ગુજરાતીઓ સ્વાદના ગજબના શોખીન હોય છે. આપણું ભાણું માત્ર ફાફડા, જલેબી, ઢોકળા, ખાખરા પૂરતું સીમિત નથી. જેમ ગુજરાતીઓ ગ્લોબલ છે તેમ આપણો ટેસ્ટ પણ ગ્લોબલ છે. કદાચ એટલે જ દેશ દુનિયાની બધી જ જાણીતી-અજાણી ડિશિઝ ગુજરાતમાં બહુ સરળતાથી મળી રહે છે. અને તેમાં પણ અમદાવાદ એક એવું શહેર છે જ્યાં 10ની કટિંગ ચાથી માંડીને 1000ની ગુજરાતી થાળી બધું જ લોકો મોજથી ઝાપટે છે.
તે સાથે અમદાવાદ એક એવું પણ શહેર છે જ્યાં રાજ્યભર કે દેશભરમાંથી દર વર્ષે હજારો- લાખો લોકો ભણતર કે વ્યવસાય માટે સ્થળાંતરીત થાય છે. હોસ્ટેલ કે પેઈંગ ગેસ્ટ કે ભાડે ફ્લેટ રાખીને અમદાવાદમાં એકલા રહેતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. આવા લોકો માટે સૌથી પેચીદો પ્રશ્ન જમવાનો હોય છે.
તો ચાલો આપણે આજે અમદાવાદના એવા ફૂડ ડેસ્ટિનેશન્સની યાદી બનાવીએ જ્યાં તમે ભૂરા રંગની માત્ર એક નોટ લઈને જશો તો પણ સંતોષકારક અને છતાંય સ્વાદિષ્ટ ભોજન મેળવી શકશો. હોસ્ટેલ કે ટિફિનની પાણી જેવી દાળ અને સ્વાદ વગરનું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો આ લિસ્ટ તમારા માટે છે.
આર. કે. સેન્ટર, નવરંગપુરા
અહીંનું પાવભાજી પ્લેટર મારું સુપર ફેવરિટ છે. યુનિવર્સિટીના વિસ્તારમાં આવેલી એક અફોર્ડેબલ રેસ્ટોરાં હોવાને લીધે આ જગ્યા વિદ્યાર્થીઓ તેમજ કુટુંબ સાથે જમવા આવતા લોકોથી સતત વ્યસ્ત રહે છે. વળી, અહીં વાનગીઓની વેરાઇટી પણ ઘણા જ સારા પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળામાં અહીં બહાર જે આઈસ-ગોલા મળે છે તે પણ હું ખાસ રેકમેન્ડ કરીશ.
રોયલ પંજાબ પરાઠા
2015 થી 2017 હું એચ. એલ. કોલેજ પાસે ગર્લ્સ PGમાં રહેતી ત્યારે મેં સૌથી વધુ આ પરાઠા પોઈન્ટના પરાઠા ખાધા છે. 150 રૂમાં તો કદાચ બે વ્યક્તિઓ ભરપેટ જમી શકે એટલા મોટી સાઇઝના પરાઠા હોય છે. અહીંની લસ્સી પણ ટ્રાય કરવા જેવી છે. સીધા સાદા પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી સાથેની બેઠક વ્યવસ્થા ધરાવતી આ જગ્યાએ રજાના દિવસે ખૂબ લાંબુ વેઇટિંગ હોય છે.
જય જલારામ પરોઠા હાઉસ
અમદાવાદમાં ઘણા આઉલેટ્સ ધરાવતી આ રેસ્ટોરાં કાઠિયાવાડી ભોજનના શોખીનો માટે એક બેસ્ટ જગ્યા છે તેમ કહી શકાય. અહીં તમને ખૂબ જ વાજબી ભાવે પરંપરાગત ગુજરાતી ભોજન મળી રહેશે. એકલા રહેતા લોકો માટે તો સારું છે જ, આ ઉપરાંત ગૃહિણીઓને કોઈ વાર આરામ જોતો હોય અને પરિવારને ગુજરાતી ભોજન પણ જમાડવું હોય તો આ રેસ્ટોરાં તમને નિરાશ નહિ કરે.
જય ભવાની વડાપાવ
બેચલર્સ કે એકલા રહેતા લોકો ઘણી વાર મિત્રો સાથે ખાણી-પીણી કરતાં હોય તો તેમને ફૂલ ગુજરાતી થાળી જમવાની ઈચ્છા નથી હોતી. આવા સંજોગોમાં મેગી પછી જો કોઈ અન્ય વાનગી યાદ આવે તો તે છે દાબેલી કે વડાપાવ. અમદાવાદમાં ઘણી જગ્યાએ જય ભવાની વડાપાવના આઉટલેટ્સ આવેલા છે. પ્રહ્લાદનગરમાં તો તેમની રેસ્ટોરાં પણ છે. ત્યાં પણ પ્રમાણમાં ઘણું વાજબી ભોજન મળે છે.
જશુબેન્સ ઓલ્ડ પિઝા
અમદાવાદીઓની ફૂડ લિસ્ટમાં ડોમીનોઝ, અંકલ સેમ્સ કે યુ. એસ પીઝાનું નામ આવે તે પહેલા જ પીઝા સાથે પરિચય કરાવનાર ફૂડ પોઈન્ટ એટલે જશુબેન ઓલ્ડ પીઝા. ઘરમાં જે રીતે પીઝા બને છે તે રેસીપી અનુસાર, વિવિધ ફ્લેવર્સમાં, પ્રમાણમાં સસ્તું અને છતાય પેટ ભરાઈ જાય તેવા અહીં ખૂબ સ્વાદિષ્ટ પીઝા મળે છે.
માણેકચોક ફૂડકોર્ટ
આખા ભારતમાં ગુજરાત રાત્રિ દરમિયાન પણ ગજબની સુરક્ષા માટે પ્રખ્યાત છે. મોડી રાતે નદીને પેલે પાર આવેલા જુના અમદાવાદના માણેક ચોક ખાતે જે રાત્રિ ફૂડકોર્ટ લાગે છે તે અમદાવાદની આગવી ઓળખ બની ચૂક્યું છે. અહીં કોઈ ફેન્સી વ્યવસ્થા નથી એટલે ખૂબ ઊંચો ભાવ પણ નથી. પાઉં ભાજી, ઢોસા, પીઝા, સેન્ડવીચ જેવી સાધારણ વાનગીઓને અસાધારણ સ્વરૂપ આપવામાં માણેકચોક જગવિખ્યાત છે.
વૈભવ રેસ્ટોરન્ટ
પાંજરાપોળ ચાર રસ્તે પહોંચો એટલે આ જૂની પણ સુઘડ રેસ્ટોરાં તરત જ નજરે ચડી જાય. સાઉથ ઇન્ડિયન ભોજન માટે આ જગ્યા સૌથી સસ્તી અને સૌથી સારી માનવામાં આવે છે. ઉપરાંત આસપાસમાં ભણતા કે નોકરી કરતાં મોટી સંખ્યામાં લોકો અહીં ફિક્સ થાળી જમવા આવે છે. અહીંની ખાસિયત એ કહી શકાય કે આર્થિક રીતે સધ્ધર તેમજ મધ્યમ વર્ગના બધા જ પ્રકારના લોકોનું આ મનપસંદ ઠેકાણું છે.
સ્ટફસ ફૂડ
નારણપુરા તેમજ પ્રહ્લાદનગર ખાતે અમૃતસરી કુલ્ચા માટે પ્રખ્યાત રેસ્ટોરાંનું નામ પૂછો એટલે Stuff’s Foodનું નામ ટોચ પર આવે. આ સાવ સસ્તી રેસ્ટોરાં નથી પણ ખૂબ મોંઘી પણ નથી. 150 રૂ આસપાસ પરાઠા, કુલ્ચાની અહીં પુષ્કળ વિવિધતા મળી રહે છે. પરંપરાગત પંજાબી ઇન્ટિરિયરમાં બેસીને ટ્રેડિશનલ પંજાબી ખાણું ખાવાની કઈક અલગ જ મજા છે.
આ ઉપરાંત HL, ગુજરાત યુનિવર્સિટી, SG હાઇવે, લો ગાર્ડન, ઇસ્કોન ચાર રસ્તા, વસ્ત્રાપુર વગેરે જેવી જગ્યાઓએ આવેલી ખાઉગલી તો ખરી જ. એટલે જો તમે અમદાવાદમાં છો અને તમારી પાસે ફક્ત 150 રૂ જ હોય તો નો ટેન્શન. અમદાવાદ તમને ઢગલોબંધ ઓપ્શન ઓફર કરશે.
.