ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. 500થી વધુ ઘરોમાં મોટી મોટી તિરાડ પડી ગઈ છે. લોકો ડરેલા છે અને રાતભર ઉજાગરા કરીને રસ્તાઓ પર રહે છે. જોશીમઠમાં ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. રસ્તાઓ ધસી પડ્યા બાદ ત્યાંથી પાણીની ધાર થઈ રહી છે. પાણીની ધાર પણ ડરાવનારી છે. પાણીની સાથે માટી આવી રહી છે જે ડર વધારી રહી છે. એવું કહેવાય છે કે અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા વાંકા થઈ ગયા છે. એવું લાગી રહ્યું છે કે પહાડ નીચેની બાજુ ધસી રહ્યો છે.
આ બધી ઘટનાઓના કારણે ચર્ચામાં આવેલા જોશીમઠનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધારે છે. જો તમારે બદ્રીનાથ જવું હોય તો જોશીમઠ થઇને જવું પડે. જોશીમઠથી બદ્રીનાથ માત્ર 45 કિલોમીટર દૂર છે. ચારધામના દર્શન કરવા જતા મોટાભાગના ગુજરાતીઓ જ્યારે બદ્રીનાથ જાય છે ત્યારે જોશીમઠમાં રોકાય છે કારણ કે ઘણીવાર બદ્રીનાથમાં વધારે ભીડ હોવાથી રોકાવાની જગ્યા નથી મળતી.
જોશીમઠનું ધાર્મિક મહત્વ
જોશીમઠ એક પવિત્ર શહેર છે જે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. સમુદ્રની સપાટીએથી તે 6000 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ શહેર હિમાલયના બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. અહીં ઘણાં મંદિરો આવેલા છે.
જ્યોર્તિમઠ
જોશીમઠ ફરવાની શરુઆત અહીંના પ્રસિદ્ધ પર્યટન સ્થળ જ્યોર્તિમઠથી કરી શકો છો. આ એ જગ્યા છે જ્યાંથી શહેરને તેનું નામ પ્રાપ્ત થયું છે. આ સ્થળ મૂળરુપે શંકરાચાર્ય મઠ માટે જાણીતું છે. આ મઠની સ્થાપના આદિ જગતગુરુ શંકરાચાર્યે કરી હતી. આ મઠ ઉપરાંત ભારતમાં બીજા 3 મઠ છે. જે સામુહિક રીતે ચાર મઠ કહેવાય છે.
આ પ્રસિદ્ધ મઠની પાછળ એક કથા પણ જોડાયેલી છે, કહેવાય છે કે આ મઠનું નિર્માણ 8મી શતાબ્દી દરમિયાન આદિ શકરાચાર્યના એક શિષ્ય જગતગુરુના દિશા નિર્દેશ પર કરવામાં આવ્યું હતું. આ મઠની અંદર લક્ષ્મી નારાયણ મંદિર અને 200 વર્ષ જુનું એક વૃક્ષ (કલ્પપ્રકાશ) પણ આવેલું છે.
અહીં હિંદુ ધર્મના લિખિત વેદ અથર્વવેદનો પાઠ, પવિત્ર માનવામાં આવે છે. આ શહેરને પ્રાચીન કાળમાં કાર્તિકેયપૂરાના નામથી પણ ઓળખવામાં આવતું હતું. ઉત્તરાખંડ જાઓ તો જોશીમઠ અવશ્ય જવું જોઇએ. આ જગ્યા કામાપ્રયાગ ક્ષેત્રમાં આવેલી છે જ્યાં નદી ધોલીગંગા અને નદી અલકનંદાનો સંગમ થાય છે. જોશીમઠ, ચમોલી જિલ્લાના ઉપરના ક્ષેત્રોમાં ટ્રેકિંગની તકો પણ પ્રદાન કરે છે. આ વિસ્તારનો પ્રસિદ્ધ ટ્રેકિંગ માર્ગ જોશીમઠથી શરુ થાય છે અને પર્યટકોને ફૂલોની ખીણ તરફ લઇ જાય છે.
નરસિંહ મંદિર
જોશીમઠના નીચલા બજારમાં સ્થિત નરસિંહ મંદિર હિંદુ ભગવાન વિષ્ણુના નરસિંહા (ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર) અવતારને સમર્પિત પવિત્ર મંદિર છે. આ પવિત્ર મંદિર અંગે એક રસપ્રદ તથ્ય એ છે કે આ ભગવાનનું શીતકાલીન રહેઠાણ છે. અહીં શિયાળા દરમિયાન બદ્રીનાથ મંદિરની મૂર્તિ નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે રાખવામાં આવે છે.
આ પ્રકારે નરસિંહ મંદિર જોશીમઠમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે. જો તમે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર અંગે વધારે જાણવા માંગો છો તો અહીંની યાત્રાનો પ્લાન જરુર બનાવો.
દેવભૂમિની આવી જ એક બર્ફિલી ખીણ જ્યાં પાંડવોએ છેલ્લીવાર ખાવાનું ખાધુ હતું.
ઓલી રોપવે
જો તમે સ્વાભાવિક રીતે હિમાલયની સુંદરતાનો લ્હાવો માણવા માંગો છો તો ઓલી રોપવે સૌથી સારુ સ્થળ છે. આ એશિયા અને ભારતનો સૌથી ઉંચો અને સૌથી લાંબો કેબલ રોપવે છે. જેનું કુલ અંતર 4 કિ.મી.થી વધુ છે. કુદરની અનમોલ સુંદરતાને નજીકથી જોવા માટે તમે અહીંની યાત્રાનો પ્લાન કરી શકો છો. તમે અહીં પોતાના પરિવાર સાથે કે દોસ્તો સાથે ફરવા જઇ શકો છો.
દેવભૂમિમાં સ્થિત કસાર દેવી મંદિરનું એ સત્ય, જેનાથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે.
નંદા દેવી નેશનલ પાર્ક
નંદા દેવી નેશનલ પાર્ક ઉત્તરાખંડની વનસ્પતિઓ અને જીવોને જોવાનું એક શાનદાર સ્થળ છે. પોતાની ખાસ જળવાયુ, ભૌગોલિક સંરચના સાથે આ આ એક પ્રશંસનીય વારસાઇ પર્યટન સ્થળ છે. તમે આ અભયારણ્યમાં જંગલ સફારીનો રોમાંચક આનંદ પણ લઇ શકો છો. આ ઉપરાંત તમે અહીં જુદાજુદા પક્ષી અને જીવ પ્રજાતિઓને પણ જોઇ શકો છો. કુદરતી સુંદરતાની સાથે જો તમે થોડોક સાહસિક અનુભવ મેળવવા માંગો છો તો તમે આ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
સ્લીપિંગ બ્યૂટી માઉન્ટેન
હિમાલયના બીજા એક અદ્ભુત ઘરેણામાં તમે અહીં સ્લીપિંગ બ્યૂટી માઉન્ટેનને પણ જોઇ શકો છો જે ખુલ્લા વાળ રાખીને સુઇ રહેલી કોઇ મહિલા સમાન દેખાય છે. આ હિમાલયનો એક આકર્ષક ભાગ છે જે પિકનિક વીકેન્ડ ગેટવેની સાથે ઉત્તરાખંડની ગોદમાં આખો દિવસ વ્યતિત કરવાની તક પ્રવાસીઓને આપે છે.
એક આરામદાયક અનુભવ માટે તમે અહીંની મુસાફરીનો આનંદ લઇ શકો છો.
કેવી રીતે પહોંચવું
ટ્રેન દ્વારા નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. ઋષિકેશથી જ બસ પણ મળી જાય છે. તો નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ એરપોર્ટ, દહેરાદૂન છે.
શંકરાચાર્યે સ્થાપેલા અન્ય મઠ
ગોવર્ધન મઠ, ઓરિસ્સા - ઋગ્વેદ
ગોવર્ધન મઠ ઓરિસ્સાના દરિયા કિનારાના પુરી શહેરમાં સ્થિત છે અને ભગવાન જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા છે. બિહારના રાજમંડરી અને ઓરિસ્સાથી અરુણાચલ પ્રદેશ સુધીની ભારતીય ઉપખંડના પૂર્વી ભાગ, આ મઠ હેઠળ આવે છે.
શારદા પીઠમ, કર્ણાટક - યર્જુવેદ
કર્ણાટકના ચિકામગાલુર જિલ્લામાં તુગા નદીના કાંઠે આદિ શંકરાચાર્ય દ્વારા શ્રૃગેરી શારદા પીઠની સ્થાપના કરવામાં આવી હતી. શ્રૃગેરી ટાઉન ભારતના પ્રથમ મઠનું સ્થળ છે અને કર્ણાટક રાજ્યમાં રામચંદ્રપુર મઠ સાથે પ્રસિદ્ધ ગણિત છે.
દ્વારકા પીઠ, ગુજરાત - સામ વેદ
દ્વારકા મઠને ગુજરાતમાં દ્વારકાના પ્રાચીન દરિયાકિનારે આવેલા શહેર સારદ મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મુખ્ય મઠોમાં તે એક છે અને દ્વારકાધીશ મંદિર સાથે સંકળાયેલ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો