કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરમાં માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ લોકોની ભીડ જામે છે. જો થોડીક લાઇનોમાં આપણે પુલવામા વિશે કહેવું હોય તો આ જગ્યા જોવામાં બિલકુલ એવી લાગે છે જાણે કે કોઈએ પહાડો પર ચાંદીનો વરખ લગાવી દીધો હોય. કાશ્મીર ઘાટીના આવા જ નજારાઓને જન્નત કહેવામાં આવે છે. જો તમે આ કાશ્મીરી રત્નની સુંદરતા વિશે જાણવા માંગતા હોવ તો તમારે શિયાળામાં પુલવામાની મુલાકાત લેવી જ જોઈએ.
કાશ્મીરની બજેટ ટ્રીપ કેવી રીતે કરવી, તમામ જવાબો અહીં મળશે...
પુલવામા
પુલવામા એ જમ્મુ અને કાશ્મીરના ઉત્તરીય ભાગમાં આવેલું એક નાનું શહેર છે. શ્રીનગરથી લગભગ 30 કિ.મી. દૂર વસેલું આ શહેર રાજ્યનું છઠ્ઠું સૌથી મોટું ક્ષેત્ર છે. પુલવામાને "કાશ્મીરના આનંદ" તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે એટલા માટે કારણ કે આ આખો વિસ્તાર એટલો સુંદર છે કે તે તમને મંત્રમુગ્ધ કરી દેશે. સફરજનના બગીચા, ધોધ, કુદરતી સરોવરો અને અદભૂત નજારા સાથે, આ જિલ્લાને કાશ્મીરના ચોખાના બાઉલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં પુલવામાને પનવાંગામ અથવા પુલગામ તરીકે ઓળખવામાં આવતું હતું. કેસરની ખેતી માટે પ્રખ્યાત આ સ્થાનના દરેક ખૂણે સુંદરતા વસે છે.
શું જોવું?
નૈસર્ગિક ધોધ, અદભૂત દૃશ્યો અને અદ્ભુત ઘાટીઓ સાથે, આ જિલ્લામાં એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે. એકવાર તમે પુલવામાની આસપાસ ફરવાનું શરુ કરી દેશો તો વિશ્વાસ કરો કે તમે તમારી જાતને રોકી શકશો નહીં.
1. અહરબલ ધોધ
ઝરણાને જોવું હંમેશા આંખોને આરામ આપે છે. પુલવામામાં ઘણા ધોધ છે અને તે બધામાં સૌથી ખાસ છે અહરબલ ધોધ. આ ધોધ વેશુ નદી પર બનેલો છે. પીર પંજાલ પર્વતોની ગીચ દેવદાર વૃક્ષોથી ભરેલી ખીણમાં 25 મીટરની ઊંચાઈએથી પડતો આ ધોધ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
2. શિકારગાહ
પુલવામા જિલ્લામાં ત્રાલથી 3 કિ.મી. અંતરે બનેલું આ પિકનિક સ્પોટ ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે વન્યજીવોથી ભરેલું છે. એક સમય હતો જ્યારે આ જગ્યા જમ્મુ-કાશ્મીરના રાજવી પરિવારોને ખૂબ જ પસંદ હતી. શિકારગાહના બદલાયેલા દ્રશ્યનો શ્રેય મહારાજા હરિ સિંહને જાય છે જેઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા રાજા હતા.
3. પેયર મંદિર
પુલવામાથી 3 કિ.મી. દૂર આ મંદિર પેર ગામમાં આવેલું છે. સ્થાનિક લોકોમાં તેને પાયક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસ વાત એ છે કે આખું મંદિર એક જ પથ્થરમાંથી કોતરેલું છે.
4. અવંતિશ્વર મંદિર
પુલવામા એ ઐતિહાસિક અને મનોહર દૃશ્યોનું સુંદર મિશ્રણ છે. આ ઐતિહાસિક સ્થળોમાં અવંતિશ્વર મંદિર સૌથી વિશેષ છે. અવંતિશ્વર મંદિર પુલવામા જિલ્લાના જૌબરી ગામમાં છે. આ મંદિર 9મી સદીમાં રાજા અવંતિ વર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઝેલમ નદીના કિનારે બનેલું આ મંદિર ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત છે. મંદિરની દિવાલો પર પ્રાચીન પૌરાણિક કથાઓ અને લોકકથાઓ કોતરવામાં આવી છે.
5. તરસાર અને મરસાર તળાવ
તરસાર-મરસાર ટ્રેક એ કાશ્મીર ખીણમાં એક લોકપ્રિય ટ્રેક છે જે તમને ખીણના સૌથી સુંદર ભાગોમાંથી પસાર કરે છે. તરસાર અને મરસાર એ બે તળાવો છે જેના પરથી આ ટ્રેકનું નામ પડ્યું છે. આ ટ્રેક કરીને, તમે આ બંને તળાવો પર પહોંચી જશો અને ખરેખર તે દૃશ્ય ખૂબ જ અદભૂત હોય છે. કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લાના અરુમાં આવેલા આ બંને તળાવો બદામના આકારના છે. બે તળાવો વચ્ચે એક પર્વત છે જે તેમને એકબીજાથી અલગ કરે છે. તળાવોની આસપાસ કોલ્હાઈ પહાડોનો ભવ્ય નજારો જોવા મળે છે જે સ્થળની સુંદરતામાં વધારો કરે છે. મરસાર અને તરસાર તળાવો ડાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક આવેલા છે અને તે જોડિયા બહેનો તરીકે પણ ઓળખાય છે.
6. કુંગવટ્ટન
કુંગવટ્ટન અહરબલ ધોધથી 8 કિ.મી. દૂર આવેલી એક સુંદર જગ્યા છે. આ જગ્યા વિશે ઘણા લોકો નથી જાણતા પરંતુ જો તમે આ વિસ્તારના કોઈ સ્થાનિક વ્યક્તિ સાથે હોવ તો તે તમને આ લક્ઝુરિયસ બુગ્યાલ પર ચોક્કસ લઈ જશે. કુંગવટ્ટન 8400 મીટરની ઉંચાઈ પર આવેલું વિશાળ ઘાસનું મેદાન છે જે માનવ વસતીથી દૂર છે. જો તમે કુંગવટ્ટનના ગાઢ જંગલોથી આગળ વધો છો, તો તમે સરળતાથી મહિનાગ પહોંચી શકો છો.
7. જામા મસ્જિદ શોપિયાં
મુઘલ શાસકોના સમયમાં બનેલી આ મસ્જિદ તે સમયે કાશ્મીરની મુલાકાત લેતા તમામ મુઘલો માટે જરૂરી સ્ટોપેજ હતી. તમામ મુઘલ શાસકો કાશ્મીરની મુલાકાત દરમિયાન આ મસ્જિદમાં રોકાતા હતા.
8. અસર શરીફ પિંજૂરા
પુલવામામાં ઘણા ધાર્મિક સ્થળો છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ. તે સ્થાનોમાંથી એક અસર શરીફ પિંજુરાની મસ્જિદ છે. આ મસ્જિદ વિશે પુલવામાના લોકોમાં ઘણી માન્યતા છે. મુખ્ય શહેરથી 12 કિ.મી. દૂર બનેલી આ મસ્જિદ હઝરત મોહમ્મદના અવશેષોનું ઘર છે, જે ખાસ પ્રસંગોએ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવે છે.
9. કૌંસારનાગ તળાવ
પંજાલ પર્વતોની વચ્ચે અને કાશ્મીરના દક્ષિણમાં આવેલું, આ તળાવ પુલવામાના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. 4000 મીટરની ઉંચાઈ પર હોવા છતાં, કૌંસર તળાવનું પાણી ઉનાળાની ઋતુમાં પણ થીજી જાય છે. આ તળાવને જોવા માટે તમારે મુખ્ય શહેરથી 41 કિમી દૂર જવું પડશે. પરંતુ આ અંતર પૂર્ણ કર્યા પછી, જ્યારે તમે આ તળાવનો મોહક નજારો જોશો, ત્યારે તમારો બધો થાક દૂર થઈ જશે.
ક્યારે જવું?
પુલવામા હિમાલયની પર્વતમાળાની વચ્ચે આવેલો એક સુંદર જિલ્લો છે. સારી વાત એ છે કે પહાડી વિસ્તાર હોવા છતાં પુલવામાનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે. એટલા માટે તમારે અહીં આવવા માટે નિશ્ચિત સમયની રાહ જોવાની જરૂર નથી. પરંતુ જો તમે પુલવામા જવાનો શ્રેષ્ઠ સમય શોધી રહ્યા છો તો તમારે એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે મુલાકાત લેવી જોઈએ. વર્ષના આ સમયે ખીણની સુંદરતા તેની ટોચ પર હોય છે. જો તમને ઠંડી હવા અને બર્ફીલા મેદાનો ગમે છે તો તમારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે પુલવામાની મુલાકાત લેવી જોઈએ.
ક્યાં રહેશો?
પુલવામામાં રહેવા માટે અનંત વિકલ્પો છે. સસ્તું હોમસ્ટે અને ગેસ્ટહાઉસથી લઈને લક્ઝુરિયસ હોટલ સુધીના તમામ વિકલ્પો અહીં ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને આરામ પ્રમાણે કોઈપણ જગ્યા પસંદ કરી શકો છો. જો તમને આધુનિક સુવિધાઓ સાથેનું સ્થળ જોઈએ છે, તો તમે શ્રીનગરની કોઈપણ ફાઈવ સ્ટાર હોટલમાં પણ રોકાઈ શકો છો.
કેવી રીતે પહોંચવું
તમારી પાસે પુલવામા પહોંચવા માટે ઘણા વિકલ્પો છે. તમે ફ્લાઈટ, રોડ અને ટ્રેન દ્વારા કોઈપણ રીતે પુલવામા પહોંચી શકો છો. પુલવામા આવવા માટે તમારે પહેલા શ્રીનગર અથવા જમ્મુ આવવું પડશે.
ફ્લાઈટ દ્વારાઃ જો તમે ફ્લાઈટ દ્વારા પુલવામા આવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે શ્રીનગરના શેખ-ઉલ-આલમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવવું પડશે. શ્રીનગર એરપોર્ટ પુલવામાથી લગભગ 37 કિમી દૂર છે. તમે એરપોર્ટથી શેયર ટેક્સી અથવા ખાનગી કેબ લઈને સરળતાથી પુલવામા પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા: પુલવામામાં કોઈ રેલવે સ્ટેશન નથી. અવંતીપોરા સ્ટેશન, કાકાપોરા સ્ટેશન અને પમ્પોર નજીકના રેલ્વે સ્ટેશન છે. કેટલીક વિશેષ ટ્રેનો દિલ્હીથી આ સ્ટેશનો સુધી દોડે છે, તેથી તમારે અગાઉથી આયોજન કરવું જોઈએ. આ સિવાય જમ્મુ તાવી રેલ્વે સ્ટેશનથી પણ તમે સરળતાથી પુલવામા આવી શકો છો. જમ્મુ તાવી સ્ટેશન પુલવામા નજીક બનેલ સૌથી મોટું સ્ટેશન છે જે પુલવામાથી 281 કિમી દૂર છે. તમને જમ્મુ આવવા માટે દેશના કોઈપણ ખૂણેથી ટ્રેન મળશે.
સડક માર્ગેઃ જો તમે ફ્લાઈટ અને ટ્રેન દ્વારા ન આવીને બાય રોડ થઈને પુલવામા આવવા માંગો છો, તો તેમાં પણ તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પુલવામા દેશના તમામ ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. પુલવામામાં બસ ટર્મિનલ પણ છે જેથી તમને કોઈ સમસ્યા નહીં થાય.
કાશ્મીરની બજેટ ટ્રીપ કેવી રીતે કરવી, તમામ જવાબો અહીં મળશે...
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો