પુષ્કર મેળો કે પુષ્કર ઊંટ મેળો દર વર્ષે 7 દિવસો માટે યોજાય છે. અંતિમ પાંચ દિવસ ઘણાં જ મહત્વપૂર્ણ હોય છે. આ મેળાનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ પવિત્ર કાર્તિક પૂર્ણિમા મહોત્સવ દરમિયાન સ્થાનિક ઊંટ અને પશુ વેપારીઓને વેપાર કરવા માટે આકર્ષિત કરવાનો છે. આ પશુધન શો, સાંસ્કૃતિક ઉત્સવ, નૃત્ય, ગ્રામીણ રમતો, પ્રતિયોગિતા વગેરેનું એક વાર્ષિક બહુ દિવસીય આયોજન છે.
અહીં ઊંટ, ઘોડા અને મહેલ જોવા મળે છે અને વેપાર પણ કરવામાં આવે છે. આ મેળાને જોવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવાનું એક આકર્ષણ દેશના એકમાત્ર બ્રહ્મા મંદિરના દર્શન કરવાનું પણ છે. માન્યતા છે કે આ સરોવરમાં કોઇ પવિત્ર સ્થાનને ઊંડાઇ સુધી લઇ જવાનું ઘણું જ શુભ ગણાય છે. આ ઉપરાંત, તમે નજીકમાં અજમેર શરીફ પણ જઇ શકો છો.
વાર્ષિક પુષ્કર મેળા માટે હજારો ઊંટ રાજસ્થાનના નાનકડા રણ શહેર પુષ્કરમાં એકત્રિત થાય છે. એક પરંપરાગત શૈલીના તહેવારને જોવાનો આ એક લોકપ્રિય અવસર છે.
પુષ્કર ઊંટ મેળો ક્યારે છે
આ વખતે મેળો 11 થી 19 નવેમ્બર વચ્ચે છે. જેના માટે ઊંટ અને અન્ય પશુઓનું આગમન શરુ થઇ ગયું છે.
ક્યાં થાય છે આયોજન
મેળાનું આયોજન બ્રહ્મ મંદિર રોડ અને રાષ્ટ્રીય રાજમાર્ગ 89ના નાકાની નજીક શહેરના પશ્ચિમમાં આવેલા મેદાનમાં થાય છે. ઊંટને તૈયાર કરવા, પરેડ કરવી, મુંડન કરવું, સૌંદર્ય પ્રતિયોગિતા, દોડ, નૃત્ય અને વેપાર જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. ભીડનું મનોરંજન કરવા સંગીતકારો, જાદુગરો, નર્તકો, કલાબાજો, મદારી અને હિંડોળાની સવારીની સાથે એક વિશાળ કાર્નિવલનું આયોજન પણ કરવામાં આવે છે.
ઘણાં સ્થાનિકો મેળાને આવકનું સાધન માને છે. તમને અહીં ભિખારીઓ, જિપ્સીઓ, બાળકો દ્ધારા હેરાનગતિ માટે તૈયાર રહેવું પડશે. જો તમે ફોટો ખેંચવા માંગશો તો કદાચ વેપારી તમારી પાસે પૈસા પણ માંગી શકે છે. સાંજે થતી પુષ્કર સરોવરની આરતી જોવાલાયક છે.
મેળા દરમિયાન ક્યાં રોકાશો
ઊંટ મેળામાં પ્રવાસીઓની ભીડના કારણે હોટલોના ભાડા આસમાને પહોંચી જાય છે તેથી જો તમારે મેળામાં જવું હોય તો થોડાક દિવસ પહેલા જ પહોંચી જાઓ અથવા એડવાન્સમાં બુકિંગ કરાવી લો. અહીં તમને ગેસ્ટહાઉસ, હેરિટેજ હોટલો, રણમાં બનાવેલા લકઝરી ટેન્ટ અને ફાર્મ સ્ટેમાં રહેવા મળશે.
કેવી રીતે જશો
પુષ્કર જવા માટે નજીકનું રેલવે સ્ટેશન અજમેર છે. અજમેરથી પુષ્કર જવા માટે પેસેન્જર ટ્રેન સવારે 9.50 વાગે અજમેરથી નીકળે છે અને 10.50 વાગે પુષ્કર પહોંચે છે. આ એક અનરિઝર્વ્ડ ટ્રેન છે. જેથી તમે અગાઉથી ટિકિટ નહીં બુક કરાવી શકો. ભાડુ 10 રુપિયા છે. ટ્રેન મંગળવાર કે શુક્રવારે નથી ચાલતી.
રોડ માર્ગે પુષ્કર દેશના મોટા શહેરો સાથે જોડાયેલું છે. અમદાવાદથી તમે બસ કે કાર દ્ધારા જઇ શકો છો. અજમેરથી ખાનગી ટેક્સીમાં પુષ્કર જવું હોય તો 600 રુપિયા જેટલો ખર્ચ થશે. જો કે હવે તો ઓલા અને ઉબરની સર્વિસ શરુ થઇ છે જે સસ્તી પડશે. રિક્ષામાં 200 કે 300 રુપિયા થશે.
વિમાનમાર્ગે જવું હોય તો નજીકનું એરપોર્ટ અજમેરથી 40 મિનિટ દૂર કિશનગઢમાં છે. કિશનગઢ જવા માટે અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદથી ફ્લાઇટ મળી રહેશે. બીજો વિકલ્પ જયપુરનો છે. મેળા દરમિયાન ટેક્સીના ભાડા ડબલ થઇ જાય છે.
સજાગ રહો તો નહીં છેતરાઓ
પુષ્કર મેળા દરમિયાન સરોવરના કિનારે પુજાઓ કે પંડાઓ દ્ધારા દાન-દક્ષિણા માંગવામાં આવે છે. ના પાડશો તો પોલિસને બોલાવવાની ધમકી પણ આપશે પરંતુ તમારે દ્રઢતા સાથે આ માંગ ફગાવી દેવાની છે.
રાજસ્થાનમાં અન્ય મેળા
પુષ્કર સિવાય રાજસ્થાનમાં ઝાલાવાડમાં ચંદ્રભાગા મેળો કે બીકાનેરની પાસે કોલાયત મેળાનું પણ આયોજન થાય છે. આ મેળાઓમાં પણ પશુઓનો વેપાર થાય છે.