મિત્રો સાથે મોજ મસ્તી કરવા બનાવો કર્ણાટકના કશ્મીર એવા ‘કુર્ગ’ નો પ્લાન

Tripoto
Photo of મિત્રો સાથે મોજ મસ્તી કરવા બનાવો કર્ણાટકના કશ્મીર એવા ‘કુર્ગ’ નો પ્લાન 1/2 by Romance_with_India

સુંદર ખીણો, રહસ્યમય પહાડીઓ, વિશાળ કોફીના ખેતરો, ખળખળ વહેતી નદીઓ, ઉંચા શિખરો અને વિશાળ આકાશ તેને વધુ સુંદર બનાવે છે. આ બધુ જ્યાં હશે, તે સ્વર્ગ જ હશે. કર્ણાટકનો કૂર્ગ પ્રદેશ આ બધા જ ઘરેણાં લઈને બેઠો છે. લીલાછમ છોડવાઓની ચાદરમા ઢંકાયેલી કૂર્ગની ટેકરીઓ સુંદરતાનો અરીસો છે. આ દર્પણને જોવા માટે દૂર -દૂરથી પ્રવાસીઓ આવે છે. કુદરત અહીં બધા માટે ઓપન થિયેટરના રૂપમાં છે, તમે ગમે ત્યાં જાઓ, તમને ચારેબાજુ સુંદરતા જ જોવા મળશે. આ દિવસોમાં કુર્ગ ખૂબ જ સુંદર બની જાય છે જે જોઈને તમે ઝુમી ઊઠશો.

Photo of મિત્રો સાથે મોજ મસ્તી કરવા બનાવો કર્ણાટકના કશ્મીર એવા ‘કુર્ગ’ નો પ્લાન 2/2 by Romance_with_India

એમ તો કુર્ગ દરેક ઋતુમાં આકર્ષક લાગે છે, પરંતુ જે લોકોને વરસાદ ગમે છે તેમના માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. શિયાળામાં પણ આ સ્થળ સુંદર જ હોય છે, કદાચ એટલા માટે જ ઋતુઓ સાથે આવા સ્થળોની ઉપમા બદલાતી રહે છે. ક્યારેક તેને 'ભારતનું સ્કોટલેન્ડ' તો ક્યારેક 'કર્ણાટકનું કાશ્મીર' કહેવામાં આવે છે. તો ચાલો આજે એ જ સુંદર કુર્ગની યાત્રા પર જઈએ.

તલ કાવેરી

કુર્ગ કર્ણાટકના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં પશ્ચિમ ઘાટની નજીક એક પહાડ પર સ્થિત એક જિલ્લો છે. જે દરિયાની સપાટીથી લગભગ 900 મીટરથી 1715 મીટરની ઊંચાઈ પર આવેલો છે. કુર્ગ દક્ષિણ ભારતના લોકોનો ફેમસ વિકેંડ છે. નાનકડા એવા કુર્ગમાં ત્રણ વિસ્તારો છે, મદીકેરી, સોમવારાપેટે અને વીરાજાપેટે. તલ કાવેરી 45 કિમી દૂર છે. માનવામાં આવે છે કે બ્રહ્મગીરી પર્વતોની ખીણમાં એક ઋષિ તપસ્યામાં લિન હતા. એવામા ભગવાન ગણેશ કાગડાના રૂપમાં આવ્યા અને કમંડળ પર બેઠા. જ્યારે ઋષિએ કમંડળ પરથી કાગડાને કાઢવા હાથ ઉઠાવ્યો ત્યા કાગડો ગાયબ થઈ ગયો અને કમંડળમાંથી પાણી ઢોળાવા લાગ્યું. ત્યાંથી કાવેરીની ધારા વહેવા લાગી.

આવી રીતે પવિત્ર સપ્ત સિંધુ નદીઓમાંની એક ગણાતી કાવેરીનો જન્મ થયો. આજે પણ તે સ્થળે એક પવિત્ર કુંડ છે, કુંડથી અમુક કિમી સુધી કાવેરી ધરતીની નીચે વહે છે. આ કુંડના કિનારે અગસ્ત્ય મુનિ, ભગવાન શિવ અને ગણેશજીની મૂર્તિઓ છે, જેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ મકર મહિનાના પ્રથમ દિવસે કાવેરીની જન્મજયંતિ ઉજવવા મોટી સંખ્યામાં લોકો તલ કાવેરી આવે છે. વરસાદની ઋતુમાં કાવેરી નદીને એક ફુવારાની જેમ નિકળતી જોવી એ અવિસ્મરણીય અનુભવ છે.

એબ્બી વોટરફૉલ

કુર્ગની સ્થાપના લગભગ 8 મી સદીની આસપાસ કરવામાં આવી હતી. અહીં સૌથી પહેલા ગંગ વંશનુ શાસન હતુ. પાછળથી કૂર્ગ પાંડવ, ચોલ, કદંબ અને ચાલુક્ય રાજાઓની રાજધાની બન્યુ. આ ઐતિહાસિક સ્થળ પર કાવેરીનો પ્રવાહ એટલો પ્રબળ છે કે તેનો અવાજ દૂર દૂર સુધી સાંભળી શકાય છે. જ્યારે તે અવાજ કાને પડે છે ત્યારે તેના આકર્ષણથી તેના તરફ ખેંચાઈયે છીએ જાણે. અહીં એબી વોટરફોલ પણ છે, જેને જોઈને તમે થોડા સમય માટે બધું ભૂલી જશો. તમને તેના કોલાહલમાં માત્ર સુકુન મળશે અને ઉપરથી પડતું પાણી કોઈ સંગીત જેવું લાગશે. અહિ જંગલોની વચ્ચે થઈને જઈ શકાય છે. અહીં લોકો માટે એક વ્યૂ પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે કલાકો સુધી આ ધોધની સુંદરતામાં ખોવાઈ શકો છો.

મોરનો ડાન્સ અને હાથીઓની ચાલ

કુર્ગને માત્ર કાવેરી નદી, ઝરણા અને જંગલો જ સુંદર બનાવે છે તેવુ નથી, અહીંના પ્રાણીઓ પણ તેની સુંદરતામાં વધારો કરે છે. કૂર્ગની ખીણો ભારતના ઘણા વિલુપ્ત થતા પ્રાણીઓનુ ઘર પણ છે, તેથી તેમને રાષ્ટ્રીય ઉદ્યાનોનો દરજ્જો પ્રાપ્ત છે. કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો જેમ કે પુષ્પગિરિ, બ્રહ્મગીરી, મધુમલાઈ, બાંદીપુર અને નાગરહોલે કુર્ગથી થોડા જ કિલોમીટર દૂર છે. અહીં તમે જંગલ સફારીની મજા પણ માણી શકો છો, તમે અહીં ગેસ્ટ હાઉસમાં રાત પણ વિતાવી શકો છો. આ તમામ બુકિંગ રાષ્ટ્રીય ઉદ્યાનોની વેબસાઇટ પરથી કરી શકાય છે. અહીં તમે જંગલી હાથી, વાઘ, હરણ અને રીંછ આરામથી જોઈ શકો છો.

વરસાદની ઋતુમાં આ જંગલોની ભીની માટીની મીઠી સુગંધમાં તમારી જાતને તમે પ્રકૃતિની વચ્ચે જોશો. તો વળી શિયાળાના કુણા તડકામાં જળાશયોના કિનારે બેઠેલા પ્રાણીઓને જોવા પણ એક લ્હાવો છે. અહિ વરસાદની શરૂઆતમાં મોર તેમના સુંદર પીંછા ફેલાવીને નૃત્ય કરે છે. આ તમામ દૃશ્યો આ યાત્રાને ખૂબ સુંદર બનાવે છે. તમે કૂર્ગમાં જ આવેલા દુબ્બારે એલિફેંટ કેમ્પમાં હાથીઓને સ્નાન કરતા અને રમતા જોઈ શકો છો. જો તમે ઈચ્છો તો તમે હાથીઓને પાણીમાં સ્નાન પણ કરાવી શકો છો. કાવેરી નદીના કિનારે હાથીઓને ચાલતા જોવું પણ ખૂબ જ સુંદર અનુભવ છે. વરસાદની ઋતુમાં હોડી દ્વારા કાવેરી નદી પાર કરીને કેમ્પ સુધી પહોંચી શકાય છે.

દક્ષિણ ભારતનું તિબેટ

રંગબેરંગી તિબેટીયન શૈલીના મકાનો, સ્વચ્છ અને સુંદર શેરીઓ અને ભવ્ય મંદિરોમા બૌદ્ધ ઋષિઓના મંત્રોચ્ચાર સમ્ભળાય છે. કર્ણાટકના હૃદયની જેમ કૂર્ગ જિલ્લામાં સ્થિત 'મિની-તિબેટ' ભૂતાન અને નેપાળની શેરીઓની યાદ અપાવે છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા અને દક્ષિણ ભારતમાં બાયલાકુપ્પે તિબેટીયનોની મુખ્ય વસાહતો છે. ધર્મશાળા તિબેટીયનોની સંસદીય રાજધાની છે અને બાયલાકુપ્પે તેમના શિક્ષણનું કેન્દ્ર છે. લદ્દાખ, ધર્મશાળા, શિમલા અને સિક્કિમના બૌદ્ધ વિદ્વાનો તેમના ધાર્મિક શિક્ષણ માટે બાયલાકુપ્પે આવે છે. કર્ણાટકના મોટાભાગના શહેરોમાં ઉત્તર અને પૂર્વ-ભારતના લોકો વધુ દેખાય છે. બાયલાકુપ્પેનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ તમારી યાત્રા શરૂ કરવા માટે એક સુખદ અનુભવ રહેશે. આ સ્થળ મદિકેરીથી 40 કિમી દૂર છે.

મંડલપટ્ટી જીપ સફારી

કૂર્ગથી લગભગ 20-25 કિ.મી. દૂર આવેલુ છે મંડલપટ્ટી. પુષ્પગિરીના ગાઢ જંગલમાંથી પસાર થઈ પહાડોના સપાટ શિખરો પર સ્થિત મંડલપટ્ટીના ઢોળાવો ઘણી વખત લલચાવે છે. વરસાદી ઋતુમાં તાજા લીલા ઘાસ અને પવનના ઝાપટા સાથે લહેરાતા જંગલી ફુલોને કારણે આ સ્થળની સુંદરતા બમણી થઈ જાય છે. વાદળોથી ઢંકાયેલી આ ખીણમાં જીપ સફારી લેવી લગભગ દરેક ટ્રાવેલરના ટોપ લિસ્ટમા હોય છે. તમે એબી વોટરફોલના માર્ગ પર સ્થિત લોકલ જીપ યુનિયનમાંથી જીપ બુક કરીને સૂર્યાસ્ત સુધી આ સફારીનો આનંદ માણી શકો છો.

કોડાવા જનજાતિ

https://www.instagram.com/p/Bz-iiGjgIVB/?utm_source=ig_embed&ig_rid=66c2c179-9e21-4ffd-8c41-8ff89ee3be36

કુર્ગના મોટાભાગના સ્થાનિક રહેવાસીઓ કોડવા જાતિના છે, તેમનું વતન કોડાગુ છે. અંગ્રેજોના આગમન પછી કોડાગુ 'કુર્ગ' તરીકે પ્રખ્યાત થયું. કોડાગુના પુરુષો અને સ્ત્રીઓ માર્શલ આર્ટ્સમાં એટલા પારંગત છે કે ટીપુ સુલતાન પણ કોડાગુને ક્યારેય જીતી શક્યા નથી. આ જાતિનું પ્રતીક 'પેચે કટ્ટી' અને 'ઓદ્ડે કટ્ટી' નામની બે તલવારોથી બનેલું છે. અંગ્રેજોએ આ જાતિના લોકોને સેનામાં ભરતી કરીને વિશ્વયુદ્ધમાં મોકલ્યા હતા. આઝાદીની લડાઈમાં કોડાવા અંગ્રેજો પર ભારે પડી ગયા હતા. દક્ષિણની સૌથી જૂની કુર્ગ બટાલિયન હજુ પણ કોડાવા પરંપરાને અનુસરે છે અને તેની સંસ્કૃતિને સાચવે છે.

કુર્ગની આસપાસ

કુર્ગથી 74 કિ.મી દૂર કુક્કે સુબ્રમણ્યમ મંદિર છે જે કાલસર્પ દોષ પૂજા માટે પ્રખ્યાત છે. અહીં સ્થિત કુમાર પર્વત ટેકરી પર ટ્રેક પણ કરી શકાય છે. કર્ણાટકમાં તેને સૌથી પડકારરૂપ ટ્રેક માનવામાં આવે છે. આ સિવાય કુર્ગથી 110 કિમી દૂર છે કાસરગોડ. અહીંના બેકલ કિલ્લા પરથી સુર્યાસ્તનો નજારો ખૂબ જ મંત્રમુગ્ધ કરી દે એવો છે. કાસરાગોડ ભલે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત હોય, પરંતુ ભારતના મોટાભાગના લોકો કાસરાગોડના સુંદર નજારોથી અજાણ છે.

તમે કૂર્ગમાં આવો તો તમે તમારા લિસ્ટમાં કાસરગાકી પણ એડ કરી જ લો. બેકલ કિલ્લો અને કાસરાગોડના સુંદર દરિયાકિનારા ખૂબ જ આકર્ષક છે. નજીકમાં કન્નૂર પણ છે, જે કુર્ગથી 112 કિમી દૂર છે. જો તમે કુદરત પ્રેમી હોવાની સાથે સાથે નૃત્ય પ્રેમી પણ છો, તો કન્નૂર તમારા માટે સ્વર્ગથી ઓછું નથી. નાળિયેરના ચોખાના અને ખેતરો વચ્ચે એક કલાદ્વિપમાં સુંદરતા અને સુકુન બન્ને છે. જો તમે કુર્ગ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

કુર્ગના સ્વાદિષ્ઠ વ્યંજનો

કુર્ગ માત્ર તેની સુંદરતા માટે જ પ્રખ્યાત નથી, પરંતુ કુર્ગના સ્વાદનો પણ કોઈ જવાબ નથી. કૂર્ગમાં તાજી વાનગીઓ ખાવા માટે મદીકેરીની એકમાત્ર 'કુર્ગી' રેસ્ટોરન્ટમાં લાંબી લાઈનો લાગે છે. ખાસ ગ્રેવીથી બનેલી ‘કોડાવા કોલી કરી’ અહીંની ખાસ વાનગી છે. લોકલ મરઘીને પિસેલા મસાલાની ચટણીમાં પકાવવામાં આવે છે. આ કરીમા એક અલગ જ દક્ષિણ અને પહાડી સ્વાદ આવે છે. જંગલી વાંસમાંથી બનેલી 'બામ્બુ શૂટ કરી' પણ અહીં ખૂબ પ્રખ્યાત છે. અહીં 'ઉડુપી ગાર્ડન' માં જબરદસ્ત ભોજન મળે છે. કુર્ગમાં ફળોના રસમાંથી વાઇન બનાવવાની ખુબ જુની પરંપરા છે. શિયાળામાં તમે અહીં ઘરોમાં પણ વાઇન બનતા જોઈ શકો છો.

કુર્ગની કૉફી

આકાશે અડતા વૃક્ષોની છાયડામાં 'બોંસાઈ છોડ' જેવા લાગે છે અહિના કૉફીના છોડવાઓ. તેના પર તેજસ્વી લાલ રંગના મોતી જેવા ફળો વિશ્વભરના પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. અહીં વૃક્ષોની વીંટળાઈને ઉપર ચડતી મરીની વેલો કોહરામા છુપાયેલા કૉફીના છોડવાઓ કોઈ રહસ્યમય જંગલનો આભાસ અપાવે છે. તમે આ રહસ્યમય સ્થળે થોડો સમય પસાર કરી શકો છો. આ બગીચાઓમાં 'હોમ સ્ટે' અથવા 'કોટેજ' બનાવવામાં આવ્યા છે, જ્યાં રહીને તમે આવા અનેક નજારાઓ માણી શકો છો. છોડ કાપ્યા પછી પણ આ કોફીની ગુણવત્તામાં ખાસ ઘટાડો થતો નથી. દુકાનોમાં કોફી વાસ્તવિક છે કે નહીં તે જાણવા માટે તમે કુર્ગની કોફી ચાખી શકો છો.

કૂર્ગ કેવી રીતે પહોંચવું?

કુર્ગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી ફેબ્રુઆરી છે. અહીં ગમે ત્યારે વરસાદ પડે છે એટલે છત્રી સાથે રાખવાનું ભૂલશો નહીં. કુર્ગ કર્ણાટકના મૈસુર શહેરથી 117 કિલોમીટર દૂર છે. કુર્ગના મુખ્ય શહેર મદીકેરી સુધી બસ, કાર, કેબ અને બાઇક દ્વારા પહોંચી શકાય છે. નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન મૈસુર અને બેંગલોરમાં છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads