એપ્રિલના અંત સુધીમાં મોટાભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઇ જશે અને વેકેશન શરૂ થઇ જશે. હવામાન વિભાગે આ વખતે કાળઝાળ ગરમીની આગાહી કરી છે એટલે મે-જૂનમાં પરસેવાથી બચવું હોય તો તમારે હિલ સ્ટેશનની વાટ પકડવી પડશે. હવે અમદાવાદીઓ ઉનાળામાં મોટાભાગે કાશ્મીર, હિમાચલ કે ઉત્તરાખંડના પ્રવાસે જતા હોય છે. ગયા વર્ષે વેકેશનને કોરોના ખાઇ ગયું હતું એટલે આ વર્ષે હિલ સ્ટેશનો અત્યારથી બુક થઇ ગયા છે. હવે જો તમે કોઇ બુકિંગ નથી કરાવ્યું અને ગુજરાતની નજીકમાં જ કોઇ હિલ સ્ટેશને જવું છે તો અમે તમને બતાવીશું કેટલાક ઓપ્શન્સ જે તમારા બજેટમાં પણ ફીટ બેસશે.
માઉન્ટ આબુ
અમદાવાદથી સૌથી નજીકનું હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ. આબુ અમદાવાદથી 225 કિ.મી.દૂર છે અને જો પ્રાઇવેટ કારમાં જાઓ તો 5 કલાકમાં આબુ પહોંચી જવાશે. આબુમાં તમને 1500થી 2000માં રૂમ મળી જશે. જો બસમાં જવું હોય તો ગીતા મંદિર સ્ટેશનેથી તમને આબુની સીધી બસ મળી જશે. આ ઉપરાંત તમે પ્રાઇવેટ લકઝરી બસમાં પણ આબુ જઇ શકો છો.
આબુમાં ક્યાં ફરશો
આબુમાં જોવાલાયક અનેક સ્થળો છે. જેમાં સનસેટ પોઇન્ટ, ગુરુશિખર, નક્કી લેક, ક્રોકોડાઇલ પાર્ક, દેલવાડા જૈન ટેમ્પલ, અચલ ગઢ, મ્યુઝિયમ, બ્રહ્માકુમારીઝ, અર્બુદા દેવી મંદિર વગેરે. આબુમાં નક્કી લેક પર સોફ્ટી આઇસ્ક્રીમ ખાવાની પણ મજા પડશે. હાં, એક વાત યાદ રાખજો કે સનસેટ પોઇન્ટ ફ્રી નથી. હવે ત્યાંની એન્ટ્રી ટિકિટ 100 રૂપિયા થઇ ગઇ છે. નક્કી લેક પર બોટિંગનો ચાર્જ પણ 200 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી છે.
પંચમઢી, મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશમાં એક રીતે એવી ઘણી વસ્તુઓ છે જે ભારતને અતુલ્ય બનાવે છે. પહાડો, ધોધ, વન્યજીવન અને કુદરતનાં શ્રેષ્ઠ સર્જન સાથે આ રાજ્ય હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનું હિલ સ્ટેશન પંચમઢી અમદાવાદીઓને ખાસ આકર્ષે છે. સાતપુડા પર્વતમાળાની રાણી તરીકે જાણીતું આ હિલ સ્ટેશન વીકએન્ડનો આનંદ માણવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. પંચમઢી એ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાનો એક ભાગ છે. કારણ કે આ હિલ સ્ટેશન એટલી ઉંચાઈ પર છે કે અહીંથી દેખાતા નજારા દરેક પ્રવાસીનું મન મોહી લે છે. પચમઢીમાં ફરવા અને જોવા માટે ઘણા સ્થળો છે. આમાંની એક પાંડવ ગુફાઓ છે. અહીં પ્રિયદર્શિની વોટરફોલ પણ છે, જેને જોતાં જ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. પંચમઢીમાં અપ્સરા વિહાર પરિવાર અને મિત્રો સાથે પિકનિક માટે યોગ્ય સ્થળ છે. આ બધી જગ્યાઓમાં સૌથી સુંદર પંચમઢીનો સનસેટ પોઈન્ટ છે. રાજેન્દ્રગીરી સનસેટ પોઈન્ટ પંચમઢીનું સૌથી ખાસ સ્થળ છે. પંચમઢીની વિશેષતા માત્ર આટલા પૂરતી સીમિત નથી. 2009 માં, યુનેસ્કોએ પંચમઢીને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યું, જેના કારણે આ હિલ સ્ટેશનની પ્રાકૃતિક સુંદરતા હજુ પણ અકબંધ છે.
1887માં બ્રિટિશ સૈનિક કેપ્ટન જેમ્સ ફોર્થ આ શહેરને કેન્દ્રમાં રાખ્યું હતું. ત્યાર બાદ અંગ્રેજોએ પંચમઢીને મધ્યપ્રદેશની રાજધાની બનાવી હતી. અહી જોવા માટે ઘણી બધી ગુફાઓ અને બામ્બુ ફોરેસ્ટ છે. આને મધ્યપ્રદેશનું ‘કશ્મીર’ કહેવામાં આવે છે.
પંચમઢી જવા માટે સોમનાથ-જબલપુર અમદાવાદથી સાંજે 6.50 વાગે ઉપડે છે. પંચમઢીમાં કોઇ રેલવે સ્ટેશન નથી એટલે તમારે પિપરિયા સ્ટેશને ઉતરી જવું પડે છે. પિપરિયાથી પંચમઢીનું અંતર લગભગ 55 કિલોમીટર છે. પિપરિયાથી પંચમઢી જવા માટે તમને બસ અને ખાનગી વાહનો જેવા કે કાર, જીપ વગેરે મળી જાય છે. અમદાવાદથી ટ્રેનમાં બેઠા પછી અને બીજા દિવસે સવારે લગભગ 11.15 કલાકે પિપરિયા સ્ટેશન આવશે. પંચમઢીમાં તમને 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીની રૂમ મળી જશે.
પંચમઢી હિલ સ્ટેશનની યાત્રામાં તમે ધૂપગઢ સનરાઇઝ અને સનસેટ જરુર જોવા જાઓ. આ એક સુંદર પર્વતનું શિખર છે. અહીં ટ્રેકિંગ, હાઇકિંગ કરી શકાય છે. આ ઉપરાંત તમે પ્રિયદર્શિની પોઇન્ટ પણ જઇ શકો છો. પંચમઢી સતપુડા પર્વતમાળામાં સૌથી ઊંચું સ્થળ છે પ્રિયદર્શિની પોઇંટ. અહીંથી પ્રવાસીઓ પંચમઢીના સુંદર નજારાઓને મન મૂકીને જોઇ શકે છે. સનસેટ જોવા માટે આ પણ એક સારી જગ્યા છે. આ ઉપરાંત અહીં બી ફોલ, ડચીસ ફોલ, ગુપ્ત મહાદેવ, અપ્સરા વિહાર પણ જોવા લાયક છે.
મહાબળેશ્વર
મહાબળેશ્વરનો શાબ્દિક અર્થ થાય છે- ગૉડ ઓફ ગ્રેટ પાવર એટલે કે ભગવાનની મહાન શક્તિ. મહાબળેશ્વરને પાંચ નદીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં વીણા, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે.
મહાબળેશ્વર જવા માટે મુંબઇ કે પુનાની ટ્રેન કરી લો. ત્યાંથી બસ કે ટેક્સીમાં જઇ શકાય છે. મહાબળેશ્વર મુંબઇથી 220 કિ.મી. જ્યારે પૂનાથી 120 કિ.મી. દૂર છે. મહાબળેશ્વર ફરવા માટે તમારે પ્રાઇવેટ ટેક્સી જ કરવી પડે છે. જેનું એક દિવસનું ભાડું ગાડી પ્રમાણે 1500થી 2000 રુપિયા જેટલું થાય છે. જો વધારે દૂરના પોઇન્ટે જવું હોય તો 2200થી 2500 રુપિયા પણ થઇ શકે. 4,450 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ શહેર 150 ચોરસ કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલું છે. મહાબળેશ્વરમાં અનેક બજેટ હોટલો છે. નજીકમાં પંચગીનીમાં પણ રોકાઇ શકાય છે.
જોવાલાયક સ્થળો
અહીં સૌથી વધુ જોવાતી જગ્યા છે એલિફન્ટ પોઇન્ટ. આની સંરચના એવી છે કે તે એક હાથીની સુંઢ જેવો આકાર ધારણ કરે છે. આર્થર સીટ કે સુસાઇડ પોઇન્ટને બધા પોઇન્ટની રાણીના નામે ઓળખવામાં આવે છે. અહીં બ્રહ્મા-અર્યાના અને સાવિત્રી નદીની ગાઢ ખીણોનો સૌથી શાનદાર વ્યૂ અને આકર્ષક દ્શ્ય જોવા મળે છે. અહીંથી ઉપરના ભાગે જશો તો એક વિંડો પોઇન્ટ અને ટાઇગર સ્પ્રિંગ પણ જોઇ શકાશે. વેન્ના સરોવર મહાબળેશ્વરમાં એક સુંદર અને દર્શનીય સ્થળ છે. આ સરોવર માનવ નિર્મિત છે. આ સરોવરનું નિર્માણ 1942માં શ્રી અપ્પાસાહેબ મહારાજ દ્ધારા કરવામાં આવ્યું હતું. આ તળાવમાં તમે બોટિંગ કરી શકો છો. એલ્ફિન્સ્ટન પોઇન્ટ મહાબળેશ્વરમાં જોવાલાયક જગ્યાઓમાંનો એક છે. અહીંથી મહાબળેશ્વરના મનોરમ દ્શ્યોને જોઇ શકાય છે. આ ઉપરાંત ટ્રેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બેબિંગ્ટન પોઇન્ટ પણ જોવાલાયક છે. બોમ્બે પોઇન્ટથી પણ કુદરતી દ્શ્યોને જોઇ શકાય છે. મેપ્રો ગાર્ડન મેપ્રો કંપનીનો એક ગાર્ડન છે. આ ગાર્ડન સ્વાદિષ્ટ સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે જાણીતો છે. પાર્કમાં ચારેબાજુ હરિયાળી, થોડી નર્સરી, એક રેસ્ટોરન્ટ, એક ચોકલેટ ફેક્ટરી અને બાળકોના રમવાની જગ્યા છે.
મહાબળેશ્વર જતા રસ્તામાં પંચગીની આવે છે. અહીં ટેબલ લેન્ડ ખુબ જ ફેમસ જગ્યા છે. ટેબલ લેંડ જવા માટે ટ્રેકિંગ કરી ને પણ જઈ શકાય છે અને ટેક્ષી દ્વારા પણ જઈ શકાય છે. એક પહાડીના શિખરે આવેલું કૃષ્ણાબાઇ મંદિર કૃષ્ણાઘાટીથી જોઇ શકાય છે. 19મી શતાબ્દીના અંતમાં રત્નાગિરીના તત્કાલીન શાસક દ્ધારા બનાવાયું હતું. મંદિર દેવી કૃષ્ણાબાઇને સમર્પિત છે. પરંતુ પરિસરમાં એક શિવલિંગ પણ છે. મંદિરમાં એક પથ્થરની બોટલ છે જે પાણીના સ્ત્રોત તરીકે એક ગાયના ચહેરાના આકારમાં બનાવાઇ છે જે એક મોટી ટેંકમાં એકત્ર થાય છે. આ કૃષ્ણા નદીનો સ્ત્રોત પણ માનવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો