રાજસ્થાન તેના ભવ્ય ઇતિહાસ, શાનદાર કિલ્લાઓ, મહેલો અને સ્વાદિષ્ટ ભોજન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. વેજથી લઈને નોનવેજ સુધી, તમને અહીં ખાવા માટે એટલી બધી વેરાયટી મળશે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સ્વાદ વધારવા માટે રાજસ્થાનનાં ભોજનમાં ઘી, તેલ, મસાલાનો મોટાભાગે ઉપયોગ થાય છે. અહીંનું ભોજન જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ હેલ્ધી પણ છે.
જ્યારે પણ કોઈ મહેમાન રાજસ્થાનમાં આવે છે ત્યારે તેનું સ્વાગત કરવામાં આવે છે અને રાજ્યની પ્રખ્યાત વાનગીઓ પીરસવામાં આવે છે. રાજ્યની દાલ-બાટી-ચુરમા માત્ર વિશ્વમાં પ્રખ્યાત નથી, પરંતુ સાથે સાથે દરેક પ્રદેશ તેની વિશેષ વાનગીઓ માટે જાણીતો છે. આજે આ એપિસોડમાં અમે તમને આ સાથે જોડાયેલી માહિતી આપવાના છીએ. આવી સ્થિતિમાં, જો તમે રાજસ્થાન ફરવા જાઓ છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ માણવો જ જોઈએ. તો ચાલો જાણીએ રાજસ્થાનના વિવિધ શહેરોના અનોખા સ્વાદ વિશે...
જયપુરનો મિશ્રી માવો અને રબડી ઘેવર
જયપુર તેના સ્વાદિષ્ટ, મસાલેદાર અને ચટપટા ફૂડ માટે પ્રખ્યાત છે. જો તમે જયપુરમાં રહીને જયપુરી ગટ્ટા અને ઘેવર ન ખાધા હોય તો બધુ નિરર્થક છે. જયપુરનું ગટ્ટાનું શાક ઓછામાં ઓછી એકવાર પુરી સાથે ખાઓ. ગટ્ટે કી સબઝી એ રાજસ્થાનની પ્રખ્યાત વાનગીઓમાંની એક છે, જે સરળતાથી પચી જાય છે. ચણાના લોટના નાના દડા હોય છે, જેને ગટ્ટા કહેવાય છે, જેને તળવામાં આવે છે અને મસાલેદાર કરીમાં ઉમેરવામાં આવે છે. ખરેખર, એકવાર તમે રાજસ્થાનના બેસન ગટ્ટા ખાધા પછી તમે તેનો સ્વાદ ક્યારેય ભૂલી શકશો નહીં. આ ઉપરાંત દાલ બાટી-ચુરમા પણ આ સ્થળનું ગૌરવ છે. નહેરુ બજાર અને જોહરી બજાર ફૂડ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થાનો છે. જો તમે મીઠાઈના શોખીન છો, તો અહીં બનેલા રબડી-પનીર ઘેવરનો ટુકડો ચોક્કસ અજમાવો. જયપુરનો મિશ્રી માવો દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે.
કરૌલીનો ગજક
ભરતપુરના કરૌલી જિલ્લાના ગજક ન ખાતા તો શું ખાધું. ગોળમાંથી બનેલો આ સ્વાદિષ્ટ ગજક મોંમાં રાખતા જ પીગળી જાય છે. ગજકની સુંગધ અહીંની ગલીઓમાં ફેલાઇ જાય છે.
નસીરાબાદની કચોરા
કચોરી તો દરેક જગ્યાએ જોવા મળે છે, ક્યાંક માવા, ક્યાંક ડુંગળી અને ક્યાંક હિંગની, પરંતુ શું તમે ક્યારેય કોઈ કચોરા વિશે સાંભળ્યું છે. અજમેરના નસીરાબાદ શહેરની ફ્લેવરની વાત કરીએ તો અહીં કચોરી નહીં પણ કચોરા બનાવવામાં આવે છે. હા કચોરા. જે કદમાં ખૂબ જ મોટા હોય છે અને તેમાં અનેક પ્રકારની ચટણીઓ નાખવામાં આવે છે. એકવાર ખાધા પછી તેનો સ્વાદ ક્યારેય ભૂલી શકાતો નથી.
બીકાનેરના રસગુલ્લા અને ભુજિયા
જો બિકાનેર શહેરના ફ્લેવરની વાત કરીએ તો તે તેના રસગુલ્લા, ભુજિયા અને પાપડ માટે વિશ્વમાં એક ખાસ ઓળખ ધરાવે છે. અહીં બનતા સ્વાદિષ્ટ રસગુલ્લા હૃદયને મીઠાશથી ભરી દે છે. અહીંનું બિકાનેરી ભુજિયા બિકાનેરી નમકીન તરીકે સર્વત્ર પ્રખ્યાત છે.
કોટાની કચોરી
આખો દેશ ભલે પિઝા અને બર્ગરનો ક્રેઝી હોય, પરંતુ કોટાની કચોરીનો સ્વાદ કોટાના લોકોની જીભ પર છવાયેલો છે. અડદની દાળમાંથી બનેલી આ ખાસ કચોરીના સ્વાદની સફર રજવાડાના સમયમાં શરૂ થઈ હતી, જેમાં આધુનિકતાની નિશાની ગણાતા પિઝા-બર્ગર જેવી ખાણી-પીણીની ચીજો પર આ કચોરીનો સ્વાદ ભારે પડી ગયો. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કોટામાં દરરોજ 350 થી વધુ દુકાનો અને લગભગ એટલી જ સંખ્યામાં સ્ટોલ પર ચાર લાખથી વધુ કચોરી વેચાય છે. જેને લોકો ખુબ જ પ્રેમથી ખાય છે.
અજમેરની પ્રખ્યાત કઢી કચોરી
અજમેરના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો. અહીંની કઢી કચોરી હોય કે પાની-પતાશી. તેનો તીખો અને મરીનો સ્વાદ ખરેખર અદ્ભુત હોય છે. અહીં કચોરી સાથે પીરસવામાં આવતી કઢીનો તેની સાથે જે કોમ્બિનેશન અને ટેસ્ટ બને છે તે બીજે ક્યાંય નહીં જોવા મળે.
અલવર મિલ્ક કેક
અલવરની મિલ્ક કેક અલવરની પ્રાકૃતિક સુંદરતા જેટલી જ અનોખી છે. મિલ્ક કેક જેને સામાન્ય ભાષામાં કલાકંદ તરીકે ઓળખવામાં આવે છે, તે દૂધમાંથી બનેલી એવી મીઠાઈ છે જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ખૂબ જ સરળ સામગ્રી અને સામાન્ય પ્રક્રિયામાંથી બનેલી આ સ્વીટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ મીઠાઈએ દેશ અને દુનિયામાં અલવરના નામને એક નવો આયામ પણ આપ્યો છે. આજે જ્યારે મિલ્ક કેકનું નામ આવે છે ત્યારે સૌથી પહેલા અલવરનું નામ આવે છે. આજે તે અલવરની ઓળખ બની ગઈ છે.
આમેરના ગુજિયા (ઘુઘરા) અને જાડી (કડકી) સેવ
જયપુરના આમેરમાં બનતા ગુજિયા (ઘુઘરા) અને મોટી (જાડી) સેવ વિશે તો શું કહેવું..! જ્યારે પણ તમને આમેરની મુલાકાત લેવાની તક મળે, ત્યારે અહીં ગુજિયા અને મોટી સેવનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં. આ સાથે અહીંના માવાના પેંડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
જોધપુરમાં ગુલાબ જાંબુનું શાક, મિર્ચી વડા
રજવાડી શાનો શૌકત, શૌર્ય પરાક્રમ માટે જાણીતું રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર, સૂર્યનગરી એટલે કે જોધપુર પણ તેના સ્વાદ માટે એક આગવી ઓળખ ધરાવે છે. મેહરાનગઢ, ઉમેદ ભવન પેલેસ, ચિતર પથ્થર, હસ્તકલાની વસ્તુઓ, બાંધેજ અને મીઠી બોલીની સાથે, આ શહેર તેના પ્રસિદ્ધ વ્યંજન માટે પણ જાણીતું છે. જોધપુરમાં દેશી ઘીનો ખોરાકમાં મોટાપાયે ઉપયોગ થાય છે અને અહીંની મીઠાઈઓ પણ એટલી જ આગવી રીતે તૈયાર કરવામાં આવે છે.
પરંતુ મીઠાઈના શાક વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. તે જેટલું સાંભળવામાં વિચિત્ર લાગે છે, તેનો સ્વાદ તેટલો જ અજોડ છે. હા, અહીં મુખ્યત્વે ચક્કી, ગુલાબ જાંબુ અને રસમલાઈના શાક ખૂબ જ પ્રેમથી ખાવામાં આવે છે અને તેનાથી પણ વધુ દિલથી તેને ખવડાવવામાં પણ આવે છે. જોધપુર તેની માવા કચોરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ડ્રાયફ્રૂટ્સ અને બદામથી ભરેલી ક્રિસ્પી તળેલી કચોરીને ખાંડની ચાસણીથી તૈયાર કરવામાં આવે છે. જોધપુરના મિર્ચી વડાએ પણ તેના સ્વાદની છાપ છોડી છે.
સાંભરની ફીણી
એક એવી મીઠાઇ જે ફક્ત રાજસ્થાનમાં જ બનાવવામાં આવે છે જેનું નામ છે ફીણી..મુલાયમ તારના ગુંચળા જેવી દેખાતી ફીણી ખાવામાં ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. સંભાર જિલ્લાની ફીણી સમગ્ર વિશ્વમાં મહત્વ રાખે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો