ફિલ્મ ‘રેવા’: અધ્યાત્મિક્તા સાથે અહીં ટ્રાવેલ ગોલ્સ પણ છે

Tripoto

ગુજરાતી ફિલ્મોમાં સૌથી અલગ હોવા છતાં સફળ ફિલ્મોમાં સ્થાન પામી હોય તેવી અફલાતૂન ફિલ્મ એટલે ‘રેવા’. લોકપ્રિય ગુજરાતી લેખક શ્રી ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલા અદભૂત પુસ્તક ‘તત્વમસિ’નું ઓફિશિયલ ફિલ્મીકરણ એટલે ‘રેવા’. સિનેમા જગતમાં માત્ર રોમાન્સ અને રહસ્ય-રોમાંચ બતાવ્યા વગર એક નદી અને તેના માટે લોકોની શ્રદ્ધા ઉજાગર કરતી આધ્યાત્મિક ફિલ્મ એટલે રેવા.

ફિલ્મનો મુખ્ય વિષયવસ્તુ છે નર્મદા. નર્મદા પરિક્રમા. નર્મદા પરિક્રમાનો હાર્દ. નર્મદાની મહિમા.

ફિલ્મ રેવા દરેક પ્રવાસપ્રેમીને ટ્રાવેલ ગોલ્સ આપે છે પવિત્ર નદી નર્મદાના કિનારે આવેલા આ તમામ અનેરા પ્રવાસન સ્થળો જોવાની...

Photo of ફિલ્મ ‘રેવા’: અધ્યાત્મિક્તા સાથે અહીં ટ્રાવેલ ગોલ્સ પણ છે by Jhelum Kaushal

‘રેવા’માં નાયક અમેરિકાથી ભારત નર્મદા નદીના કિનારે આવેલા એક આશ્રમ આવે છે. મધ્ય પ્રદેશના બેકડ્રોપ પર બનેલી ફિલ્મમાં રેવાના કિનારે આકાર લેતા એવા અનેક દ્રશ્યો છે જે જોઈને આપણને તે સ્થળની મુલાકાત લેવાનું અચૂક મન થઈ જાય. વળી, મધ્ય પ્રદેશ ટુરિઝમ દ્વારા પણ નર્મદાના કિનારે આવેલી જગ્યાઓને ખૂબ સારી રીતે સાચવવામાં આવી છે જેથી ધાર્મિક હેતુથી કે માત્ર પ્રવાસન હેતુથી આવનાર કોઈ પણ નર્મદાને સંપૂર્ણપણે માણી શકે.

નર્મદા નદી આસપાસ આવેલા મુખ્ય જોવાલાયક સ્થળો:

1. અમરકંટક:

પવિત્ર નર્મદા નદીનું ઉદગમ સ્થળ એટલે અમરકંટક. ‘રેવા’માં અવારનવાર પરિક્રમાની વાત થાય ત્યારે સાથે આ સ્થળનો સતત ઉલ્લેખ થાય છે. મધ્ય પ્રદેશમાં છત્તીસગઢ રાજ્યની સરહદે પહાડી ક્ષેત્રમાં આવેલું આ એક નાનકડું ગામ છે પણ નર્મદાનું જન્મસ્થળ હોવાથી અહીં ખૂબ સુંદર આશ્રમો તેમજ મંદિરો બનાવવામાં આવ્યા છે.

મુખ્ય નર્મદા મંદિર પણ ઘણા વિશાળ પરિસરમાં આવેલું છે જ્યાં એક નાનકડા તળાવમાંથી નર્મદા નદી ઉદભવે છે. અહીં સવાર સાંજ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. આગળ જતાં જ નર્મદા ધોધનું સ્વરૂપ લે છે ત્યાં પણ ખૂબ મનોરમ્ય દ્રશ્યો સર્જાય છે.

2. જબલપુર

નર્મદા નદી જ્યાં સુંદરતમ સ્વરૂપે વહે છે તેવી જગ્યા છે જબલપુર શહેરની આસપાસ આવેલા ધૂંવાંધાર, માર્બલ રોક્સ, બંદરકૂદની અને ભેડાઘાટ. આ જગ્યાએ નર્મદા નદીના કિનારે કલાકોનો સમય ક્યાં પસાર થઈ જાય તેનું ભાન જ નથી રહેતું. વળી, અહીં રોપ વે, બોટિંગ વગેરે જેવી સુવિધાઓ હોવાથી આ એક આદર્શ પ્રવાસન સ્થળ છે. જો તમે જબલપુર કે જબલપુરની આસપાસ આવેલા કોઈ શહેર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો જબલપુરમાં બે દિવસ અવશ્ય રોકાશો. નર્મદાની સુંદરતા તમને સાચે જ મંત્રમુગ્ધ કરી મૂકશે.

વારાણસી કે હરદ્વારમાં જેમ ગંગા આરતી કરવામાં આવે છે તે જ પદ્ધતિથી અહીં નર્મદા આરતી કરવામાં આવે છે જે જોવા રોજ હજારો લોકોની ભીડ ઉમટે છે.

3. મહેશ્વર

જે કોઈએ ‘રેવા’ ફિલ્મ જોઈ હશે તેમના સ્મરણપટ પર કાયમ અંકિત રહે તેવું એક દ્રશ્ય છે નર્મદા નદીને સાડી ચડાવવાનું. સુંદર મંદિરોથી સજેલા ઘાટ પરથી નદીને સાડી ઓઢાડવામાં આવે છે અને બેકગ્રાઉન્ડમાં ‘રેવા’ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગે છે. અમેરિકાથી આવેલો નાયક બોલી ઉઠે છે: અનબિલિવેબલ! મારા અંગત માટે આ દ્રશ્ય ફિલ્મનું સૌથી યાદગાર દ્રશ્ય છે.

Photo of ફિલ્મ ‘રેવા’: અધ્યાત્મિક્તા સાથે અહીં ટ્રાવેલ ગોલ્સ પણ છે by Jhelum Kaushal

આ અદભૂત દ્રશ્યનું શૂટિંગ નર્મદા નદીના કિનારે આવેલા તીર્થસ્થળ મહેશ્વર ખાતે કરવામાં આવ્યું છે. ઈન્દોરથી માત્ર 100 કિમીના અંતરે આવેલું, રાણી અહિલ્યા બાઈનું રજવાડું રહી ચૂકેલું, આ નાનકડું શહેર તેના નર્મદાની આસપાસ આવેલા મંદિરો માટે જ જાણીતું છે. શાંત વહેતી નર્મદા અહીં આવનાર દરેકને અપાર શાંતિનો અનુભવ કરાવે છે.

4. ઓમકારેશ્વર

બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા ઓમકારેશ્વર વિશે તો કોણ નથી જાણતું? આ શિવ મંદિર પણ નર્મદાના કિનારે આવેલું છે. મધ્ય પ્રદેશમાં જ આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરથી 140 કિમીના અંતરે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે કે પવિત્ર નદી નર્મદાના કિનારે બિરાજે છે.

5. ભરૂચ

મધ્ય પ્રદેશમાં જ જન્મતી અને વિસ્તરતી નર્મદા આશરે એક હજાર કિમીનો પ્રવાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશે છે અને અહીં પણ તેની આસપાસ અનેક જોવાલાયક મંદિરો આવેલા છે. ભરૂચ જિલ્લામાં જ આ પવિત્ર નદી સમુદ્રમાં સમાઈ જાય છે. ભરૂચમાં કોઈ પણ જોવા લાયક જગ્યા એક કે બીજી રીતે નર્મદા સાથે જ સંકળાયેલી છે એમ કહી શકાય. અને તે પૈકી સૌથી પ્રસિદ્ધ જગ્યા કોઈ હોય તો તે છે કબીર વડ.

વન ડે પિકનિક માટે આ પણ એક ખૂબ સારી જગ્યા છે કેમકે અહીં ચોમેર ફેલાયેલા ભવ્ય વટવૃક્ષ અને બાજુમાંથી પસાર થતી નર્મદા સાથે પરિવાર સાથે સમય વિતાવવાની ખૂબ મજા પડે છે.

Photo of ફિલ્મ ‘રેવા’: અધ્યાત્મિક્તા સાથે અહીં ટ્રાવેલ ગોલ્સ પણ છે by Jhelum Kaushal

6. કેવડિયા

હા, જાણું છું કે ફિલ્મ ‘રેવા’ સાથે આ સ્થળને કોઈ સંબંધ નથી પણ આ નગર નદી રેવાના કિનારે જ તો ઊભું છે. કેવડિયામાં વિકાસ પામેલા દરેક સ્થળ નર્મદા નદીના ઋણી છે, નર્મદા છે તો કેવડિયા છે. સાંજના સમયે નર્મદા આરતી સાથે અહીં ભવ્ય લેઝર શોનું પણ આયોજન થાય છે.

અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ: ગુજરાતની આન, બાન અને શાન- વિશ્વનું સૌથી ઊંચું પૂતળું- સ્ટેચ્યૂ ઓફ યુનિટી. અહીં તો ખાસ એલિવેટર દ્વારા મુલાકાતીઓને ઉપરથી સરદાર સરોવર બંધ અને નર્મદા નદીનો નજારો બતાવવામાં આવે છે.

Photo of ફિલ્મ ‘રેવા’: અધ્યાત્મિક્તા સાથે અહીં ટ્રાવેલ ગોલ્સ પણ છે by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads