અંબાજી મંદિરથી તો સૌ કોઇ પરીચિત છે. દર વર્ષે ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં લોકો માતાના આ મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો તો વીકેન્ડ્સમાં કે તહેવારોમાં અંબાજીના દર્શને ઉપડી જતા હોય છે. ઘણાં લોકો અંબાજી દર્શન કરીને આબુ ફરવા જતા રહેતા હોય છે. કારણ કે અંબાજીમાં મંદિર સિવાય અન્ય ટૂરિઝમ પ્લેસિસનો ખાસ વિકાસ થયો નથી. પરંતુ સરકારે હવે પ્રવાસીઓને આકર્ષવા માટે અંબાજીના આસપાસની પૌરાણિક જગ્યાઓનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન શિવજીના મંદિરોમાં ઉમટે છે. રાજ્યમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવ સહિત અનેક મહત્વના શિવમંદિરો છે, પરંતુ શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ અન્ય શિવમંદિરોમાં પણ દર્શન કરવા અચૂક જતા હોય છે. ગુજરાતમાં આવેલા અનેક શિવમંદિરોમાં ઘણા બધા શિવમંદિરો પૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાંનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ.
રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અંબાજી માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે-સાથે આસપાસ આવેલા યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રીંછડિયા મહાદેવ મંદિર પરિસરના વિકાસનો પણ સમાવેશ કરાયો છે.
અંબાજીથી ખેડબ્રહ્મા જતા ધોરીમાર્ગ પર કુંભારિયા દેરાસરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આંતરિયાળ વિસ્તારમાં આવેલ પૌરાણિક રીંછડિયા મહાદેવ મંદિરનું નામ અહીં વન વિસ્તારમાં રીંછોની વસતીના કારણે પડ્યું છે. આદિવાસી વસતી ધરાવતા રીંછડી ગામના જંગલોમાં રીંછ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એટલે જ આ મંદિરનું નામ રીંછડિયા મહાદેવ પડ્યું છે.
વર્ષ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ માસમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, રીંછડિયા મહાદેવ ખાતે ભાદરવી પૂનમે પણ અહીં મેળો ભરાય છે. અંબાજી મંદિરે ભરાતા ભાદરવી પૂનમના મેળાની સાથે અહીં મેળો યોજાય છે. રીંછડી ડેમ નજીક આવેલા આ મંદિરના આસપાસનું વાતાવરણ નયમરમ્ય છે.
અંબાજીથી 5 કિલોમીટર દૂર આવેલા રીંછડિયા ગામના વન વિસ્તારમાં આવેલ આ મંદિર પાસે આવેલી અષ્ટકોણી વાવ તથા સરસ્વતી નદી પર ડેમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. રીંછડિયા મહાદેવ મંદિરની પૌરાણિકતા તથા ઐતિહાસિકતાને જોતાં રાજ્ય સરકારે આ મંદિરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા સંચાલિત રીંછડિયા મહાદેવ મંદિરના કાયાકલ્પ માટે રાજ્ય સરકારે રૂ. 53.94 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી ચૂકી છે. આ પ્રોજેક્ટ હેઠળ યાત્રાળુઓ માટે રીંછડિયા મંદિર પરિસર, રીંછડિયા લેક બ્યુટીફિકેશન, ચેકડૅમ ફાઉંટેન,
ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસર તથા તેની આસપાસના વિસ્તારમાં 29 જેટલા વિવિધ સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ વિકાસ પ્રોજેક્ટ હેઠળ મુખ્યત્વે રીંછડિયા મહાદેવ મંદિર તથા મંદિર પરિસરનું પુન:નિર્માણ કરવામાં આવશે. આ પુન:નિર્માણ પ્રક્રિયામાં મંદિરે આવતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પણ ઉભી કરાશે. જેમાં પાર્કિંગ, ઇનફૉર્મેશન કિઓસ્ક/સેંટર તથા 2 બ્રિજની વ્યવસ્થા કરાશે. યાત્રાળુઓ માટે અરાઇવલ પ્લાઝા, ચેકડૅમ ફાઉન્ટેન પણ બનાવવામાં આવશે. મંદિર વિસ્તારમાં સ્કલ્પચર, કૉફી શોપ, ક્રાફ્ટ બઝાર, ફૂડ કિઓસ્ક્સ, વૉકિંગ ટ્રૅક, એમ્ફીથિયેટર, ટૉઇલેટ તથા ડ્રિંકિંગ વૉટર, પાથવે, પ્રોજેક્ટ વ્યુઇંગ ડેક્સ, વિઝિટર્સ સેંટર, ફ્લોટિંગ ડેક, આર્ટ વૉલ્સ, વૉચ ટાવર, એક્સપીરિયન્સ પાથ, રસ્ટિક મડ પાથ, વેટલૅંડ, વૉટર ઇંટેલ કલ્વર્ટ, લેક એજ એરિયા, ડીસિલ્ટિંગ તેમજ માત્ર પાથવે પર ઇલેક્ટ્રિકલ વર્ક જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં
આવશે.
અંબાજીની નજીક આ જગ્યાઓ પણ છે ફરવાલાયક
કુંભારિયા જૈન મંદિર
કુંભારીયા, અંબાજી મંદિરથી 1 કિલોમીટર દૂર આવેલું છે. અહીં 13મી સદીમાં નેમીનાથ ભગવાનની યાદમાં બનાવેલું ઐતિહાસિક જૈન મંદિર છે. નેમિનાથ ભગવાનનું કુંભારિયા જૈન મંદિર હવે ગુજરાતમાં વારસો કેન્દ્ર છે. દિવાલ પર સુંદર કોતરકામ તે મંદિરના મુખ્ય આકર્ષણ છે. વર્ષ 1032માં વિમલાસા દ્વારા બનાવવામાં આવેલ 360 મંદિરના સમૂહના અવશેષોમાંથી એક મંદિર છે. તે એક મહાન ઇતિહાસ ધરાવે છે. અહીં જૈન મંદિરમાં ધર્મશાળાની સુવિધા છે અને ભક્તો માટે ભોજનશાળા પણ છે.
નાના અંબાજી
નાના અંબાજી આરાસુર અંબાજી મંદિરથી માત્ર 50 કિ.મી દૂર અને ઇડરથી 25 કિમી દૂર છે. દેવી અંબાજીના પ્રાચીન મંદિરને કારણે તે મા દેવી અંબાના ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. મંદિર ખેડબ્રહ્માના બસ સ્ટેશનની નજીક આવેલું છે. નાના અંબાજી મંદિરનું સંચાલન રાજ્ય ઇડરના શાસક દ્વારા સ્થાપિત મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
દેવી અંબાની મૂર્તિ કેન્દ્રમાં સ્થાપિત છે અને ભગવાન ગણેશ,હનુમાનજી, કાલ ભૈરવ, સરસ્વતી માતા વગેરેની મૂર્તિઓ વિશાળ મંદિર પરિસરમાં છે. આખા વર્ષ દરમિયાન અને મુખ્યત્વે નવરાત્રિ અને ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના તહેવાર પર પૂર્ણિમાના દિવસે હજારો ભક્તો અહીં આવે છે. મોટા અંબાજીમાં ભાદરવી મેળાનું આયોજન કરવામાં આવે છે.તેથી ભક્તો અંબાજી શક્તિપીઠ મંદિર સુધી પહોંચતા પહેલા ખેડબ્રહ્મા અંબાજી મંદિરની મુલાકાત લે છે.
તારંગા હિલ્સ
તારંગા તીર્થ એટલે ઉત્કૃષ્ટ શિલ્પકારી અને અવર્ણનીય સૌંદર્યનો મધુર સમન્વય. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો તારંગાનો ડુંગર ભવ્ય ભૂતકાળ અને ઉત્તમ ધર્મભાવનાઓની ઝાંખી કરાવે છે. પવિત્ર મંદિરોથી વિભૂષિત અને રળિયામણી ટેકરીઓથી વીંટળાયેલું આ તીર્થ જૈનોનાં પાંચ મુખ્ય તીર્થેામાંનું એક મહાતીર્થ હોવાનું ગૌરવ ધરાવે છે.
તારંગા તીર્થમાં નૈસર્ગિક સૌંદર્ય અને માનવસર્જિત કળાનો મધુર સમન્વય થયો છે. તારંગા તીર્થ આ રીતે મનને શાંતિ, ચિત્તને એકાગ્રતા અને હૃદયને ભક્તિભાવનાથી ભરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. આ તીર્થની ભૂમિ પાવન છે. અહીંના રજકણ પવિત્ર છે. જૈનોના દ્વિતીય તીર્થંકર શ્રી અજિતનાથની વિશાળકાય મનોનયનકારી જિનપ્રતિમા છે. પ્રતિવર્ષ દોઢેક લાખ જેટલા યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે અને તેથી એક વધુ સુવિધાપૂર્ણ ધર્મશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં કાર્તિકી પૂર્ણિમાની યાત્રાનું ઘણું મહત્વ છે. દીપાવલીના દિવસોમાં પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો