અયોધ્યાથી છેલ્લા અમુક વર્ષોથી સતત શુભ સમાચાર સાંભળવા મળી રહ્યા છે જેમાં વધુ એક ખુશ ખબરનો સમાવેશ થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પરથી આવેલી ખબર અનુસાર ડિસેમ્બર 2023થી શ્રદ્ધાળુઓ શ્રી રામ મંદિરના દર્શનનો લાભ મેળવી શકશે. સદીઓથી શ્રદ્ધાળુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે બહુ જ નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતા બનવા જઈ રહી છે.
5 ઓગસ્ટ 2020માં ભૂમિપૂજન થયા બાદ રામ મંદિરનું નિર્માણકાર્ય વેગવંતું રહ્યું છે. આ ભવ્ય મંદિરની નિર્માણ સરકારી ખર્ચે નહિ, પરંતુ લોકોએ પોતાના ઈશ્વર માટે ભાવભેર આપેલા દાનની રકમમાંથી બની રહ્યું છે. ભારત તેમજ વિશ્વમાં વસતા રામ-ભક્તોએ કુલ 1500 કરોડ કરતાં વધુ રકમ એકઠી કરી હતી જે પ્રભુ શ્રી રામમાં અતૂટ આસ્થા દર્શાવે છે.
સંપૂર્ણ મંદિરનું નિર્માણકાર્ય વર્ષ 2025માં પૂર્ણ થવાની સંભાવના છે જ્યારે મંદિરનો અમુક ભાગ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યાર પછી દર્શનાર્થીઓ માટે આ મંદિર ખુલ્લુ મૂકી દેવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના જનરલ સેક્રેટરીના કહ્યા અનુસાર દિવસમાં 12 કલાકની એક એવી બે શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે. એટલે કે દરરોજ સતત 24 કલાક આ મંદિરના નિર્માણ માટે સેવકો કાર્યરત છે. 400 ફૂટ લાંબા અને 300 ફૂટ પહોળા પાયાનું નિર્માણ થઈ રહ્યું છે જે 2021ના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આખા મંદિરની ફરતે બનાવવામાં આવતી બાઉન્ડ્રી વોલની ડિઝાઇનમાં અમુક ક્ષતિ હતી જે સુધારવા અંગે પણ કામ થઈ રહ્યું છે.
દરેક પ્રાચીન મંદિરમાં ચલ અને અચલ તેમ બે મૂર્તિઓ હોય છે. પૌરાણિક મૂર્તિને એક નાના ગર્ભગૃહમાં સુરક્ષિત રીતે સ્થાપન કરવામાં આવે છે જ્યારે ભવ્ય મંદિરમાં આવેલા મોટા મંદિરમાં તેની પ્રતિકૃતિ મુકવામાં આવે છે. આ જ નિયમાનુસાર રામલલ્લાની મુખ્ય મૂર્તિની એક નાના ગર્ભગૃહમાં સચવાયેલી રાખવામાં આવશે. (સોમનાથ મંદિરનું મુખ્ય શિવલિંગ ત્યાં નજીકમાં આવેલા એક નાના મંદિરમાં છે તે રીતે)
જે રીતે હિન્દુઓ માટે રામ મંદિરનું ભૂમિ પૂજન અને તે માટેનું અનુદાન આપવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો તેના પરથી અંદાજો લગાવી શકાય કે ડિસેમ્બર 2023 પછી પ્રભુ શ્રી રામના દર્શન એ કરોડો શ્રદ્ધાળુઓ માટે કેટલી ભાવુક પળ હશે!
.