈ માર્ગે: દેહરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ ચોપતાનું સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી ચોપતાનું અંતર 178 કિમી છે, અહીંથી તમે ટેક્સી લઈને ચોપતા જઈ શકો છો અને 5 થી 6 કલાકમાં ત્યાં પહોંચી શકો છો.

ચોપતાથી તુંગનાથ સુધી ટ્રેક કરવા માટેનો શ્રેષ્ઠ સમય
ચોપતાથી તુંગનાથ ટ્રેક વર્ષમાં કોઈપણ સમયે કરી શકાય છે પરંતુ શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે નવેમ્બરથી એપ્રિલ સુધી તુંગનાથ મંદિરના દરવાજા બંધ રહે છે. આ કારણે, ચોપતાથી તુંગનાથ સુધીનો ટ્રેક કરવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર મહિનો છે. બરફ દરમિયાન ટ્રેક પૂર્ણ કરવું થોડું મુશ્કેલ બની જાય છે કારણ કે બરફ એટલો હોય છે કે તુંગનાથ મંદિર પણ લગભગ 6-8 ફૂટ બરફથી ઢંકાઈ જાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો