ભારતીય રેલવે એટલે જાણે એક અનોખી અજાયબી. સવા અબજ લોકોનાં દેશ માટે ભારતીય રેલ આશીર્વાદ સમાન છે. રેલવે કદાચ ભારતનું એકમાત્ર એવું પરિવહનનું માધ્યમ છે જ્યાં ગરીબ-તવંગર તમામ લોકોની આર્થિક સ્થિતિ અનુસાર સુવિધાઓ ઉપલબ્ધ છે.
સતત કઈક અવનવું પૂરું પાડવું એ પણ ભારતીય રેલવેની આગવી ઓળખ બની ચૂકી છે. અને આજે આપણે આવી જ એક નવીનતા વિષે વાત કરીએ છીએ.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ
આ સ્ટેશનથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. મુંબઈના અત્યંત વ્યસ્ત એવા આ CSMT પર ભારતીય રેલ દ્વારા પાટા પર રેસ્ટોરાં શરુ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ!
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં મુંબઈ ખાતે પહેલું ઓન વ્હીલ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે. સેન્ટ્રલ રેલવેના જીએમ અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું કે જે જુના કોચ હવે રેલવે માટે ઉપયોગી ન હતા તેમને રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટ ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે. ખાવાના શોખીનો ગમે ત્યારે અહીં આવીને મજેદાર ભોજનનો આનંદ માણી શકશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના મુલાકાતીઓ માટે આજે સાંજથી મુંબઈનું પહેલું ઓન વ્હીલ્સ રેસ્ટોરન્ટ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ ટર્મિનસના પીડી મેલો પ્રવેશ ગેટ પર સ્થિત છે.
આ ખાસ રેસ્ટોરન્ટ રેટ્રોફિટેડ ડિસ્કાર્ડ રેલ કોચમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 40 લોકો માટેની બેઠક ક્ષમતા છે. રેસ્ટોરન્ટમાં 10 ટેબલ લગાવવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટની અંદર બધી અર્બન રેલ્વે થીમ અને લોકલ ટ્રેનોની તસવીરો સાથે મુંબઈની ઉપનગરીય રેલવે નેટવર્ક થીમ આપવામાં આવી છે.
ઓન વ્હીલ રેસ્ટોરન્ટમાં શાકાહારી અને માંસાહારી બંને ખોરાક ઉપલબ્ધ થશે. નાના રસોડાને કારણે ખાવાની આઈટમો લિમીટેડ રહેશે. કોચને ટર્મિનસના પ્રવેશ દ્વાર પર હેરિટેજ સ્ટ્રીટ સાથે રાખવામાં આવ્યો છે. શેરીમાં નેરોગેજ લોકોમોટિવ, કન્ટ્રી-ફર્સ્ટ લોકોમોટિવ અને એક પ્રિન્ટિંગ પ્રેસ વાળી આર્ટ બનાવવામાં આવી છે. રેલવે હવે લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ અને બોરીવલી સહિત શહેરના અન્ય સ્થળોએ આવા વધુ રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહી છે. સેન્ટ્રલ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા રેસ્ટોરન્ટની સફળતાને જોવામાં આવશે, ત્યારબાદ તેમાં વધુ કોચ ઉમેરવા પર વિચાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ભારતમાં આ પ્રકારની પ્રથમ રેસ્ટોરાં પશ્ચિમ બંગાળના અસંસોલ ખાતે શરુ કરવામાં આવી હતી. વળી, તાજેતરમાં જ CSMT બાદ પૂણે રેલવે સ્ટેશન પર પણ આ જ થીમ સાથે રેસ્ટોરાં શરુ થવાની શક્યતા છે.
સૌજન્ય: ન્યૂઝ આયોગ
.