PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો

Tripoto
Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભૂજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનો ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે. વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક સાથે પ્રવાસી વર્ગને આકર્ષણરૂપ બની રહેશે.

શું છે ખાસિયતો

સ્મૃતિવનમાં ભૂકંપની અનુભૂતિ કરાવતું અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ભૂકંપ સમયે ઉદ્ભવતી પરિસ્થિતિનો ચિતાર દર્શાવવામાં આવશે અને એ સમયે કેવી રીતે ભૂકંપથી બચવા વર્તવું એની પ્રોજેક્ટર દ્વારા માહિતી પણ આપવામાં આવશે. 5 માળના આ સંકુલમાં કુલ 7 અલગ-અલગ ગેલરી છે, જેમાં 1. પુનર્જન્મ, 2. પુનઃપ્રાપ્તિ, 3. પુનર્સ્થાપના, 4. પુનર્નિર્માણ, 5. પુનર્વિચાર, 6. પુનર્જીવન અને 7. નવીનીકરણનો સમાવેશ થાય છે, જ્યારે ટોચ પર અર્થકેવેક ગેલરી નિર્માણ પામી છે. અહીં મુલાકાતીઓ માટે ઓડિટોરિયમ, પુસ્તકાલય, કેફે અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

વર્ચ્યુઅલ રિયાલીટી, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનથી ઉમદા અનુભવ - મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે. પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

કાફે, ઓડિટોરિયમની સુવિધા

વનની અંદરના ભાગે ત્રણ એન્ટ્રી પોઇન્ટ આવેલા છે, જ્યાં 3 એમિનિટીસમાં જિલ્લાના 10 તાલુકા પ્રમાણે 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા હતભાગીઓની યાદમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે., સાથે-સાથે કાફે, ઓડિટોરિયમ અને ટોઇલેટ બ્લોક ઉપલબ્ધ છે, જેનો મુલાકાતીઓ ઉપયોગ કરી શકશે. જ્યારે 235 લોકો બેસી શકે એ માટે ઓડિટોરિયમ સંકુલમાં લોકો કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજી શકે એની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

જાપાન અને દ.આફ્રિકામાં પણ ભૂંકપને સમર્પિત મ્યૂઝિયમ - જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવ્યું છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

35 ચેકડેમ બનાવાયા

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

સ્મૃતિવનની વિશેષતાઓ પરની વાત કરવામાં આવે તો અહીં 35 ચેકડેમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સ્પ્રિંક્યુલર પદ્ધતિ વડે પોણાત્રણ લાખ રોપાઓ અને વૃક્ષોને સ્પ્રિંક્યુલર પદ્ધતિ વડે પાણી પહોંચાડવામાં આવે છે. ચેક ડેમ અંદર વરસાદી પાણીનો સંગ્રહ પણ કરવામાં આવશે.

વન મેગા વોટ સાથેનો સોલર પ્લાન્ટ

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

વનની અંદર વન મેગા વોટ સાથેનો સોલર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા મળતી વીજળીની બચત વનની લાઈટિંગમાં ખર્ચ થતી વીજ ઊર્જા માટે ઉપયોગી બની રહેશે. તો પાર્કમાં આવનાર સહેલાણીઓ માટે વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, જ્યાં લોકો પોતાનાં નાનાં-મોટાં વાહનો પાર્ક કરી શકશે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. જેમનું એક વીર બાળક સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

આ સ્મૃતિવનનું સંપૂર્ણ બિલ્ડિંગ માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કરવામાં આવ્યું છે. આર્કિટેક્ટ કાર્ય અમદાવાદના વાસ્તુ શિલ્પ કન્સલટન્ટ દ્વારા થઈ રહ્યું છે. જ્યારે ઓડિટોરિયમ અંદરના ઇન્ટીરિયર અને લાઇટિંગનું કામ દિલ્હીની ડિઝાઇન ફેકટરી ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જેની દેખરેખ જીએસડીએમએના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે.

Photo of PM મોદીએ ભુજને આપી અનોખી ભેટ, 400 કરોડમાં બનેલા સ્મૃતિવનની આ છે ખાસિયતો by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads